1972 : આંતરરાષ્ટ્રીય પુસ્તક-વરસ :
ગ્રીષ્મની એક સવારે ટાઇપરાઇટરથી અક્ષરો પાડ્યા એ હતો પ્રસારનો આરંભ.
નાના ઘરના એક ખૂણામાં ટેબલ, નિશાળમાં ભણતો હતો ત્યારે બાએ કરાવી આપેલું. રૅમિંગ્ટનનું પચાસેક વરસ વપરાયેલું નાનું ટાઇપરાઇટર ખરીદેલું. ચોપડીઓ રાખવા માટે એક ઘોડો હતો. થોડી સ્ટેશનરી, થોડાં સરનામાં, પારસલ ખોલવાની કાતર ને પારસલ સીવવાનાં સૂયા-સૂતળી, એક સાઇકલ : આટલો અસબાબ એટલે પ્રસાર. જુવાનીનો જુસ્સો ઉદ્યમમાં સહાયક હતો. સદ્ભાવી સજ્જનોની હૂંફ હતી. બે વરસ આમ પસાર થયાં. ત્યાં સુધી પ્રસારની દુકાન નહોતી, બૉર્ડ પણ નહોતું મૂક્યું. પછી વેચાણ-મથક માટેનો સમય પાક્યો ને નજીક જ એક જૂના રહેણાકી મકાનમાં ઘર ફેરવ્યું; તેમાં એક નાના ખંડમાં પ્રસારની બૂકશૉપ. પ્રસારને પુસ્તકોની નાનકડી દુનિયા કહેવાનું મન થયું એ આ સમય. વરસો પછી એ ‘વિંટેજ’ ટાઇપરાઇટરની જગ્યા કમ્પ્યૂટરે લીધી. એ જૂના લેખન-સાથીને મિત્રો જોતા ત્યારે તેને રેમિંગ્ટન કંપનીના સંગ્રહાલયમાં મોકલી દેવાની ભલામણ કરતા! પંચાણું વરસ-જૂના એ યંત્રનો આજે પણ કસ કાઢું છું. પાંસઠ વરસ-જૂના એ ટેબલનો સંગ આજે પણ છે.
આજે પિસ્તાલીસ વરસનાં વહાણાં વાઇ ગયાં છે ત્યારે પ્રસારની પુસ્તક-વેચાણની કામગીરી ચાર દાયકાથી વધુ સમય જ્યાં ચાલી એ મકાનમાં હવે નવો વસવાટ આવશે. આ સાથે પ્રસાર પણ સંકેલાય છે.
તેંતાલીસ વરસ સુધી જ્યાં પ્રસારે પોતાનું કામકાજ ચલાવ્યું-વિસ્તાર્યું એ આ જીર્ણ ઇમારતનો નાનો ઇતિહાસ છે. વીસમી સદીના ત્રીજા-ચોથા દાયકાના ભાવનગરના પ્રસિદ્ધ સ્થપતિ મસ્તરામભાઇ પંડ્યાએ આ મકાન ગિજુભાઇ બધેકા માટે બાંધ્યું હતું. દુર્ભાગ્યે, રહેઠાણ તૈયાર થયું એ અરસામાં જ ગિજુભાઇ વિદાય થયા. એમનું કુટુંબ અહીં બે વરસ વસ્યું પછી અહીં જે નવાં વસનારાં આવ્યાં તેમાં એક કાળે ખ્યાતિવંત ફિલ્મ-સર્જક વિજય ભટ્ટ પણ હતા. અહીં અગાશીની પાળ પર બાલ-ફિરસ્તાની પ્રતિમા હતી. પાંખો ખંડિત હતી. જતનપૂર્વક જાળવેલી ગિજુભાઇની એ સ્મૃિત સોનેરી વાંસના ઝુંડ હેઠળ પ્રસારનું આંગણું શોભાવતી હતી. એ હવે દક્ષિણામૂર્તિમાં બિરાજશે.



પ્રસાર પ્લૉટ 1888માં હતું; તેનાથી ત્રીજી જ ઇમારતમાં એક કાળે જ્યોતિ-જયંત પંડ્યા વસતાં હતાં અને ત્યાં નવકલાકારોનું એક જૂથ રચાયું હતું જે ભારતની તત્કાલીન કલા-તવારીખમાં ‘ગ્રુપ 1890’ તરીકે જાણીતું થયેલું : પ્લૉટના નંબર ઉપરથી!
પુસ્તક-વિક્રય પરંપરા મોટો પુત્ર નીરજ નિજ કૌશલ અનુસાર ચાલુ રાખશે. એણે શરૂ કરેલી ગુજરાતી પુસ્તકોની વેબસાઇટ www.bookpratha.comએ જગતભરના ગુજરાતી વાચકોનું ધ્યાન ખેંચ્યું છે. (બુકપ્રથા, 1 સુરભિ રેસિડેન્સી, શશી પ્રભુ ચૉક, રૂપાણી, ભાવનગર 364001. ફોન 9898216122.) પુત્ર નિહાર ઘર-સજાવટની કલાત્મક વસ્તુઓના નિર્માણ-વિતરણની પ્રવૃત્તિ વિકસાવવાનું ચાલુ રાખશે. (https://www.facebook.com/curiofact/ 203 'સત્ત્વ', ગ્રીન પાર્ક પાસે, ફૂલવાડી, ભાવનગર 364 002, ફોન 9909917979.) પ્રસારનું પુસ્તક-વેચાણનું કામ બુકપ્રથા કરશે, પ્રસારની પુસ્તક-વિષયક આછી-પાતળી પ્રવૃત્તિ ચાલતી રહેશે. તેનું મથક ફરી પાછું ઘર હશે.
પ્રથમ સંતાન જેટલું પ્રિય પ્રસાર આજે વિરમે છે.
પુસ્તક-વેચાણનો વ્યવસાય આવી પડ્યો એ એક સંયોગ હતો : કામ પસંદગીનું નહોતું. ‘વેચવા’નું કામ કદી રુચ્યું નહીં, તેથી તેનો વિસ્તાર વ્યાપારના સીમાડાઓની તમા રાખ્યા વિના થતો ગયો. મેઘાણી-સાહિત્યના સંપાદન અને પ્રકાશનની કામગીરીએ આપેલી અપૂર્વ સંતૃપ્તિએ આ ચાર દીવાલોમાં પ્રાણનો સંચાર કરેલો. અવનવા પ્રયોગો કરવાનો આનંદ પણ મેળવ્યો. નોખી ભાતનાં સૂચિપત્રો પણ બનાવ્યાં. દેશ અને વિદેશનાં ગ્રંથાલયો ગુજરાતી પુસ્તકો વસાવવા માટે પ્રસારની પસંદગી પર આધાર રાખતાં.
એક કાળે અહીં દર મહિને ગ્રંથગોષ્ઠીના કાર્યક્રમો થતા : અવનવાં પુસ્તકો વિશે વાતો કરવા અહીં મૂળશંકર મો. ભટ્ટ, મીરા ભટ્ટ, ભોળાભાઇ પટેલ અને નરોત્તમ પલાણ જેવાં માનવંતાં વાચકો આવી ગયાં. ભોળાભાઇએ તો ‘પરબ’માં સંપાદકીય લેખ લખીને આ પ્રવૃત્તિનું ગૌરવ કરેલું. પછી તો ગુજરાતમાં અન્યત્ર પણ ગ્રંથગોષ્ઠી-પ્રવૃત્તિ શરૂ થયેલી. એલ્વિન ટૉફલરના પુસ્તક ‘ધ થર્ડ વેવ’ વિશે તો એક પરિસંવાદ ત્રણ કલાકે અધૂરો રહ્યો ને બીજે અઠવાડિયે તેની પુરવણી-બેઠક કરવી પડેલી એ એક રોમાંચક સાંભરણ છે. આવા ગંભીર પુસ્તક વિશે ચર્ચા સાંભળવા ભાવનગરના સરદાર સ્મૃિતનો સભાખંડ નાનો પડેલો.
પ્રસારે અણમૂલ મૈત્રીઓ અપાવી છે. એ મૈત્રી-સાંભરણો આજે ચિત્તને તીરે ટોળે વળે છે. ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, હરિવલ્લભ ભાયાણી, નિરંજન ભગત, જયંત પાઠક, જયંત કોઠારી અને મધુસૂદન ઢાંકી જેવા વરિષ્ઠ વિદ્યાપુરુષોને આવકારવાનો લહાવો પ્રસારને મળ્યો છે. જૈન વિદ્યાપુરુષ શીલચંદ્રજી અને એમનું શિષ્યમંડળ ભાવનગર આવે ત્યારે પ્રસારને એમની મુલાકાતનો લાભ અચૂક મળતો રહ્યો. સુરેશ દલાલે પ્રસારને ભાવનગરનું એક તીર્થસ્થાન માનેલું.
એકવાર અમેરિકાની કોલંબીઆ યુનિવર્સિટીના ઇતિહાસજ્ઞ, મૂળ ગુજરાતી, મહમૂદ મામદાણી અચાનક આવેલા. સાથેનાં સન્નારીનો પરિચય આપતાં કહે, “મારાં પત્ની મીરા નાયર …” : ઓહો! એક ખ્યાતિવંત ફિલ્મ-સર્જક આંગણે અતિથિ હતાં! યાદ કરવા બેસીએ તો નગીનદાસ પારેખ, પ્રદ્યુમ્ન તન્ના, નગીનદાસ સંઘવી, વીરચંદ ધરમશી, જયંત કોઠારી, જયંત પાઠક, રઘુવીર ચૌધરી, ધીરેન્દ્ર મહેતા, સિતાંશુ યશશ્ચંદ્ર … એ સહુ એકદા પુસ્તકોની આ નાનકડી દુનિયાની મિટ્ટીમાં પદચિહ્ન મૂકી ગયેલાં. દીપક મહેતા અને જિતેન્દ્ર દેસાઇ, એ બે પુસ્તકવિદો પ્રસારના મિત્રો રહ્યા. ‘દર્શક’ અહીં આવીને પુસ્તકોનો સંગ કરતા કે મૂળશંકર મો. ભટ્ટ વારંવાર ચોપડીઓ જોવા આવતા એ દિવસો સ્મરણીય છે. પ્રકાંડ અમેરિકન ભારત-નિષ્ણાત યુજીન સ્મિથ પાંત્રીસેક વરસ પહેલાં અમેરિકાના રાષ્ટ્રીય ગ્રંથાલયને ગુજરાતી પુસ્તકો મોકલવાની કામગીરી પ્રસારને સોંપવા અર્થે આવેલા. મધ્યકાલીન ગુજરાતના ફ્રેન્ચ અભ્યાસી ફ્રાંસવા માલિસૉં, જર્મન ભારતવિદ્ જ્યૉર્જ બાઉમન, ગુજરાત-અભ્યાસીઓ રોહિત બારોટ, ડૅવીડ હાર્ડીમન, પરિતા મુક્તા, વિપુલ કલ્યાણી, અજય સ્કારીઆ, અને અપર્ણા કાપડીઆના મૈત્રીભાવ થકી પ્રસાર ભીનું છે.
ભારતનો પ્રકાશક મહાસંઘ દર વરસે દરેક ભાષાના એક પુસ્તક-ભંડારને સન્માને છે; એકવાર એ સન્માન પ્રસારને ભાગે આવેલું.
પુસ્તક-વિક્રયનો પણ અનેરો આનંદ હોય છે. પુસ્તક-પ્રસારની એવી આકંઠ તૃપ્તિ સાથે વ્યવસાયમાંથી વિદાય લેતી વેળા નિવૃત્તિનો સ્વાભાવિક, સહજ ભાવ છે. કાળના વિશાળ પટમાં આ પ્રવાસ હતો; પિસ્તાલીસ વરસે એ પ્રયાણ પૂરું થાય છે. આરંભ હોય છે તેનો વિરામ પણ હોય છે – આવો નરવો ભાવ જ સહાયક છે. આ સફરના સાથીઓ-સંગીઓ-સદ્ભાવી જનોને સલામ પાઠવવાની આ વેળ છે.
17 ડિસેમ્બર 2017
મારું નવું સરનામું : 402 ‘સત્ત્વ’, ગ્રીન પાર્ક પાસે, ફૂલવાડી, ભાવનગર 364 002 • ફોન : 98980 07130
છવિ સૌજન્ય : નિહાર મેઘાણી અને રોહિત બારોટ
![]()


પ્રત્યેક ચૂંટણી આવતા જ રામમંદિરનો મુદ્દો જૂના ખરજવાની પેઠે વલૂરવામાં આવે છે, જેના આધ્યાત્મિક આનંદમાં સરેરાશ હિંદુ મતદાર ડૂબી જાય છે. ’૯૦ પછી, ’૯૨ની ટૉયોટાવાનવાળી રથયાત્રા પછી, આ મુદ્દામાં ચૂંટણીની બેઠકો લાવવાનું બળ છે, તે ભા.જ.પ. જાણી ગયું હોવાથી એ પછીની કોઈ પણ ચૂંટણીમાં એનો ઉપયોગ ન થયો હોય તેવું બન્યું નથી! પોતાના ગામના રામમંદિરમાં નાની ઘંટડી વગાડવા ય ભાગ્યે જ ગયેલો હિંદુ મતદાર ‘મંદિર તો ત્યાં જ બનાવવું જોઈએ’ની રટ લગાવતો થઈ જાય છે. સાહેબ, આસ્થાનો મામલો છે. કોઈ સમાધાન નહીં. હજુ આ એક જ મુદ્દામાં અનેક લાશો પડી છતાં આવા મુદ્દાને સાગમટે જ કાઢવાના હોઈ સૂત્ર આપવામાં આવે છે, ત્રિશૂળ દિક્ષા સાથે ‘અયોધ્યા તો ઝાંખી હૈ, કાશી-મથુરા બાકી હૈ.’ હજુ પેંડોરાબૉક્ષ ખોલવાનું જ છે. તાજમહાલને તેજોમહાલય નામનું શિવમંદિર બનાવવાનું જ છે! દેશ એક દુઃસ્વપ્નમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ એની શરૂઆત એક સ્વપ્નથી થઈ હતી!
કેનેડામાં સ્થાયી થયેલ ઇન્ડો આફ્રિકન મૂળ ધરાવતા લોકપ્રિય સમકાલીન નવલકથાકાર એમ.જી. વસનજીનું સાહિત્ય જગત એટલે જાણે કેનેડાના બંધારણે પોતાને માટે પ્રયોજેલ મેટાફર 'મોઝેઈક'નું પ્રત્યક્ષ રૂપ. કેનેડાએ સપ્રેમ અપનાવેલ 'મલ્ટીકલ્ચરાલિઝમ'ની પોલિસી ત્યાં વસતી પ્રત્યેક ડાયસ્પોરિક પ્રજાને પોતાની વિશેષ આઈડેન્ટિટી સાથે જીવવાનો અધિકાર આપે છે. પોતાના વતનની જીવન પદ્ધતિ, વિચારધારા, ધર્મ ઇત્યાદિને અકબંધ રાખીને કેનેડામાં વસતી વિવિધ પ્રજાઓ એક એવું કેનેડા ઘડે છે કે જેમાં આ સમગ્ર પ્રજાઓનું વિવિધરંગી સુચારુ ભાતીગળ 'મોઝેઇક' બનીને ઉપસે છે.
'ધ મેજિક ઓફ સાયદા'(2012)નો પ્રારંભ સમગ્ર નવલકથાના ઘટનાક્રમના અંતથી થાય છે. પુસ્તકની 'પ્રોલોગ'માં નવલકથાનો પીઢ નાયક ડો. કમલ પૂંજા આફ્રિકાના દારેસલામની એક હોસ્પિટલના બેડ પર પડ્યો છે. કેનેડાથી ઇસ્ટ આફ્રિકા આવેલ ભારતીય મૂળ ધરાવતા પરંતુ અશ્વેત દેખાતા કમલ પૂંજાને અનાયાસે મળી ગયેલ માર્ટિન કિગોમા એક તાન્ઝાનિયન પ્રકાશક છે. જે કાંઈ બની રહ્યું છે તે જોઈ રહ્યો છે. કમલનો પુત્ર તથા પુત્રી કેનેડાથી દારેસલામ આવીને પિતાની ખબર કાઢીને પાછા ચાલી ગયા છે. પિતાને તેમણે સાથે લઈ જવાનો આગ્રહ કરેલો પરંતુ તેમણે તે સ્વીકાર્યો નહીં. તેમનું કહેવું હતું કે, જો મોત આવવાનું હોય તો તેમની પોતાની ધરતી પર, એટલે કે આફ્રિકામાં જ ભલે આવે. પરંતુ કમલ ક્યાં આફ્રિકન છે ? દેખીતી રીતે તે અહીંનો છે જ નહીં. કિગોમાને આશ્ચર્ય થાય છે. કેનેડાના આલ્બર્ટા નગરથી આ ડોક્ટર 35 વર્ષ બાદ અહીં આફ્રિકા આવ્યો છે, આવીને માંદો પડ્યો છે, અને તેને પાછા જવું નથી ! છેવટે તે કમલને પૂછી નાખે છે, 'શું થયું તમને ? તમે કેનેડા છોડીને અહીંયા, આ પછાત દેશમાં, કેમ આવી ચઢ્યા ?' જવાબમાં ડો. કમલ હસીને કહે છે, 'મારા આ બેહાલ કોઈ વન્ય વનસ્પતિના અર્કને લીધે થયા છે … પેલીએ મને એ પીણું પરાણે પાઈ દીધું. પીધા વગર મારો છૂટકો ન હતો. હું કેનેડા છોડીને જે મિશન પર અહીં આવ્યો છું તે મિશન ખાતર કંઈ પણ કરી શકાય … હું અહીંયા સાયદાની ખોજ માટે આવ્યો છું. મેં તેને વર્ષો પહેલાં પ્રોમીસ આપેલું કે હું પાછો ફરીશ .. પણ પાછા ફરતા ઘણું મોડું થઈ ગયું … નાનપણમાં હું સાયદાને ઓળખતો હતો. પણ 11 વર્ષની ઉંમરે મને ઇન્ડિયન બનવા માટે મોકલી દેવાયો … આટલાં વર્ષે હું તેને શોધવા પાછો ફર્યો છું. મારા ગળામાં તેણે મને નાનપણમાં આપેલ તાવીજ આજે પણ છે.'
નવલકથાનો બીજો 'ખંડ ઓફ ધ કમિંગ ઓફ ધ મોર્ડન એજ' કહેવાતા કવિ ઝી બિન ઓમારીની કલમે લખાયેલ ઇસ્ટ આફ્રિકન ઇતિહાસના તાણાંવાણાં વણે છે. દોમ દોમ સાહ્યબી તથા માન-અકરામથી ટેવાયેલ ઝી બિન ઓમારી સતત એક ગિલ્ટ સાથે જીવે છે. કેમ કે જે કાવ્યો માટે તે સમ્માન પામે છે તે કાવ્યો તેના છે જ નહીં. છેવટે ઝી બિન ઓમારીનો ભાઈ અબ્દુલકરીમ પકડાય છે. જર્મન શાસકોની દૃષ્ટિએ અપરાધી એવા સ્વતંત્રતાસેનાની અબ્દુલકરીમ તથા પૂંજા દેવરાજને ફાંસી થાય છે. આ ફાંસી સાયદાના દાદા ઝી બિન ઓમારીને લગભગ ગાંડા કરી મૂકે છે. એક રાતે તેઓ પોતાનાં સઘળા સાહિત્યને એક સંદૂકમાં મૂકીને ગામની મધ્યે આવેલ 'મૃત્યુવૃક્ષ' નીચે દફનાવી દે છે. તેમને હતું કે આમ કરવાથી તેમના દુષ્કૃત્યનો પાર આવી જશે, પરંતુ તેમ બનતું નથી. ગમગીન એવો પીઢ કવિ હવે કલમ છોડી દે છે. ગામમાં ચર્ચા છે કે કવિશ્રીના કાગળ ખૂટી પડ્યા છે. નાનકડા ભૂલકા સાયદા તથા કમલ શું જાણે કે સાચી વાત શું છે ? તે બંને પોતાની નોટોના કાગળ ફાડીને દાદાને આપવા જાય છે. તો ય દાદા કવિતા લખતા નથી ! કાવ્ય ન લખી શકનાર દાદા અને તેથી અત્યંત ઉદાસ બનેલી સાયદા તથા તેના પરિવારને છોડીને લગભગ આ જ વખત દરમિયાન કમલની મા કમલને કોઈ અજાણ્યા સગાઓ સાથે ક્યાંક મોકલી આપે છે. મા કહે છે કે એ લોકો કમલના સગા છે. તથા દારેસલામ લઈ જઈને તેઓ કમલને પૂરેપૂરો ઇન્ડિયન બનાવી દેશે ! કમલને ઘણી આપત્તિ છે. તે બોલી ઊઠે છે, 'હું આફ્રિકન છું. મા હું નથી ઇન્ડિયન બોલતો કે નથી ઇન્ડિયન ખાતો. ઇન્ડિયનો તો દાળ ખાય. હું ક્યાં દાળ ખાઉં છું ?' 'ના તું ઇન્ડિયન છે … સાંભળ દીકરા, ઇન્ડિયન બને તો સુલતાન બનાય. પરદાદા પૂંજા દેવરાજની જેમ મોટા માણસ બનાય. ' (27) એમ કહીને મા તેને પટાવીને વિદાય કરે છે.