Opinion Magazine
Number of visits: 9546474
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૨૦૧૫ની સ્થાનિક ચૂંટણીઓ : કૉર્પોરેશન એટલે કૉર્પોરેટ અને ગામડાં એટલે દેશી

સુદર્શન આયંગાર|Samantar Gujarat - Samantar|4 January 2016

૨૦૧૫ની સ્થાનિક ચૂંટણીઓએ ગુજરાતના રાજનૈતિક વાતાવરણમાં એક નવી તાજગીનો સંચાર કર્યો છે. છેલ્લાં પંદર વરસમાં કોઈ નોંધપાત્ર પડકાર વગર ભાજપને સત્તામાં રહી એવો આભાસ થવા લાગેલો કે ગુજરાતની બહુમતી પ્રજા હવે એમના પક્ષ સાથે જ રહેશે, કારણ કે એકમાત્ર વિરોધ પક્ષ કૉંગ્રેસની લોકો  પરની પકડ શૂન્યપ્રાયઃ થઈ ગઈ છે, પરંતુ લાંબા સમય સુધી એક જ પક્ષ રાજ્ય કરે તેવી યથાવત્ સ્થિતિની સાક્ષી ઇતિહાસ પૂરતો નથી. દેશ હોય કે રાજ્ય, ભારતમાં આઝાદી પછીના લોકતંત્રમા કંઈક વખત એવું લાગ્યું છે કે સત્તારૂઢ પક્ષને સત્તા પરથી ખસેડી શકાશે નહીં, પરંતુ પ્રજાએ ‘સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ’, ના ભાવે સત્તાનસિન પક્ષને ઝાટકાભેર ખસેડ્યો છે. ગુજરાતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી નગરપાલિકા તથા જિલ્લા અને તાલુકાપંચાયતોની ચૂંટણીઓમાં એક એવો જ ઝાટકો ભાજપને લાગ્યો છે. સાથે જ કૉંગ્રેસપક્ષને પ્રજાસમર્થન મળવાથી નવું બળ મળ્યું છે. કૉંગ્રેસના ખેમામાં પ્રસન્નતાની લહેર તો ફેલાઈ જ ગઈ હશે અને કેટલાક વળી આ ચમત્કાર કેમ કરીને થયો એવો સવાલ પણ જાતને કરતા હશે. રાજનીતિશાસ્ત્રની ભાષામાં સત્તાનસિન પક્ષ હારે, ત્યારે ઍન્ટિઇન્કંબેંસી કહેવામાં આવે છે, જેનો સાદો અર્થ એવો થાય કે સત્તાધારી પક્ષની કામગીરીથી પ્રજાને સંતોષ નથી તેથી તે તેને દૂર કરી બીજા પક્ષને તક આપે છે. આમ, કૉંગ્રેસ પક્ષના મોભીઓ અને વિચારકોએ સત્તારૂઢ થયા બાદ કઈ દિશામાં જવાનું છે, લોકોની અપેક્ષા શું છે અને તેને કઈ રીતે પાર પાડી શકાય તે જોવાનું છે. થયેલી જીત માટે તેમની યોગ્યતા પુરવાર કરવાની થાય છે. આ બધું નવું લાધેલું બ્રહ્મજ્ઞાન નથી પણ બેઉ પક્ષોને ઈવીએમ વાટે પ્રજા દ્વારા પાઠવવામાં આવેલો સ્મૃિતપત્ર છે.

લોકતંત્રની બહુમતીની રાજનીતિની મર્યાદાઓ પણ ઘણી છે. મનુષ્યસમાજના સ્વસ્થ વિકાસ માટે યોગ્ય શાસનતંત્ર એટલે લોકશાહી એવું નિર્વિવાદ સ્વીકારાયેલું હોવા છતાં બહુમતી પાસે હંમેશાં દર્શન અને દિશા સાચાં જ હશે, એવું માનવું ભૂલભરેલું છે. પરિણામે રાજનીતિ સાથે લોકનીતિની આગેકૂચ પણ ચાલુ જ રહેવી જોઈએ. ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓના સંદર્ભે અને તેનાં પરિણામોનાં પરિપ્રેક્ષ્યમાં કેટલાક મુદ્દાઓ વિચારણીય છે. બહુમત કે અલ્પમત-પણ મતદાર કેટલા એ જોઈએ. આજે ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા ચાર કરોડની નજીક પહોંચી છે, જેમાં ૧૦ લાખ જેટલા ૧૮થી ૧૯ વર્ષનાં તરુણ-તરુણીઓ છે. કુલ વસ્તીના આશરે ૬૦થી ૬૫ ટકા વસ્તી મતદારો છે. ૪૫ ટકાનું સરેરાશ મતદાન ગણીએ, તો એક કરોડ એંસી લાખ મતદાતાઓના નિર્ણયને આપણે જોઈએ છીએ, જે કુલ વસ્તીના આશરે ૨૮ ટકા થાય છે. પરિણામોની કેટલીક અગત્યની વિગતો જોઈએ.

૨૦૧૫ની નગરપાલિકાઓની ચૂંટણીમાં છ મહાનગરપાલિકાઓમાં વૉર્ડની સંખ્યામાં કરવામાં આવેલા ફેરફારની વિગતો પણ મળે છે. નવા સીમાંકનો અને વૉર્ડની સંખ્યામાં ફેરફાર કરવા પાછળ જ્ઞાતિ, ધર્મ અને મતની રાજનીતિ છે અને આ માટે સત્તા ભોગવતા પક્ષને વધુ લાભ કરાવવાની ચર્ચા છે. અહીં માત્ર તેની નોંધ લેવામાં આવે છે, વિવાદમાં ઊતરતા નથી. દરેક શહેરમાં વૉર્ડની સંખ્યા ઘટાડવામાં આવી છે, અલબત્ત, કાઉન્સિલર માટેની બેઠકોની સંખ્યામાં બહુ મોટો ફેરફાર નથી. ગુજરાતની બધી જ મહાનગરપાલિકાઓમાં ભાજપે સત્તા ટકાવી રાખી છે. અલબત્ત, તેમના કાઉન્સિલરોની કુલ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ૨૦૧૦માં કુલ ૫૫૮ બેઠકો પૈકી ભાજપને ૪૪૩ (૮૦ ટકા) અને કૉંગ્રેસને ૧૦૦ બેઠકો (૧૮ ટકા) મળી હતી. ૨૦૧૫માં કુલ ૫૭૨ બેઠકો પૈકી ભાજપને ૩૯૦ (૭૦ ટકા) અને કૉંગ્રેસને ૧૭૫ (૨૯ ટકા) બેઠકો મળી. સુરત, રાજકોટ અને જામનગરમાં કૉંગ્રેસની બેઠકો પ્રમાણમાં વધુ આવી, તેમાં પટેલ-બળવાનું કારણ સ્પષ્ટ થાય છે, પરંતુ પટેલો ગામડાના પ્રેમને લીધે દોરાઈને આમ કરી રહ્યા છે, તેવું માનવું ભૂલભરેલું થશે. તેઓ તો સત્તામાં બરાબરના હિસ્સેદાર નથી થઈ શક્યા, તે અંગેનો અસંતોષ હોઈ શકે અથવા ગુજરાતનું નેતૃત્વ ઇચ્છિત હાથોમાં નથી, એવું પણ હોય.

શહેરી વિસ્તારોને આવરી લેતી ૫૬ નગરપાલિકાઓનાં પરિણામ પણ ભાજપને પક્ષે ગયાં છે. નગરપાલિકાઓની કુલ ૨૦૮૮ બેઠકો પૈકી ભાજપે ૧૧૯૬ (૫૭ ટકા) અને કૉંગ્રેસે ૬૭૧ (૩૨ ટકા)  બેઠકો પર વિજય મેળવ્યો. ૪૨ નગરપાલિકાઓમાં ભાજપે સત્તા હાંસલ કરી છે. આમ, મહાનગરપાલિકાઓની સરખામણીમાં નગરપાલિકાઓમાં ભાજપનું જોર પ્રમાણમાં આછું રહ્યું. વર્ષ ૨૦૦૯-૧૦માં નગરપાલિકાઓની કુલ ૧૮૯૦ બેઠકો પૈકી ભાજપને ૧૨૪૨ (૬૬ ટકા) અને કૉંગ્રેસને ૪૦૧ (૨૧ ટકા) બેઠકો મળી હતી. નગરપાલિકાઓમાં પણ ૨૦૦૯-૧૦ની સરખામણીમાં ૨૦૧૫માં ભાજપનું જોર ઘટવા પામ્યું અને કૉંગ્રેસની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો જણાયો.

જિલ્લા અને તાલુકાપંચાયતોમાં સત્તાપલટો જોવા મળે છે. ૨૦૧૫માં કૉંગ્રેસે ૩૧ જિલ્લાઓમાંથી ૨૩ જિલ્લાઓ ૫૯૪ (૬૦ ટકા) બેઠકો સાથે કબ્જે કર્યા. ૨૦૦૯-૧૦ની સાલમાં ભાજપ ૨૪ જિલ્લા પૈકી ૨૩ જિલ્લાઓમાં ૫૪૭ (૬૮ ટકા) બેઠકો સાથે સત્તા પર આવ્યો હતો. તાલુકાપંચાયતોની સ્થિતિ જોઈએ, તો ૨૦૧૫માં કૉંગ્રેસે ૨૩૦ તાલુકાઓમાંથી ૧૩૨ ઉપર ૨૫૪૩ (૫૩ ટકા) બેઠકો સાથે કબજો મેળવ્યો. ૨૦૧૦માં ભાજપ પાસે કુલ ૨૪૬૦ (૬૧ ટકા) બેઠકો હતી. કુલ કેટલા તાલુકાઓમાં સત્તા મળી હતી, તેનો આંકડો હાલ તુરત જાણી શકાયો નથી. ૨૦૧૫ની ચૂંટણીની એકંદર સ્થિતિ જોતાં એવું જણાય છે કે કૉંગ્રેસે પોતાની શક્તિ વધારી છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ ગુજરાતમાં કૉંગ્રેસ ફરી બેઠી થઈ શકશે કે કેમ તેવી શંકા થાય એમ હતું, પરંતુ ગુજરાત દેશનાં એવાં રાજ્યોમાંનું છે, જ્યાં કોઈ ક્ષેત્રીય રાજકીય પક્ષબળ બની શક્યું નથી, તેથી પ્રજા પાસે વિકલ્પો બે જ રહે છે. ગુજરાતના પૂર્વમુખ્યપ્રધાન દેશના વડાપ્રધાન બનીને દેશની રાજધાની અને સાથેસાથે વિદેશની ધરતી પર જે પ્રવાસો કરી રહ્યા છે, ત્યારે જે રીતે દેશ ચાલી રહ્યો છે અને રાજ્યમાં પાછળ રહી ગયેલા બીજી હરોળના નેતાઓ જે રીતે કામગીરી કરી રહ્યા છે, તેમાં લોકોને શંકા પડી હોય તેવું જણાય છે.

પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓનાં પરિણામો સ્પષ્ટ સૂચવે છે કે ગામડાં અને શહેરોની વચ્ચેની ખાઈ વધુ ઊંડી થઈ રહી છે. ગુજરાતમૉડેલની વિકાસનીતિ એટલે ગામડાં ભાંગવાં અને શહેરોમાં વસતા ‘ફાવી ગયેલાઓ’ની આર્થિક સ્થિતિ વધુ મજબૂત કરવી. આ ‘ફાવી ગયેલા’ વર્ગનું હિત જડબેસલાક સ્થાપિત થઈ ગયું છે. ભાંગતા જતાં ગામડાંમાંથી ધકેલી દેવાયેલા અભાવગ્રસ્ત લોકો શહેરોમાં જઈ ગમે તે રીતે જીવી એક દિવસ પોતે પણ સમૃદ્ધ થઈ શકશે, તેવાં સપનાંઓમાં રાચી ગામડામાં પાછળ રહી ગયેલા પોતાનાં બંધુ ભગિનીઓને નોતરે છે. શહેરમાં ઓળખ સહેલાઈથી છુપાવીને, અનીતિ-નીતિ અંગેની સભાનતા ન રાખી ગમે તે પાણીએ મગ ચઢાવી દેવામાં માહિર થતાં લોકો ગમે તેટલી ખરાબ સ્થિતિમાં રહેતા હોય, પણ ક્યારેક-ક્યારેક શૉપિંગમૉલ અને મલ્ટીપ્લેક્સમાં મજા માણી અને રસ્તાની લારીઓથી માંડી રેસ્ટૉરાંમાં, પંજાબી, સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ વાનગીઓ આરોગી ધન્યતા અનુભવતા હોય છે. માલે-તુજાર તવંગરોને શહેર અને ગામડાં બેઉ સ્થળે ઘીકેળાં છે. શહેરમાં ધંધો, ઑફિસ અને બંગલો; તો ગામડામાં ‘ફાર્મહાઉસ’. આમ, શહેરમાં રહેતી બહુમતી વસ્તી ‘ફાવી ગયેલા’ઓની અને ‘કોઠે પડી ગયેલા’ઓની છે. એમને સ્થિતિને યથાવત્ રાખવામાં રસ છે. આ છે કૉર્પોરેટ કલ્ચર.

૨૦૧૫ની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપની જીત ઉપર્યુક્ત માનસિકતા અને સ્થિતિને આભારી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના નિષ્ઠાવાન કાર્યકરો અને નેતા એમ ન માની બેસે કે અખંડ ભારતની પહેલી સહસ્રાબ્દીના સમયની અદ્ભુત સંસ્કૃિતની પુનઃપ્રતિષ્ઠા અને પુનઃસ્થાપનાનો કાળ આરંભાઈ ચૂક્યો છે. પશ્ચિમી સમાજની ભૌતિક સંસ્કૃિતને ઉત્તેજન આપતી ભોગવાદી વિચારધારાથી પ્રભાવિત વ્યક્તિ અને પરિવારના નર્યા સ્વાર્થથી પીડાતી સામાન્ય પ્રજા સમાનતા, બંધુતા અને ન્યાયનાં હાર્દિક માનવીય મૂલ્યોને કોરાણે મૂકી ઇહલોક અને પરલોક બેઉ ગુમાવવા તત્પર છે. દિગ્ભ્રમિત અને નેતૃત્વહીન કૉંગ્રેસે જે રસ્તે ચાલવાનું શરૂ કર્યું, તે જ રસ્તે આપણા વડાપ્રધાનની રાહબરી હેઠળ તેમના પક્ષે દોટ મૂકી છે. પણ જેમ પ્રજામાં ડાહ્યા લોકો હોય તેમ બિહાર બાદ ગુજરાતમાં ‘રહી ગયેલા’ ગામવાસીઓએ જિલ્લા અને તાલુકાપંચાયતોની ચૂંટણીમાં નાખેલા મતો દ્વારા એક સંદેશ આપ્યો છે. ગામડાંની આ દેશી રીત છે.

ગામના લોકો જોઈ શકે છે કે ભાજપે તેમના ભોગે શહેરીકરણ અને શહેરી લોકોને વધુ મદદ કરી આપી છે અને તેની નીતિઓ હજી આગળ પણ એ જ દિશામાં લઈ જશે. ભાજપે બોધપાઠ લેવો હોય, તો એ કે તેના વિકાસ અને સુશાસનની નીતિઓને ગ્રામાભિમુખ કરવાની જરૂર છે. કૉંગ્રેસને પણ આ એક તક એટલા માટે મળે છે કે જો ભાજપ પાસે તાલુકા અને જિલ્લાનાં ગામોના વિકાસની ગંભીર અને વિશ્વાસુ યોજનાઓ ન હોય, તો પ્રજા કૉંગ્રેસ પાસે તે અંગેની અપેક્ષા રાખી રહી છે. વિચાર-વિવેક વગરના ઔદ્યોગિકરણ અને શહેરીકરણની શરૂઆત અલબત્ત કૉંગ્રેસે જ કરેલી. એનો નશો ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી બાદ વધવા પામેલો. એ પ્રક્રિયામાં પક્ષે છેવાડાના એટલે ગામડાના સ્તર સુધીના રાજકીય સંગઠનની અવહેલના કરી હતી. કૉંગ્રેસની શક્તિ તેના લોકો અને વિશેષ કરી ગામડાંના લોકોની શક્તિ હતી. આઝાદી પહેલાં અને ત્યાર પછી આ શક્તિએ જ એને સત્તામાં રાખી હતી. ‘રહી ગયેલા’ઓ એવો વિશ્વાસ ધરાવતા કે કૉંગ્રેસ એમના માટે કામ કરશે. સર્વોદય તો કરશે, પણ પ્રારંભ અંત્યોદયથી થશે. પણ આર્થિક ઉદારતા અને બજારીકરણના દોરમાં રાજ્યે ગામડાં અને ગરીબો પાસેની નૈસર્ગિક સંપદાઓ, તેના ઉપયોગ-હકોને ઝૂંટવી-પડાવીને ‘ફાવવા માગતા’ અને ‘ફાવી ગયેલાઓ’ના ખોળામાં નાખવા માંડ્યું. એમ કરવામાં મલાઈનો એક ભાગ નાનાથી મોટા-સૌ નેતાઓ પોતાના વાટકાઓમાં ભરવા લાગ્યા. અનાચાર અને ભ્રષ્ટાચારે માઝા મૂકી અને લોકો કંટાળ્યા. ચૂંટણીમાં કૉંગ્રેસને નકારી.

ગુજરાતમાં ભાજપને લાગલગાટ ત્રણ વખત મોકો મળ્યો અને તેમના વાચળ અને સભાચાતુર્યથી અતિ લોકપ્રિય બનેલા નેતાએ ચોખ્ખી રીતે ‘ફાવી ગયેલા’ઓનો જ સાથ આપવાનો નિર્ધાર કર્યો અને ‘રહી ગયેલા’ઓ માટે દિવાસ્વપ્નો અને આશ્વાસનોની ભેટ ધરી. થોડાંક વર્ષો પહેલાં પ્રો. વાય. કે. અલઘે કેટલાક અભ્યાસીઓ સાથે (જેમાં આ લેખક સામેલ હતા) ગુજરાતના ભાવિ વિશે એક પુસ્તક તૈયાર કર્યું હતું અને તેના લોકાર્પણ માટે લોકલાડીલા મુખ્યમંત્રીને બોલાવ્યા હતા. તેમણે પુસ્તક વિશે કેટલી માહિતી મેળવી હશે, તે તો એમને ખબર; પણ સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ-શિક્ષકો અને અન્ય શ્રોતાઓને સંબોધતાં ગુજરાતના ભાવિ માટેના સ્વપ્નદૃષ્ટા તરીકે એમણે જે વક્તવ્ય આપ્યું હતું, તેમાંથી પુસ્તક વિશે અને તેના લેખકો પ્રત્યે ભારોભાર નિકૃષ્ટ અને હેય ભાવના જ નીતરતી હતી. પુસ્તક વિશે વાત કરતા પ્રો. અલઘ એવા મતલબનું કંઈક બોલ્યા હતા કે આ પુસ્તકમાં તેમના સહિત લેખકવૃંદે ગુજરાત માટે થોડાં સપનાં જોયાં છે. તેનો દાખલો લઈ મુખ્ય પ્રધાન એવું બોલ્યા હતા કે તમે શું સપનાં જોયાં? જો સપનાં જ જોવાં હોય તો ભવ્ય સપનાં જોવાં જોઈએ. ‘એક વખત હું ટ્રેનમાં બેઠો હતો. સ્ટેશનના પ્લેટફૉર્મ પર એક ભિખારી એક હથેળીમાં કંઈક વસ્તુ રાખી બીજા હાથથી તેના પર કશુંક ભભરાવતો હોય તેવો અભિનય કરતો હતો. મેં તેને પાસે બોલાવીને પૂછ્યું કે તે શું કરી રહ્યો છે. તેણે દીન સ્વરમાં જણાવ્યું કે તે એની ભૂખ કાલ્પનિક રીતે મટાડવા એક સૂકી બ્રેડની સ્લાઇસની અને તેના પર મીઠું ભભરાવીને ખાવાની કલ્પના કરી રહ્યો હતો. મેં એણે કહ્યું કે તું ભિખારી જ રહીશ, કારણ કે તું મીઠાંની જ કલ્પના કરી શકે છે. અને હું હોઉં તો માખણની કલ્પના કરું.’ આ સાંભળીને વિદ્યાર્થીઓએ જોરદાર કરતલ ધ્વનિ કર્યો હતો. આગળ તેમણે ભાવિ ગુજરાત માટે પોતાનું સ્વપ્ન મૂક્યું. તેમણે એમ જણાવેલું હતું કે ગુજરાતના ખેડૂતો માટે તેમની પાસે એક અદ્ભુત યોજના છે. ખેડૂતો આજ સુધી પાણી માટે કૂવા-બોર કરે છે. એક દિવસ એવો આવશે, જ્યારે તેલ માટે કૂવા કરાવી શકાશે. દરેક ખેડૂત પોતાની જમીનના પેટાળમાંથી ક્રૂડતેલ કાઢશે, રોજ એક બૅરલ ભરશે અને તેને ભેગું કરવા અમુલની તરાહ પર કલેક્શન રૂટ શરૂ કરાશે. પાંચ વર્ષમાં તો રાજ્યનો એક-એક ખેડૂત માલેતુજાર થઈ જશે. ‘અલઘસાહેબ આને સપનું કહેવાય’! કરતલ ધ્વનિનો ઘોર નાદ…

ગુજરાતનો ખેડૂત તો તેલના કૂવા ખોદાવાની રાહમાં કંટાળ્યો અને આપણા લોકલાડીલા નેતા વિશ્વના દરેક ખેડૂતને આ સ્વપ્ન દેખાડવા દિલ્હી ઊપડી ગયા! આ ભ્રમણ હજુ ચાલુ જ છે. આમ, કંટાળીને, નાસીપાસ થઈને ગામડાંની પ્રજાએ ભાજપને ૨૦૧૫માં જિલ્લા અને તાલુકાપંચાયતોની ચૂંટણીમાં જાકારો આપ્યો છે. ભાજપ માટે પણ આ એક બોધપાઠ તો છે જ.   

કૉંગ્રેસ માટે આંતરખોજની એક તક છે, જો તે જાગે તો. ગુજરાતની પ્રજા સ્વભાવે ધંધા-વેપારમાં દક્ષ છે. પ્રાકૃતિક સંસાધનોની ખાનગી અને સામુદાયિક માલિકીને અંકે કરી સંપોષિત ઉપયોગ અને વિકાસ (સસ્ટેલેબલ ડેવલપમેન્ટ) એ સાચો ધ્યેય બની શકે. ગામમાં જ ખેતી, ઉદ્યોગ અને સેવાઓના ક્ષેત્રે આજીવિકાની તકો ઊભી કરવાથી ટકાઉ બનાશે. સામાજિક વિષમતાઓને લક્ષ્યમાં લઈ યોગ્ય સંસ્થાકીય વ્યવસ્થાઓ નવેસરથી સ્થાપવાની જરૂર છે. સૌથી અગત્યની બાબત એ છે હવે ગુજરાતમાં રોટલે દુઃખી લોકો બહુ ઓછા પ્રમાણમાં રહ્યા છે, પણ ઓટલે દુઃખી હજી ઘણાં છે. તકે દુઃખી અને સારી આજીવિકાનું દુઃખ તો મોટા ભાગનાને છે. તેવા દુખિયારા આજે અંતિમજન છે. તેની શક્તિ વધારવાની છે. કૉંગ્રેસ પાસે ગાંધીજીના સમયની એક અન્ય જવાબદારી પણ છે. લોકોને અધિકારબાહોશ બનાવવાની જરૂર છે તે કરતાં કર્તવ્યસભાન બનાવવાની વધુ જરૂર છે. ગુજરાત અને ભારતના વિકાસની પરિભાષા અને દરેક નાગરિકની ભૂમિકામાં બદલાવ લાવવાનો સમય આવી ગયો છે.

e.mail : sudarshan54@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2016, પૃ. 05-07

Loading

4 January 2016 admin
← એક હતાં સાવિત્રીબાઈ ફૂલે
કાળાં ડિબાંગ વાદળાં ચારેકોર ઘેરાય ત્યારે →

Search by

Opinion

  • જો અને તો : છેતરપિંડીની એક ઐતિહાસિક રમત 
  • આખા ગુજરાતમાં દારુ-જુગારના અડ્ડા કેમ સંકેલાઈ ગયા હતા?
  • સવાલ પૂછનાર નહીં, જવાબ નહીં આપનારા દેશદ્રોહી છે
  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • કાન્તનું મંથન : ધર્મ, કવિતા અને સત્યની અનંત ખોજ

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved