આઠ મહિના પહેલાં શિવાનીના બાપુજીની બીમારીનું નિદાન થયું હતું કે એમને પ્રોસ્ટેટ કેન્સર છે. આમ પણ, અત્યાર સુધી આખા પરિવારમાં કેન્દ્રરૂપ ‘બાપુજી’ જ રહ્યા હતા ને એમાં આવી આટલી મોટી માંદગી ! ઘરના, બહારના મિત્રો કે સગાંવહાલાં સૌને મોઢે બસ, બાપુજીનું જ નામ. ‘એમની તબિયત કેમ છે ?’; ‘બધા રિપોર્ટ્સ આવી ગયા ?’; ‘ડૉક્ટર શું કહે છે ?’; ‘કિમોથેરાપી લેવી પડશે ?’ બધા જાણે આ બધી બાબતોના નિષ્ણાત હોય એ રીતે વાતો કરતા. આ સૌમાં જો કોઈ મૂંગે મોઢે પોતાનું કામ કર્યા કરતું હોય તો એ હતી એની મા.
પહેલેથી એ તો હાંસિયામાં ધકેલાયેલી જ હતી, ને હવે વળી એને પૂછવાની શી જરૂર કે એણે બે કોળિયા મોંમાં નાખ્યા કે નહીં ? બપોરના એ ઘડીક આડે પડખે થઈ કે નહીં ? રાતના એ સૂઈ શકી કે બાપુજીની સેવામાં જ રાત પૂરી થઈ ગઈ ? જો કે કોઈ આવું પૂછે એવી એને અપેક્ષા જ નહોતી.
‘કેમ, સારું રાંધી ને ખવડાવતાં જોર પડે છે ? ઘરમાં કોઈ દિવસ કોઈ ચીજનાં ઠેકાણાં જ ન હોય ! કરે છે શું તું આખો દિવસ ? આમ ફુવડ ને ફુવડ જ રહી ! આળસ અને એદીપણાનીયે કોઈ હદ હોય ને ?’
વર્ષોથી બાબુજીનાં આવાં વાક્બાણો સહન કરતી આવેલી મા એમના ડરથી થરથર ધ્રુજતી રહેતી. વળી માંદગીએ બાબુજીને વધુ ચીડિયા બનાવી દીધા હતા.
‘હવે મારે બ્રશ કરવાનું છે કે આમ સુવડાવી જ રાખવાનો છે ?’; ‘ચા–નાસ્તો કંઈ મળશે કે ભૂખ્યા જ રહેવું પડશે ?’
‘આખી રાત પગ દુ:ખે છે, પગ દુ:ખે છે બૂમો પાડી; પણ તને થયું કે લાવ, પગ દબાવી દઉં ?’
પથારીનો ત્યાગ કરે ત્યારથી મા ચાવી દીધેલા રમકડાની માફક ફેરફૂદરડી ફર્યા કરતી. બાબુજીને કે બીજા કોઈનેયે કદી વિચાર ન આવ્યો કે હવે એની પણ ઉમ્મર થઈ છે, એને પણ જરાક આરામની જરૂર હોઈ શકે. હા, શિવાનીનો જીવ મા માટે બળતો; પણ બાપુજીને પોતાનું કોઈ કામ કરવા માટે મા સિવાય બીજા કોઈની સેવા ફાવતી નહીં. એટલે ધીમે ધીમે કરતાં એણે પણ પિયર આવવાનું થોડું ઓછું કરી નાખ્યું હતું. દેખવું ય નહીં ને દાઝવું ય નહીં.
નાનો ભાઈ અને ભાભી મા–બાપુજીની સાથે જ રહેતાં એટલે એમની થોડી સેવા મળતી ખરી. બાકી મોટા ભાઈને એમનો પરિવાર મુમ્બઈ અને એમનાથી નાની બહેન શીલા અમદાવાદ. બન્ને દૂર રહ્યે રહ્યે જાણે મા–બાપની બહુ ફિકર કરતાં હોય એમ સલાહ–સૂચનો આપ્યા કરતાં.
મોટો કહેતો, ‘ડૉક્ટરને સરખું પૂછી જુઓ ને ! એ કહેતા હોય તો બાબુજીને હૉસ્પિટલમાં દાખલ કરી દો. ખરચાની ચિન્તા નહીં કરતાં. હું અહીંથી મોકલી દઈશ.’
તો વળી શીલા કહેતી, ‘શિવાની, માને કહેજે, બાબુજીની બરાબર કાળજી રાખે. બિચારા કેવા થઈ ગયા છે ! મા એમને મુકીને જરા ય આઘીપાછી ન થાય હં !’ શિવાનીને થતું : અહીં આવીને જુઓ તો ખબર પડે કે બપોરે ત્રણ વાગી જાય તો ય માને બિચારીને જમવાનું યાદ નથી આવતું. રાત–દિવસ બાપુજીને ગરમ તેલનું માલીશ કરી કરીને એના હાથમાં ફોલ્લા પડી ગયા છે. એનું ધ્યાન કોણ રાખશે ?
છેલ્લા અઠવાડિયાથી બાબુજીને નર્સિંગ હોમમાં દાખલ કર્યા હતા. શિવાનીને થયું કે હાશ, હૉસ્પિટલમાં તો નર્સ દર્દીની દેખરેખ રાખે એટલે માને થોડોક તો આરામ મળશે ! પણ નર્સ પાસે ઈન્જેક્શન અને દવા લેવાનાં, બી.પી. ચેક કરાવવાનું. એ સિવાય બધું મા જેમ ઘરે કરતી એ જ રીતે એણે હૉસ્પિટલમાં કરવાનું એવું બાબુજીનું ફરમાન હતું. ‘ઘરનું માણસ કરવાવાળું હોય તો પછી ભાડૂતી માણસોની મદદ શા માટે લેવી,’ એમ તેઓ સૌને કહેતા.
બે દિવસ પહેલાં સાંજે ચાર–સાડાચારે શિવાની મા માટે આદુ–ફૂદીનાવાળી ચા લઈને ગઈ ત્યારે એણે જોયું કે હજી તો માનું ટિફીન એમનું એમ પડેલું હતું અને એ બાબુજીના શરીરે હળવે હાથે માલીશ કરી રહી હતી. શિવાનીએ પુછ્યું, ‘આ શું મા ? હજી સુધી જમી નથી ?’
ફિક્કું હસીને માએ કહ્યું, ‘ખાવાનું, ટિફીનમાં હોય કે પેટમાં, શો ફરક પડે છે ? પણ તારા બાબુજીને મારા માલીશ કરવાથી ફરક પડે છે. જો એમને ઊંઘ પણ આવી ગઈ છે.’
બે દિવસ પછી બાબુજીને હમ્મેશને માટે ઊંઘ આવી ગઈ. મોટાભાઈ અને શીલા સમાચાર સાંભળીને દોડી આવ્યાં. શીલાએ રડી રડીને ઘર માથે લીધું તો મોટાભાઈએ માને વાંસે હાથ ફેરવીને આશ્વાસન આપ્યું. શિવાનીએ આખો વખત માની ચિન્તા સતાવી રહી હતી.
‘મા, ભાવે કે ન ભાવે પણ બે કોળિયા તો ખાઈ લે ! જરા પગમાં જોર રહે !’
‘મા, બેઠા બેઠા કમર દુ:ખી જશે. થોડીવાર લાંબો વાંસો કરી લે ને !’
પણ માએ બે હાથ જોડી ધરાર ના પાડી દીધી. સાંજ સુધી લોકોની અવર–જવર એકધારી ચાલુ જ હતી. આવનારાને પાણીનું તો પૂછવું પડે ને ! શિવાની પાણી લેવા રસોડામાં ગઈ ત્યાં પાછળ જ શીલા આવી.
‘શિવાની મા પણ કમાલ છે ! આ સમય છે સૂવાનો ? આડોશી–પાડોશી ખરખરે આવ્યા છે ને એ બેઠી બેઠી ઝોકાં ખાય છે ! મને તો એવી શરમ આવી ! એ તો સારું થયું, કોઈનું ધ્યાન નહોતું ત્યારે મેં એને ઢંઢોળીને કહ્યું કે, તારાં નસકોરાંનો અવાજ આવે છે.’
શિવાનીએ આ સાંભળતાં જ કંઈક ખુશ થઈને કહ્યું, ‘હેં ? માને ઊંઘ આવે છે ?’
એ ભાગીને ગઈ. એણે અને નાની ભાભીએ ટેકો દઈને માને ઊભી કરી. તેને બેડરૂમમાં લઈ જઈ ધીમે ધીમે માથે હાથ ફેરવી એણે માને સુવડાવી. થાક, ઉજાગરા અને રડી રડીને થાકેલી માની આંખો ઘડીભરમાં મિંચાઈ ગઈ. શીલા ધમધમાટ કરતી આવી, ‘શિવુ, મેં તને માને જગાડવાનું કહ્યું ને તેં તો એને સુવડાવી દીધી !’
શિવાનીએ રૂમનું એ.સી. ચાલુ કર્યું ને ધીમેથી શીલાને બહાર લઈ આવીને કહ્યું, ‘આઠ આઠ મહિનાથી માએ ધરાઈને બે ટંક ખાધું નથી ને રાતોની રાતો સૂતી નથી. આજે એ શાન્તિની નીંદર માણે છે ત્યારે હું પ્રભુને પ્રાર્થના કરીશ કે માને નિરાંતની ઊંઘનું વરદાન આપે. બલકે, હું તો કહીશ કે મારા ભાગની નીંદર પણ માને મળે.’
બોલતાં બોલતાં શિવાનીનો કંઠ ભરાઈ આવ્યો.
(મન્નૂ ભંડારીની હિન્દી વાર્તાને આધારે)
તા. 16 ડિસેમ્બર, 2014ના ‘ભૂમિપુત્ર’ પાક્ષીકના છેલ્લે પાનેથી, લેખિકા અને ‘ભૂમિપુત્ર’ના સૌજન્યથી –
સમ્પર્ક : બી–401, ‘દેવદર્શન’, હાલર, વલસાડ– 396 001
ઈ–મેઈલ : avs_50@yahoo.com
●
સૌજન્ય : ‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ દસમું – અંકઃ 318 – March 22, 2015
![]()


Narayan Desai, who passed away earlier this week at 90, is best known as a chronicler of Gandhi’s life. The son of Gandhi’s friend, disciple, fellow activist, stenographer and translator, Mahadev Desai, he had a close view of the Mahatma. He wrote extensively about growing up with Gandhi, as well as Gandhi, the philosopher-activist. His four-volume epic biography of Gandhi in Gujarati, My Life Is My Message, is not merely a sketch of Bapu, but also a political tract of his time. Nearly a decade after he completed it, he chose to turn into a kathakar to narrate the journey of Gandhi to a wider public, and in a popular format. Why did he decide to do Gandhi Katha?
સાંજ એટલે એવો સમય જે વાતાવરણના ઉત્સવ જેવો હોય છે. સૂરજ ડૂબે એ પહેલાંની સોનેરી આભા અને સૂરજ ડૂબે એ પછી અંધારું થાય એ પહેલાંની લાલાશ એટલી અદ્દભુત હોય છે કે 'અદ્દભુત' શબ્દ એના માટે ટૂંકો પડે. જીવનમાં કેટલીક સાહ્યબી માણવા પૈસા ખર્ચવાની જરૂર નથી પડતી. બસ, થોડી ક્ષણ ફાળવવાની જ જરૂર હોય છે. સાંજે માત્ર ઘરની બારી ઉઘાડવાની કે અગાસીએ જવાની કે પછી હાઇવે પર ચાલ્યા જવાની જરૂર હોય છે. કે પછી બધું પડતું મૂકીને માત્ર સાંજના આકાશને જોવાની જરૂર હોય છે. જો તમારી પાસે બે ઘડીની ફુરસદ હોય તો સાંજ રોજ તમારા માટે જ પડે છે.