(પદ્ય-પ્રતિભાવ)
મને કૉલમ લખવાના આટલા હજાર રૂપિયા મળે છે;
માત્ર કન્સેશનલ ફ્લાસિફાઇડ જાહેરાતના ચોરસ-ઇંચો કરતાં જ ઓછા.
ને વળી કૉલમનું ઍક્સ્ટેન્શન વ્યાખ્યાન-
– એ વ્યાખ્યાન કરું તો એના વળી એટલા હજાર.
બોલો, એથી વધારે શું જોઈએ –
તમારે ?
તમે, મારા અદૃશ્ય-અશ્રવ્ય વાચકો-શ્રોતાઓ,
તમારાં આંખ-કાન ઊડ્યા કરે મારા ફકરાઓની આસપાસ.
બાંધવો અને બાંધવીઓ,
શ્રુણો
કે, જરૂરી નથી અક્ષરે અક્ષર ઉકેલવો;
ને ઊકલે છે પણ ક્યાં, અક્ષરેઅક્ષર સમયસર,
તમને, કે મને – સમયની આ ધક્કામુક્કીમાં !
જ્ઞાન હજો કે ગમ્મત હજો – બંનેનું માધ્યમ આંખ-કાન ખોળનારાં.
તમે સમજો, ભક્તન કી ભીર,
કે, વાનગીનો સ્વાદ છે રૅસિપીમાં જ.
જાયફળના ચમચી ભૂકા સાથે બે લવિંગિયાં મરચાં, એ માથે ચાર ચમચી ચાસણી …
પણ ધ્યાન રાખું છું – મીઠું માફકસર, ગાંધીચીંધ્યા સ્વાદ પ્રમાણે,
રોજ સવારે રસીલી રૅસિપી મારા પગ તળે પસાર થાય છે, જ્યારે
જાહેર બગીચાની લાંબી લૉનમાં હું ચાલતો હોઉં છું
ને રાજકીય-ધર્મકીય-સાહિત્યકીય ચિંતનનું સામ્પ્રત ચાવતો હોઉં છું.
પછી, આંગળીઓ સળવળ સળવળ થવા લાગે
ત્યારે ઘરના કૂંડામાં સદ્ય રેડેલી
ઘરેળુ વૈશ્વિકતામાં પાંચે આંગળીઓ બોળીને
બરુના ખોળિયાવાળી મારી કલમ છંટકારું છું –
– ગઈ કાલે સાંજે જ સુકાયેલા રિ-સાઇકલ્ડ કાગળિયા પર, ભુજબળે!
અંગૂઠામાંથી સરકેલા રેશમી શ્લેષના તાકા
છાપાંમાં ફરી આવીને, ને તાળીઓના તાલે ચક્કર મારી આવીને
પાછા મારી અનામિકાના સુવર્ણમાં જ સંકેલાઈ જવાના છે,
એ જાણું છું.
ભાષા!
આખરે શું છે ભાષા?
કક્કો-બારાખડીની અસંખ્ય મેળવણી-ગોઠવણીવાળાં અનંત પરમ્યુટેશન-કૉમ્બિનેશન્સ …
એ બધાં મારી મુઠ્ઠીમાંના મચ્છરો.
એમને જીવતા ઉડાડી શકું છું
ને મસળાયેલા ખંખેરી શકું છું !
ક્યાં ખોટ છે મચ્છરોની?
રોજ સવારે ફરી પાછા મારા ઘર પછવાડેની લાંબી લૉનમાં
ઊડવાના જ, મારી માલિકીના મચ્છરો.
જેમને તમારી આંખોની આસપાસ ઉડાડી મૂકું છું,
રોજ બીજી સવારે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2014, પૃ.19
![]()



મનુભાઈ રાજારામ પંચોળી – દર્શક (૧૫-૧૦-૨૦૧૪ : ૨૯-૮-૨૦૦૧), અમસ્તાં પણ સહજ ભાવે જેમની શતવર્ષી સંભારી અને ઉજવી શકાય એવા જણ હતા. પણ નિરીક્ષક ફાઉન્ડેશનના સન્માન્ય સ્થાપક-અધ્યક્ષને આજની ઘડીએ સંભારવા એ ન તો રસમી રાબેતો માત્ર છે, ન કેવળ ઉજવણું છે. એની પાછળ એક સાત્ત્વિક ધક્કો અને ધખના છે. બલકે, ભલે પુણ્યાવેશી પણ કંઈક કિન્નો છે. તમે એને ગીતાપ્રોક્ત મન્યુ તરીકે પણ જોઈ શકો.