આજે આપણને છાપેલું લખાણ વાંચવાની એવી ટેવ પડી ગઈ છે કે આપણે ત્યાં મુદ્રણ આવ્યું તે પહેલાંની સ્થિતિની કલ્પના કરવાનું પણ આજે આપણે માટે મુશ્કેલ છે. પણ ૧૭૯૭ પહેલાં ગુજરાતી મુદ્રણની સગવડ જ નહોતી. એટલું જ નહીં, ૧૭૯૭માં ગુજરાતી મુદ્રણની શરૂઆત થઈ તે પણ આજના ગુજરાત રાજ્યમાં આવેલા કોઈ સ્થળે નહીં. એ વખતે ગુજરાતીભાષી, મરાઠીભાષી અને બીજા કેટલાક પ્રદેશોનો સમાવેશ મુંબઈ ઇલાકામાં થતો હતો અને બોમ્બે પ્રેસિડન્સી તરીકે ઓળખાતા આ ઇલાકાનું પાટનગર હતું બોમ્બે, આજનું મુંબઈ.
ત્યાં ૧૭૯૨માં બોમ્બે કુરિયર નામનું અંગ્રેજી અખબાર શરૂ થયું. એ બોમ્બે કુરિયરના ૧૭૯૭ના જાન્યુઆરી ૨૯ના અંકમાં પહેલીવાર ગુજરાતીમાં લખાયેલો મજકૂર મુદ્રિત રૂપે પ્રગટ થયો. એ લખાણ હતું એક સરકારી જાહેર ખબરનું. આ લખાણ છાપવા માટેનાં ગુજરાતી બીબાં બનાવ્યાં હતાં બહેરામજી છાપગરે. ૧૭૫૪ના અરસામાં સુરતમાં તેમનો જન્મ. ૧૭૯૦માં મુંબઈ આવી લુક ઍશબર્નરના બોમ્બે કુરિયરના પ્રેસમાં કમ્પોઝિટર તરીકે જોડાયા. એમણે આ પહેલો ગુજરાતી મજકૂર છાપવા માટેનાં બીબાં બનાવ્યાં. આ પહેલા મુદ્રિત લખાણમાં ગુજરાતી અક્ષરો પર હિંદી – મરાઠીની જેમ શિરોરેખા જોવા મળે છે પણ એ જ વર્ષના જુલાઈ ૨૨ના અંકમાં છપાયેલી બીજી એક સરકારી જાહેર ખબરમાં અક્ષરો પરની શિરોરેખા દૂર થયેલી જોવા મળે છે. આગલી જાહેર ખબર કરતાં આ બીજી જાહેર ખબરમાં વપરાયેલાં બીબાંના અક્ષરો વધુ સુડોળ બન્યા છે. શિરોરેખા વગરના આ અક્ષરો મહાજન લિપિ તરીકે ઓળખાયા અને ત્યારથી આજ સુધી ગુજરાતી મુદ્રણ માટે આ લિપિ જ વાપરવામાં આવે છે.
અલબત્ત, વખત જતાં તેમાં કેટલાક ફેરફાર થયા છે. ગુજરાતી અક્ષરોનાં આ પહેલ વહેલાં બીબાં બહેરામજી છાપગરે જ બનાવેલાં એમ ખાતરીપૂર્વક કઇ રીતે કહી શકાય ? ૧૮૦૪ના માર્ચની પાંચમી તારીખે બહેરામજીનું અવસાન થયું ત્યારે જે મૃત્યુનોંધ છપાયેલી તે પારસી પ્રકાશ (પુસ્તક ૧, પાનું ૯૭) આ પ્રમાણે હતી.: “બહેરામજી જીજીભાઈ છાપગર. ઉંમર વરસ ૫૦. એવણ સુરતથી ઇ.સ. ૧૭૯૦ને આશરે શેઠ નસરવાનજી જમશેદજી દાંતારાની સાથે મુંબઈ આવ્યા હતા અને અત્તરેનું બોમ્બે કુરિયર પતર કે જે મિ. લુક ઍશબરનરની માલિકીમાં હતું તેમાં કમ્પોઝિટર તરીકે રહયા હતા. મિ.ઍશબરનરે એવણ પાસે ગુજરાતી બીબાં પણ મુંબઈમાં ઓટાવ્યાં હતાં. આથી પારસીઓમાં પહેલવહેલા અંગ્રેજી કંપોઝિટર તથા ગુજરાતી બીંબા ઓટનાર તરીકે એવણ જણાયેલા છે.” (ભાષા જોડણી મૂળ પ્રમાણે)
મુંબઈના જે બોમ્બે કુરિયર પ્રેસમાં ૧૭૯૭માં પહેલીવાર ગુજરાતી મજકૂર છપાયો તે જ પ્રેસમાં છપાઈને ૧૮૦૮માં પહેલુંવહેલું ગુજરાતી પુસ્તક બહાર પડયું. એ પુસ્તકનું લાંબુલચક નામ હતું : ‘ઇલસ્ટ્રેશન્સ ઑફ ધ ગ્રામેટિકલ પાર્ટસ ઑફ ધ ગુજરાતી મરહટ્ટ એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજિસ.’ નામ જ સૂચવે છે તેમ આ પુસ્તક ત્રિભાષી હતું. આ પુસ્તકમાં ગુજરાતી મજકૂર છાપવા માટે જે બીબાં વપરાયાં છે તે બહેરામજીએ બનાવેલાં તે જ બીબાં હોય તેમ અક્ષરો સરખાવી જોતાં લાગે છે. અલબત્ત, બહેરામજીનું તો ૧૮૦૪માં અવસાન થયેલું. એટલે આ પુસ્તકનો ગુજરાતી મજકૂર તેમણે કમ્પોઝ કર્યો ન હોય. આ પુસ્તક તે મુંબઈમાં છપાયેલું પહેલું મરાઠી પુસ્તક પણ છે. તેના લેખક હતા એક અંગ્રેજ ડૉ.રોબર્ટ ડ્રમન્ડ. વ્યવસાયે સરકારી સર્જન. આજની એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની પુરોગામી સંસ્થા લિટરરી સોસાયટી ઑફ બોમ્બેની ૧૮૦૪ના નવેમ્બરની ૨૬મીએ સ્થાપના થઈ ત્યારના તેના સ્થાપકોમાંના એક હતા ડૉ. ડ્રમન્ડ. આ પુસ્તક પ્રગટ થયું તે પછીના વર્ષે તેઓ સ્વદેશ જવા મુંબઈથી રવાના થયા. પણ તેમનું વહાણ અધવચ્ચે ડૂબી જતાં ૧૮૦૯ના માર્ચની ૧૪મી તારીખે ‘લોસ્ટ એટ સી’ એવી નોંધ સાથે બોમ્બે આર્મીના નોકરિયાતોની યાદીમાંથી તેમનું નામ દૂર કરવામાં આવ્યું.
(વધુ હવે પછી ક્યારેક)
સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 14 જુલાઈ 2014
![]()


Recently, I was startled to see in the Central Hall of Parliament a portrait of Savarkar staring at Gandhi’s portrait directly across the length of the room, symbolising a foundational antagonism written into the very genealogy of our nation-state. It is Hind Swaraj pitted against Hindu Rashtra. Indian intellectuals, understandably feeling bruised and buffeted by enormous political changes, would do well to remember that the roots of their present ideological conflicts go back to the beginnings of organised nationalist politics, and that questions of ideology are unlikely to be settled in a hurry.
એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો.