મહેતાબ તેરા ચહેરા એક ખ્વાબ મેં દેખા થા
એ હુસ્ન-એ-જહાં બતલા તૂ કૌન મૈં કૌન હૂં
ખ્વાબોં મેં મિલે અક્સર એક રાહ ચલે મિલકર
ફિર ભી હૈ યહી બહેતર મત પૂછ મૈં કૌન હૂં ….
હુસ્ન-ઓ-ઈશ્ક હૈ તેરે જહાં દિલ કી ધડકનેં તેરી જુબાં
આજ ઝિંદગી તુજ સે જવાં
આગાઝ હૈ કયા મેરા, અંજામ હૈ કયા મેરા
હૈ મેરા મુકદ્દર કયા, બતલા કે મૈં કૌન હૂં ….
ક્યોં ઘિરી ઘટા તૂહી બતા, ક્યોં હંસી ફિઝા તૂ હી બતા
ફૂલ ક્યોં ખીલ તૂ હી બતા
કિસ રાહ પે ચલના હૈ કિસ રાહ પે રૂકના હૈ
કિસ કામ કો કરના હૈ બતલા કે મૈં કૌન હૂં ….
ઝિંદગી કો તૂ ગીત બના દિલ કી રાહ પર ઝુમ કે ગા
ઇસ જહાં કો તૂ પ્યાર સીખા
મહેતાબ તેરા ચહેરા એક ખ્વાબ મેં દેખા થા
એ હુસ્ન-એ-જહાં બતલા તૂ કૌન મૈં કૌન હૂં ….
પિયાનોનો આવાજ સાંભળીને ગોપાલને ખ્યાલ આવી ગયો કે પ્રીતિ આવી છે. તે પોતાની સુહાગશય્યામાંથી ઊભો થઈ ઝડપથી દાદર ઊતરીને નીચે આવે છે. પ્રીતિ ભરી આંખે કહે છે, ‘આજે જાઉં છું, તને છેલ્લી વાર મળવા આવી છું.’ ‘આજે જ? જવાની આટલી ઉતાવળ શા માટે?’ ‘કેટલાક સવાલોના જવાબ હોય છે, પણ આપી નથી શકાતા, ગોપાલ. જો હું તને પૂછું કે તેં લગ્નની આટલી ઉતાવળ શા માટે કરી, તો?’ ગોપાલ ચૂપ થઈ જાય છે. પ્રીતિ કહે છે, ‘છોડ એ બધું, મને વચન આપ કે તું સંગીત નહીં છોડે. સંગીત તારું જીવન છે. બીજું ગમે તે છોડ, સંગીત ન છોડતો.’ અને એ ચાલી જાય છે. એક સ્વપ્ન પૂરું થયું હોય એમ.

ઋષિકેશ મુખર્જી
આ દૃશ્ય સાથે ફિલ્મનો એક કલાક પૂરો થાય છે, ત્યાર પછી શું થયું એ જાણવા માટે તમારે ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘આશિક’ જોવી પડે. ઓગસ્ટના અંતે ઋષિદાની પુણ્યતિથિ ગઈ અને સપ્ટેમ્બરના અંતે એમનો જન્મદિન આવશે. એ નિમિત્તે આપણે ‘આશિક’નું એક મસ્તમીઠું છતાં દર્દથી સરાબોર ગીત ‘મહેતાબ તેર ચહેરા’ માણીએ.
ચારેક દાયકા લાંબી અને વૈવિધ્યપૂર્ણ કારકિર્દીમાં ઋષિદાએ બેતાળીસ જેટલી ફિલ્મો બનાવી. તેમની સફળ ફિલ્મોની સૂચિમાં ‘આશિક’નું નામ દેખાય નહીં. એમણે મળેલા સત્તરેક અવોર્ડની યાદીમાં પણ ‘આશિક’ મળે નહીં. પ્રેક્ષકોએ તેને ખાસ ભાવ આપ્યો ન હતો. ઘણાં વર્ષ સુધી એ યુટ્યૂબ પર પણ મુકાઇ ન હતી. આમ છતાં ‘આશિક’ એ ઋષિદાની જ નહીં, રાજ કપૂર-પદ્મિનીની જ નહીં, ફિલ્મોના સુવર્ણયુગની પણ શ્રેષ્ઠ ફિલ્મોમાં મુકાય તેવી હતી. પ્રેમ, કલા અન જિંદગીનાં સમીકરણો જે રીતે એમાં મુકાયાં છે એ રીતે ભાગ્યે જ કોઈ ફિલ્મમાં મુકાયાં હશે. કદાચ એ સૂક્ષ્મ અર્થ, એ ઉચ્ચ પ્રકારનું સંવેદન પ્રેક્ષકો ઝીલી ન શક્યા હોય એમ બને.
એ ફિલ્મમાં રાજ કપૂરનું એ રૂપ હતું જે રાજ કપૂરને પોતાને પણ અતિશય પસંદ હતું. એક ભલો, આખી દુનિયાને ચાહતો, ઝરણાં અને પંખીમાં જ નહીં, પવન અને મૌનમાં પણ સંગીત શોધી લેતો પોતાની મસ્તીમાં મસ્ત માણસ – પાછો આશિક એટલે કે પ્રેમી પણ ખરો. આશિક શબ્દમાં ઉમળકો છે, બેપરવાઈ છે અને દિલોજાન ચાહતના, જરા પાગલપણાના, જરા બેપરવાઈના, જરા જરા નશાના સુંદર રંગો પણ છે.
પણ આવા માણસનું દુનિયાને શું કામ? ‘આશિક’નો ગોપાલ (રાજ કપૂર) જમીનદારનો પુત્ર હોવા છતાં નકામો જ નહીં, ચક્રમ પણ ગણાય છે. ભાવિ પત્ની રેણુકા (નંદા) તેને લગભગ પૂજે છે, પણ તેનામાં રહેલા કલાકારને સમજી શકી નથી. એ કલાકારને સમજી છે રેણુકાની દૂરની બહેન પ્રીતિ (પદ્મિની). પ્રીતિ મશહૂર સ્ટેજ કલાકાર છે. ગોપાલ અને પ્રીતિને એકબીજા માટે અપરંપાર આકર્ષણ થાય છે. પણ આ આકર્ષણની અભિવ્યક્તિ થઈ શકે એમ નથી. આત્માની આ ઓળખનું કોઈ નામ નથી. જીવનમાં કોઈ સ્થાને તેને ગોઠવી શકાય તેમ નથી. અકળાયેલો ગોપાલ એથી જ પોતાની માને કહી બેસે છે, ‘લગ્નની શરણાઈઓ વહેલી વગડાવી દો, જેથી તેના અવાજમાં મારા દિલમાં ઊઠતો સૂર દબાઈ જાય.’
પણ પ્રેમનો, કલાનો એ સૂર એમ દબાય એવો નથી. ગોપાલ-પ્રીતિ સંઘર્ષ કરે છે, તરફડે છે અને જિંદગીના અર્ક સમા સત્યને મુખોમુખ થાય છે કે પ્રેમ જગતનું સૌથી ઉમદા સંવેદન છે અને કલા તેની સૌથી ઉમદા અભિવ્યક્તિ. સંગીતનો સર્વોચ્ચ ઍવોર્ડ મળવા સુધી પ્રીતિ ગોપાલને જાળવે છે, તરાશે છે અને પછી ‘જો મને ચાહતો હો તો પાછો જા.’ એવી ચિઠ્ઠી લખી એના જીવનમાંથી ચાલી જાય છે.
ગામ પાછો ગયેલો ગોપાલ શું જુએ છે? બરબાદ ઘર, અંધ માં, વિયોગિની પત્ની, પરિશ્રમરત ભાઈ અને નિર્દોષ પુત્રી. બધાં જ કહે છે કે એમનાં દુ:ખોનું કારણ ગોપાલ છે, પણ બધાં જ એને તો પણ ખૂબ ચાહતા રહ્યાં છે, તેની પ્રતીક્ષા કરતાં રહ્યાં છે. ગોપાલને, પ્રેક્ષકોને પણ સમજાય છે કે કલા અને પ્રેમ ઘણાં ઊંચાં છે, પણ જિંદગી આ બંનેથી ઊંચી છે. ‘કૈસે ગમ ઔર કૈસી ખુશિયાં કૈસે હૈ યે મેલે, પ્યાર મેં જિસ દમ આંસુ નિકલે વો આંસુ અલબેલે, આંસુ પીતે પીતે જીના અરમાં ગલે લગાયે રે’ આ પંક્તિ મૂકીને કયા રસ્તે ને કેવી રીતે જવું એ ફિલ્મસર્જકે બતાવી દીધું છે, છતાં જાણે પસંદગી પ્રેક્ષકો માટે ખુલ્લી રાખી છે.
ઋષિકેશ મુખર્જી કારકિર્દીની શરૂઆત કેમેરામેન તરીકે કરી. બિમલ રૉય પાસે એડિટિંગ અને દિગ્દર્શન શીખ્યા અને શહેરી મધ્યમવર્ગની સમસ્યાઓને વણી લેતી સુંદર, સ્વચ્છ, પ્રસન્ન ફિલ્મો આપી વ્યાવસાયિક ફિલ્મો વચ્ચે પોતાનો એક શાંત ચીલો કંડાર્યો. 1957ની ‘મુસાફિર’ એમની પહેલી ફિલ્મ. એક ઘરમાં વારાફરતી રહેવા આવતાં ત્રણ કુટુંબો નિમિત્તે ફિલ્મમાં જન્મ, લગ્ન અને મૃત્યુની વાત થઈ છે. સુચિત્રા સેન, દિલિપકુમાર, કિશોરકુમાર, ઉષાકિરણ અને નિરૂપ્ય રૉય જેવા કલાકારો છતાં ફિલ્મ ચાલી નહીં, પણ 1959માં તેમણે બનાવેલી ‘અનાડી’એ પાંચ ફિલ્મફેર જીત્યા. પછીની ‘અનુરાધા’ ઉત્તમ, પણ ફ્લોપ. ‘આશિક’ ત્યાર પછીની. એ જ વર્ષે ‘અસલી નકલી’ પણ આવી. પછીના બે દાયકામાં આવી ‘અનુપમા’, ‘આશીર્વાદ’, ‘સત્યકામ’, ‘ગુડ્ડી’, ‘આનંદ’, ‘બાવર્ચી’, ‘અભિમાન’, ‘નમકહરામ’, ‘મિલી’, ‘ચુપકે ચુપકે’, ‘ગોલમાલ’, ‘ખૂબસૂરત’, ‘બેમિસાલ’. ‘ચુપકે ચુપકે’માં ધર્મેન્દ્રને રમૂજી પાત્ર આપ્યું, ‘આનંદ’માં અમિતાભને બ્રેક આપ્યો અને ‘ગુડ્ડી’માં જયા ભાદુરીને.
‘આશિક’નાં આઠમાંથી બે ગીત ‘તુમ આજ મેરે સંગ હંસ લો’ અને ‘લો આઈ મિલન કી રાત’ હસરત જયપુરીનાં છે, બાકીનાં ‘તુમ જો હમારે મીત ન હોતે’, ‘ઓ શમા’, ‘મૈં આશિક હૂં’, ‘યે તો કહો, ‘ઝનન ઝનઝનાકે અપની પાયલ’ અને ‘મહેતાબ તેરા ચહેરા’ શૈલેન્દ્રનાં છે. ‘મહેતાબ તેરા ચહેરા’ ગીતમાં પ્રશ્નો છે, જેના જવાબો છે પણ, નથી પણ. જે નાજુક લાગણીઓ સહજ સર્જાઇ છે તેને વ્યક્ત કરવા શૈલેન્દ્રએ બેમિસાલ શબ્દો અને શૈલી યોજ્યાં છે. જિંદગીમાં પ્રેમની, કલાની, સર્જનની એવી પળો સર્જાય છે જ્યારે પોતાને પોતાની ઓળખ કરાવનારને, જિંદગીનો ખરો સ્પર્શ આપનારને પૂછવાનું મન થાય, ‘તૂ કૌન, મૈં કૌન હૂં?’ અને તેનો જવાબ આ જ હોઈ શકે, ‘મત પૂછ મૈં કૌન હૂં’ ત્યાર પછીના મૌનમાં બધા સવાલ-જવાબ ઓગળી જાય, કશુંક શરૂ ન થઈને પણ શરૂ થાય અને કશુંક પૂરું થઈને પણ પૂરું ન થાય એવું બને : પ્રેમનું, જિંદગીનું, સર્જનાત્મક ઊર્જાનું કઈં કહેવાય નહીં.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 29 ઑગસ્ટ 2025