
રવીન્દ્ર પારેખ
સાધારણ રીતે બેન્કર્સ માટે લોકોને ઝાઝી સહાનુભૂતિ હોતી નથી. બેન્ક, ગ્રાહકોને અપમાનિત કરવા કે નાનામોટા ચાર્જિસ વસૂલવા જ હોય એવી છાપ છે. એમાં તથ્ય નથી એવું નથી, પણ સિક્કાની બીજી બાજુ હોય છે, તો તેનો પણ વિચાર કરવો ઘટે. એમાં પણ બેન્ક પેન્શનર્સની સ્થિતિ દયનીય છે. આમ તો નિવૃત્ત કર્મચારી ઘરમાં ને બહાર પણ એક પ્રકારનો બોજ જ હોય છે. કુટુંબમાં નિવૃત્તની સરભરા બોજ હોય છે ને જો નિવૃત્ત, પેન્શન મેળવતો હોય તો, પેન્શન ચૂકવનાર માટે બોજ હોય છે. નિવૃત્ત કામનો હોતો નથી ને ઉપરથી તેને પેન્શન ચૂકવવાનું જીવ પર આવતું હોય એમ બને, એટલે જ હવે ઘણી નોકરીઓમાં પેન્શન રહ્યું નથી. હા, રાજકારણી હોય તો કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદ સભ્ય તરીકે એકથી વધુ વખત પેન્શન મેળવી શકે, પણ તે સિવાય પેન્શન લગભગ નીકળી ગયું છે. એ તો સમજ્યા, પણ જે પેન્શનર્સ, પેન્શન મેળવે છે, એમની સ્થિતિ કેવીક છે? જોઈએ –
બેન્કો, બેન્કો વચ્ચે પણ ભેદભાવ છે. આર.બી.આઈ. મુજબ પેન્શન સ્કિમ 1993માં સાઈન થઈ. એ પછી પગાર ધોરણો સુધર્યાં છે, પણ બેન્કોનાં પેન્શન આજ સુધી અપડેટ થયાં નથી. તેની સામે રિઝર્વ બેન્કે બે વખત પેન્શન અપડેટ કર્યાની વાત છે. જો રિઝર્વ બેંક બે વખત પેન્શન અપડેટ કરી શકતી હોય, તો બીજી બેન્કોનાં પણ પેન્શન અપડેટ થવાં જોઈએ, પણ જાન્યુઆરી, 2026 સુધીમાં અપડેશન ટલ્લે જ ચડ્યું છે તે હકીકત છે. આ મામલે ભારતીય મજદૂર સંઘે 13 જાન્યુઆરી, 2026ને રોજ જોઈન્ટ સેક્રેટરી, બેન્કિંગ ઓપરેશન્સ, ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસિસ, મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ, દિલ્હીને પત્ર લખીને ત્રણ વિષયો – પેન્શન અપડેશન, એક્સગ્રેશિયા 4/2024 એન્ડ 2025 અને હેલ્થ ઇન્સ્યોરન્સ ઓફ પેન્શનર્સ – પર વિગતે પત્ર લખ્યો છે. સીધી વાત એ છે કે બેંક પેન્શનર્સનું અપડેશન આર.બી.આઈ.ની ગાઈડલાઈન્સ મુજબ થવું જ જોઈએ. પેન્શન રેગ્યુલેશન એકટ પણ એના પર આધારિત છે. રિઝર્વ બેન્ક રિટાયરીઝને બબ્બે વખત પેન્શન અપડેશનનો લાભ મળ્યો હોય તો એની જ અન્ય બેન્કના નિવૃત્તોને એ લાભ ન આપીને ભેદભાવ વધારવાનું શું કારણ છે તેનો ખુલાસો થવો જોઈએ.
એ ખરું કે નિવૃત્તો પાસેથી સરકારને કોઈ લાભ નથી. એમના થોડા મતોથી સરકાર ચૂંટાય એમ નથી. ઘણાં તો અપડેશનનો કોઈ લાભ લીધા વગર જ ગુજરી ગયા છે. એ હિસાબે નિવૃત્તો સ્પેન્ટફોર્સથી વિશેષ કંઇ નથી. આ પરિસ્થિતિમાં સરકાર કે રિઝર્વ બેન્ક તાકીદે કોઈ પગલાં ન ભરે તે સમજી શકાય એવું છે. પેન્શન અપડેશન સંદર્ભે સરકાર સુધી રજૂઆતો થઈ છે, પણ સરકાર જાણે છે કે આ નિવૃત્તો સભા-સરઘસ, રેલી-રેલા કાઢી શકે એમ નથી ને હડતાલ તો પાડી શકે એમ જ નથી, કારણ, આ નિવૃત્તો નોકરીમાં જ નથી, તો હડતાલ પાડે તો પણ ક્યાંથી? આ બધું જોતાં સરકાર કે રિઝર્વ બેંક, નિવૃત્તોના પ્રશ્નો ઉકેલવામાં આળસ કરે તે સમજી શકાય એમ છે. ટૂંકમાં, નિવૃત્તોનું કંઇ ઉપજે એમ નથી ને એમની લાચારીનો લાભ લેવાઈ રહ્યો હોય એમ લાગે છે.
આટલું ઓછું હોય તેમ પેન્શનર્સનો વીમો એક કાળે કોઈ લેતું ન હતું, એટલે તેમનો ગ્રૂપ ઇન્સ્યોરન્સ ઉતારવાની તકો ઊભી થઈ. હવે નિવૃત્ત બેન્ક કર્મચારીઓનો ગ્રૂપમાં મેડિક્લેઇમ ઊતરે છે. એમાં ઘણાં નિવૃત્તો જોડાયા છે. આજકાલ માંદા પડવાનું મોંઘું થયું છે, એ સંજોગોમાં મેડિક્લેઇમ હોય તો રાહત રહે. એમાં પણ કંપનીઓ પ્રીમિયમ વધારતી રહે છે ને તે એ હદે વધારે છે કે દોઢ બે મહિનાનું પેન્શન તો મેડિક્લેઇમ લેવામાં જ પૂરું થઈ જાય છે. આ પ્રીમિયમમાં સરકાર, પોતાનો 18 ટકા જી.એસ.ટી.નો ભાગ પણ વસૂલે છે. નિવૃત્તો પાસેથી વસૂલાતો જી.એસ.ટી. ઉઘાડી લૂંટથી વિશેષ કંઇ નથી. નિવૃત્તોને લાભ આપવાને બદલે જી.એસ.ટી. વસૂલવાનું શરમજનક છે.
એ જ કારણે કદાચ, કેટલીક બેન્કોએ કેરલા હાઈકોર્ટમાં રીટ પીટીશન કરી. એમાં ગ્રૂપ ઇન્સ્યોરન્સ લેનાર નિવૃત્ત કર્મચારીઓને પણ વ્યક્તિગત (ઇન્ડિવિજ્યુઅલ) વીમા ધારકની જેમ, જી.એસ.ટી. માફ થાય એ હેતુથી, ગ્રૂપ ઇન્સ્યોરન્સ માટે બેન્ક પણ જોડાઈ. એ સંદર્ભે આઈ.બી.એ.એ એવી વ્યવસ્થા ગોઠવી કે પ્રીમિયમની સાથે જી.એસ.ટી. ન કાપવો. કેરલા હાઈકોર્ટનું જજમેન્ટ આવે ને તેમાં જી.એસ.ટી. માફ થાય તો અગાઉથી કાપેલ જી.એસ.ટી., કર્મચારીઓને પરત આપવાનું મટે.
પણ, કેરલા હાઈકોર્ટે રીટ ફગાવી દીધી. ચુકાદામાં સ્પષ્ટ કહેવાયું છે કે જી.એસ.ટી. મુક્તિ માત્ર વ્યક્તિગત સ્વાસ્થ્ય વીમા પોલિસીને જ લાગુ પડે છે અને તે ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીઓને લાગુ પડતી નથી. જજ ઝિયાદ રહમાન એ. એ. જે કહ્યું છે તે એમના જ શબ્દમાં જોઈએ, ‘Therefore, I find no merits in the contentions raised by the petitioners. As mentioned above, the exemption provided as per the notification No. 16/2025- Central Tax (Rate) ; G.S.R. 666 (E) dated 17.9.2025 is intended to cover the individual policies alone, and not for the group insurance policies issued based on the understanding reached between the Indian Banks Association and the Insurance Company followed by collective bargaining.
In such circumstances, I do not find any merits in writ petitions and accordingly, these writ petitions are dismissed.’
આ જજમેન્ટ પછી વીમા કંપનીએ નિવૃત્ત કર્મચારીઓ પાસેથી 18 ટકા જી.એસ.ટી. તાત્કાલિક જમા કરાવવા સૂચના આપી છે. ટૂંકમાં, કેરલા હાઈકોર્ટનું જજમેન્ટ ફેર વિચારણા માંગે છે. નિવૃત્ત કર્મચારીનો વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા કંપનીઓ તૈયાર હોત તો મોટે ભાગે નિવૃત્ત કર્મચારીઓએ વ્યક્તિગત વીમો લેવાનું જ પસંદ કર્યું હોત, પણ તેવી તકો ન હતી એટલે જ નિવૃત્તોએ નાછૂટકે ગ્રૂપ ઇન્સ્યોરન્સમાં જવું પડ્યું, કારણ ઉંમર વધતાં દવાખાનાં અને હોસ્પિટલો પરવડે તેવાં ભાગ્યે જ હોય છે. એ સ્થિતિમાં ઇન્સ્યોરન્સ જ એક ઉપાય બચે છે. હવે કેરલા હાઈકોર્ટ, નિવૃત્ત બેંક કર્મચારીઓનો જી.એસ.ટી. માફી માટે એમ કહીને એકડો કાઢી નાખે કે તે નિવૃત્તોએ ગ્રૂપ ઇન્સ્યોરન્સ લીધો છે, એટલે તેમને જી.એસ.ટી. માફી ન મળી શકે, એ યોગ્ય નથી.
આ ચુકાદો બધી રીતે ફેરવિચારણાને પાત્ર છે. જી.એસ.ટી. મુક્તિ માત્ર વ્યક્તિગત વીમેદારને જ મળે, તો ગ્રૂપ અને વ્યક્તિગત એવા ભેદ પાડીને કોર્ટ શું સૂચવવા માંગે છે તે નથી સમજાતું. નિવૃત્તની ઉંમર 60ની થઇ જતાં તેને વ્યક્તિગત વીમાનો લાભ ન મળતો હોય તો, પોતાની આરોગ્ય સલામતી માટે, તેની પાસે ગ્રૂપમાં જવા સિવાય બીજો વિકલ્પ જ કયો બચે છે?
વારુ, ગ્રૂપમાં મેડિક્લેઇમ લેનાર વીમેદારની પોલિસી ગ્રૂપમાં નથી બનતી, તેના કાર્ડ પર ગ્રૂપ ઉપરાંત, પણ વીમેદારનું નામ હોય છે, એટલું જ નહીં, જે તે પ્રીમિયમ નિવૃત્ત વીમેદારનાં ખાતામાંથી (વ્યક્તિગત ધોરણે) કપાય છે. વીમેદારનો કાર્ડ અંગત નામે બનતો હોય, પ્રીમિયમ વ્યક્તિગત રીતે ખાતામાંથી કપાતું હોય, તો ગ્રૂપનું નામ હોવા માત્રથી તે વીમેદારને ગ્રૂપમાં ખતવી દેવાય એ બરાબર નથી. એવો કોઈ વિશેષ લાભ ગ્રૂપમાં વીમો લેવાથી વીમેદારને મળતો ન હોય તો, તેની પાસેથી 18 ટકા જી.એસ.ટી. ખંખેરી લેવામાં માણસાઈ નથી. વ્યક્તિગત વીમો લેનાર સરકારને શો લાભ ખટાવે છે ને ગ્રૂપ ઇન્સ્યોરન્સ લેનારથી સરકારને શું નુકસાન જાય છે કે વ્યક્તિગત વીમેદારને જી.એસ.ટી. મુક્તિ મળે છે ને ગ્રૂપ વીમેદાર પાસેથી 18 ટકા જી.એસ.ટી. વસૂલાય છે એ સમજાતું નથી.
આનો ખુલાસો કોર્ટે કર્યો નથી ને સરકાર પણ સ્પષ્ટતા કરતી નથી, તે એકને ગોળ અને એકને ખોળની નીતિ-રીતિનો જ પડઘો પાડે છે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 જાન્યુઆરી 2026
![]()

