Opinion Magazine
Number of visits: 9447503
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૬)

સુમન શાહ|Opinion - Literature|13 May 2023

કવિઓના પ્રકાર –

કાવ્યશાસ્ત્રમાં, કવિઓના ત્રણ પ્રકાર વર્ણવાયા છે :

શાસ્ત્ર-કવિ. કાવ્ય-કવિ. શાસ્ત્ર અને કાવ્ય બન્નેમાં પ્રવીણ, ઉભય-કવિ.

સુમન શાહ

શ્યામદેવ જણાવે છે કે એ ત્રણમાં ઉત્તરોત્તર કવિ, શ્રેષ્ઠ છે. એટલે કે, શાસ્ત્ર-કવિથી કાવ્ય-કવિ અને કાવ્ય-કવિથી ઉભય-કવિ ચડિયાતો છે.

પણ વાસ્તવને ઓળખનારા રાજશેખર કહે છે – ના ના, પોતપોતાના વિષયમાં બધા શ્રેષ્ઠ છે. તેઓ સરસ કહે છે કે – રાજહંસ ચન્દ્રિકાપાન નથી કરી શકતો અને ચકોર નીરક્ષીર-વિવેકમાં સમર્થ નથી. એટલે કે, પોતપોતાના વિષયમાં બન્ને શ્રેષ્ઠ કલાવિદ છે.

તદનુસાર, શાસ્ત્ર-કવિ શાસ્ત્રીય ગમ્ભીરતાને કારણે રસ, ધ્વનિ આદિ દ્વારા કાવ્યમાં રસ-સમ્પદાની શોભા વધારતો હોય છે. તેવી રીતે, કાવ્ય-કવિ તર્કકર્કશ શાસ્ત્રીય જટિલ વિષયોને પોતાની સુકુમાર કલાકૃતિથી સરસ અને સુન્દર બનાવી શકતો હોય છે. ઉભય-કવિ બન્ને વિષયોમાં સિદ્ધહસ્ત હોવાને કારણે વાસ્તવમાં બન્નેમાં શ્રેષ્ઠ નીવડતો હોય છે.

રાજશેખર એક નૉંધપાત્ર સત્ય ઉચ્ચારે છે. કહે છે – અમે માનીએ છીએ કે કાવ્ય અને શાસ્ત્રનો ઉપકાર્ય-ઉપકારક ભાવ છે; શાસ્ત્ર દ્વારા કાવ્યને ઉપકાર થાય છે અને કાવ્ય દ્વારા શાસ્ત્રને. કવિ જો શાસ્ત્રોનો પણ વિદ્વાન હોય તો એની રચના અધિક ગમ્ભીર, સરસ અને ઉચ્ચ કોટિની નીવડી આવે છે. કેવળ શાસ્ત્ર જાણનારો વિદ્વાન કવિતાનો વિરોધી હોય છે, એ જો કવિતા કરે, તો અરોચક અને નીરસ નીવડતી હોય છે. જ્યારે, કાવ્યનું જ્ઞાન શાસ્ત્રીય વાક્યોના પોષણમાં સરળતાથી સહાયક નીવડે છે. પરન્તુ, કેવળ કાવ્યજ્ઞાનમાં શાસ્ત્રીય ગામ્ભીર્યનો અભાવ રહેતો હોય છે.

અહીં રાજશેખર સઘળા કવિ-ભેદ સાચવે છે છતાં તરત સમતા ભણી વળી જાય છે. આમે ય મને તેઓ પ્લુરાલિસ્ટ વરતાયા છે. મેં જ્યારે જોયેલું કે એમણે શાસ્ત્ર-કવિ અને કાવ્ય-કવિના પેટા પ્રકારો પણ દર્શાવ્યા છે, ત્યારે મને મારું આ મન્તવ્ય દૃઢ થતું લાગેલું.

કાવ્ય-કવિના પ્રકાર જોઈએ. એમણે ૮ પ્રકાર દર્શાવ્યા છે, તે આ પ્રમાણે છે :

૧ : રચના-કવિ

આ કવિ કેવળ શબ્દોની રચનાછટા દાખવતો હોય છે. એની કૃતિ પઠન-શ્રવણમાં સુન્દર પ્રતીત થાય છે પણ અર્થ બાબતે એમાં ગમ્ભીરતા નથી હોતી.

૨ : શબ્દ-કવિ

એમાં એક છે, નામ-કવિ

એ નામવાચક સુબન્ત (નામાદિ) શબ્દો બહુ વાપરતો હોય છે.

ઉદાહરણ – જેમ પુરુષ માટે વિદ્યા, રાજા માટે મહિમા, વૈદ્ય માટે પ્રજ્ઞા, ભવિષ્યદર્શી માટે બુદ્ધિ, સજ્જન માટે દયા,  વગેરે વગેરે …

અહીં અનેક નામો – સુબન્ત શબ્દો – એકનીએક ક્રિયા સાથે જોડાયા છે, એટલે એના રચનાકારને નામ-કવિ કહેવો જોઈશે.

એમાં બીજો છે, આખ્યાત-કવિ 

એ આખ્યાત પદ બહુ વાપરતો હોય છે.

ઉદાહરણ – સમુદ્રમાંથી અમૃતમન્થન પ્રસંગે, ગુરુએ – બૃહસ્પતિએ – કરેલી અમૃતમન્થનની ઘોષણા સાંભળીને દેવતાગણ અટ્ટહાસ્ય કરતા’તા, પ્રસન્ન થતા’તા, ગર્જના કરતા’તા, ફરકતી ભુજાઓનો પરસ્પર આઘાત કરતા’તા, સ્તુતિ કરતા’તા, પ્રમુદિત થતા’તા.

અહીં નામ-પદ તો એક-બે જ છે, બાકી બધાં આખ્યાત અથવા ક્રિયાપદ છે.

૩ : નામાખ્યાત-કવિ

આ કવિ નામ અને ક્રિયાપદ બન્નેનાં મિશ્રણ કરતો હોય છે.

૪ : અર્થ-કવિ

ઉદાહરણ – કુમાર કાર્તિકેયના જન્મમહોત્સવ પ્રસંગે, હાથ ઊંચા કરીને એક બાજુએથી ભૃંગિરિટ ગણ આવી રહેલો ને બૂમો પાડીને કહેતો’તો – હે ગણો ! બેસી શું રહ્યા છો, દેવીએ (પાર્વતીએ) પુત્ર પ્રસવ્યો છે, ગાવ અને નાચો. એવી જ રીતે, બીજી બાજુએથી ચામુણ્ડા આવી રહેલી; બધાં પરસ્પર મળીને આલિંગન કરતાં કરતાં નાચવા લાગેલાં. એમનાં ગળામાં લટકતી પુરાણાં સૂકાં હાડકાંની માળાઓ પરસ્પર અથડાઈ એટલે એનો એવો તો ભયંકર ધ્વનિ થયો કે દેવતાઓનો દુન્દુભિ ધ્વનિ તો ક્યાં ય દબાઈ ગયો.

અહીં કવિએ શબ્દરચના તો કરી જ છે પણ અપેક્ષા એ રાખી છે કે પ્રધાનપણે અર્થ ચમત્કારી બની આવે.

૫ : અલંકાર-કવિ

એમાં એક છે, શબ્દાલંકાર-કવિ

ઉદાહરણ – ખેદ છે કે મેં મારાં પાપકર્મોને લીધે વિષમ રણ પ્રાપ્ત ન કર્યુ ને વિષ-મરણ પ્રાપ્ત કર્યું. હું મન્દભાગી ભાગીરથીમાં ન મરીને સાધારણ એવી રથ્યામાં – ગલીમાં – દુર્ગતિ પામીને મર્યો.

અહીં, વિષમ-રણ અને વિષ-મરણ, ભાગીરથ્યામ્ અને મન્દભાગી રથ્યામ્ -માં પાદમધ્યયમક શબ્દાલંકાર છે.

એમાં બીજો છે, અર્થાલંકાર-કવિ.

ઉદાહરણ -ફરફરતી જિહ્વારૂપી પતાકાવાળા અને ફણારૂપી છત્ર ધારણ કરનારા સર્પરાજ વાસુકીની દાંતરૂપી શલાકાઓનો ભંગ કરવા માટે મારી ભુજાઓ સમર્થ છે.

અહીં, જિહ્વા-પતાકા, ફણચ્છત્ર, દંષ્ટ્રા-શલાકા વગેરેમાં રૂપક અલંકારની પ્રધાનતા પ્રતીત થાય છે.

૬ : ઉક્તિ-કવિ

ઉદાહરણ – યૌવન ! આ સુનયના રમણીમાં તું રમણીય ક્રીડાઓ કરી રહ્યું છે. એની સુન્દર પાતળી કમર કોઈના શ્વાસથી ભંગ થવા યોગ્ય છે, સ્તનોની વિશાળતા સુન્દર ભુજલતાઓ જોડે આલિંગન કરી રહી છે, અને એનું મુખચન્દ્ર આંખોની નલિકાથી પાન કરવાને યોગ્ય આકર્ષક થઈ ગયું છે.

અહીં યૌવનના આરમ્ભનું વર્ણન છે. કવિએ શ્વાસભંગ માટે યોગ્ય કટિ, સ્તનોની વિશાળતાને આલિંગન, અને મુખચન્દ્રનું નેત્રનલિકાથી પાન, વગેરે ઉક્તિઓમાં વિશેષતા દાખવી છે.

૭ : રસ-કવિ

ઉદાહરણ – મોટે ભાગે લોકોમાં જાણીતું છે કે પ્રસિદ્ધ તામ્રવર્ણી નદી સમુદ્ર સાથે સંગમ કરે છે, ત્યાં ઉચ્ચ કોટિનાં મોતી ઘણાં ઉત્પન્ન થાય છે. કાલિદાસે પણ એની ચર્ચા કરી છે. કવિ વર્ણન કરે છે : હે કૃશોદરિ ! સમુદ્રમાં ભળી જતી આ નદીને જો, છિપોનાં સમ્પુટથી નીકળેલા એના જલકણ સુન્દરીઓના વિશાળ સ્તન-તટો પર મોતીના હાર રૂપે શોભે છે.

અહીં, કવિ સમ્ભોગ શ્રૃંગારરસ પૂર્ણ કરવામાં સફળ રહ્યો છે.

૮ : માર્ગ-કવિ

ઉદાહરણ – પૂર્વકાળે શિવજીની નેત્રજ્વાળાથી કામદેવ બળી રહ્યો’તો, ત્યારે એના પ્રિય મિત્ર ગ્રીષ્મે એને દાહશમનની ઔષધિઓ પ્રદાન કરેલી, જેથી એનો તાપ શાન્ત થઈ શકે – જેમ સુગન્ધબાલાની ગન્ધથી – માલતીની છાલથી – ચન્દન વૃક્ષોના સારથી – અશોકનાં લીલાં સરસ પલ્લવથી – શિરીષનાં પુષ્પથી અને પક્વ કેળાંથી થઈ શકે છે. તાત્પર્ય એ છે કે આ બધાં સાધન ગ્રીષ્મકાળે શીતળ, એટલે કે કામક્રીડા-નાં જીવન હોય છે. 

અહીં, કવિએ મૂળથી માંડીને ફળ સુધીની ઔષધિઓનો વર્ણનક્રમ આકર્ષક રીતે તેમ જ વૈદર્ભી રીતિ અથવા માર્ગ અનુસાર સાચવી બતાવ્યો છે.

રાજશેખરે કવિઓની દસ અવસ્થા પણ દર્શાવી છે. ક્રમશ: જોઈએ :

૧ :

કવિત્વપ્રાપ્તિની ઇચ્છાથી કાવ્ય અને તદંગભૂત અલંકાર છન્દ કલા આદિ વિદ્યાઓના જ્ઞાન માટે ગુરુકુળમાં જાય, એ જન કાવ્યવિદ્યાસ્નાતક છે.

૨ :

મનમાં ને મનમાં કાવ્યરચના કરે છે પણ સંકોચવશ, અથવા દોષ નીકળશે એવા ડરને કારણે, કોઈને સંભળાવે નહીં, મનમાં જ રાખે, એ જન હૃદયકવિ છે.

૩ :

પોતાની રચનાની વિપરીત આલોચના થશે એવા ભયથી, એ રચના બીજાની છે, એમ કહીને પઠન કરે, એ જન અન્યાપદેશી કવિ છે.

૪ :

કંઈક રચના કરવા લાગ્યો હોય પણ પુરાતન કવિઓમાંથી કોઈ એકને પોતાનો આદર્શ માનીને એની છાયામાં કાવ્ય રચ્યા કરતો હોય, એ જન સેવિતા કવિ છે.

૫ :

જુદા જુદા વિષયો લઈને ફૂટકળ રચનાઓ કર્યા કરે, કોઈ એક નિબન્ધન પર જાય નહીં, એ જન ઘટમાન કવિ છે.

૬ :

એક સમ્પૂર્ણ નિબન્ધ-કાવ્યનું નિર્માણ કરે, એ જન મહાકવિ છે.

૭ :

જુદી જુદી ભાષાઓમાં જુદી જુદી પ્રબન્ધ-રચનાઓ અને ભિન્ન ભિન્ન રસમાં સ્વતન્ત્રતાપૂર્વક નિર્બાધ કાવ્યનિર્માણ કરવામાં સમર્થ હોય, એ જન કવિરાજ છે. સંસારમાં કવિરાજ ગણ્યાગાંઠ્યા હોય છે.

૮ :

મન્ત્ર વગેરેનાં ઉપદેશ અને અનુષ્ઠાનથી કાવ્યસિદ્ધિ પ્રાપ્ત કરે, એ જન આવેશિક કવિ છે.

૯ :

પોતે જ્યારે ઇચ્છે ત્યારે ધારાપ્રવાહથી કોઈપણ વિષય પર કાવ્યરચના કરી પાડે, એ અવચ્છેદી કવિ છે.

૧૦ :

અવિવાહિત કન્યાઓ કે કુમારો પર મન્ત્રશક્તિ દ્વારા સરસ્વતીનો સંચાર કરે, એમની પાસે કાવ્યો કરાવે, એ જન સંક્રામયિતા કવિ છે.

બૅન્જામિન સૅમ્યુઅલ બ્લૂમે રચેલી ટૅક્સોનૉમિ —

કોઈને લાગે કે આ જાતના પ્રકારભેદ અને તેનાં આટલાં બધાં વર્ગીકરણથી, ટૅક્સોનૉમિથી, શો લાભ? યાદ કરો, કેળવણીપરક અમેરિકન મનોવિજ્ઞાની બૅન્જામિન સૅમ્યુઅલ બ્લૂમે રચેલી ટૅક્સોનૉમિ, કેળવણીક્ષેત્રે કેટલી લોકપ્રિય થયેલી.

આ કવિભેદનિરૂપણ અને તેનાં વર્ગીકરણથી સીધી કે આડકતરી રીતે કાવ્યવિદ્યા અને કાવ્યપરમ્પરા જેવાં અતિ આવશ્યક વાનાંનો મહિમા સૂચવાય છે. લાભ એ કે એ મહિમા આત્મસાત્ થાય તો કાવ્યકલાજ્ઞાન મળે, પ્રેરણા અને શીખ પણ મળે; કાવ્યદોષથી બચી શકાય, કાવ્યગુણની સૂઝબૂઝનો વિકાસ થાય. કલા અને અકલા વચ્ચેનો મૂળ ફર્ક શું છે તે સમજાય.

આ સઘળા કવિભેદ કવિઓની ભિન્ન ભિન્ન વર્તણૂકોનો પણ પરિચય આપે છે. એ વર્તણૂકો સાર્વત્રિક અને સર્વકાલીન છે, કોઈપણ ભાષાસાહિત્યના કવિઓમાં, સર્જકોમાં, જોવા મળે છે.

આપણે ત્યાં ક્યાં નથી એવી બધી વર્તણૂકો …

(હવે પછી, કુન્તક — )

= = =

(05/12/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

13 May 2023 Vipool Kalyani
← શું ગાંધીજી / નેહરુ / ઇન્દિરાજીએ ક્યારે ય નફરત ફેલાવી હતી?
આપણી ક્ષમતા નહીં, દૃષ્ટિ સીમિત હોય છે : ખલિલ જિબ્રાન  →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved