દેશ જુદો, સભ્યતા જુદી, સંસ્કૃિત જુદી, પણ મનુષ્યપ્રકૃતિ જુદી નથી. આકાશ સૂરજ ચન્દ્ર કે તારા તો એ જ છે
એક ગુજુકહાણી
કહે છે, વિદેશમાં ગામનું કૂતરું ય મળે તો માણસ ખુશ થઇ જાય ! હું ૨૫ વર્ષથી અમેરિકા જઉં-આવું છું. મને એક પણ વાર નથી મળ્યું. ઊલટું, દેશીઓ મળી જાય છે. તરત પૂછે : ગુજરાતી છો? : જવાબ આપતાં જરાક વાર થઇ હોય એટલે અંગ્રેજીમાં પૂછે : ડુ યુ સ્પીક ગુજરાતી? : તમે કહો, યસ્સ આઇ ડુ, એટલે તરત ગુજરાતીમાં આવી જાય : ક્યાંના તમે? કેટલું રહૅવાના? – કરતો બધું જાણી લે : ઑ’રાઇટ ઑ’રાઇટ, મલ્સું પાછા, નીકરી આવજો અમારી સ્ટ્રીટ તરફ … સ્ટ્રીટનું નામ તો લે જ નહીં, ડોક હલાવતો ચાલી જાય. તેમ છતાં, ગુજુભાઇઓ મને ભલા ભાસે છે. ગમે છે.
જો કે અમેરિકનોનાં વર્તન જોવાથી ફર્ક કે ડિફરન્સ બહુ અનુભવાય : જાહેરમાં કોઇ પણ અમેરિકન થૂંકતો નથી. લીંટ આવ્યાં હોય તો સટાક્ કરીને રોડ પર નથી ઉછાળતો. કોઇની સામે કોઇ ઉધરસ ઓડકાર કે બગાસાં નથી ખાતું. એકી-બેકી જેવા ઉત્સર્ગો રસ્તાની સાઇડે કે ખૂણામાં, કોઇ કરતું નથી, અંધારામાં ય નહીં. ચાર આંખ મળી જાય તો સ્માઇલમિશ્રિત ‘હાય’ કે ‘હૅલો’ કહે છે. કેમ કે, ‘સ્ટૅર’ કરવું ઉચિત નથી. કોઇ ચાલાકી વાપરીને કોઇના શરીરને અડતું નથી. લોકશિસ્ત એવી કે આકસ્મિક સ્પર્શનો ય ચાન્સ નથી. છતાં, જો થઇ જાય, તરત ‘સાચ્ચું’ સૉરિ કહેવાતું હોય છે. કોઇની કોઇ ચીજવસ્તુ સરસ લાગે, ‘હાઉ નાઇસ’ કે ‘ઇટ્સ પ્રેટિ’ કહી શકાય છે. વધુમાં, ‘આઇ લાઇક ઇટ વૅરિ મચ’ કહી શકાય. ‘આઈ લવ ઇટ’ કહેવાની ઉતાવળ ન કરાય.
વૉક માટે પાર્કમાં જઉં છું ત્યાં વિવિધ પ્રજાતિનાં સુન્દર સુન્દર કૂતરાં જોવા મળે છે. અમેરિકન ભાઇ કે બાઇ પોતાનાં એ પેટ્સની જોડે જ હોય. હું કહેતો હોઉં, નાઇસ ડૉગી : ઓય્યા, ઇટિસ, થૅન્ક્સ : ક્યારેક તો પેટમાં ને પ્રામમાં ય બાળક, બાજુમાં ય સન્તાન, આગળ પતિ, ને કૂતરું -પાંચેય મજાથી જતાં હોય. કોઇ વાતોડિયું હોય તો જણાવે : ઇટિસ ઓન્લિ ફાઇવ મન્થ્સ ઓલ્ડ : તમે પૂછી શકો, વીચ સ્પીશીઝ? : ‘કુર કુર આર્મેનિયન’ : એ યુવતીને મેં કહેલું -ઇન માય રીજ્યન, વી હૅવ, કુરકુરિયાંઝ : ઓ રીયલિ ! : એટલે મેં એને કુરકુરિયાંની સમજ પાડેલી. મને સ-સ્મિત જોઇ રહેલી. પછી, સો નાઇસ ટૉકિન્ગ વિથ યુ-નો ટહુકો કરીને ચાલી ગયેલી. આ પ્રજા સરળ છે. વિવેકમાં સમજે છે. એટલે ‘જીભ-હલાવ’ વિવેક નથી કરતી. કેળવેલી નાગરિકતા બહુ એટલે બહુ જ ! જીવનશૈલી કહો કે જે કહો તે.
આપણા લોકોને આ સોજ્જું નાગરિકજીવન સમજતાં વાર લાગે છે. એટલે ટીકાઓ સૂઝે છે. દાખલા આપું : એકમેકની કમરમાં હાથ ભીડાવીને શું ચાલતાં હશે, વેવલાં ! : ભાઇ આગળ ને બાઇ પાછળવાળી ગુજરાતી સ્ટાઇલનો સંસ્કાર બોલતો હોય. ડૉલરની નૉટો એક જ કલરની જોઇને કહે -આવું તે કંઇ હોય? ૧-ની અને ૧૦૦-ની એક જ લાગે છે ! કેવાં પછાત છે ! : ડઘાઈ ન જવાય એટલા માટે ચિન્કુ, મૅકલો, કલ્લુ, ધૉળિયો જેવા અપશબ્દો અંદર અંદર વાપરે છે કેમ કે જાહેરમાં તો ‘રેસિસ્ટ’ તરીકે દંડાઇ જવાની ખાતરી હોય છે. ‘પીવા’ સાથેના ગુજરાતી ખાણાંને ઉત્તમ ગણે. ’ભારતનાટ્યમ્’ બોલે, ‘કિન્નરગાર્ડન’ બોલે, કેમ કે જિજુ પાસેથી શીખેલી ! તમે કહો કે, સાચું ‘ભરતનાટ્યમ્’ છે, સાચું ‘કિન્ડરગાર્ટન’ છે, તો તમને ખોટા પાડે !
આમ છતાં, એક આડવાત કરું. વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓએ ઉમદા કામો કરીને વિદેશોમાં ગુજરાતના ગૌરવને સુદૃઢ કર્યું છે. હું સાહિત્યક્ષેત્ર વિશે જ કહી શકીશ. માત્ર ઉલ્લેખ કરું : ૧૯૭૭માં ઈન્ગ્લૅન્ડમાં ડાહ્યાભાઇ પટેલ અને વિપુલ કલ્યાણી આદિએ અને અમેરિકામાં નટવર ગાંધી તેમ જ મિત્રોએ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃિતના સાતત્યપૂર્ણ વિકાસ માટે અકાદમીઓની સ્થાપના કરી. (નટવરભાઇએ વૉશિન્ગ્ટનના ‘ટૅક્સ કમિશ્નર’ તેમ જ ‘ચીફ ફાઇનાન્સ ઑફિસર’ તરીકે રાજસેવાકૌશલમાં અનેક વ્યક્તિગત સિદ્ધિઓ હાંસલ કરી છે.) ઈન્ગ્લૅન્ડની અકાદમીને પ્રો. જગદીશ દવેની અને અમેરિકાની અકાદમીને પ્રો. મધૂસુદન કાપડિયાની સાહિત્યિદૃષ્ટિના લાભ મળતા રહ્યા. ‘અસ્મિતા’ અને ’ઓપિનિયન’-માં ઈન્ગ્લૅન્ડવાસીઓનાં તેમ જ કિશોર દેસાઇના ‘ગુર્જરી’-માં અમેરિકાવાસીઓનાં લેખન પ્રગટ્યાં. બાબુ સુથારે દેશ અને વિદેશના, બન્નેના, સાહિત્યોને માટેનું અનોખું સામયિક ‘સન્ધિ’ શરૂ કર્યું. સરવાળે, પરાયા મુલકમાં ગુજરાતી ભાષા-સાહિત્યની ગૌરવશાળી પરિપાટીઓ ઊભી થઇ – જે આજે પણ વિકાસોન્મુખ રહી છે.
ફર્ક તો છે જ : નિગર, બ્રાઉન, યલો. વ્હાઇટની ફિઝિકલ સુપિરિઓરિટી છે જ. મજબૂત બાંધાના લોક. સૂકલકડી કોઇ જડે નહીં. જાડાપાડા વધારે મળે. કોઇ કોઇ તો મારા જેવા સાડાત્રણને ભેગા બાંધો એવડા જાડા. એવડી જાડી. ચૉતરફ લોથડે લોથડા, ચારેય દિશાએ મેદસ્વી. દ્વિરેફે વાર્તામાં જાડિયા પાત્રનાં અંગોપાંગ માટે ‘સૂરણની ગાંઠો’-નું ઉપમાન યોજ્યું છે. પણ અહીં તો, કહેવું જોઇએ કે ‘પમ્પકિન’ -કૉળાં- બાંધ્યાં છે ! અતિશરીરરોગ. શારીરિક હાજતો શી રીતે પતાવતાં હશે? એક વાર વિનોદ જોશીએ મને કાઠિયાવાડના એવા કોઇ મહા વજનદાર મનુષ્યની વાત કરેલી. કહે, એમણે ચાકર રાખ્યો છે, ‘સં-પાદન’ માટે પગ ઊંચકી આપે. તેમ છતાં, અહીં કોઇ કોઇની ઠેકડી નથી ઉડાવતું. ઈશ્વરે આપેલી સુકૃત કે પોતાથી થઇ ગયેલી વિકૃત કાયા લઇને બધાં પ્રસન્નતાથી હરેફરે છે. અરસપરસ માયા રાખે છે.
હાલ ફૉલ છે. સમરમાં અમેરિકન યુવાન કમરેથી શરૂ થતા ચળકતા પ્રગાઢ લાલ ચડ્ડામાં જોવા મળે; ઉપર આછું ગ્રે ટી-શર્ટ. યુવતી, ડૅનિમ શૉર્ટમાં. આધેડ હોય એ ટાઇટીમાં; ઉપર બાંય વિનાનું ટી-શર્ટ. સ્ત્રીઓ શૂઝથી છેક ઊંચે હૉટ-પૅન્ટ જેવી ચડ્ડીઓમાં જ કેમ? કાયાનો સુઘડ કે બેડોળ આકાર સુપેરે પામી શકાય એવી સ્કીનીમાં જ કેમ? અને પુરુષોના ચડ્ડા કમરના હાડકાથીયે નીચેથી કેમ? -જેવું એક ફૅમિનિસિસ્ટ બ્રૂડિન્ગ – નારીવાદપરક ચિન્તન- મનમાં રમતું થાય, તો થવા દેવાનું. ચીડાવાનું નહીં. એવીતેવી બાબતો માટે અમેરિકનો ફટાફટ પ્રતિભાવો નથી આપતા. ટ્રમ્પ કે ઓબામા સારા? – જેવી ભાંજગડમાં જનસામાન્યને રસ નથી. આપણા ગુજુભાઇઓ તો અહીં બેઠાં ય રોજ્જે નરેન્દ્રભાઇને સંભારે છે.
સમાન શું છે? હૃદયના ભાવો. કેમ કે બધાં મનુષ્ય છે. અમેરિકનને ય પ્રેમના ભસકા ને ઉદરાવા ઊઠે છે. વિરહની બળતરા થાય છે. જાડીઓ ખડખડાટ હસે ત્યારે અમેરિકન નથી લાગતી. અમેરિકનને ય રડવું આવે છે. ‘કુર કુર’ મરી જાય તો ચ્હૅરા પરથી શૉક કે શોક ઝટ નથી હઠતો. વિસ્મિત થાય. ભય પામે. ઝઘડા કરે. મારામારી કરે. અમેરિકનને ય પાગલપન વળગે છે. ગન સુલભ છે. અનેકોનાં ઢિમ ઢાળી દે છે. સંસ્કૃિત જુદી પણ મનુષ્યપ્રકૃતિ જુદી નથી. દેશ જુદો, સભ્યતા જુદી, જીવન જીવવાની રીત જુદી, પણ આકાશ સૂરજ ચન્દ્ર કે તારા તો એ જ છે. સાહિત્યની જ વાત લો ને. રચના પરથી અંગ્રેજી ભાષા આદિના વાઘા ઉતારી લો, નીચે નથી કોઇ અમેરિકન, નથી કોઇ ગુજરાતી, બસ માણસ છે. એની વાર્તાઓ, એનાં નાટક, એનાં કવિત ને એનાં જ ગાયન. એ ભાષા આદિથી મુક્ત સાહિત્યપદાર્થની ખેવના કરવી મને પહેલેથી ગમે છે. આજે એટલે તો આ ગુજુકહાણી રચી – અલબત્ત, પ્રેમથી.
= = =
https://www.facebook.com/suman.shah.94/posts/1736987759665463
સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 02 ડિસેમ્બર 2017