
સંજય ભાવે
ક્રિકેટમાં વિશ્વવિજેત્રી બનેલી ભારતીય ટીમની મોટે ભાગે બધી ખેલાડીઓ નીચલા મધ્યમ કે ગરીબ ઘરની છે. પાંચ જ ખેલાડીઓ ખૂબ મોટાં શહેરો, મેટ્રો સિટીઝમાંથી આવી છે. બાકીની અગિયાર ખેલાડીઓ કસબા કે સાવ નાનાં ગામોની છે.
બધી ખેલાડીઓએ તેમ જ તેમના પરિવારોએ આર્થિક, સામાજિક, શારિરીક અને માનસિક સંઘર્ષ વેઠેલો છે (જો કે મહિલા કુસ્તીબાજો જેવો નહીં). ખેલાડીઓએ લોકોનાં મહેણાં અને જાકારો વેઠ્યાં છે, ઇજાઓ સહન કરી છે, સારવારના લાંબા ગાળામાં મેદાન છૂટી ગયું છે, ફૉર્મ ગુમાવ્યું છે, ટીમમાંથી પડતા મૂકાવાનું બન્યું છે.
બીજી બાજુ, ઘરના સભ્યોએ – વિશેષે પુરુષોએ – તેમને સાથ આપ્યો છે. ટેલિવિઝન અને મોબાઈલ, મનોરંજન કે ટાઇમપાસ માટે નહીં પણ ક્રિકેટના ડિસ્ટન્ટ એજ્યુકેશન માટેનાં ખૂબ ઉપયોગી માધ્યમ બન્યાં છે. દેશના ક્રિકેટિન્ગ આઈડોલ્સ આ યુવતીઓ માટે રોલ મૉડેલ્સ બન્યા છે. સાથીઓએ હૂંફ અને વરિષ્ઠ ખેલાડીઓએ માર્ગદર્શન આપ્યાં છે. દેશ માટે તેમ જ વિમેન્સ પ્રિમિયર લીગ માટે રમીને આ ખેલાડીઓ સ્વીકૃતિ, સન્માન અને કંઈક સમૃદ્ધિ પણ પામી છે. ભારતમાં મહિલા ક્રિકેટનું સ્થાન તેમણે ખૂબ ઉન્નત કર્યું છે. આ ખેલાડીઓના પરિવારના પુરુષોએ હિંસક માનસ ધરાવતા મરદોના એક મોટા વર્ગ માટે દાખલો પૂરો પાડ્યો છે. વિશ્વવિજય નિમિત્તે આ બધાં પાસાંને લગતી માધ્યમોમાં જોવા મળતી ધ્યાનપાત્ર માહિતી – ગુજરાતીમાં ઓછા પ્રમાણમાં આવી હોવાની છાપ સાથે – અહીં સંકલિત કરીને મૂકી છે.
દરેક ખેલાડીની રમતનો રેકૉર્ડ અને તેની સિદ્ધિઓ અલબત્ત સંગીન છે. તેની વારંવાર જાણવા મળતી સર્વસુલભ વિગતોને બદલે કારકિર્દીના સામાજિક અને માનવીય પાસાંને આ સંકલનમાં ધ્યાનમાં લીધાં છે. ક્રિકેટના જાણકારો અને પુરુષપ્રધાન વ્યક્તિઓને આ લેખ બિનમહત્ત્વનો લાગે એમ બને.
‘ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ’ વર્તમાનપત્રે ખેલાડીઓના નખચિત્રોનું એક આખું પાનું કર્યું છે જે ‘ટાઇમ્સ’ના એવાં પાનાં કરતાં વધુ રસપ્રદ જણાયું છે. ‘એક્સપ્રેસે’ મથાળું કર્યું છે : Her grit, Her game, Her glory : From Harmanpreet Kaur to Shafali Verma, meet India’s 16 pioneering World Cup winners. આ પાનાંના લેખકો છે વિનાયક મોહનરંગન અને શંકર નારાયણ. આ લેખમાં ક્રમ અને પેટામથાળાં પણ ‘એક્સ્પ્રેસ’નાં રાખ્યાં છે :

n Inspiring captain – Harmanpreet Kaur, Age : 36, Role: Middle-order batter, Moga, Punjab
જિલ્લા અદાલતમાં નોકરી કરતા હરમનસિંગ ભુલ્લરની દીકરી માટે બૅટ ખરીદવાની પણ વેત ન હતી. શાળામાં હરમનપ્રીત હૉકી અને ઍથ્લેટિક્સમાં પણ હતી. જો કે તેનું પૅશન ક્રિકેટ હતું. સ્થાનિક ક્રિકેટ કોચ કમલદીશ સિંગે એક વખત તેને છોકરાઓની સાથેની રમતમાં પવનવેગે બૉલિન્ગ કરતી જોઈ. તેના પિતાને સમજાવીને, દીકરીને ગામથી ત્રીસ કિલોમીટર પર આવેલી ક્રિકેટ ઍકેડેમીમાં મૂકી અને ખરચો પણ ભોગવ્યો. હરમનપ્રીતની કૅપ્ટનશીપ હેઠળ મોગા જિલ્લાની ટીમ સતત ચાર વર્ષ વિજેતા રહી. છગ્ગા મારીને શેરીના ઘરોની બારીઓના કાચ તોડનારી હરમન દુનિયાની છ સહુથી વધુ છગ્ગાબાજ મહિલાઓમાં સ્થાન ધરાવે છે. એક આંતરરાષ્ટ્રીય મૅચમાં તેણે 90 મીટર ઊંચો છગ્ગો મારતાં તેના બૅટની તપાસ કરવામાં આવી હતી ! અર્જુન અવૉર્ડ મળ્યા બાદ પણ જ્યારે હરમને પંજાબ પોલીસમાં નોકરી માટે અરજી કરી ત્યારે તેને કહેવામાં આવ્યું : ‘તું કંઈ ભજ્જી (હરભજનસિંહ) છે તે તને નોકરી આપીએ?’ અત્યારે તે રેલવેની કર્મચારી છે. આખરી જીત પછી તરત જ, તે પાંચ વર્ષની લાડલી હોય તેમ બાપાએ તેડેલી હરમન ફોટો / વીડિયોમાં જોવા મળે છે.
n Little sister, Big star: Smriti Mandhana (29), Opening batter, Sangli, Maharashtra
સ્થાનિક સ્તરે પિતાની અને રાજ્ય સ્તરે મહારાષ્ટ્રની અન્ડર-16માં મોટા ભાઈની રમત જોતાં મોટી થઈ છે. તેના પિતા કેમિકલ ડિસ્ટ્રિબ્યુટર છે. જાણીતો યુવા સંગીતકાર પલાશ મુછલ સાથેનો સ્મૃતિનો સાતેક વર્ષથી ચાલતો પરિણય આ મહિને લગ્નમાં પરિણમવાનો છે. પલાશ બાવડા પર SM 18 એવું ટૅટુ રાખે છે. આ યુગલના વર્લ્ડ-કપ સાથેના ફોટા, તે જોઈને ચાહકો કહે છે કે સ્મૃતિએ પલાશને પ્રિ-વેડિંગ ગિફ્ટ આપી !
n Keeping the faith: Jemimah Rodrigues (25), Batter, Mumbai, Maharashtra
બાન્દ્રાની કૉન્વેટ સ્કૂલમાં ફૂટબૉલ, બાસ્કેટબૉલ અને હૉકીમાં ઉત્તમ દેખાવ કરનારી જેમિમાને ક્રિકેટની તાલીમ તેના પિતાએ આપી. તેમણે શેરીમાં અને જેમિમાની શાળામાં ટીમ બનાવી. ભાંડુપથી દાદર ક્રિકેટ રમવા માટે જવું જેમિમા, તેના ભાઈ અને પિતાને અઘરું પડતું; એટલે તેમણે બાન્દ્રામાં બે ઓરડાનું ઘર કર્યું. સખત મહેનત કરનારી જેમિમા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટીમમાંથી પડતી મુકાઈ. ગિટાર વગાડવાની અને નાચવા-ગાવાની શોખીન જેમિમાને તેના નાચ-ગાનના વીડિયોઝને કારણે મીડિયાના નવરાઓએ ‘ટિકટૉક ગર્લ’ તરીકે નાહકની વગોવી. ક્રિકેટના તેના ઉત્તમ દેખાવને કારણે ખાર જિમખાનાએ તેને ત્રણ વર્ષ માટે માનદ્દ સભ્યપદ આપ્યું હતું. પણ ક્લબની ચૂંટણીના કારસામાં તેના પિતા પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે તેઓ ક્લબમાં ધર્મપરિવર્તન માટેની સભાઓ યોજે છે. જેમિમા અને તેનો પરિવાર ખૂબ શ્રદ્ધાળુ છે. જેમિમા તેની ઇસુશ્રદ્ધા મેદાન ઉપર અને મીડિયામાં ભાવુકપણે વ્યક્ત કરતી રહી છે. આ બંને કારણોસર ઝનૂનીઓ ટ્રોલસેન બળાત્કાર અને ખૂનની ધમકીઓ પણ આપી. ભય, ચિંતા અને રમતના માનસિક દબાણને કારણ જેમિમાને હતાશામાં સરી પડી. તે તેની મા પાસે કલાકો રડતી. સારવાર તેમ જ પરિવારના ટેકા અને સાથી ખેલાડીઓની હૂંફે તેને સ્વસ્થતા પાછી અપાવી.
n Agra’s Wonder Woman: Deepti Sharma (28), All rounder, Agra, Uttar Pradesh
દિપ્તી તેના ક્રિકેટ રમતા ભાઈની સાથે બધે જતી. એક વખત તેણે બૉલ ફેંક્યો. જોગાનુજોગ ત્યારે એ જગ્યાએ એકલવ્ય ઍકેડેમીના કોચ એવા ભારતના પૂર્વ ખેલાડી હેમલતા કાલા હાજર હતા. દડાની ગતિ અને દિપ્તીની તાકાત પારખીને તેમણે દિપ્તીને રમતી કરી. ત્યાર બાદ બહેનને પૂરા સમયની તાલીમ આપવા માટે ભાઈએ તેની કૉર્પોરેટ નોકરી છોડી દીધી. તાજમહેલથી નવ કિલોમીટર પહેલાં આવેલા શાહગંજ વિસ્તારની અવધપુરી કૉલોનીમાં આવેલા દિપ્તીના ઘરની ગલીના નાકે ‘અર્જુન અવૉર્ડ સમ્માનિત ક્રિકેટર દિપ્તી શર્મા માર્ગ : સાર્વજનિક વિકાસ સમિતિ અવધપુરી આપકા હાર્દિક સ્વાગત કરતા હૈ’ એવું પાટિયું છે. દિપ્તી અત્યારે ઉત્તર પ્રદેશ પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ છે.
n Siliguri’s six-hitter: Richa Ghosh (22),Wicketkeeper-batter, Siliguri, West Bengal
માનબેન્દ્ર ઘોષે તેમની દીકરીને બારીઓના કાચને ભોગે પણ ચોગ્ગા અને છગ્ગા મારવા માટે જ પ્રોત્સાહન આપ્યું. કોલકાતા જઈને દીકરીને તાલીમ આપી શકાય તે માટે તેમણે પોતાનો વ્યવસાય છોડ્યો અને આવક માટે પાર્ટ-ટાઇમ અમ્પાયર તરીકેનું કામ સ્વીકાર્યું.
n The Viral Catch: Harleen Deol (27), Top-order batter, Chandigarh
ઇંગ્લેન્ડ સામે નૉર્ધૅમ્ટનમાં જુલાઈ 2021માં રમાયેલી ટ્વેન્ટી ટ્વેન્ટી ઇન્ટરનૅશનલમાં હર્લિને ઝડપેલા ઍક્રોબૅટિક કૅચનો વિશ્વવિખ્યાત વીડિયો ઝગઝોરી દેનારો છે. જો કે તેના ઘર કે માહોલમાં ક્યાં ય સ્પોર્ટ્સ ન હતું. પણ હર્લિનની ક્રિકેટ માટેની રઢ જોઈને મા-બાપે તેને ધરમશાલાની ઍકેડેમી મૂકી, જેમાં તેનું ઘડતર થયું.
n Scholar, opener: Pratika Rawal (25), Opening batter, Delhi
રમત સાથે અભ્યાસનું સંતુલન જાળવનારી પ્રતિકા રાવળ દસમા અને બારમામાં 90% થી વધુ માર્ક્સ લાવીને દિલ્હીની જિસસ અને મૅરી કૉલેજમાંથી મનોવિજ્ઞાન સાથે બી.એ. થયેલી છે. તે બાસ્કેટ બૉલમાં શાળા કક્ષાએ નૅશનલ ગેમ્સમાં સુવર્ણચન્દ્રક મેળવી ચૂકી છે. કેબલ ટેલિવિઝન સર્વિસનો વ્યવસાય કરતા તેના પિતા પ્રદીપ સર્ટિફાઇડ અમ્પાયર પણ છે. તેમણે દીકરીને રોહતક રોડ જિમખાનામાં પ્રવેશ અપાવ્યો. આ પહેલ બાદ ત્રીસ છોકરીઓ ત્યાં જોડાઈ. જો કે પગની ગંભીર ઇજાને કારણે તે વર્લ્ડ કપ ફાઇનલ ન રમી શકી. પણ જીત પછી મેદાન પરના તરતના જશ્નમાં અને વર્લ્ડ્ કપ સ્વીકારતી વખતે સ્મૃતિ તેને યાદ કરીને વ્હીલચેરમાં પોડિયમ લઈ આવી તે હૃદયસ્પર્શી દૃશ્ય હતું.
n Girl from the hills: Uma Chetry (23), Wicketkeeper-batter, Golaghat, Assam
ઉમાનાં માબાપ ખેતમજૂર છે, બે મોટા ભાઈઓ પેડલ રિક્શા ચલાવે છે, બીજા બે બંગલુરૂમાં પ્રાઈવેટ સિક્યુરિટીમાં છે. બ્રહ્મપુત્રના દક્ષિણ કિનારે, ગુવાહાટીથી સવા ત્રણસો કિલોમીટર દૂર પાંચ હજારની વસ્તીવાળા કંધુલીમારી ગામના ધૂળિયા રસ્તા પર ઉમા છોકરાઓ સાથે ક્રિકેટ રમતી થઈ. મા દીપા હિમ્મત આપતાં, કેમ કે તે જોતી હતી કે નાની ઉમા માટે ક્યારેક એક લાકડીના બૅટ અને બટાકા બૉલથી બની જતાં. પછી માએ પ્લાસ્ટિકનાં બૅટ-બૉલ લાવી આપ્યાં. બે કલાક ચાલીને શાળાએ જવું પડતું, દસમા પછી ઘરની જવાબદારીઓને લીધે ભણતર છૂટી ગયું. પણ ફૂટબૉલ ચાહક રાજ્યમાં ભલા સ્થાનિક ક્રિકેટ કોચ મેહબૂબ આલમ અને રામ મોહન જેવા તેમ જ અધિકારી અજોય શર્માએ આંગળી પકડી. જો કે બોકખાટ કસબાના તાલીમ કેન્દ્રમાં દરરોજ સોળ કિલોમીટર ચાલીને જવું પડતું. પડતા મૂકાવાનું આવ્યું, નબળા દેખાવના તબક્કા પણ આવ્યા. બધી વખતે, ક્રિકેટમાં કશું ભાગ્યે જ સમજનાર મા અને ઉમાની પોતાની મક્કમતાએ રસ્તો બતાવ્યો. ઉમા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ટીમમાં સ્થાન મેળવનારી પહેલી મહિલા ખેલાડી બની. રાત્રે ભૂખ્યા પેટે સુવું પડે તેવા દા’ડાથી વર્લ્ડ પ્રિમિયર લીગના કૉન્ટ્રાક્ટ સુધીનો ઉમાનો ખડતર પ્રવાસ અચંબો આપનારો છે.
n Tribal star: Kranti Gaud (22), Fast bowler, Ghuwara, Madhya Pradesh
બુંદેલખડના મધ્યમાં આવેલા વીસ હજારની વસ્તીવાળા ઘુવારા ગામમાં ક્રિકેટ તાલીમ માટેની કોઈ સગવડ નથી. ગામના એક માત્ર મેદાનમાં છોકરાઓ ટેનિસ બૉલથી ક્રિકેટ રમે છે. આદિવાસી સમુદાયના પોલીસ કૉન્સ્ટેબલ મુન્નાજીના ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓમાંથી સહુથી નાની ક્રાન્તિ છોકરાઓ સાથે રમતી. તેની પર છત્તરપુર પંથકમાં ક્રિકેટને પ્રમોટ કરનારા કોચ રાજીવ બિલથરેનું ધ્યાન પડ્યું અને તાલીમ શરૂ થઈ. ખર્ચ માટે માએ ઘરેણાં ગિરવે મૂક્યાં, દાણા ઉધાર માગીને દિવસો ખેંચ્યા. ક્રાન્તિ ટોચો સર કરતી ગઈ. વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમ સામેની કામગીરીથી મૅન ઑફ ધ મૅચ મેળવીને વતનમાં બે રૂમ રસોડાના ઘરે પાછી આવી; અને જોયું કે તેને મહેણાં-ટોણાં મારનાર લોકોનું ગામ હવે ક્રાન્તિને રમતી જોવા માટે એલ.ઇ.ડી. ટેલિવિઝન લાવ્યું છે !
n Comeback queen: Sneh Rana (31), Spin, all-rounder, Dehradun, Uttarakhand
ઘૂંટણની ગંભીર ઇજાને કારણે સ્નેહને બે વર્ષની કમગીરી પછી 2016માં ટીમની બહાર મૂકાવું પડ્યું. તે પાંચ વર્ષ સુધી પાછી ન આવી શકી. જૂન 2021માં ફરીથી પસંદ થઈ તે જોવા તેના ખેડૂત પિતા ભગવાનસિંગને બે મહિના વધુ આયુષ્ય ન મળ્યું. તેના ક્રિકેટને દિલોજાનથી ટેકો તેના પિતાએ આપ્યો હતો. તેનાં મા અને મોટી બહેન પણ તેમાં સામેલ હતાં. સ્નેહને નવમા વર્ષે દહેરાદૂનમાં કિરણ શાહની લિટલ માસ્ટર્સ ક્રિકેટ ઍકેડેમીમાં દાખલ કરી હતી. જો કે તેનું ક્રિકેટ તો દેહરાદુનથી દસ કિલોમીટર પર આવેલા હજાર માણસની વસ્તીવાળા તેના સિનૌલા ગામના ખેતરોમાં તે છોકરાઓની સાથે શરૂ થઈ ચૂક્યું હતું. પહેલા દરજ્જાની રમતમાંથી પાંચ વર્ષના અંતર દરમિયાન તે સારવાર લેવાની સાથે ડોમેસ્ટીક ક્રિકેટમાં રમતી રહી. ચાહકો તેને ‘કમબૅક ક્વીન’ કહે છે. એક ફોટોમાં વિશ્વકપ હાથમાં રાખીને તે કહી રહી છે : ‘ધિસ વન ઇઝ ફૉર યુ, પાપા !’
n Doing it for late dad: Renuka Singh Thakur (29), Pacer, Shimla, Himachal Pradesh
સ્નેહના પિતાના મૃત્યુ બાદ માતા સુનીતાબહેન અને ભાઈ વિનોદે તેને ક્રિકેટમાં આગળ વધારી. પિતાએ પુત્રનું ક્રિકેટપ્રેમને કારણે પાડ્યું હતું. માતાને હિમાચલના ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં પિતાની જગ્યાએ નોકરી મળી. છસો માણસની વસ્તી ધરાવતું તેનું ગામ પારસા શિમલાથી સવાસો કિલોમીટર પર છે. નાનપણથી જ ક્રિકેટની લગન ધરાવતી સ્નેહાને કાકા ભુપિન્દરસિંહની સલાહથી ધરમશાલાની ઍકેડેમીમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેણે પવન અને રેણુકા સિંહના પાસે તાલીમ મેળવી.
Leaving Home : Arundhati Reddy (28), Pace all-rounder, Hyderabad
અરુંધતી 2018માં ટ્વેન્ટી ટ્વેન્ટીમાં આવી ચૂકી હતી, પણ તેને વન ડે ઇન્ટરનૅશનલમાં પસંદગી પામતા છ વર્ષ લાગ્યાં. વૉલીબૉલના પૂર્વ ખેલાડી માતાના ટેકે તે ક્રિકેટમાં પ્રવેશી. મહિલા ટીમના પૂર્વ ફીલ્ડિન્ગ કોચ બિજુ જ્યૉર્જે તેને દીકરીની જેમ સંભાળી. અનેક વખત બાકાતીના દિવસોમાં અરુને હિમ્મત આપી. તેને કેરાલામાં વધુ સારા માહોલમાં રાખી. વર્લ્ડ પ્રિમિયર લીગને કારણે પૈસાનો ઘણો આધાર મળ્યો. ‘સ્પોર્ટસ સ્ટાર’ના એપ્રિલ 2024ના અંકના લેખમાં બિજુએ અરુની જિંદગી વિશે વિગતે વાત કરી છે. તેમાં અરુંધતી એમ કહેતી ટાંકવામાં આવી છે કે ‘હું એક ક્રિકેટ ટ્રૅજિક છું કે જે બોગદાને છેડે મેઘધનુષ જોવા ઝંખી રહી હોય.’ આખરે તેને મેઘધનુષ હાથ લાગ્યું છે.
n Cricket migrant : Radha Yadav (25), Spin all-rounder, Baroda, Gujarat
રાધાના પિતા ઓમપ્રકાશે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાંથી મુંબઈમાં વસીને કાંદિવલીના ફૂટપાથ પર શાકભાજી અને કરિયાણાની નાની દુકાન કરી છે, જેના માટે તેમને દબાણવાળાનો સતત ડર રહે છે. સ્લમ રિડેવલપમેન્ટ યોજના હેઠળ બનેલા પચીસ ચોરસ વારના ઘરમાં નવ માણસોનું કુટુંબ રહે છે. પિતા અને બે ભાઈઓ સખત મહેનત કરે છે. રાધાનું શાળાનું ભણતર માંડ થયું છે. પણ એક જગ્યાએ તેની રમત જોઈને ઉદારદિલ કોચ પ્રફુલ્લ નાઈક ઓમપ્રકાશને સમાજવીને રાધાને વડોદરા લઈ આવ્યા. વધુ તાલીમ તેને મિલિન્દ વારવાડકરની કૃગારા ઍકેડેમીમાં મળી. આ કોચને નિષ્ઠાવાન અને બાહોશ રાધા એટલી વહાલી છે કે એમણે તેનું નામ સંસ્થાના નામમાં સમાવ્યું છે. તેમની દીકરી કૃણાલિનીનો ‘કૃ’, દેવી ગાયત્રીનો ‘ગા’ અને ખેલાડી રાધાનો રાધા (યાદવ) – કૃગારા !
n Dad carved her bat : Amanjot Kaur (25), Pace all-rounder, Chandigarh
પંજાબના મોહાલીમાં મિસ્ત્રીકામ કરનારા ભુપિન્દરસિંહે એક સાંજે જોયું કે ફળિયાના બાળકો તેમની દીકરી અમનજોતને એટલા માટે રમાડતા નથી કે તેની પાસે બૅટ નથી. તેઓ દુકાને ગયા અને રાત્રે મોડે સુધી જાતે એક બૅટ બનાવીને દીકરી માટે લઈ આવ્યા. દાદીમા ‘બીઈજી’ આંગણામાં બેઠાં બેઠાં નાનકડી પૌત્રીને રમતી જોઈ રાજી થતાં. કમનસીબે વિશ્વકપ વખતે જ બીઈજી આઈ.સી.યુ.માં હતાં. અમન ચૌદ વર્ષની થઈ એટલે પિતાએ તેને નાગેશ ગુપ્તાની ઍકેડેમીમાં દાખલ કરી. ટ્વેન્ટી ટ્વેન્ટીના ડેબ્યુ બાદ પીઠના ફ્ર્રૅક્ચર અને લિગામેન્ટની ઇજાને કારણે તેણે લાંબા સમય માટે રમતથી દૂર રહેવું પડ્યું. જો કે મુંબઈ ઇન્ડિયન્સથી તે પાછી આવી. વિશ્વકપની જીત પછીના તરતનાં દૃશ્યોમાં આનંદના આંસુને ખાળી ન શકતા અમનના પિતા જોવા મળે છે.
n Athletics’ loss, cricket’s gain : Sree Charani (21),Spinner, Kadapa, Andhra Pradesh
શ્રીના મામા કિશોરકુમાર રેડ્ડી આંધ્રના રાયલસીના પાવર પ્લાન્ટની ક્રિકેટ ટીમમા હતા. નાની ભાણી તેમની સાથે પ્લસ્ટિક બૅટથી રમતી. શાળામાં તે બૅડમિન્ટન, કબડ્ડી અને ઍથલેટિક્સમાં આગળ હતી. શાળાએ દસમા ધોરણમાં તેને હૈદરાબાદ મોકલીને ઍથલેટિક્સની વિશેષ તાલીમ પણ અપાવી. ત્યાં ભારતના પૂર્વ પસંદગીકાર એમ.એસ.કે. દાસે તેનું હીર પારખીને તેને ક્રિકેટમાં જવાનું ભારપૂર્વક સૂચવ્યું. દક્ષિણ આન્ધ્ર પ્રદેશના યેરામાલાપલ્લી કસબાની રહીશ શ્રીને તેની માતાએ પ્રોત્સાહન આપ્યું હતું, પિતાને સમજતા એકાદ વાર લાગી હતી.
n Once posed as a boy : Shafali Verma (21), Opening batter, Rohtak, Haryana
‘યંગ ગૉડેસ ઑફ ક્રિકેટ’, ‘વિરુ ઑફ વિમેન્સ ક્રિકેટ’, ‘હરિયાણા રૉકસ્ટાર’ વગેરે નવાજેશ પામનાર શેફાલીના પિતા સંજીવ, મોટો ભાઈ સાહિલ અને નાની બહેન નાન્સી હાડોહાડ ક્રિકેટપ્રેમી છે. જ્વેલરીની નાની દુકાન ધરાવતા પિતા તેને ખભે બેસાડીને મૅચો જોવા લઈ જતા. લેગ સ્પિનર સાહિલ અને પિતા શેફાલીને કલાકો સુધી નેટપ્રૅક્ટિસ આપતા. છોકરી હોવાથી રોહતક ઍકેડેમીએ તેને પ્રવેશ આપ્યો ન હતો. કેટલાક લોકો મહેણાં પણ મારતા. એ દસ વર્ષની હતી ત્યારે એક વખત તેનો ભાઈ માંદો પડ્યો. એટલે પિતાના કહેવાથી તે વાળ કપાવીને છોકરાના વેશે સાહિલની જગ્યાએ સ્કૂલ-લેવલ મૅચમાં રમીને ‘મૅન ઑફ ધ ટુર્નામેન્ટ’ બની. આ જ નુસખો શ્રીનારાયણ ઍકેડેમીમાં પ્રવેશ માટે પણ કામ લાગ્યો. ચડતીપડતી થતી રહી. અલબત્ત, સર્વોચ્ચ શિખરે પહોંચાડનારી મૅચમાં તેનો હિસ્સો મહત્ત્વનો હતો.
[કોલાજ સૌજન્ય : પરીક્ષિત]
06 નવેમ્બર 2025
(2,000 શબ્દો)
e.mail : sanjaysbhave@yahoo.com
![]()

