‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા … ’, ‘હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે …’, ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ …’, ‘ઝટ જાઓ, ચંદનહાર લાવો …’, ‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી .. ’, જેવાં ગીતો આજની પેઢીને કદાચ જ ખબર હોય, પણ મને ખબર છે, તેનો આનંદ છે. મેં ભાંગવાડી થિયેટર જોયું નથી. પારસી નાટકો મેં જોયાં છે, પણ પારસી થિયેટર કે ‘દેશી નાટક સમાજ’ વિષે થોડું વાંચ્યું-જાણ્યું છે, એ સિવાય તેનાં સીધા અનુભવમાં હું મુકાયો નથી. સોહરાબ મોદીથી યઝદી કરંજિયા સુધીના અનેક પારસી કલાકારોને થિયેટર કરતાં જોયા છે, પ્રવીણ જોશી, કાંતિ મડિયા, જગદીશ શાહને સુરતનાં ‘રંગ ઉપવન’માં તખ્તો ગજાવતા જાણ્યા-માણ્યા છે ને હવે તો એ પણ જૂનું થઈ જવા આવ્યું છે, મુંબઈનાં નાટકોમાંથી પણ પ્રયોગો લુપ્ત થતા આવે છે, ત્યારે કોઈ દોઢેક કલાકમાં બધું જ ઝીણા ઝીણા હીરાની જેમ સામે ઝળકાવી દે તો આનંદ વિભોર થઈ જવાય એમાં નવાઈ નથી. એવો આનંદ, મુંબઈની ગુજરાતી જૂની-નવી રંગભૂમિના અને ગુજરાતી – હિન્દી ફિલ્મના મંજાયેલા કલાકાર ઉત્કર્ષ મઝુમદારે જીવ રેડીને આપ્યો ત્યારે અદ્ભુત શબ્દ ઓછો અદ્ભુત લાગ્યો.
ગુજરાતી સાહિત્ય પરિષદ, વિન્ટેજ વેટરન અને સુરત પરફોર્મિંગ આર્ટિસ્ટ એસોસિયેશનનાં ઉપક્રમે નાટ્યકાર અનંગ મહેતાની સ્મૃતિમાં, કાપડિયા હેલ્થ ક્લબ, સુરતનાં ઓડિટોરિયમમાં યોજાયેલ વ્યાખ્યાનમાં ઉત્કર્ષ મઝુમદાર ‘ગુજરાતી જૂની રંગભૂમિની સફરે’ લઈ ગયા. એ ઉપરાંત સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર, ઉદય મજુમદાર, કપિલદેવ શુક્લ, પરિષદ મંત્રી રાજન ભટ્ટ, પરિષદની મધ્યસ્થ સમિતિના સભ્ય બકુલ ટેલર અને રોહિત મારફતિયાની ઉપસ્થિતિમાં નાટ્ય કલાકાર ને દિગ્દર્શક સોનલ વૈદ્ય-કુલકર્ણીનું સન્માન થયું તે વિશેષ ઉપલબ્ધિ !
ઉત્કર્ષ મઝુમદાર વિષે એ નોંધવું ઘટે કે મુંબઈ યુનિવર્સિટીમાંથી તેમણે અંગ્રેજી સાહિત્યમાં બી.એ. કર્યું, પુના ઈન્સ્ટિટ્યૂટમાંથી ટી.વી. પ્રોડક્શનનો કોર્સ કર્યો, સંસ્કૃતમાં કોવિદ કર્યું ને માસ કોમ્યુનિકેશનનો ડિપ્લોમા પણ કર્યો. ઉત્કર્ષ 45થી વધુ વર્ષથી અભિનય સાથે સંકળાયા છે કે અભિનય એમની સાથે સંકળાયો છે એ નક્કી કરવાનું મુશ્કેલ છે. ‘માસ્ટર ફૂલમણિ’, ’પત્રમિત્રો’, ‘રમત શૂન્ય ચોકડીની’ જેવાં નાટકો, ‘શોર્ટસર્કિટ’,‘બાઝાર’, ‘વેન્ટિલેટર’, ’રઈસ’, ‘યે હૈ બકરાપુર’, ‘સત્યા’ જેવી ગુજરાતી-હિન્દી ફિલ્મો ઉપરાંત ટી.વી. સિરિયલો અને એડ ફિલ્મ્સ પણ એમણે કરી છે. દૂરદર્શનના પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે તેમણે નાટકો, વેરાયટી શો જેવા ઘણા કાર્યક્રમો કર્યા છે. ગુજરાતી કૉલમ રાઇટિંગની પણ તેમને પચીસેકથી વધુ વર્ષની ફાવટ છે. એમણે બે નાટ્ય સંસ્થાઓ સ્થાપી છે, ‘અપર્ણા’ અને ‘સર્વનામ’. એ સંસ્થામાંથી એમણે બે મ્મ્યુઝિકલ પ્લે ‘જાગીને જોઉં તો ..’(નરસિંહ મહેતા પર આધારિત)’, ‘મેઘાણી- સરવાણી’ દિગ્દર્શિત કર્યાં છે ને એમાં મુખ્ય ભૂમિકાઓ પણ નિભાવી છે. શાળામાં હતા ત્યારથી નાટકમાં રસ. એ રસ કોલેજોની નાટય સ્પર્ધામાં વિકસ્યો. રસ એવો પડ્યો કે નાટકોમાં વધારે તક રહે એટલે કોલેજમાં એક વર્ષ, એમણે બે વર્ષે પૂરું કરેલું. ‘સખારામ બાઈન્ડર’માં એમણે બેકસ્ટેજથી શરૂઆત કરી ને એ પછી એમની શરૂઆત થઈ પ્રોફેશનલ કેરિયરની …
સ્ટેજ પર ‘ૐ આનંદઘન, રસિક રમાવર ..’થી ‘મંગલાચરણ’ થયું. 100 વર્ષ થવા છતાં જૂની રંગભૂમિનાં ગીતોમાં એટલું કૌવત આજે પણ છે, તે ત્યાં ઉપસ્થિત યુવા નાટ્યકલાકારોએ પણ અનુભવ્યું ને એનો ઉત્સાહવર્ધક પડઘો એમણે વારંવાર પાડ્યો. જૂની રંગભૂમિની જાણકારી ઉત્કર્ષે ઉદાહરણો અને અભિનય સાથે આપી. સાહિત્ય પરિષદ અને ‘બાનો ભીખુ ટ્રસ્ટ’, નવસારી તરફથી 2017માં મેં ‘એકાંકી સત્ર’ યોજેલું ત્યારે ઉદ્ઘાટન બેઠકમાં ઉત્કર્ષનું વ્યાખ્યાન રાખેલું. એ ઉપરાંત ‘અસ્મિતા પર્વ’ મહુવામાં પણ, એમને જૂની રંગભૂમિ વિષે સાભિનય વક્તવ્ય આપતા જોયા છે. જૂની રંગભૂમિની કે પારસી થિયેટરની વાત આવે છે કે ઉત્કર્ષની આંખો અભિનય કરવા લાગે છે. ગીતો પર ‘વન્સ મોર’ની વાત કરતાં કે ‘નાટક જોવા આવો …’ગાતી વખતના લહેજા-લહેકામાંથી રંગો પ્રગટે છે ને પગ ઠેકવા લાગે છે, તે એવી રીતે કે વક્તવ્યને અંતે રંગભૂમિનો અખંડ સાથિયો મંચસ્થ થયા વિના ન રહે. બોલતાં જવું, અભિનય કરવો ને ડાન્સના સ્ટેપ્સ લેવા – આ બધું એક સાથે એ સમયમાં માઇક વગર કરવું સહેલું નહીં જ હોય. ઉત્કર્ષે માઈકનો ઉપયોગ કરવો પડ્યો, પણ બાકીનો ‘ઉત્કર્ષ’ તો પૂરા ઉમંગે થયો. અહીં તો એમણે યાદ ન કર્યું, પણ ‘પિયુ પહેલી પેસેન્જરમાં આવજો …’ એમના અવાજમાં સાંભળવા જેવું છે. સ્ત્રી સહજ ભાવો એમને હાથવગા છે. ગાલ પર હથેળી દાબીને કે હથેળી આગળ ધકેલીને ‘નખરો કરતી’ ઉત્કર્ષને જોવાનો લ્હાવો છે, તેમાં ય છેલ્લે લજાઈને સ્ટેજને બીજે છેડે દોડી જઈને એમણે જે એક્ઝિટ લીધી એ કેવળ ને કેવળ લાજવાબ હતી.
ગુજરાતી રંગભૂમિની શરૂઆત પારસીઓને આભારી છે. ભવાઇ મધ્યકાલીન યુગની દેન હતી. એમાં વેશ લખાતા ને ભજવાતા. પારસીઓએ પ્રોસેનિયમ થિયેટરની – ત્રણ દીવાલવાળા થિયેટરની શરૂઆત કરી, જેમાં ચોથી પારદર્શી દીવાલ પ્રેક્ષકોને આવરીને રચાઈ. પારસીઓએ જૂની રંગભૂમિની શરૂઆત 1853માં તો કરી જ, પણ હિંદુસ્તાનીમાં પણ નાટકો એમણે જ શરૂ કર્યાં. અહીં સવાલ એ થાય કે પારસીઓ જ આ ક્ષેત્રે કેમ આગળ આવ્યા, તો એનો જવાબ એ કે 17મી-18મી સદીમાં બધાંને મનોરંજન મળે એવું ખાસ કૈં ન હતું. મુંબઇમાં યુરોપિયન્સ, બ્રિટિશર્સ સારી એવી સંખ્યામાં હતા. એમણે એમના દેશમાં મનોરંજન મેળવ્યું હોય ને એમાંનું કૈં જ અહીં જોવા ન મળે તો એટલું ઓછું આવતું. અહીંના દેશીઓને તો સગાંસંબંધીઓ, સંપર્કોથી ચાલી જતું. એ લાભ વિદેશીઓને ન હતો. ત્યાં ખેલ-નાટકો જોયાં હોય, એ અહીં લાવવાનું મુશ્કેલ હતું. એ મુશ્કેલી નિવારવા વિદેશીઓએ 1750માં ઉઘરાણું કરીને કાચું થિયેટર બાંધ્યું ને પછી તો 1770ના દાયકામાં પાકું થિયેટર પણ બંધાયું. નાટકના ખેલો ઉપરાંત ત્યાં જાદુના, અંગ કસરતના ખેલો પણ થતા. એ બધું શરૂઆતમાં વિદેશીઓ માટે જ હતું, દેશીઓને એમાં પ્રવેશ ન હતો. પારસીઓ વિદેશીઓ જેવા દેખાતા ને એમની રહેણીકરણી પણ વિદેશીઓ જેવી જ હતી એટલે એમને પ્રવેશ મળ્યો. પ્રવેશ એટલે પણ મળ્યો, કારણ, અંગ્રેજી શિક્ષણ એમને લેવાનું થયું, શેક્સપિયરનાં ને વિદેશી લેખકોનાં નાટકોનો પરિચય થયો, પણ ઘણાં કારણોસર 1835માં થિયેટર બંધ પડ્યું. લોકોની ઈચ્છા હતી કે બીજું બધું તો ઠીક, પણ થિયેટર બને. એને માટે જગન્નાથ શંકરશેઠે ગ્રાન્ટરોડ પર જમીન આપી ને ‘રોયલ થિયેટર’ અસ્તિત્વમાં આવ્યું. 6 ફેબ્રુઆરી, 1846માં એ ખુલ્લું મુકાયું, પણ એ ‘ગ્રાન્ટ રોડ, થિયેટર તરીકે જ વધારે મશહૂર થયું. એ પછી તો મરાઠી નાટકોના પ્રણેતા વિશ્વનાથ ભાવેએ આખ્યાનોની એ થિયેટરમાં પ્રસ્તુતિ કરી ને એમ 1853માં દેશી ભાષાનો પણ પ્રવેશ થયો. આ જોઈને પારસી યુવકોને પણ ગુજરાતીમાં નાટક કરવાનું સૂઝ્યું. ફરામજી ગુસ્તાદજી દલાલ અને બીજા મિત્રોએ ‘રૂસ્તમ-સોહરાબ’ પહેલું ગુજરાતી નાટક 29 ઓકટોબર, 1853માં રજૂ કર્યું. ગંભીર નાટકોની સમાંતરે ‘ધનજી ગરક’ જેવાં પ્રહસને પણ હેતુપૂર્ણ મનોરંજનની તકો ઊભી કરી.
નાટકો સારાં માણસો માટે નથી, એવી ગેરસમજ લાંબા સમય સુધી રહી, એટલે સ્ત્રીઓ નાટકો જોવાં જ ન જઈ શકતી હોય, ત્યાં એમાં અભિનય કરવા તો આવે જ કેમ કરીને? એ જ કારણ હતું કે સ્ત્રીઓની ભૂમિકાઓ પણ પુરુષોએ ભજવવી પડતી. સમય જતાં સ્ત્રીઓ નાટકો જોઈ શકે એ માટે ખાસ ‘જનાના’ શોનાં આયોજન થયાં ને સ્ત્રીઓને નાટકો જોવાંની તકો ઊભી થઈ. ઉત્કર્ષ મઝુમદારે મુંબઈનાં નાટકોની આવી વાતો કરીને જ સંતોષ ન લીધો, પણ 1861માં, સુરતની એન્ડ્રુસ લાઇબ્રેરીમાં શેક્સપિયરનું નાટક ‘’ટેઇમિંગ ઓફ ધ શ્રૂ ’નું રૂપાંતર ‘નઠારી ફિરંગણ ઠેકાણે આવી’ ભજવાયું તેનો પણ ઉલ્લેખ કર્યો.
મારી વાત કરું તો જૂની રંગભૂમિની વાતો પર રાખ વળવા આવી હતી, ત્યાં ચંદ્રકાંત શાહ લિખિત, મનોજ શાહ દિગ્દર્શિત, ઉત્કર્ષ મઝુમદાર અને ચિરાગ વોરા (જેણે સ્ત્રી પાત્ર ભજવેલું) અભિનીત ‘માસ્ટર ફૂલમણિ’ ‘ગાંધીસ્મૃતિ ભવન’માં જોવાનું થયું. એ નાટક નિમિત્તે મનોજ શાહને પહેલીવાર મળવાનું થયું ને એ નાટકનો લાંબો રિવ્યૂ કર્યો. જૂની રંગભૂમિનાં બધાં જ તત્ત્વો આમેજ કરાયેલું, આધુનિક વિષયનું એ આજે પણ ઉત્તમ નાટક છે. એનો ઉલ્લેખ ઉત્કર્ષે તો ન કર્યો, પણ મને એ સતત યાદ આવતું રહ્યું. એમણે ‘ગુજરાતી નાટકોની સારીગમ’માંથી પંડિત વાડીલાલ નાયક(સંગીતકાર જયકિશનના ગુરુ)નું 1898નું કમ્પોઝ કરેલું એક ગીત ગાયું, ’આ રસિયો, રસીલી તને પ્રેમે રમાડશે …’ એણે ઘણાંને રસિક કર્યાં. આમ તો આજે સ્ટેજ પર ઘોડા લાવવાનું મુશ્કેલ છે, પણ એ સમયમાં સાચુકલા ઘોડા અને ગાડી મંચ પર લવાતા હતા. ભાંગવાડીના નાટકોમાં ટ્રામ અને જીપનો અકસ્માત પણ બતાવાયો હતો. ટાંચા સાધનોમાં આવાં સાહસો આજે પણ આશ્ચર્ય જન્માવવા પૂરતાં છે. ગુજરાતી નાટકની પ્રથમ વ્યાવસાયિક મંડળી ઊભી કરવાનું માન પણ પારસીઓને જ આપવું પડે એમ છે. આવી તો ઘણી વાતો ઉત્કર્ષે પૂરી તન્મયતાથી કરી.
ઉત્કર્ષ મઝુમદાર જૂની ગુજરાતી રંગભૂમિને, પારસી નાટકના ઇતિહાસને શ્વાસોની સહજતાથી જાણે-સમજે છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં અભિનયનો, દિગ્દર્શનનો ઊંડો ને વ્યાપક અનુભવ છે, હિન્દી- ગુજરાતી ફિલ્મોમાં અભિનયનો, ટી.વી. પ્રોડક્શનનો, એડ ફિલ્મ્સનો, ગાયનનો પૂરો અભ્યાસ છે એટલે એ ઝડપથી કોઈ પણ ભૂમિકાને આત્મસાત કરી શકે છે. એમને ખબર છે કે પોતે અભિનય કરે છે, પણ અનુભવ એવો મદદે આવે છે કે પ્રેક્ષકોને, એ ઉત્કર્ષમાંથી, સુમનલાલ કે નરસૈયો બહાર કાઢી, રમતમાં રમતો કરી શકે છે. એ જ કારણ છે કે ઉત્કર્ષને બેકસ્ટેજમાં રાખીને, મ’ઝૂમ’દાર, કાપડિયા હેલ્થકલબના સ્ટેજ પર ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં, અનેક સ્ત્રી, પુરુષ પાત્રોને ગાતાં, રમતાં કરી શક્યાં ને ટોટલ ઑડિયન્સે એવાં ટોટલ થિયેટરને સજીવ થતું જોયું, જે હવે દુર્લભ છે, સિવાય કે કોઈ સાચુકલો નાટ્યજીવ સંજીવની લઈને આવે …
અમને એ જૂનાં-તાજાં વાતાવરણમાં મઘમઘાવવા બદલ, સૂરત તમારું ઋણી છે, ઉત્કર્ષભાઈ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ઑક્ટોબર 2022