તાપીના જન્મદિવસ નિમિત્તે
એક સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે કે ગંગાનું પુણ્ય તેમાં સ્નાન કરવાથી ને યમુનાનું પુણ્ય તેનું પાન કરવાથી મળે છે અને મઝાની વાત એ છે કે એટલું જ પુણ્ય નર્મદાનાં દર્શન માત્રથી મળે છે, પણ તાપીનો મહિમા અધિક છે, એનાં તો સ્મરણ માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે.
આમ પણ સંસ્કૃતિઓ નદીકાંઠે વિકસી છે. નદી, સંસ્કૃતિની સદી છે. સદી જ નહીં, સદીઓ. તેમાં તાપી એટલે તો સંજીવની. આખી તાપ્તી રેલવે લાઈન નદીના ખીણ પ્રદેશને સૂચવે છે. સૂરત, સોનાની મૂરત તાપીને કારણે છે. નર્મદ, નંદશંકર, નવલરામ – ત્રણે તાપીનું વરદાન. અર્વાચીનોમાં આદ્ય નર્મદ તો હોડીમાં બેસીને સામે પાર ભણાવવા પણ જતો. તાપી કાંઠે જ બળેવનો ત્રણ દિવસનો મેળો ભરાતો. પછી એ તહેવાર બે દિવસનો થયો કારણ ૧૯૩૮માં હોડી ઊંધી વળી ગયેલી ને ઘણાનાં મરણ થયેલાં. નાનપરા બાગના કાંઠેથી હોડી હજી તો થોડે દૂર જ ગઈ હતી ને ૮૦ જીવોએ જળસમાધિ લઇ લીધી હતી. એ ગોઝારી ઘટના પછી ઉજવણી એક દિવસ ઘટી … પછી તો બે દિવસની ઉજવણી પણ ગઈ ને આજે તો એ ટ્રાફિકથી ધમધમતો ચોકનો વિસ્તાર છે, ગમ્મતમાં એમ પણ કહેવાય કે અહીંની ચહેલપહેલ બારે માસ ઉજવાતા તહેવાર જેવી હોય છે. સૂરતમાં તો તહેવાર એ જ વહેવાર છે.
એક કાળે અહીં ચોર્યાસી બંદરના વાવટા ફરકતા. હજ યાત્રીઓ અહીંના મકાઈ પુલથી હજ પઢવા જતા ને એને જ કાંઠે ખુદાવંદ ખાને કિલ્લો ૧૫૪૦-૪૧માં બનાવ્યો. કિલ્લાની ફરતે ૬૦ ફૂટ પહોળી ખાઈ હતી. બાંધકામ એવું મજબૂત કે ફિરંગીઓ પણ તેને ભેદી ન શક્યા. એમાં જે પથ્થરો હતા તેને લોખંડના પાટાથી જડેલા હતા ને તેની સાંધમાં સીસું પૂરેલું હતું. ને હવે નવા રૂપે રંગે તાપી કાંઠે એ જ કિલ્લો ફરી અડીખમ ઊભો છે.
તાપીનો જન્મદિવસ અષાઢ સુદ સાતમ છે. આખું નગર તે દિવસે તાપીને ચૂંદડી ઓઢાડીને તેનું નારીત્વ પૂજે છે. તાપીનું મૂળ નામ તપતી છે. તે સૂર્યની પુત્રી છે. આ સૂર્યપુત્રી સૂર્યદેહા, પયોષ્ણા, સત્યા, શ્યામા, કપિલા, સાવિત્રી, અમૃતસ્યન્દીની, તિગ્મા જેવા બાવીસ નામે ઓળખાય છે. સૂર્યને બે પત્ની હતી, સંજ્ઞા અને છાયા. સંજ્ઞાના સંતાનો તે યમ અને યમુના, તો છાયાના સંતાનો તે સાવર્ણીમનુ, શનિશ્વર અને તપતી.
યમુના ને તપતી વચ્ચે એક વખત વિવાદ થયો ને બંને એ એકબીજાને પૃથ્વી પર પડવાનો શાપ દીધો બસ! ત્યારથી બંને ધરતી પર વહે છે. તાપીનું લગ્ન સંવરણ રાજા સાથે થયું, તે વારિતાપ્યમાં. ના સમજાયું? અરે ભઈ, આજનું વરિયાવ તે જ વારિતાપ્ય! કહેવાય છે કે તાપીના લગ્ન થયાં તે ચોરી પણ હજી છે. સંવરણનું મંદિર પણ છે, સંવરણના સમયનું સૂર્યપૂર તે સૂરત. સંજ્ઞાનું નામ રાંદલ પણ છે ને રન્નાદે પણ. આ રન્નાદે પરથી રાંદેર થયું. અણબનાવ પતિ પત્ની વચ્ચે ન થાય તો એ પતિ-પત્ની જ નહીં! સૂર્ય અને રન્નાદે વચ્ચે પણ અણબનાવ થયો. વાત એમ હતી કે રન્નાદેથી પતિનો તાપ જીરવાતો ન હતો. કઈ પત્નીથી જીરવાયો છે? જ્યારે આ તો સૂર્ય! જીરવાય? રન્નાએ પોતાને બદલે પોતાની પ્રતિકૃતિ મૂકી ને પછી પિયર ચાલી ગઈ. પણ છલના અલ્પજીવી હોય છે. સૂર્યનારાયણ તો પ્રચંડ પ્રકાશ! છળ પકડાઈ ગયું. રન્નાદેએ ક્ષમા માંગી. પણ સૂર્યને જ છાયા નથી, ત્યાં ‘છાયા’ ટકે તો પણ કેટલુંક? સૂર્યે શાપ દીધો – તારો જન્મ પશુ યોનિમાં થાવ! શાપ દેતા તો દેવાઈ ગયો, પછી સૂર્યને પસ્તાવો થયો. પણ રન્નાદે જન્મી ઘોડી તરીકે ને સૂર્યે પણ પ્રાયશ્ચિતરૂપે અશ્વ બનવાનું સ્વીકાર્યું. એના પુત્રો તે અશ્વિનીકુમારો. અશ્વિનીકુમાર તે આજનું તાપી તટનું પવિત્ર તીર્થ.
પુરાણમાં ડોકિયું કરીએ તો એમ કહેવાય છે કે તાપી હિમાલયના આક્રમણ કાળે પ્રગટી. એ સાચું હોય તો તાપી જન્મી તેના યુગો પછી ગંગા, સરસ્વતી પ્રગટ થઇ. એ હિસાબે તો તાપી ગંગા નર્મદા પહેલાંની નદી ગણાય. એ વાત સ્વીકારીએ કે ના સ્વીકારીએ, પણ માલપ્રદેશની વાત સ્વીકારવી પડે એમ છે. મધ્યપ્રાન્તનાં બૈતલ પરગણામાં મુલતઈ એ તાપીનું ઉદ્ભવ સ્થાન છે. ત્યાં એ ઝરણા રૂપે ઊછળે છે. મધ્યપ્રાંત ૧૫૦ માઈલનો છે. એમાં થઈને તાપી વહે છે. એની એક બાજુએ વરાડ છે ને બીજી બાજુએ છે બુરહાનપુર. ત્યાંથી નીચે એ પાન દેશમાં પ્રવેશે છે અહીં એને વાઘર ને બીજી નદી મળે છે. ત્યાંથી લગભગ ૨૩૦ માઈલ ડુંગરોમાંથી વહીને તાપી ગુજરાતમાં પ્રવેશે છે. તાપીની વિશેષતા એ છે કે તેના મૂળ પ્રદેશમાં નહીં, પણ મુખ પ્રદેશમાં સંસ્કૃતિ વિકસી છે. એનું કારણ પણ છે. મૂળ પ્રદેશમાં એટલી પર્વતમાળાઓ ને અરણ્યો છે કે ત્યાં માનવ વસવાટ મુશ્કેલ હતો. જો પ્રાગૈતિહાસિક કાળની વાત કરીએ તો મૂલતઈની ઉત્તરે ખાંડવવન હતું. એમાં હૈહેયનામની આક્રમક જાતિ હતી. હવે એનો સામનો કરવો ને અરણ્ય ને પર્વતો વચ્ચે વસવું સહેલું ન જ હોય … બન્યું એવું કે તાપીના મુખપ્રદેશમાં બંદરો વિકસ્યાંને બહારની આક્રમક જાતિએ અધિકાર જમાવવા આદિવાસી જાતિઓને મૂળ તરફ ધકેલી. હવે સમજાય છે કે આદિવાસીઓ અરણ્યોમાં જ કેમ વિકસ્યા?
તાપીના મૂળપ્રદેશમાં સૌથી આદિ સંસ્કૃતિ દસ્યુઓની હતી. આર્યો તો તે પછી આવ્યા. મૂળપ્રદેશમાં નાગપૂજા, લિંગપૂજા અને શક્તિપૂજા થતી રહી. ભૈરવ, કામાપુરી, માંડવી, બહુધન અને તથમ્બુર જેવાં ૧૦૮ જેટલાં તીર્થસ્થાનો તાપી ધરાવે છે. કામાપુરી એટલે કામરેજ ને તથમ્બુર એટલે આજનું બગુમરા.
તાપી ડુમસના દરિયામાં મળે છે. જો કે દરિયો તો ડુમસમાં ગ્લોબલ વોર્મિંગને કારણે ઊંચો આવતો જાય છે. થોડાં વર્ષો પર દરિયો ઘરોમાં ને કબ્રસ્તાનમાંયે ઘૂસી આવેલો. એક સમય હતો કે ભરતી દરિયાથી ૩૨ માઈલ દૂર વાઘેચા સુધી જતી. ને ડુમસની તો વાત જ જવા દો, જૂના કાળમાં તો નદી વરિયાવમાં જ સમુદ્રને મળતી હતી. વરિયાવના પાણી તે વખતે ખારાં જ રહ્યાં હશે. વરિયાવ આગળ બહુ તાણ ન હોય તો લોકો પગે ચાલીને પણ તાપી પાર જતાં. પણ તાપી બંને કાંઠે વહી છે તે યાદ રાખવું ઘટે. એટલે તો હોપપુલ બંધાયો. એ ‘હોપ’નું પરિણામ છે. એની લંબાઈ ૧,૭૦૦ ફૂટ હતી ને એને જનતા માટે ૧૮૭૭માં ખુલ્લો મુકાયો ને આજે ય ‘ખુલ્લો’મૂકાયા જેવું જ છે.
તાપીની વાત કરીએ તો કંતારેશ્વર મહાદેવને ન ભૂલાય. એ બહુ પ્રાચીન મંદિર છે. ૧૯૭૬માં એનો જીર્ણોદ્ધાર થયો. એમાં સાત અશ્વોવાળા રથ પર પદ્માસનમાં આરૂઢ સૂર્યનું શિલ્પ પણ છે. પૌરાણિક કાળમાં આ સ્થળ ભાનુક્ષેત્ર તરીકે ઓળખાતું. અહીં કપિલમુનિએ આકરું તપ કરીને સૂર્યને પ્રસન્ન કર્યા ને તેમની પાસેથી વરદાન માંગ્યું : આપ સહકુટુંબ આવી અહીં વસવાટ કરો. એને પરિણામે સૂર્ય ને તાપી અહીં છે. એમ કહેવાય છે કે તાપીનો પ્રવાહ એક કાળે મંદિરની બંને બાજુએથી વહેતો હતો. તાપીની ખાસિયત એ રહી છે કે તે કાંઠા બદલતી રહી છે. રાંદેર તરફની જમીન ડુબાણમાં ગઈ કારણ તેનો પશ્ચિમ તરફનો ઘસારો વધ્યો. એ જ કારણ છે કે ઉમરકાંઠાનું રામનાથ ઘેલાનું મંદિર પણ માંડ બચ્યું છે.
સૂરતની તવારીખ ૧૨મી સદીના ઉત્તરાર્ધથી. વિસ્તાર ત્યારે ૨૫ ચોરસ કિલોમીટર. એ તો કિલ્લો બંધાયો ને સૂરત વિકસ્યું. ૧૮૫૨માં સુધરાઈની સ્થાપના થઇ. રેલવે આવી તે પહેલાં મુંબઈ માટે જળમાર્ગ જ હતો. એ જમાનાના સૂરતના ભાવ જાણવા છે? ૧૮૩૧માં ઘી ૧૬ રૂપિયે મણ હતું. આજે કોઈ ઘી બતાવવાના ૧૬ રૂપિયા લે તો નવાઈ નહીં. સૂરત રેલ, આગ ને લૂંટને કારણે પાયમાલ થયું. સૂરત સોનાની મૂરત મટીને રોતી સૂરત થયું. પણ એ લહેરી તો આજે ય છે. આજે તો સૂરત મિની ભારતની ગરજ સારે છે. સૂરત મોજીલું છે ને કોઈ પણ પ્રજાને આવકારતું આવ્યું છે. તે સિલ્કસિટી, ડાયમંડસિટી અને ટેક્સટાઈલસિટી તરીકે વિશ્વમાં જાણીતું છે. ૧ ઓક્ટોબર, ૧૯૬૬થી નગરપાલિકા, મહાનગરપાલિકા થઇ છે. તેને ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ મળ્યું છે. આજે તેની હદ ૧૫૦ ચો.કિ.મી.થી વધી છે. જમણ તો સૂરતનું જ – એ વાત આજે ય જૂની નથી થઇ. આજે તો એટલા ઓવરબ્રિજ છે કે તે ઓવરબ્રિજનું મહાનગર પણ કહેવાય છે. વિયર કમ કોઝ વે, બંધ ને નહેરના લાભો સૂરતને મળ્યા છે, તો ગુનાખોરી પણ વધી છે. તાપીનું જળ પ્રદૂષિત થયું છે. કારખાનાઓનું ને ઉદ્યોગોનું ગંદુ પાણી તાપી પીએ છે ને આપણે ઈચ્છીએ છીએ કે તે આપણને શુદ્ધ પાણી આપે. છે ને કમાલ! તે અણુકચરા ને સાયનાઈડનું જોખમ વહોરીને જીવે છે. વિકાસને નામે વિનાશની દિશા પણ આપણે પકડી છે. ૨૦૦૬ની મહાવિનાશક રેલે સૂરતને ખતમ કરી નાખ્યું હતું. પણ સૂરતીઓ રાખમાંથી પાંખ બનાવીને ઉડવાનો મિજાજ ધરાવે છે.
તાપીને રેલની નવાઈ નથી. ૧૮૮૩, ૨૦૦૬ને એવી તો ઘણી સાલ તાપીએ સૂરતીઓને આંગણે આવીને ધમકાવ્યા છે. ૧૯૩૮માં હોડી ડૂબાડી શકે એટલું પાણી હતું ને આજે હોડી ફરી શકે એટલું પાણી ય જડતું નથી. આપણે સૂરતને શાંઘાઈ ને સિંગાપોર ને વર્લ્ડ ક્લાસ સિટી કરવા જઈ રહ્યા છીએ, બીજી તરફ તાપીના પટમાંથી રેતી ઉલેચવાનું બંધ થતું નથી. વિચારીએ કે તાપી વગરનું સૂરત ચાલવાનું છે?સાબરમતી કોરી હતી તેને છલકાતી કરી ને તાપી છલકાતી હતી તે કોરી થઇ રહી છે એની ચિંતા નથી. આ બરાબર નથી. આપણે યાદ રાખવું જોઈએ કે પ્રકૃતિ મનુષ્ય માટે છે, મનુષ્ય પ્રકૃતિ માટે નથી. પ્રકૃતિનો દુરુપયોગ થશે તો મનુષ્યનો સદુપયોગ નહીં થાય. એટલું ધ્યાન રાખીએ કે પર્વતો પાસે એટલો બરફ તો છે જ કે … વિનાશ માટે અણુબોમ્બ સુધી જવાની ય જરૂર નહીં રહે. સુનામીને તેડીશું તો નનામીઓ જ વધશે. જળ જીવન છે, તો જળ મૃત્યુ પણ છે. તાપીને રૂંવે રૂંવેથી તોડવાં કરતાં તાપીને રૂંવે રૂંવે આત્મસાત કરીએ. અસ્તુ.
e.mail : ravindra21111946@gmail.com