
રમેશ સવાણી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2 સપ્ટેમ્બર 2025ના રોજ કહ્યું છે : “માતા આપણી દુનિયા છે. માતા આપણું સ્વાભિમાન છે. બિહારમાં રા.જ.દ., કાઁગ્રેસના મંચ ઉપરથી મારી માતાને ગાળો દેવામાં આવી. આ શબ્દો ખાલી મારી માતાનું અપમાન નથી. તે દેશની મા, બહેન, દીકરીનું અપમાન છે. મને ખબર છે કે આ જોઈને બિહારની દરેક મા, દીકરી, ભાઈને કેટલું ખરાબ લાગ્યું હશે.”
બિલકુલ સહમત. કોઈપણ ઝઘડામાં / વાતમાં માતા / બહેનને ગાળો આપવી તે નિંદનીય છે જ. માણસ તિરસ્કાર દર્શાવવા / ક્રોધાવેશમાં ગાળો બોલે છે. ગાળો ન બોલવી / ન લખવી તે સભ્યતા છે. માતા વડા પ્રધાનનાં હોય કે ગરીબનાં, તેમનું અપમાન એ દેશની મા, બહેન, દીકરીનું અપમાન છે.
પરંતુ રાષ્ટ્રીય સ્તરે શું જોઈએ છીએ? BJP IT Cell દ્વારા ગાંધીજીને / નેહરુને મુસ્લિમ તરીકે ચિતરે છે; આમ આ તેમની માતા માટે અભદ્ર ટિપ્પણી કહેવાય કે નહીં? સત્તાપક્ષને સમર્થન કરતા લાખો વોટ્સએપ ગ્રુપ, લાખો ફેસબૂક પેજ, લાખો ટ્વિટર હેન્ડલ દિવસ-રાત ગાળો લખે છે, બોલે છે. ટ્રોલ્સ સોશિયલ મીડિયામાં સતત મા-બહેનની ગાળો લખી રહ્યા છે. ટ્રોલ્સ સામે ફરિયાદ કરનારાઓની FIR કેમ નોંધવામાં આવતી નથી? શા માટે ગાળો લખનારાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે? શું BJP IT Cellએ, ગાળો આપવા / ચરિત્ર હનન કરવા ફેક્ટરી ખોલી નથી? ટ્રોલ્સની માફક, મોદીભક્ત લેખકો સોશિયલ મીડિયામાં છૂટથી મા-બે’નની ગાળો લખે છે અને એનો ગર્વ કરે છે !
વડા પ્રધાનનાં માતાને ગાળ આપનારને તરત જ એરેસ્ટ કરવામાં આવે છે, પરંતુ ગરીબ / વંચિત / મધ્યમ વર્ગની માતાને ગાળો આપનાર સામે FIR નોંધાતી નથી. શું તે દેશની માતા નથી?
અરે, ખુદ મોદીજી માતા, બહેન, દીકરીનું અપમાન કરતા નથી? માનસી સોનીની જાસૂસી કરવી તે સભ્યતા કહેવાય? જાહેરમંચ પરથી લાખો લોકો સમક્ષ મોદીજીએ ‘જર્સી ગાય / કાઁગ્રેસની વિધવા / બારબાલા / 50 કરોડની ગર્લફ્રેન્ડ / સુર્પણખા / દીદી ઓ દીદી’ જેવા શબ્દનો પ્રયોગ કર્યા હતા, તો એ માતા / બહેનનું અપમાન ન કહેવાય? તે સમયે દેશની માતા-બહેનોનું અપમાન નહોતું થતું?
ગાંધીજી / સરદાર પટેલ / નેહરુ / ઇન્દિરાજી / મોરારજી દેસાઈ / રાજીવ ગાંધી / નરસિમ્હા રાવ / અટલ બિહારી વાજપેયી / મનમોહનસિંહ ક્યારે ય જાહેરમંચ પરથી કે સંસદમાં માતા-બહેનોનું અપમાન કરેલ હતું? ગાળો આપેલ? રાહુલ ગાંધીનાં માતાનું અપમાન મોદીજીએ કર્યું છતાં રાહુલ ગાંધી, મોદીજીની માતા વિશે કદી ય ઘસાતું બોલ્યા નથી. મોદીજીએ નોટબંધી વેળાએ પોતાની માતાને બેન્ક સમક્ષ લાઈનમાં ઊભા રખાવ્યાં હતા તે રાજનીતિ કહેવાય કે નહીં?
મણિપુરની જે મહિલાઓની નગ્ન પરેડ થઈ / ગેંગ રેપ થયા તે કોઈની માતા કે બહેન હશે જ ને? મહિલા પહેલવાનોનું યૌન શોષણ થયું ત્યારે મોદીજીએ ભેદી મૌન ધારણ કરી યૌનશોષણ કરનારને છાવર્યો ! એ મહિલા પહેલવાનો કોઈની બહેન તો હશે જ ને? બળાત્કારીઓ / હત્યારાઓને જેલ મુક્ત કર્યા હતા; તે પીડિતા કોઈની દીકરી / બહેન તો હશે જ ને? સંસદમાં ભા.જ.પ.ના સભ્યો વિપક્ષના સભ્યોને ગાળો આપે છે તેમને ક્યારે ય રોક્યા? યુદ્ધમાં પરાજિત પક્ષની મહિલાઓ પર બળાત્કાર કરવાની સલાહ આપનાર સાવરકરને આદર્શ માનો છો, તેમાં મા-બહેન-દીકરીનું અપમાન નથી? જશોદાબહેન સાથે લગ્ન કરેલ છતાં ચૂંટણીપંચ સમક્ષ અપરણિત લખાવેલ તે કોઈની દીકરીનું અપમાન કહેવાય કે નહીં? કાયમ વિક્ટિમ-કાર્ડનો જ ઉપયોગ કરવાનો? મોંઘવારી / બેરોજગારી ઓછી કરો તેમાં કરોડો બહેન-દીકરીઓનું સન્માન જળવાય કે નહીં? મોદીજી ! તમારી માતા મા અને બીજાની માતા જર્સી ગાય?
02 સપ્ટેમ્બર 2025.
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર