અધ્યાપનકાળના કેટલાક બનાવો (4) …
ઉમાશંકર જોશીના સર્વસંગ્રહ ‘સમગ્ર કવિતા’ વિશે મેં ૧૯૮૨માં ‘ઉમાશંકર : સમગ્ર કવિતાના કવિ : એક પ્રોફાઇલ’ પુસ્તિકા પ્રકાશિત કરી છે. એ પહેલાં એનો એક અંશ લેખ રૂપે ‘નિરીક્ષકે’ પ્રકાશિત કરેલો. એ અંશમાત્રને જોઇને બે જણાએ મારી ટીકા શરૂ કરી દીધેલી.
‘નિરીક્ષક’-ના એ વખતના તન્ત્રી અને હું જોગાનુજોગ દાહોદથી અમદાવાદ આવતા’તા. અમારા એ દીર્ઘ બસ-પ્રવાસ દરમ્યાન એમણે મને જણાવ્યું કે આપણા એક જાણીતા વિદ્વાન અને બીજા એક ઉમાશંકરના અભ્યાસી બન્નેને તમારો એ લેખ બહુ અઘરો લાગ્યો છે, કહે છે, વ્યર્થ છે. એમણે નામો પણ આપેલાં. ફરતી ફરતી વાત ભાષાભવનના ટી-ટેબલ લગી આવી પ્હૉંચેલી.
મેં એ તન્ત્રીને કહ્યું હતું -કોઈ લખાણ અઘરું છે એમ કહીએ એનો અર્થ એ કે એમ કહેનારા માટે એ જરૂર અઘરું છે. અને મેં ઉમેર્યું હતું કે કોઇપણ લેખનને વ્યર્થ કહી દેવાથી શું વળે? વ્યર્થ કઇ રીતે છે એ વીગતો આપીને પુરવાર કરવું જોઇએ …
એ પછીની વાર્તા તો એકદમ સાંભળવાજોગ છે :
એક વહેલી સવારે સુમન શાહ કૅમ્પસના નિવાસેથી સૌ પહેલાં એ ‘અભ્યાસી’ના ઘરે પહોંચે છે. ચા-પાણીનો સમય હોય છે એટલે ચા તો પીએ છે પણ હાથમાં વાળી રાખેલું ‘એ’ ‘નિરીક્ષક’ એમની સામે ખોલી પાનાં પછાડી પૂછે છે : આમાં અઘરું શું છે એ બતાવ ! : એઓ મારા એ મિત્રોમાં હતા જેને હું તું-કારી શકતો’તો.
ગલ્લાંતલ્લાં ચાલુ થયાં. એટલે મેં કહ્યું : ઉમાશંકરના તારા જેવા અભ્યાસીને એમ લાગે તો મારે જાણવું છે કે આમાંનું શું ને કયા ઠેકાણે અઘરું ને વ્યર્થ છે; તું ફોડ પાડ, મારે સુધારવું છે : જવાબમાં એણે ફિક્કું હાસ્ય વેર્યું એટલે મેં કહ્યું – ચાલ ને, ‘નિરીક્ષક’-માં આપણે પત્રચર્ચા કરીએ. તો પણ ફેર નહીં પડેલો. છેલ્લે મેં કહ્યું – વાંધો નહીં, મારી પુસ્તિકા પ્રકાશિત થઈ જાય ત્યારે જાહેરમાં લખીને જણાવજે, બસ !
એ પછી તરત હું ‘જાણીતા વિદ્વાન’-ને ત્યાં ગયેલો. એ આપણા પ્રખર વક્તાઓમાં ગણાતા. મને પણ એમનું ભાષાપ્રભુત્વ ગમતું. એમની સાથે મારો ચૉક્કસ સ્વરૂપનો અનુબન્ધ પણ હતો. પહેલાં તો નામક્કર ગયા. એટલે મેં કહ્યું કે ‘નિરીક્ષક’-ના તન્ત્રીએ તમારું નામ આપ્યું છે. તો એમણે પણ એવાં જ ગલ્લાંતલ્લાં કરેલાં. એમનું મોટું નામ, મારાથી વયમાંય મોટા … શું કરવાનું? છતાં કહેલું : તમારા જેવા ગદ્યસ્વામીને અઘરું લાગે તો તો થઇ રહ્યું !
પછી એમની મુખમુદ્રા ગમ્ભીર હતી. પણ એને મારે ક્યાંલગી વેઠ્યા કરવી? એટલે છેલ્લે મેં એમને ય કહેલું : પુસ્તિકા પ્રકાશિત થયે મને તમારા વિસ્તૃત મન્તવ્યની અપેક્ષા રહેશે, જઉં છું : એમની નજર મને અને રૂમના બારણાને માપતી હતી …
પુસ્તિકા પ્રકાશિત થઇ ગયેલી. પણ આજની ઘડી ને કાલનો દા’ડો ! નથી બોલ્યા વિદ્વાન કે નથી કદી બોલ્યો ઉમાશંકરનો અભ્યાસી …
એ બાહોશીભરી છતાં ગમગીનીથી લદબદ સવાર મને યાદ રહી ગઇ છે. આજે જો કે થાય છે, શું કામ એવો તન્ત કરલો.
અલબત્ત, આવા વ્યથાકારી કોઇ કોઇ પ્રસંગોથી મને આત્મનિરીક્ષણની તકો પણ મળી છે. આપે આપે સુધાર પણ થયા છે. છતાં મને થતું, આ તે કેવી શેખી છે ! અધિકારી માણસો અભિપ્રાયો વેરતા ફરે છે, પૂછીએ તો પણ ખૂલીને કહેતા કેમ નથી ! હું કહેતો – જાહેર ચર્ચામાં ઊતરો ને, તકલીફ શું છે ! અમુકોને મેં સુરેશ જોષી વિશે પુસ્તક કર્યું તો ય દુ:ખેલું. નિરંજન ભગત વિશે કર્યું તો ય દુ:ખેલું.
ત્યારે મને એમ થયેલું કે શું એઓને એમ હશે કે ઉમાશંકર વિશે લખનાર હું કોણ -? એ તો ‘અમારા’ છે. કદાચ એમ જ હશે. કેમ કે ઉમાશંકરને વિશેના કાર્યક્રમોમાં કે લેખ-સમ્પાદનોમાં એઓેએ કદી મને તો સંભાર્યો જ નથી.
ત્યારે મને લાજવાબ પ્રશ્નો થતા : આપણે ત્યાંની જવાબદાર વ્યક્તિઓ ખરેખર વિદ્વાન છે? વિદ્વત્તાને અને શાસ્ત્રની શિસ્તને જાણે છે? પ્રશ્નો લાજવાબ જ રહ્યા કેમ કે એવી ને એવી જ ઘટનાઓ જોવા મળેલી.
વિવેચકને પૂરું ન વાંચવાની છૂટ હોઇ શકે છે પણ ત્યારે એણે સ્પષ્ટપણે જણાવવું જોઇએ કે પોતે પુસ્તકના તેટલા ભાગને જ ધ્યાનમાં લીધો છે. મને નામો આપવાનો રસ નથી પણ મિત્રોને જાણ છે કે કોણે કોણે મારાં કયાં કયાં પુસ્તકોને પૂરાં વાંચ્યાં વિના ઉતારી પાડવાની બલકે મારાં કીર્તિવન્ત કામોની ધરાર અવગણના કરીને મને નિ:સામાન્ય ગણવાની વિફળ કોશિશો કરેલી છે…
ખાનગીમાં કહી રાખું કે આ આખો પ્રસંગ સળંગ મેં ઉમાશંકરને કહી બતાવેલો. કવિ પણ અરર કરીને દુ:ખી થઈ ગયેલા. મેં એમને એ પુસ્તિકા આપેલી ને કહેલું, ‘સમગ્ર કવિતા’ પૂરેપૂરી વાંચીને લખ્યું છે.
પછી એક વાર મળવાનું થયેલું, તો કહે, સુમન, હું પણ બધું આખેઆખું મૉજથી વાંચી ગયો છું. વાત કરવાની તમારી નવી રીત મને ગમી છે … મારી ખુશીનો પાર નહીં …
= = =
(December 1, 2021 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર