આ વરસના માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં વિશ્વભરના મીડિયામાં એક તસવીર ખૂબ ચર્ચામાં રહી. આ તસવીર અમેરિકાના સીએટેલમાં રહેતાં 33 વર્ષીય જેનિફર હાલેરની હતી. તે બે બાળકોનાં માતા પણ છે. જેનિફર કોરોનાને નાથવા વિકસિત થઈ રહેલી એક દવાનું પરીક્ષણ પોતાનાં પર કરવા તૈયાર થયાં હતાં ! કોઈ પણ રોગના ઈલાજ માટે નવી રસી (વૅક્સિન) તૈયાર કરવાની પ્રક્રિયામાં વર્ષોનાં વર્ષો લાગી જાય છે. તેના ચોક્કસ તબક્કા છે. સૌથી પહેલાં તેનું પરીક્ષણ જાનવરો પર થાય છે. ત્યાર બાદ માનવશરીર પર. કોરોનાએ મહામારીના રૂપમાં આખા વિશ્વને બાનમાં લીધું છે. માટે, તેની રસી જલદી શોધી શકાય તેટલું સારું છે. જેનિફર હાલેર, નવી દવાની શોધ અને કોરોના અંગેના અનેક અહેવાલો વાંચતા 19મી સદીના આખરી તબક્કાનો એ સમયગાળો યાદ આવી ગયો જે અંગે મોટા ભાગના લોકો અજાણ છે.
આ વાત એ સમયની છે, જ્યારે પ્લેગ ભારતમાં ભયંકર રીતે ખુવારી સર્જી રહ્યો હતો. પહેલા એવી કહેવત પ્રચલિત હતી કે પ્લેગની બીમારી સિંધુ નદી પાર નહીં કરી શકે. પરંતુ 19મી સદીમાં પ્લેગ ભારતમાં આવી ગયો હતો.પહેલાં પશ્ચિમ ભારતમાં અને પછી ધીરે ધીરે આખા દેશમાં તે ફેલાઈ ગયો હતો. 19મી સદીના અંતિમ દશકમાં તે મુંબઈ પ્રાંત અને બંગાળમાં કેર મચાવી રહ્યો હતો. પ્લેગથી અંદાજિત એક કરોડ લોકોએ જીવ ગુમાવ્યા હતાં.
પરંતુ પ્લેગની રસી શોધાયા પછી તેનાથી થતાં મોત ઉપર અંકુશ આવી શક્યો. તેનું શ્રેય વ્લાદેમાર મોરદેચાઈ વોલ્પ હાફકિન (5 માર્ચ, 1860- 26 ઓક્ટોબર, 1930) નામના મહાન જીવવિજ્ઞાનીને જાય છે. મુંબઈમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે આ રસી શોધી હતી.
મહત્ત્વની વાત એ છે કે પ્લેગની જેમ કૉલેરાની રસી પણ હાફકિને જ શોધી હતી. કોલેરાની રસીનું પરીક્ષણ પણ આ વૈજ્ઞાનિકે પોતાના શરીર પર જ કર્યુ હતું. કારણ કે પરીક્ષણ માટે કોઈ તૈયાર નહોતું. તત્કાલીન રશિયા અને હાલના યુક્રેનના હાફકિન જીવવિજ્ઞાનના અભ્યાસ માટે પેરિસ ગયા હતા. ત્યાં તેમણે કૉલેરા માટેની રસી શોધી હતી. ભારતમાં કૉલેરાથી થતાં મૃત્યુનો દર ખૂબ ઊંચો હતો. કૉલેરાના દરદીઓ પર તેની રસીનો પ્રયોગ કરવા હાફકિન વર્ષ 1893માં ભારત આવ્યા હતા. કૉલેરા વચ્ચે જ્યારે પ્લેગે માથું ઊંચક્યું, ત્યારે સરકારે તેમને પ્લેગની રસી શોધવા વિનંતી કરી હતી અને તેમને એ કામગીરીમાં પણ સફળતા મળી.
[સૌજન્યઃ “ધ પ્રિન્ટ”, અનુવાદ : ગૌતમ ડોડિયા]
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 30 મે 2020