સુનીતા હલધર પશ્ચિમ બંગાળના ફુલિયા જિલ્લાના એક ગામમાં રહે છે. કામની તલાશમાં પતિ કેરળ જતો રહ્યો એટલે તે ગામમાં જ વણાટ કામ કરીને પોતાનું અને ત્રણ બાળકોનું ગુજરાન ચલાવતાં હતાં. પણ લૉક ડાઉન પછી કામ બંધ પડ્યું છે. એટલે માંડ એક ટંક ખાવા પામે છે.
સઈદાબાનો અમદાવાદમાં એક કૉન્ટ્રાકટર માટે પીસ રેટથી (કપડાંના નંગ મુજબની સિલાઈ લઈને) કપડાં સિવવાનું કામ કરે છે. તેમના પતિનું પાંચ વર્ષ પહેલાં ટી.બી.થી મૃત્યુ થયું હતું. પંદર વરસના મોટા દીકરાને તે ભણાવવા માગે છે, જેથી તે ભણીગણીને સારું કમાઈ શકે અને ઘર ચલાવવામાં મદદ કરે. પણ હવે તેમની પાસે કોઈ કામ નથી. જે થોડાઘણા રૂપિયા હતા, તે પણ વપરાઈ ગયા છે. રાશન માટે હવે તેમને પાડોશીઓ પર આધાર રાખવો પડે છે.
ભૂખનો છૂપો ચહેરો બતાવતી, સંઘર્ષ અને અભાવોની આવી લાખો કહાણીઓ દેશભરમાં છે, લૉક ડાઉને ઘણા બધા લોકોનાં જીવનની અનિશ્ચિતતા ઉજાગર કરી છે. પરપ્રાંતીય, ખાસ કરીને શહેરોના પુરુષ કામદારોના, ભૂખ અને નિરાશાથી ભરેલા ચહેરા તો આપણે રોજ ટી.વી.ના પડદે જોઈએ છીએ. પરંતુ ગામડાંમાં રહેતી મહિલાઓ પણ પોતાના પ્રવાસી પતિઓની જેમ જ ખોરાક અને પૈસાના અભાવમાં જીવે છે. સામાન્ય દિવસોમાં આ સ્ત્રીઓ નાનાંમોટાં ઘણાં કામ કરીને ઘર ચલાવે છે, પોતાનું નાનકડું ખેતર સંભાળે છે, ઢોર ચરાવે છે, ખેતમજૂરી કે વાવણી, લણણી, કાપણી કરે છે કે બીજાં લોકોનાં ઘરનાં કામ કરે છે અને પોતાનાં બાળકોની દેખભાળ રાખે છે.
પરંતુ અચાનક લૉક ડાઉન જાહેર થતાં જ આ સ્ત્રીઓ નિ:સહાય થઈ ગઈ છે. શહેરોમાં કામ કરતા પતિ પોતે જ મુશ્કેલીમાં છે. એટલે એમની પાસેથી કોઈ મદદ મળવાની આશા નથી. એ જ સમયે આ મહિલાઓ પોતે જે થોડુંઘણું કમાતી હતી તે પણ બંધ થઈ ગયું છે. આ મહિલાઓ જે શાકભાજી ઊગાડે છે, તેને નજીકના બજારમાં લઈ જવાનું શક્ય રહ્યું નથી. બાંધકામ બંધ છે એટલે ત્યાં પણ મજૂરી મળવાની નથી. જો કે સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી યોજના (મનરેગા) હેઠળ કામ આપવાની જાહેરાત કરી છે, પરંતુ તે કામો પણ હજુ શાયદ જ ક્યાં ય શરૂ થયાં છે.
મહિલાઓ અને બાળકોના રૂપમાં ભૂખના અદૃશ્ય ચહેરા શહેરની ચાલીઓ, વસતિઓ અને ઝૂંપડપટ્ટીઓમાં પણ હાજરાહાજૂર છે. તેમાં સૌથી વધુ પ્રભાવિત સંભવત : એ મહિલાઓ છે, જેમની કમાણી પર આખું ઘર નભે છે. એ મહિલાઓ કાં વિધવા છે કે પછી તેમના પતિ કે પિતા બીમારીનાં અથવા બીજાં કારણોથી કમાઈ શકતા નથી. તે પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઘરનોકર તરીકે કામ કરે છે, ફેરી કરીને સામાન વેચે છે, બાંધકામ-મજૂર છે, કચરો વીણે છે કે પછી ઘરમાં રહીને નાનાંમોટાં કામ કરે છે. સામાન્ય દિવસો હતા ત્યારે પણ તેમના માટે અથક સંઘર્ષ હતો. પણ આજે તો ધંધોરોજી બંધ છે એટલે ભૂખે તેમના ઘરનો જાણે કે કબજો લઈ લીધો છે.
સરકારે રાશનકાર્ડ ધરાવતાં પરિવારોને ધાન આપવાની વ્યવસ્થા કરી છે. જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને આધારકાર્ડ કે અન્ય દસ્તાવેજોના આધારે અનાજ આપવાની વ્યવસ્થા કેટલીક રાજ્ય સરકારોએ કરી છે. તેમ છતાં કેટલાક ટકા વસતિ એવી છે જે સૌથી ખરાબ સ્થિતિમાં છે અને આ સમગ્ર વ્યવસ્થાની બહાર છે. ક્યારેક ક્યારેક રાશનકાર્ડ કે આધારકાર્ડ ન હોવાને લીધે આમ બને છે, પરંતુ મોટે ભાગે અનાજની જાહેર વિતરણ વ્યવસ્થાની ખામી જ તેના માટે જવાબદાર છે. કેન્દ્ર સરકાર ગરીબોના બેંકખાતામાં સીધી મદદ જમા કરાવવાની જાહેરાત કરી ચૂકી છે. તેમાં મહિલાઓના જનધન ખાતાઓમાં રૂ. ૫૦૦ જમા કરાવવાની પણ વાત છે. આ લાભ પણ બધી મહિલાઓને નથી મળી રહ્યો. વૈશ્વિક કન્સલ્ટિંગ કંપની ડાલબર્ગ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, એપ્રિલ મહિનાના મધ્ય ભાગ સુધી ગરીબીરેખા નીચેનાં સૌથી વધુ ગરીબ ૧૮,૦૦૦ પરિવારોમાંથી ૪૫ ટકાને મફત રાશન મળ્યું નહોતું, જ્યારે ૭૦ ટકા પરિવારોના જનધન ખાતામાં કોઈ રકમ જમા થઈ નહોતી.
મુશ્કેલીઓનો અંત આટલેથી જ આવી જતો નથી. બીજી પણ ઘણી સમસ્યાઓ છે. પૈસાના અભાવે હાથ તંગીમાં છે અને લૉક ડાઉનનું પૂરું ચિત્ર સ્પષ્ટ થતું નથી. એટલે ઘરમાં એ મુદ્દે ઝઘડા થયા કરે છે કે પૈસા શાના માટે ખર્ચવા ને શાના માટે ન ખર્ચવા. આ ચર્ચાઓને કારણે ભોગવવાનું તો છેવટે મહિલાઓને જ આવે છે અને તેમણે શારીરિક માનસિક હિંસાનો ભોગ બનવું પડે છે.
કેટલાક એવા અદૃશ્ય હાથ પણ છે જે આ ભૂખ્યાં પરિવારોની મદદ કરે છે. એવા લોકો સમાજના બધા સમુદાયના છે. તે આ ભૂખ્યાં પરિવારોને કોઈ પણ ભોગે બે ટંક ખાવાનું મળી રહે તે માટે પોતાનાથી બનતું બધું જ કરી છૂટે છે. એમાં ઘણી સ્વયંસેવી મહિલાઓ પણ છે. સરબજીત કૌર આવાં જ એક મહિલા છે. તે વિધવા છે અને પંજાબના પટિયાલા જિલ્લાના એક ગામમાં પોતાના દીકરા સાથે રહે છે. તે ગુજરાન ચલાવવા માટે વિવાહવાજનમાં રાંધવાનું કામ કરે છે અને સાથેસાથે ખેતરમાં મજૂરી પણ કરે છે. જેવી એમને ખબર પડી કે તાળાંબંધી થવાની છે કે તરત તેમણે પોતાના સમુદાયના બધા જ વંચિત પરિવારોને અલગ તારવીને, તેમના વિશેની જાણકારી સ્થાનિક બિનસરકારી સંસ્થાઓને અને રાજનેતાઓને આપી. પરિણામે, પ્રાથમિકતાના ધોરણે આ બધાં પરિવારોને રાશન મળી રહ્યું છે. દેશભરમાં આ પ્રકારની અસંખ્ય સરબજીત કૌર છે. તેમની પ્રશંસા કરીએ એટલી ઓછી. ખરેખર તો તેમને સરકારની સાર્વજનિક વિતરણ પ્રણાલીનો હિસ્સો બનાવવી જોઈએ, જેથી સમાજના છેવાડાની મહિલાઓ સુધી અન્ન પહોંચી શકે.
અનુવાદઃ ચંદુ મહેરિયા
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 18 મે 2020