તસવીરકાર અિશ્વન મહેતાએ બાવીસ વર્ષે હિમાલયનો પગપાળા પ્રવાસ કર્યો ત્યારે તે સૌપ્રથમ ફોટા પાડયા. એ ફોટા “ધર્મયુગ” અને “ઇલસ્ટ્રેટેડ વીકલી”માં છપાયા અને તેઓ વિશ્વસ્તરે ખ્યાત બની ગયા તેમણે છવ્વીસ વર્ષ માત્ર ફોટોગ્રાફી કરી અને ચૌદ વર્ષ પહેલાં ફોટોલીલા સંકેલી. હમણાં વિરાટની વાટ પકડી.
કળાકાર એ છે કે જે કશું પામવા નહીં, પણ પામી ચૂકેલું ખોજવા જીવે છે. કળાકાર એ છે કે જે કશું પામવા નહીં, પણ પામી ચૂકેલું ખોજવા જીવે છે. તસવીરકાર 'નથી’ની શોધમાં નથી, છે પણ નરી આંખે દીસતું નથી ત્યાં ભીતરનો કેમેરો માંડે તે તસવીરકાર છે. નાનાની હવેલીની પાછલી ગલી. સાંકડી ધૂળિયા શેરી. એમાં એક કાબરચીતરો બકરો. ભડક નડિયાદી લીલા રંગના બારણા પાસે ઊભો હતો. બાર-તેર વર્ષનો એક કિશોર દૂર ઊભો ઊભો આ રંગોનું સંયોજન તાકી તાકીને જોયા જ કરે છે અને તેમાંથી ખોવાય જાય છે જીવનભર રંગો-દૃશ્યો અને તેની તસવીરોમાં બાવીસ વર્ષે હિમાલયનો પગપાળા પ્રવાસ કરે છે ત્યારે તે સૌ પ્રથમ ફોટા પાડે છે, આ ફોટા “ધર્મયુગ” અને “ઇલસ્ટ્રેટેડ વીકલી”માં છપાય છે … અને એ યુવાન 'સુપ્રસિદ્ધ તસવીરકાર અિશ્વન મહેતા’ના નામે વિશ્વસ્તરે ખ્યાત બને છે.
પહેલા ફોટા પાડયા ૧૯પ૨માં હિમાલયના, તો છેલ્લા પાડયા ૧૯૯૯માં દક્ષિણ ભારતની કુદરતી ચાદરના. આ સુડતાલીસ વર્ષોમાંથી, અનુસ્નાતક અભ્યાસ+બેકારી+નોકરીનાં મળીને એકવીસ વર્ષો બાદ કરીએ તો અિશ્વન મહેતાએ છવ્વીસ વર્ષ માત્ર ને માત્ર ફોટોગ્રાફી કરી. કશુંક જોયું નથી ને કેમેરો માંડયો નથી, એવું નહીં. કેમેરો બહાર માંડવાનો પણ ખોજ અંદરની કરવાની. અંદરની ઠંડક લઈને બહારના હિમાલય પર કેમેરો માંડવાનો. પ્રકૃતિના આંગણામાં ઊગેલા અશોકના છોડની તસવીર લઈ ભીતરમાં તે છોડને વાવી દેવાનો. અિશ્વન મહેતા નોખા નહીં પણ ચોખ્ખા અને ચોખલિયાળા તસવીરકાર..
એમણે ફોટોગ્રાફી શરૂ કરી તે પહેલાં ખબર હતી કે આજીવિકાનું એકમાત્ર સાધન આ ફોટોગ્રાફી છે, છતાં છતાં અિશ્વન મહેતાએ સ્વયં માટે આચારસંહિતા ઘડી :
૧. ગમે તેટલા પૈસા મળતા હોય તો પણ કાપડ-કપડાં, દારૂ-તમાકુની જાહેરખબર માટે ફોટા પાડવા નહીં કે પાડેલા ફોટામાંથી કશું વેચવું નહીં.
૨. જાહેરખબરમાં સ્ત્રીનો દેહ કેન્દ્રમાં રહેતો હોય એવા ફોટા પાડવા નહીં કે પાડેલા ફોટામાંથી જાહેરખબર માટે આપવા નહીં.
૩. કુદરતી પ્રકાશમાં જે કામ થાય તે કરવું, સ્ટુડિયો કે મલ્ટિફ્લેશ વગેરેની ઝંઝટમાં પડી બજારુ ફોટોગ્રાફી કરવી નહીં.
૪. 'રિયોતાર્જ’ના ફોટા પણ સામયિકનો વાચક પ્રાકૃતિક-સૌંદર્ય તરફ આકર્ષાય અને આપણા ભવ્ય વારસાથી અવગત થાય એવા હેતુથી પાડવા.
પ. રેલ-વિમાન-બસ અકસ્માત, ગેસ ગળતર, પૂર, ધરતીકંપ, સુનામી કે યુદ્ધ જેવી માનવીય કે પ્રાકૃતિક દુર્ઘટનાનો ઉપયોગ આપણે પોતાના રોટલા શેકવા કરવો નહીં …
આવી લશ્કરી આચારસંહિતા છતાં અિશ્વન મહેતા વિશ્વવ્યાપી કેમ બની રહ્યા??
અિશ્વન મહેતા સ્વામી આનંદના આત્મીયજન, કવિ ઉમાશંકર જોષીના પ્રિયજન, સંગીતજ્ઞ બટુક દીવાનજીના સ્વજન, ઇન્દિરા ગાંધીના સ્નેહીજન. બે ઋષિતુલ્ય મહાનુભાવો જે. કૃષ્ણમૂર્તિ અને પીટર ડ્રકર તથા ભારતનાં જાજરમાન મહિલા વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની બાજુમાં બેસી પોતાના ફોટોગ્રાફ્સ બતાવવાનો અને તે અંગે કલાકો સુધી વિગતો વર્ણવવાનો જીવન-લહાવો અિશ્વન મહેતાને મળ્યો છે. સિક્યુરિટીથી ઘેરાયેલાં ઇન્દિરાજીને ખુમારીથી અિશ્વન મહેતાએ કહી દીધેલું કે : 'આપ આટલાં દૂર બેસીને ફોટોગ્રાફ્સ જોશો તો જામશે નહીં. અહીં મારી પાસે બેસો તો બરાબર દેખાશે અને તમે શું જોઈ રહ્યાં છો તે હું કહી શકીશ.’
અંગરક્ષકોનો વડો તો આ સાંભળી દોડી આવ્યો, પણ નહેરુ કુટુંબનું ગૌરવ ભેગું લઈને જીવતાં ઇન્દિરાજી અિશ્વન મહેતાની પડખે બેઠાં અને ખૂબ જ રસપૂર્વક ચર્ચા કરતાં કરતાં ચારસો પારદર્શીઓ (ટ્રાન્સ્પેરન્સી) નિરાંત જીવે માણી. આ બેઠકની ફલશ્રુતિરૂપે અિશ્વન મહેતાએ કેમેરામાં મઢેલાં હિમાલયનાં ફૂલોની ચાર ટપાલ ટિકિટો બહાર પડી … ડો. જયંત નાર્લીકરની એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સની સંસ્થા 'આયુકા’એ અ.મ.ના 'કોસ્મિક ઇમેજીસ’ના ફોટા ખરીદ્યા અને અિશ્વનભાઈએ જાતે પૂણે જઈ તે ગોઠવ્યા આ ફોટા લેવામાં બે વર્ષ વીત્યાં, ત્રીસ દિવસો ઉપયોગના હતા તેમાંથી પણ અિશ્વન મહેતાએ કહ્યું : 'બ્રહ્માંડના સહોદર થવાનો મને લહાવો મળ્યો.
આ ત્રીસ દિવસોનું મારી જીવન-અલમારીમાં અલાયદું ખાનું છે, નિરતિશય આનંદનું, 'એક્સ્ટસી’નું …’ સિંગાપોર એરલાઇન્સને તો અિશ્વન મહેતાની તસવીરો મનમાં ઘર કરી ગઈ. આઠ વર્ષો સુધી પોતાના માસિકમાં અિશ્વન મહેતાના 'ફોટો-ફિચર’ છપાયાં. ચાર મોટા પ્રોજેક્ટ પણ તેમને સોંપ્યા ને અિશ્વન મહેતા ઓસ્ટ્રેલિયા, યુરોપ, અમેરિકા, કેનેડા અને દક્ષિણ આફ્રિકાની અભરેભરી પ્રકૃતિ સંપદાવાળા પ્રદેશો ઘૂમી વળ્યા. ૬૬થી ૮૦ વચ્ચે નવ વન-મેન શો કર્યા. પણ પ્રત્યેકનો એક વિષય, ફોટો પ્રદર્શનોના ઉદ્દઘાટન નહીં, ઘી-મીણના દીવડા પ્રગટાવવાના નહીં … દરેક પ્રદર્શનનો એક જ કેન્દ્રસ્થ વિષય કેમ? આ પ્રશ્નનો રોકડો જવાબ અિશ્વન મહેતા આપે : હું તસવીરકાર છું. ભજિયાંવાળો નથી કે મિક્સ્ડ પ્લેટ ધરી દઉં.
જાન્યુઆરી, ૨૦૦૦થી પ્રવાસો બંધ કર્યા. કેમેરા વેચી કાઢયા ને ફોટોલીલા આંશિક સંકેલી લીધી. એક મોટી કંપનીના ભીમકાય અનુદાનથી અ.મ.ના ફોટો-સંગ્રહમાંથી તેર શ્રેણીમાં વહેંચાયેલા ૯૧પ ફોટા પસંદ કરી 'હાઇ-રેઝોલ્યુશન સ્કેિનંગ’ કરાવી ચૌદ ડીવીડીમાં સંગ્રહિત કર્યા. તેનો એક સેટ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય સંગ્રહાલય-દિલ્હીને, એક સેટ પોતાના ફોટો-એજન્ટને અને બે સેટ જુદી જુદી ફોટો-ગેલેરીને આપી, પોતાના જીવતાં જ પોતાનું 'ફોટો-શ્રાદ્ધ’ અિશ્વન મહેતાએ કરી લીધું અિશ્વન મહેતાએ વિરાટની વાટ તો હમણાં પકડી, પણ પોતાનું શ્રાદ્ધ તો વર્ષો પહેલાં પોતે જ કરી લીધું … એ એકલયાત્રી બની જીવી રહ્યા હતા તીથલના સાંઈબાબા રોડના તેમના પ્રકૃતિ પરિસર 'તુલસી’માં .. તમે જઈ ચડો ને તેમની ઈચ્છા ન હોય તો તો તેઓ જ બારણું ખોલી તમને કહી દે : 'તમે આવ્યા તે સારું કર્યું, પણ મને બહુ જામશે નહીં એટલે આપણે નહીં મળીએ, આવજો …’ આ અિશ્વન મહેતાનું ગદ્ય પણ બેનમૂન.
તેઓના શબ્દોમાં તેઓની વાત : 'મારા મુરબ્બી અકબર પદમશીની સલાહને માથે ચડાવી છે, કે કળાકારે મૂંગા મરવું ને કળાકૃતિને બોલવા દેવી … મારી એક મુશ્કેલી છે. જીવનની બારાખડીમાં અધ્યાત્મનો 'અ’ પહેલા આવે છે ને કળાનો 'ક’ પછી …’ ભીતરની ઊંચાઈ એટલી જબરી કે … કહેવું હોય તે સોઇ નહીં, તલવાર ઝાટકીને કહી જ દે … નાનપણથી એમની મહત્ત્વાકાંક્ષા હતી કે શોગાકુકાન મારું પુસ્તક પ્રકાશિત કરે તો દાદુ, આપણે ફોટોગ્રાફી કરી કહેવાય ૧૯૯૬માં આ અવસર આવ્યો.
શોગાકુકાનની ન્યુયોર્ક ઓફિસના જાપાની મેનેજર કામ જોઈ આફરીન થઈ ગયા. તેમણે ટોકિયોને પુછાવ્યું. ટોકિયોને કામ ગમી ગયું, પણ એક શરતે. નામમાંથી એક અક્ષરની અને અટકમાંથી બે અક્ષરની બાદબાકી કરી અિશ્વન મહેતામાંથી 'અસીન માયાટા’ કરવાની શરતે. તરત જ અિશ્વન મહેતાએ જવાબ આપ્યો : 'થેંક્સ સામે વહેતી હડસન નદીમાં બધું પધારાવી દેવાનું હું વધુ પસંદ કરીશ …’ આ અિશ્વન મહેતા તુલસીદળમાં સમાયા, ઘૂઘવતો દરિયો જાણે સમેટાઈને તુલસીક્યારે સમાધિ લગાવી બેસી ગયો. કેમેરાની આંખે નિજ અંત:ચક્ષુઓને માંડવાના છે તો જ વિરાટ વિશ્વદર્શન શક્ય છે. છબિ તો ભીતરની લેવાની છે, ભલે ને કેમેરો બહાર માંડવાનો હોય …'
e.mail : bhadrayu2@gmail.com
સૌજન્ય : ‘સન્નડે પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 03 અૉગસ્ટ 2014