છું તેવો ને તેવો જ ! • અનિલકુમાર પટેલ
જન્મદિવસ ત્રીસમો
(ગધ્ધાપચીસી પછી − ફક્ત પાંચમો !)
છું હજુ તો છોરું જ !
ત્રણ દસકા કાલયંત્રમાં
ઘડીકમાં જ સરી પડ્યાં !
ઊથલપાથલો − ધમાચકડીઅો અનેક,
અાવીને ચાલી ગઈ − શમી ગઈ !
છું તેવો ને તેવો જ !
હજુ કેટલાંક ?
વર્ષો અાવીને સરી જશે !
રહીશ તેવો ને તેવો જ ?
દેહકિલ્લાના કાંગરાઅો ક્ષણે ક્ષણે ક્ષીણ થશે,
મનગમતો મહેલ રેતીનો ડુંગર થશે.
ત્રસ્ત ને અધીર પ્રવાસી નિજ રસ્તો કાપશે,
મુક્તતાનું પ્રચંડ હાસ્ય અવનિને કંપાવશે !
‘છું તેવો ને તેવો જ !’