ગ્રંથયાત્રા – 13
સેલ્ફ હેલ્પનાં પુસ્તકો આજે તો ઢગલાબંધ છપાય છે અને વેચાય છે. પણ છેક ૧૮૪૧માં સેલ્ફ હેલ્પનું પુસ્તક? અને તે ય પૂરાં ૪૬૪ પાનાંનું! એનું નામ ‘શરીર શાંનતી’ (એટલે કે શરીર શાંતિ. અહીં અને હવે પછી બધે અવતરણ ચિહ્નોમાં જોડણી મૂળ પ્રમાણે). અને એ મુંબઈ કે સુરતમાં નહોતું છપાયું. તે કિતાબ તો “શ્રી દમણ મધે કાવશજી ફરદુનજીએ છાપી છે.” પૂરાં ૪૪ પાનાંના દીબાચામાં આ પુસ્તકને ‘નાંધલી શરીખી વૈદકની કિતાબ’ તરીકે ઓળખાવીને લેખક તેની પાછળનો હેતુ સમજાવતાં કહે છે : “હરેક વેલાએ પરવીણ વઇદની ગેર હાજરીએ હરેક કુંટમબ પરીવાર વાલાને તુરત હરેક બીમારીની દવા કરવાને બની આવે કે તેથી કરીને લોકોને ફાઇદો પોંહોંચે.” સ્વાસ્થ્ય અને સારવાર અંગેના પુસ્તકની આજે આપણને નવાઈ ન લાગે. જાણકાર, ઓછા જાણકાર અને અ-જાણકાર લોકો આજે એવાં પુસ્તકો બનાવતા રહે છે. પણ આ પુસ્તક પ્રગટ થયું તેની સાલ છે ૧૮૪૧. આખા હિન્દુસ્તાનની પહેલવહેલી મેડિકલ કોલેજ ‘ગ્રાન્ટ મેડિકલ કોલેજ’ મુંબઈમાં ૧૮૪૫માં શરૂ થઈ. તે પહેલાં ચાર વર્ષે આ પુસ્તક પ્રગટ થયું હતું.
સ્વાસ્થ્ય અને સારવાર અંગેનાં આજનાં પુસ્તકો જુઓ તો મોટે ભાગે ચિકિત્સા અને સારવાની કોઈ એક પદ્ધતિને આધારે તે લખાયાં હોય છે. જેમ કે એલોપથી, આયુર્વેદ, નેચરોપથી, વગેરે. પણ ૧૮૪૧માં પ્રગટ થયેલા આ પુસ્તકની એક વિશિષ્ટતા એ છે કે તેના લેખકે એક સાથે ત્રણ પદ્ધતિઓનો સહારો લીધો છે : યુનાની, આયુર્વેદ, અને એલોપથી. એટલે ઘણાં રોગ કે માંદગીની સારવાર માટેનાં આ ત્રણે પદ્ધતિ પ્રમાણેનાં ઔષધોની માહિતી તેમણે અહીં આપી છે. આવું પુસ્તક તૈયાર કરવાની પોતાની લાયકાત અંગે લેખકે દીબાચામાં વિસ્તારથી ખુલાસો કર્યો છે. પહેલું, તેમને બાળપણથી જ યુનાની પદ્ધતિ અંગેનાં પુસ્તકો વાંચવાનો શોખ હતો, એટલું જ નહિ તેમાંની બાબતો અંગે જાણીતા હકીમો સાથે ચર્ચા કરવાની ટેવ હતી. બાર વર્ષની ઉંમરે સુરતના એક પ્રખ્યાત યુનાની હકીમ પાસે તાલીમ લેવાનું તેમણે શરૂ કર્યું હતું. ત્યાર બાદ મુંબઈમાં મુલ્લા ફિરોઝ જેવા વિદ્વાન પાસેથી પણ તેમણે આવી તાલીમ લીધી હતી. તેમના અવસાન બાદ ભરૂચના એક ‘નામીચા હકીમ’ પાસેથી તાલીમ લીધી. યુનાની પદ્ધતિનું તો જાણે સમજ્યા, પણ એ જમાનામાં એલોપથીની જાણકારી ક્યાંથી મેળવી? તો કહે, ડોક્ટર ટેલર, ડોક્ટર વ્હાઈટ, ડોક્ટર જેફરસન, જેવા સરકારી કે ખાનગી અંગ્રેજ ડોકટરો પાસેથી. આ ઉપરાંત કેટલાક ફિરંગી (પોર્ટુગીઝ) ડોક્ટરોનાં નામ પણ આ સંદર્ભે લેખકે આપ્યાં છે. એટલું જ નહિ, એલોપથીની પોતાની જાણકારીનો લેખક લોકોની સારવારમાં ઉપયોગ પણ કરતા હતા. પણ એમ કરવું તે એક વાત, અને પુસ્તક લખવું તે જરા જૂદી વાત. પોતે જે જાણતા હતા તેની ચકાસણી કોઈ જાણકાર તબીબ પાસે કરાવ્યા વગર આવું પુસ્તક લખવું યોગ્ય ગણાય નહિ. લેખકના સદ્ભાગ્યે આવા એક ડોક્ટર મળી ગયા – પૂનામાં કામ કરતા ડોક્ટર એલેક્ઝાન્ડર ગિબ્સન. તે એલોપથીના ડોક્ટર તો હતા જ, પણ સાથોસાથ આયુર્વેદિક જડીબુટ્ટીઓ વિષે સંશોધન કરી રહ્યા હતા અને હિન્દી, મરાઠી તથા ગુજરાતી ભાષાના જાણકાર હતા. લેખકે કેટલાક દિવસ સુધી તેમની સાથે ચર્ચાઓ કરી, જરૂરી નોંધો લઈ લીધી. પુસ્તકના ટાઇટલ પેજ ઉપર લેખકે આ ડોકટરના નામ સાથે ઋણસ્વીકાર કર્યો છે. બલકે, તેમનું નામ પહેલાં, અને પોતાનું પછી મૂક્યું છે. પોતે જે પુસ્તક લખવા ધારતા હતા એવા પુસ્તકની ‘દેશીઓ’ માટે ખૂબ જરૂર છે એવો તે ડોકટરનો અભિપ્રાય મળવાથી લેખકને પાનો ચડ્યો. પણ માત્ર સાંભળેલી અને નોંધેલી વાતો પર બધો મદાર કેમ રખાય? એટલે તેમણે ફારસી અને અંગ્રેજી કિતાબો વાંચવા માંડી. તેનાં નામ પણ દીબાચામાં નોંધ્યાં છે. બંને ભાષાના શબ્દોના અર્થોની ચોકસાઈ કરવા માટે જરૂરી ડિક્ષનરીઓ પણ ઉથલાવી. પોતે ત્રણ પદ્ધતિઓનો આશરો લીધો છે તો તેની ચિકિત્સા અને સારવારની પદ્ધતિની સરખામણી પણ લેખકે દીબાચામાં કરી છે. એકંદરે તેમને એલોપથી પદ્ધતિ સૌથી વધુ ઉપયોગી લાગી છે. તે માટેનાં કારણો પણ તેમણે આપ્યાં છે. આ કિતાબમાં જણાવેલી દવાઓ ક્યાંથી મળે, કેવી રીતે આપવી, તેની આડ અસરોનું કઈ રીતે ધ્યાન રાખવું, વગેરે અંગેની ચર્ચા પણ લેખકે કરી છે. તેના અનુસંધાનમાં દવાઓ માટેનાં તોલ-માપની સમજણ પણ આપી છે.
પુસ્તકમાં માહિતી આપવાની લેખકની પદ્ધતિ પણ નોંધપાત્ર છે. પહેલાં તો રોગોને તેમણે બે ભાગમાં વહેંચ્યા છે: શરીરની બહારના ભાગના રોગો, અને શરીરની અંદરના રોગો. તાવ અને તેની સારવાર અંગે અહીં પૂરાં ૨૬ પાનાં રોકાયાં છે. તે પછી આવે છે માથાનો દુખાવો અને તેની સારવાર. આ પુસ્તકમાં જે રોગોની વાત કરી છે તેમાંના કેટલાક : કમળો, કોલેરા, ખીલ, ખુજલી, ખાંસી, ગુમડાં, જલંદર, દમ, પથરી, પક્ષઘાત, બદહજમી, મરડો, હરસ. આવા સર્વસામાન્ય રોગો ઉપરાંત આંખ, કાન, નાક વગેરેનાં દર્દો તથા સ્ત્રીઓ અને બાળકોના રોગો વિષે પણ પુસ્તકમાં વિગતે વાત કરી છે.
રોગો અને તેની સારવારની વાત ૩૦૭મે પાને પૂરી થાય છે. તે પછી પહેલાં તો ઔષધોનો કોશ આપ્યો છે જેમાં ત્રણે પદ્ધતિની દવાઓનો વર્ણાનુક્રમે પરિચય આપ્યો છે. જો કે તેમાં શરૂઆત ‘ક’થી કરી છે અને બધા વ્યંજનો પૂરા થયા પછી સ્વરોને સ્થાન આપ્યું છે. કેટલીક યુનાની અને આયુર્વેદિક દવાઓની બાબતમાં તે ઘરે કઈ રીતે બનાવી શકાય તે પણ જણાવ્યું છે. ૪૦૧મે પાને આ કોશ પૂરો થાય છે. તે પછી ઔષધો માટેનાં તોલ-માપ અંગેની વિગતવાર માહિતી આપી છે. ત્યાર બાદ જુદી જુદી ઉંમરના દર્દીઓને કેટલી અને કેવી રીતે દવા આપવી તે જણાવ્યું છે. સામાન્ય બીમારીના ઈલાજ માટે એલોપથીની કઈ કઈ દવાઓ ઘરમાં રાખવી જોઈએ તે પણ જણાવ્યું છે. અને અંતે આપ્યું છે પુસ્તકનું ‘શાંકલીઉઁ.’ તેમાં પણ વ્યંજનો પછી સ્વરોને સ્થાન આપ્યું છે.

ફરદુનજી
જોઈ, જાણી, સમજી, વિચારીને, મહેનતપૂર્વક આ પુસ્તક બનાવ્યું હોવા છતાં દીબાચામાં એક વાત લેખકે ચાર-પાંચ વખત ભારપૂર્વક કહી છે : કોઈ જાણકાર તબીબ હાજર ન હોય ત્યારે, અને ત્યારે જ, આ પુસ્તકનો ઉપયોગ કરવો. તબીબ હાજર હોય અને સારવાર કરતો હોય ત્યારે આ પુસ્તકને નામે તેના કામમાં દખલ કરવી નહિ. કારણ રોગોની સારવારની બાબતમાં જાણકાર તબીબ જે કામ કરી શકે તે કોઈ પુસ્તક કરી ન જ શકે.
પણ આ પુસ્તકના લેખકનું નામ? એવણનું નામ હતું ફરદુનજી મર્ઝબાનજી. પહેલવહેલા ગુજરાતી અખબાર ‘મુંબઈ સમાચાર’ના સ્થાપક-તંત્રી. માત્ર ગુજરાતી છાપકામ કરતું પહેલું છાપખાનું ૧૮૧૨માં મુંબઈમાં શરૂ કરનાર ફરદુનજીસાહેબ. લેખક, અનુવાદક, સંપાદક, પુસ્તક-વિક્રેતા, મુદ્રક, પત્રકાર, ૧૯મી સદીના અર્વાચીનતાના એક અગ્રણી મશાલચી. પણ ‘શરીર શાંનતી’ જેવું પુસ્તક તેમણે લખેલું એ વાત આજે ભાગ્યે જ કોઈ જાણે છે. અને આ કાંઈ તેમનું એકલ દોકલ પુસ્તક નહોતું. પૂરાં પચીસ પુસ્તકો તેમનાં પ્રગટ થયાં હતાં, જેમાં ‘દબેસ્તાન’ અને ‘પંચતંત્ર’નો અનુવાદ, ‘ગુલેસ્તાન’નો તરજુમો, વગેરેનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ‘પોતે સુધારીને છાપેલાં પુસ્તકો’ની સંખ્યા ૨૨ની થવા જાય છે. પણ ફરદુનજીનું પોતાનું છાપખાનું, અખબાર, તો મુંબઈમાં હતું. તો પછી તેમણે આ પુસ્તક દમણમાં કેમ છાપ્યું? પારસી કેલેન્ડરની કાળગણના અંગે એ વખતે પારસીઓમાં જબરો વિવાદ ચગ્યો હતો. કદમી અને શહેનશાહી એવા બે પક્ષ સામસામે આવી ગયા હતા. ફરદુનજી કદમીઓનો પ્રચાર જોરશોરથી કરવા લાગ્યા. વિરોધીઓએ પહેલાં તેમને વારવાનો પ્રયત્ન કર્યો. નિષ્ફળતા. એટલે એક ‘મિત્ર’ની મદદથી ફરદુનજીને એક આર્થિક બાબતમાં ખોટી રીતે સંડોવ્યા. તેમની બધી માલમિલકત જપ્ત થઈ. છતાં માથે દેવું તો રહ્યું જ. એ વખતના બ્રિટિશ કાયદા પ્રમાણે દેવાદારને લાંબી અને આકરી જેલની સજા થતી. તેમાંથી બચવા ન છૂટકે મુંબઈ છોડી ફરદુનજી ૧૮૩૨ના ઓક્ટોબરની ૧૧મી તારીખે તે વખતે પોર્ટુગીઝોના તાબામાં આવેલા દમણ જઈ વસ્યા. મુસાફરી માટેના એંસી રૂપિયા પણ એક મિત્ર પાસેથી ઉછીના લેવા પડેલા. દમણના ગવર્નરના આગ્રહથી પહેલાં એક નાનકડું શિલાછાપ છાપખાનું શરૂ કર્યું. પણ મુંબઈના છાપખાનામાં મુવેબલ ટાઈપથી ટેવાયેલા ફરદુનજીને લિથોગ્રાફથી સંતોષ ન થયો. એટલે ૧૮૩૮માં દમણમાં જ બીબાં વાપરી છાપકામ કરતું પહેલવહેલું છાપખાનું શરૂ કર્યું. અલબત્ત, પોતાને માથે કાયદાની જે તલવાર લટકતી હતી તેનાથી ફરદુનજી પૂરેપૂરા સજાગ હતા, એટલે આ છાપખાનું પોતાને નામે નહિ, પણ પોતાના એક દીકરા કાવસજીને નામે કર્યું હતું. એ જ પ્રેસમાં છપાયું હતું આ પુસ્તક. પુસ્તકની છપામણી અંગેની એક લાક્ષણિકતા પણ નોંધી લઈએ. બીબાં વાપરીને છાપેલા આ પુસ્તકમાં શબ્દો છૂટા પાડીને છાપ્યા છે એટલું જ નહિ, બે શબ્દો વચ્ચે બધે જ મધ્યરેખાબિંદુ પણ મૂક્યાં છે. વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણવિરામને બદલે મધ્યરેખા પર અક્ષરના કદની જ ફુદરડી (*) મૂકી છે. જો કે આ બંને લાક્ષણિકતા ફરદુનજીએ છાપેલાં બીજાં કેટલાંક પુસ્તકોમાં પણ જોવા મળે છે. આ પુસ્તક છપાયું ત્યારે ફરદુનજી બ્રિટિશ ઇન્ડિયાના રહેવાસી નહોતા, છતાં મુંબઈના ગવર્નરની કાઉન્સિલે આ પુસ્તકની પચીસ નકલ ખરીદી, એટલું જ નહિ, જો ફરદુનજી તેનો મરાઠી અનુવાદ કરાવે તો સરકાર પોતાને ખર્ચે તે છાપી આપશે તેમ પણ ઠરાવ્યું.
ફરદુનજીનો જન્મ સુરતમાં, ૧૭૮૭માં. (ચોક્કસ તારીખ મળતી નથી, પણ તેમના પોરિયાના પોરિયા કેકોબાદ બેહેરામજી મર્ઝબાને લખેલ અને ૧૮૯૮માં પ્રગટ થયેલ ‘ફરદુનજી મર્ઝબાનજી: ગૂજરાતી છાપાના સ્થાપક, એક ફિલસૂફ, એક સુધારક, એક કવિ’ નામના પુસ્તકમાં આ સાલ આપી છે.) ૧૮૪૭ના માર્ચની ૨૩મી તારીખે દમણમાં અવસાન.
XXX XXX XXX
10 સપ્ટેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com