— દેવાંશી જોષી, તેજલ શુક્લ અને યશપાલસિંહ ચૌહાણ તેમ જ તેમનાં સ્વજનોનું સન્માન —
વિશિષ્ટ એવું ‘શિવા પત્રકારત્વ સન્માન’ વરિષ્ટ પત્રકાર પ્રશાંત દયાળનાં પત્ની શિવાનીની સ્મૃતિમાં ગયા વર્ષથી સ્થાપિત થયું છે. આ સન્માન પચાસ વર્ષથી ઓછી ઉંમરના પત્રકાર અને તેનાં પડકારભર્યા વ્યવસાયમાં પડખે ઊભા રહેનાર પરિવારજનને આપવામાં આવે છે. શિવાનીબહેન અડીખમ રીતે પ્રશાંતની સાથે રહ્યાં હતાં તેનું હૃદયસ્પર્શી બયાન પ્રશાંતના ‘શિવા’ પુસ્તકમાંથી મળે છે.
શિવા સન્માનનો સમારંભ આ બીજા વર્ષે પણ સૂચક દિવસે એટલે કે ગાંધીજીને પડખે રહેનાર કસ્તૂરબાના જન્મદિવસ 22 ફેબ્રુઆરીએ નવજીવન પરિસરના જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હૉલમાં યોજવામાં આવ્યો. તેમાં દેવાંશી જોષી અને તેમનાં સાસુ હંસાબહેન, તેજલ શુક્લ અને તેમનાં માતુશ્રી ઈન્દુબહેન, યશપાલસિંહ ચૌહાણ અને તેમના પત્ની ધર્મિષ્ઠાબાને આપવામાં આવ્યું.
ત્રણેય માધ્યમકર્મીઓએ બે-અઢી દાયકા દબાણો અને પડકારોની વચ્ચે એકંદરે સ્વચ્છ પત્રકારિતામાં કરી છે. તેની ઝલક કાર્યક્રમના આરંભે દર્શાવવામાં આવેલી ત્રણ નમૂનેદાર વીડિયો ફિલ્મ્સ પરથી મળી. પાંચ-પાંચ મિનિટની આ ચુસ્ત ફિલ્મ્સ ‘નિર્ભય ન્યૂઝ’ના ઉજ્જ્વલ ઓઝાએ સૂઝ અને મહેનતથી બનાવી છે.
તેની સાથે સાંભળવા મળેલી, પુરસ્કૃત પત્રકારોના જીવન, કારકિર્દી, સંઘર્ષ અને સિદ્ધિઓનો અસરકારક આલેખ સાંભળવા મળ્યો. તેની સ્ક્રિપ્ટ ‘નવજીવનનો અક્ષરદેહ’ માસિકના સંપાદક તેમ જ ગાંધીવિચારના ઉત્તમ અભ્યાસી કિરણ કાપુરેએ લખી હતી. તે સામયિકના આગામી અંકમાં અને ફિલ્મ્સ નવજીવન ન્યૂઝની યુટ્યૂબ ચૅનલ પર સુલભ બને તેવી આશા રહે છે.

અમદાવાદની બંને પત્રકારોએ પ્રતિભાવમાં તેમના કર્તૃત્વનું શ્રેય પરિવારમાં મળેલા ઉછેર ઉપરાંત માતપિતાએ આજથી બે દાયકા પહેલાં, મહિલાઓ માટે અરૂઢ ગણાતું ક્ષેત્ર પસંદ કરવા માટે આપેલા અવકાશને આપ્યો. સન્માનનો ઉપક્રમ શરૂ કરનાર નોખા પત્રકાર પ્રશાંત દયાળ પ્રત્યે પણ તેઓએ કૃતજ્ઞતા વ્યક્ત કરી.
‘જમાવટ’ ચૅનલથી ઘરેઘરે પહોંચેલાં દેવાંશીએ નોંધપાત્ર વાત કહી – તેઓ સાસુ પ્રત્યે વિશેષ આભારી એટલા માટે છે કે તે એવા દીકરા સંકેતના માતા છે કે જેણે પત્ની દેવાંશી પર ક્યારે ય પતિપણું ચલાવ્યું નથી, અને સાથીપણું નિભાવ્યું છે. સંકેતે હંમેશાં આપેલા આત્મવિશ્વાસ અને મજબૂત ટેકાનું પણ દેવાંશીએ વર્ણન કર્યું.
છેક છેડાની બે બાબતો સામે આવે ત્યારે વૈચારિક અને વ્યવસાયિક સંતુલનની કોશિશનું પણ તેમણે બયાન કર્યું. અપાલા-લોપામુદ્રા અને સીતા-દ્રૌપદી, નર્મદાને કિનારે આવેલા હાફેશ્વર ગામમાં માથે બેડું લઈને દૂર પાણી ભરવા જતી છોકરી,નસ્ટૅચ્યૂ ઑફ યુનિટી અને બાજુના ગામ ઝરવાણીમાં ઝોળીમાં પ્રસૂતિ માટે લઈ જવાતી સ્ત્રી એવા ચોટદાર દાખલા તેમણે આપ્યાં.
‘રામ તમે સીતાજીની તોલે ન આવો’ ભજન અને સીતાની અગ્નિપરીક્ષા કરનાર ભગવાન રામને દેવાંશીએ યાદ કર્યાં. પત્રકાર તરીકે પોતાનાં સમાજાભિમુખ અગ્રતાક્રમ અને આદર્શોનો નિર્દેશ આપવાની સાથે દેવાંશીએ ‘જમાવટ’ની ટીમના ફાળાની પણ નોંધ લીધી.
તેજલનાં પિતા અરવિંદ શુક્લ, ભાવનગરના તીર્થસ્થાન સમાં, હવે સ્મૃતિશેષ પ્રકાશનગૃહ ‘લોકમિલાપ’થી શરૂ કરીને નવજીવન પ્રકાશનમાં આખર સુધી પુસ્તકોના પ્રસારક રહ્યા. તેમણે અને ઇન્દુબહેને દીકરીને વ્યવસાય પસંદગીના અને લગ્ન ન કરવાના બંને નિર્ણયો અંગે ક્યારે ય કશું કહ્યું નહીં.
સાહસ અને જોખમભરી સ્ટોરી કરતાં રહેનારા તેજલને પણ હંમેશાં મહિલા નહીં પુરુષ પત્રકારો તરફથી ટેકો મળતો રહ્યો છે. તેમણે રસપ્રદ વાત કરી : ‘હું જેન્ડર ભૂલી ગઈ છું.’ તંત્રી જે કામ કરવા માટે દબાણ કરતા હોય તે કરવાનો સાફ ઈન્કાર કરવો પડ્યો હોય એની પણ તેજલે જિકર કરી. તેમની દૃષ્ટિએ દબાણ અવિરત બાબત છે. ‘સમાજ માટે આ ક્ષેત્રમાં આવી છું’ કહેનાર તેજલને પાંચ-છ નોકરીઓ બદલવી પડી છે.
ભાવનગરના યશપાલસિંહ દસ વર્ષની ઉંમરથી તેમના ફોટોજર્નાલિસ્ટ પિતા હઠીસિંહની સાથે છબિકલાના પાઠ લેતા. હઠીસિંહ એક વખત કવરેજ કરવા ગયેલા ત્યારે એક પોલીસ ઈન્સ્પેક્ટરને બચાવવા જતા તેમને આંખમાં ગંભીર ઈજા થઈ.
પિતાનું કામ બાર વર્ષના નિશાળિયા યશપાલસિંહે ભણતર સાથે ચાલુ રાખ્યું. સમય જતાં સૌરાષ્ટ્રના ઘણાં અખબારો માટે ફોટોગ્રાફી અને પછી રાજ્યની કેટલીક ચૅનલો માટે વીડિયોગ્રાફી કરી. દબાણ તેમ જ ધમકીઓ વચ્ચે તેમણે કરેલા કવરેજ અને વહોરલા જોખમોનાં અનેક દાખલા છે. મોલ્ડીંગ-વેલ્ડિંગનું કામ કરનાર હઠીસિંહ અભાવગ્રસ્ત લોકોને નજીવા દરે સાધનો બનાવી આપે છે. તેમનું અને તેમનાં પત્ની કુંદનબાનું શાલથી સન્માન કરવામાં આવ્યું.
સહુનાં સન્માન નવજીવનનાં મૅનેજિન્ગ ટ્રસ્ટી વિવેક દેસાઈ અને ઝાલાવાડ ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ માધવી મહેતાને હસ્તે કરવામાં આવ્યાં. તે બંને ઉપરાંત પ્રશાંત દયાળ અને તેમના દીકરી પ્રાર્થનાએ પ્રાસંગિક વાત કરી. સાહિત્યકાર રામ મોરીએ કાર્યક્રમનું સંચાલન કર્યું. સહુએ રાત્રિભોજનનો સ્વાદ લીધો. વિચાર અને આયોજનની રીતે એક મનભર કાર્યક્રમમાં રવિવારની સાંજ વીતી.
તસવીર સૌજન્ય : નવજીવન, કોલાજ: નીતિન કાપુરે
23 ફેબ્રુઆરી 2026
e.mail : sanjaysbhave@yahoo.com
![]()

