રોમાંચ ભુલાતો નથી. ’સમુદ્રમંથનના પહેલા પ્રયોગ વખતે પાર્કિંગ માટે રોડ પર દૂર માંડ જગ્યા મળી. રસ્તામાં કોઈએ કહ્યું, ’ટિકિટ નથી મળતી, બોલો!’ છેલ્લાં બે-અઢી વર્ષમાં અદિતિ દેસાઈએ એક પછી એક નવી જ ભાતનાં ત્રણ સફળ નાટકો આપેલાં, છતાં માની ન શક્યો. સમય પહેલાં હૉલ ખીચોખીચ. થયું, કોઈકને કહ્યું પણ ખરું, ’સ્થાનિક ગુજરાતી નાટક પર જ પડદો ખૂલશેને!’ નાટકને સળંગ ઉત્તેજનાભર્યો પ્રતિભાવ મળતો રહ્યો, વિશેષે યુવાન પ્રેક્ષકવર્ગ તરફથી. અનુભવીઓ પ્રસન્ન દેખાયા.
પ્રયોગ પછી ત્રીજા દિવસે દિગ્દર્શિકા અદિતિ સાથે ફોન પર લાંબી વાત થઈ. પ્રકૃતિગત સ્વાભાવિકતા સાથે નિખાલસ ટીકા પણ સાંભળી. પછી કહે, ’દસ પ્રયોગ પછી પાછા આવજો!’ આવનારા પ્રયોગો અંગેના આત્મવિશ્વાસનો આ રણકો રંગભૂમિ સાથેના મારા ચારેક દાયકાના સંપર્ક દરમિયાન ક્યારેક જ સાંભળ્યો છે. વડોદરા સહિત પાંચેક શો તો મહિનાભરમાં થઈ ગયા. લગભગ દરેક પ્રયોગનું પ્રેક્ષકોએ ઊભા થઇને અભિવાદન કર્યું. વધુ પ્રયોગોની કતાર લાગી ગઈ છે. ટિકિટ ખરીદીને પ્રેક્ષકો જોવા આવે છે. રજૂઆતની શૈલીની અને નાટકના હાર્દની માવજતની, થોડી મર્યાદાઓ છતાં, એમાં તાજગી છે. વળી, ગુજરાતના દરિયાકિનારાની એમાં સુગંધ છે અને ત્યાંની એક યુવાન સ્ત્રીના ખમીરનો મહિમા છે.
સમુદ્રમધ્યે વહાણ. પ્રેક્ષકો વચ્ચે દરિયાનાં મોજાંના આભાસ સાથે ખારવાઓ ગાતા જાય અને પડદો ખૂલે. રંગમંચના પાછલા ભાગે ઊંચાઈ પર વચ્ચોવચ્ચ લાકડાનું આબેહૂબ મોટું સુકાન નજરે પડે. સુકાની છે કસાયેલ દેહ ધરાવતો, પહોળી છાતીનો, શ્યામવર્ણી ખારવો મીઠુ. ક્યારેક લાંબે ડગલે મોટું દૂરબીન ઉપાડે અને સમુદ્ર પર દૂર દૃષ્ટિ નાંખે. ઉપર લઈ જતી બે બાજુ બે સીડી છે, નીચે ભોંયરાનો ઓરડો દેખાય. ફાનસ, બાલદી, ડબ્બા, ડ્રમ, દોરડાં વગેરે ઘણું ને દીવાલ પર દિવસો ગણેલા, તેના આંકા. નીચે રંગમંચ પર, પ્રેક્ષકોની બિલકુલ સામે, સામાન્ય રીતે રહેતી, અભિનય માટેની જગ્યા. સતીશ સુથારની નિશ્ચેતન છતાં જીવંતતાની ક્ષમતા ધરાવતી, એકપાત્ર જેવી, સાચે જ અપૂર્વ મંચસજ્જાને તાળીઓથી વધાવવાનું મન થાય.
બહાર ઘૂઘવતો દરિયો. વહાણમધ્યે અભિનયકક્ષમાં ખડતલ ખારવાઓનાં આંખે વસી જાય એવાં જોમભર્યાં દૃશ્યો. નાટ્યસંઘર્ષની શક્યતાઓ ત્યારે વરતાય છે, જ્યારે પુરુષ વેશે, છુપાઈને રહેવાની તૈયારી સાથે, મીઠુની પત્ની કબીનો પડછંદ મરદો વચ્ચે રહસ્યમય પ્રવેશ થાય. પેઢીઓથી ચાલી આવતી માન્યતા કે ’અસ્ત્રીથી’ વહાણ પર ન અવાય, અમંગળ થાય, પરંતુ આ કબી જુદી માટીની બનેલી છે. અમંગલને બદલે મંગલ લાવે એવી. ભણેલી, શિક્ષિકા પણ રહી ચૂકેલી બિન્દાસ યુવાન ખારવા સ્ત્રી. પ્રવેશ સાથે ઝળકે છે અને અંત સુધી વિવિધ દૃશ્યોમાં તે પ્રણય અને રોમાંચ, કુતૂહલ, હિંમત, વિષાદ, ઠંડો આત્મવિશ્વાસ, પડકાર, વિજય અને વાત્સલ્યના ભાવો સાથે અને મીઠુની ’દરિયાબાપ’ના વિશાળ હૃદયની શીખ જીવનમાં ઉતારનારી વ્યક્તિ તરીકે કેન્દ્રમાં રહેવાની છે.
દિલને અડી જાય એવાં પ્રવાહી પ્રણયદૃશ્યો, સમુદ્ર અને જીવનને સાંકળતાં ખારવા ગીતનૃત્યો. વર્ષોથી અતિલોકપ્રિય અમેરિકન થિએટર પ્રકાર બ્રૉડવે મ્યુિઝકલ્ઝની યાદ આપે. હાર્વર્ડમાં અભ્યાસ કરી આવેલી એક બહેન કહે કે બિલકુલ સાચી વાત. બ્રૉડવેનો ટચ છે અહીં! નોંધપાત્ર વાત એ કે આંખ અને કાનને ગમી જતાં આ મધુર અંશો નાટ્યપ્રવાહમાં અંતર્ગત થઈ જાય છે અને ઘટના એક પ્રતીક (metaphor) બની જાય છે. જમાનાભરથી ચાલી આવતી એક અંધશ્રદ્ધા. તે પણ એક સ્ત્રીને કરીને. તેને શંકાની નજરે જોવાય. આ સ્ત્રી કબી ભણેલી અને નિર્ભીક, વળી, હૈયાસૂઝવાળી અને પ્રેમે એને બનાવેલી બળવત્તર. અમંગલ લાવવાની વાત તો બાજુએ, એ ઘટવાની હોય તો કુનેહપૂર્વક તેને નિવારી શકે એવી. સમત્વ અને કરુણાને ‘દરિયાબાપા’ થકી જીવનમાં ઉતારેલા, એટલે પુરુષથી ય સવાઈ.
પ્રણયદૃશ્યો અગાઉ રંગમંચ પર જોયાં ન હોય તેવાં. નાજુક અને મધુર ખરાં, પણ આવેગપૂર્ણ. ઊછળતાં મોજાં જેવો પ્રેમ. તેની નજરે પડતી અભિવ્યક્તિ નિર્ભીકપણે અતિઆધુનિક અને છતાં કલાત્મક રીતે સંયમિત. ફિલ્મી નૃત્યસંયોજનોની જેમ બદલાતાં રહેતાં, જકડી રાખતાં દૃશ્યો. બુલંદી ગીતો અને નૃત્યો ખડતલ સમૂહજીવનનો અહેસાસ આપે. કરામતપૂર્વક પ્રેક્ષકો વચ્ચે રહીને પણ ખારવાઓ એનો સ્પર્શ આપે. સમુદ્રજીવનનો અનુભવ, પ્રદેશના વિસ્તીર્ણ કિનારાથી દૂર, શહેરમાં ચાર દીવાલ વચ્ચે. અને, અનુભૂતિ મળે જીવનની નાજુક પળોની અને તેનાં મૂલ્યોની. નાટક નોખું પડે છે, તે જેટલું એના થિયેટરથી મનોરંજન દ્વારા, તેટલું એના નાટ્યથી અનુભૂતિ દ્વારા.
પ્રણયના રંગમાં ખેંચાતાં રહો ત્યાં સાવ અચાનક દિલ ધડકાવી દે તેવી, અણધારી નાટ્યાત્મક ઘટનાઓ. ખમીરભર્યા, બોલ્યેચાલવે કૌવતભર્યા ખારવાઓ વચ્ચે કટોકટી અને તોફાની સંઘર્ષ જાગી ઊઠે. જીવસટોસટનો, વધુ લોહિયાળ બની બેસે એવી દહેશત પેદા કરતો. શમવાનું નામ ન દે. પ્રેક્ષકોમાં સોપો પડે, સાથે અટકળો થાય. એ શમે તે પેલી પુરુષ ખારવાઓથી પણ દૂરનું – આંખ આડેના અનેકવિધ રૂઢિદત્ત પડળો વીંધીને – જોઈ શકતી, આધુનિક નારીને પણ આદર્શ પૂરો પાડતી, સંદર્ભગત જ્ઞાન અને હૈયાઉકલત ધરાવતી પ્રણયનિષ્ઠ, ઠંડી તાકાત ધરાવતી નાયિકા કબી દ્વારા.
જસવંત ઠાકર મેમોરિયલ ટ્રસ્ટનું આ નાટક, એ સહેતુક યાદ કરવું પડે. જસવંતભાઈની પુત્રી અદિતિ દેસાઈનું આ લાગલગાટ ચોથું સફળ નાટક, વાસ્તવમાં સૌથી વધુ. ’કસ્તૂરબા’, ’અકૂપાર’, ’અગ્નિકન્યા’ એ ત્રણેની જેમ ’સમુદ્રમંથન’ પણ નારીકેન્દ્રી, પણ વધુ પ્રચ્છન્ન અને સમૃદ્ધ રીતે. જસવંત ઠાકર શંભુમિત્ર વગેરે સાથે ઇપ્ટાના સ્થાપકોમાંના એક, પછી તેને ગુજરાતમાં પણ લાવેલા. અમદાવાદમાં તેમણે મુખ્યત્વે ‘પરિત્રાણ’, ’શર્વિલક’ વગેરે નમૂનેદાર પ્રશિષ્ટ શૈલીનાં નાટકો આપ્યાં. અદિતિની દીકરી દેવકીની ઓળખાણ આર.જે. તરીકે આજસુધી રહી છે, તે હવે ભુલાતી જશે. ’અકૂપાર’માં સાંસાઈ, ’અગ્નિકન્યા’માં દ્રૌપદી, પછી હવે ’સમુદ્રમંથન’માં કબી તરીકે નવી જ તરાહનો, યુવા પ્રેક્ષકોને સ્પર્શી જતો અભિનય કરતી અભિનેત્રી તરીકે દેવકી અહીં પ્રગટે છે, વિવિધ સ્વરૂપે સાદ્યંત છવાયેલી રહે છે. એક વિચારબીજ પરથી, આ પાત્રની, વળી આખા નાટકની, પરિકલ્પના સાથે નાટક લખ્યું તે દેવકીએ. એ રીતે માતા સાથે તેણે ખભો મિલાવ્યો છે.
અભિનય સાહજિક રીતે હાથવગો તો અભિનય બૅંકરને, જે કપ્તાન મીઠુ બન્યો છે. અદ્દલ દરિયાખેડુ કપ્તાન ખારવો લાગે. નાજુક પળોમાં મીણ જેવો તે પાત્રમાં એકમય છે. દેવકી એની બરોબરી કરે છે. ભૂદા તરીકે વૈનત એના પ્રથમ રંગભૂમિ-પ્રવેશે, વિશેષે એના શક્તિશાળી અવાજથી, આશા જન્માવે છે. થોડો અનુભવી ગૌરાંગ એની મર્યાદિત ભૂમિકામાં પણ ધ્યાન ખેંચે છે. ખારવાઓનું વૃંદ ઉત્સાહ અને આનંદ સાથે એકસૂત્રે બંધાઈ રહે છે. નૃત્યદૃશ્યોની જેમ આબેહૂબ સંનિવેશ અને તેની પ્રસિદ્ધિએ નાટક માટે આકર્ષણ ઊભું કર્યું છે. નાટ્ય અંતર્ગત સંગીતે તેને સંગીતિકા બનાવ્યું છે. પ્રકાશ-આયોજનને પડકાર છે. નાટકે યુવા પ્રેક્ષકોની કલ્પના ઉત્તેજી છે. અગાઉ મુખ્ય પ્રવાહનાં નાટકોથી દૂર રહેતો થયેલો આ વર્ગ એમાં રસ લેતો થયો છે.
ઉત્તમતાના સ્તરે નાટકની કેટલીક મર્યાદાઓ અનુભવાય છે, જે એને ઉત્તમોત્તમ બનતાં રોકે છે. ખડતલ જીવનમધ્યેના પ્રણયનું આલેખન પ્રતીતિજનક છે. આવનારી કરુણ ઘટના સંબંધે કેટલીક ઉક્તિઓ સંકેતરૂપ બની રહે છે. સપ્તર્ષિ અને ધ્રુવતારકના સંકેતો કલાત્મક છે. ’દરિયામાં કંઇ નકામું જતું નથી’, ’મારનાર કરતાં બચાવનાર મોટો’ કે ’વેર નહીં, વહાલની જરૂર’ વગેરે ઉક્તિઓ પણ કૃતિને ઊંચા સ્તરે સ્થાપે છે. વિષાદ અને નિર્ધાર સાથેનું કબીનું મૌન, નાજુક ક્ષણે મીઠુનું કબીના ખોળે સંકોડાઈ જવું અને કબી દ્વારા તેને અંકમાં સમાવી લેવાનું ચાહવું, તેમ વળી અંત તરફ મીઠુનું પુનઃ પ્રગટ થવું અને કબીને બળ મળવું વગેરે દિગ્દર્શનની મમળાવ્યા કરવી ગમે એવી ક્ષણો છે.
તે સાથે જ એ પણ યાદ રહ્યા કરે છે કે વાચિકના આરોહ-અવરોહની અને અમુક ક્ષણે મુખભાવની વધુ ઊંડી સૂક્ષ્મતાને અવકાશ રહે છે, જેને કારણે ભાવપલટા સ્પષ્ટ રૂપે પૂરા ઊપસતા રહી જાય છે. બીજા અંકમાં જ્યાં નાયક-નાયિકા બંને પ્રત્યક્ષ હાજર નથી તે ભાગ થોડો લંબાઈ જાય છે અને એમાં એકવિધતા પ્રવેશે છે. કાન માંડનારને ગીતોના શબ્દોચ્ચારમાં અને ક્યારેક ટ્યૂન્ઝમાં શહેરી રણકો સંભળાય છે. નાટ્યાત્મકતા માટે એક આખું પ્રણયગીત અને અન્યત્ર ગીતની વચ્ચોવચ્ચ કોઈ એક પંક્તિ, એના ભાવને રેખાંકિત કરવા માટે, સંગીત વિના માત્ર કંઠથી રજૂ કરવા જેવાં છે.
કબી આ નાટકનો સૌથી ઉદાત્ત અંશ છે. ગુજરાતીઓ માટે ગૌરવની વાત એ કે આ કબી તે આપણા માંડવી બંદરની કબી મીઠુ કસ્તા. એની પર પુસ્તક થયેલું છે. નાટકમાં જે રામપાસા વહાણ છે, તેના કપ્તાન તરીકે કબી મીઠુની પાછળ સાચે જ પાંચેક વર્ષ ખેપે ગયેલી. ભણેલી અને શિક્ષિકા હતી. હોકાયંત્ર અને દરિયાઈ હવામાન વગેરેનું જ્ઞાન. નાટકનું કથાબીજ હસમુખ અબોટીની વાતમાંથી મળ્યું. સ્ત્રી-પુરુષ સમાનતાના સંસ્કાર પામેલી દેવકીએ નાટક વિકસાવ્યું. દાદાએ ’દરિયાલાલ’ કરેલું તે યાદ આવે. અદિતિની મંડળી માંડવી, માંગરોળ, પોરબંદર પહોંચી, કબીની ત્રીજી-ચોથી પેઢીને મળી, સંશોધન કર્યું. ખારવાઓ વચ્ચે રહી તાલીમ મેળવી, ગીત-નૃત્યોનો પરિચય કેળવ્યો.
સૌથી વિશેષ આનંદની વાત એ કે, ક્યારેક ઝબકાર કરી જતી પણ સુષુપ્ત અવસ્થામાં રહેલી ગુજરાતી રંગભૂમિ બીજા પણ નાનામોટા નાટ્યપ્રયોગો સાથે બે-ત્રણ વર્ષથી કાયાપલટ કરી રહી છે!
e.mail : sureshmrudula@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2016; પૃ. 14, 15 અને 05