
નેહા શાહ
આજે ૧૪મી નવેમ્બર, બાળદિન એટલે કે જવાહરલાલ નહેરુની જન્મ જયંતી. એક સમયના લોક લાડીલા નેતા, લગભગ સત્તર વર્ષો સુધી દેશના વડા પ્રધાન રહી ચુકેલા જવાહરલાલ નહેરુ આજની તારીખમાં પ્રચલિત ચર્ચામાં એટલી પ્રિય નથી. ભારતમાં એમની નબળાઈઓને વધારી-ચડાવીને એટલી તો જોરશોરમાં રજૂ કરવામાં આવે છે કે આઝાદ ભારતના નિર્માણમાં એમના યોગદાનને અવગણવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પણ ન્યુયોર્ક સિટીના મેયર તરીકે તાજેતરમાં ચૂંટાયેલા ભારતીય મૂળના યુવાન ઝોહરાન મમદાની ચૂંટણી જીત્યા પછીના સંબોધનમાં તેમને યાદ કર્યા અને ટ્રાયસ્ટ ઓફ ડેસ્ટીની (નસીબની અજમાઇશ) તરીકે ખૂબ પ્રચલિત થયેલા આ ભાષણનો ઉલ્લેખ કર્યો. ભારતની આઝાદી મળવાની પૂર્વ રાત્રીએ બંધારણ સભાને કરેલા સંબોધનમાં નહેરુએ કહ્યું હતું કે “એક એવી ક્ષણ, જે ઇતિહાસમાં જવલ્લે જ આવે છે, જ્યારે આપણે જૂનાથી નવા તરફ આગળ વધીએ છીએ, જ્યારે એક યુગનો અંત આવે છે, અને જ્યારે લાંબા સમયથી દબાયેલા રાષ્ટ્રના આત્માને વાચા મળે છે.” આઝાદીનો સૂરજ ઊગવાની સાથે નવા રાષ્ટ્ર માટે ઊભી થયેલી આશાસ્પદ શક્યતાઓનો એ સમય હતો.
નહેરુ સાથે તમે સંમત થાઓ કે ન થાઓ … એમણે લીધેલા નીતિ વિષયક નિર્ણયોના સારાં તેમ જ માઠાં બંને પરિણામો તમે તપાસો, પણ એક વાત તો સ્વીકારવી જ પડે કે આઝાદીના લગભગ આઠ દાયકે આજે વિશ્વના નકશામાં ભારતનું જે સ્થાન છે એને સમજવા માટે નહેરુના યોગદાનને ગણતરીમાં લેવું જ પડે. આઝાદી પછીનાં વર્ષોમાં ભારતના વિકાસનું જે માળખું ઘડાયું એના પાયામાં દેશના ઔદ્યોગીકરણનું માળખું છે અને આત્મામાં વૈજ્ઞાનિક મિજાજ કેળવવાની દૃષ્ટિ છે.
નહેરુ પોતે વિજ્ઞાનને મહત્ત્વ આપતા હતા. આર્થિક વિકાસના પાયામાં ઔદ્યોગિકરણ અને એના પાયામાં વિજ્ઞાન અને ટેકનોલોજીકલ છે એ સ્પષ્ટ સમજ સાથે નવા જન્મેલા દેશના માર્યાદિત આર્થિક સંસાધનો વચ્ચે પણ તેમણે વૈજ્ઞાનિક સંશોધન અને નવીનીકરણને મહત્ત્વ આપ્યું. દેશમાં આઈ.આઈ.એમ., આઈ.આઈ.ટી. જેવી વૈશ્વિક સ્તરની શૈક્ષણિક સંસ્થા ઊભી કરી, જળ વિદ્યુતથી લઈને ન્યુક્લીઅર પાવરનો પાયો નાખ્યો. વીજળી ઉત્પન્ન કરતા મોટા બંધો અને મોટા ઉદ્યોગોને તેમણે આધુનિક ભારતનાં મંદિર ગણાવ્યાં એ વાત જાણીતી છે. તેઓ સમજતા હતા કે દેશમાં સમૃદ્ધિ ઔદ્યોગીકરણના જ માર્ગે આવવાની છે તેમ જ વિશ્વમાં ઝડપથી વિકસી રહેલા મૂડીવાદી વિકાસ સાથે જો તાલ મેળવીને ચાલવું હશે તો ઉદ્યોગોના વિકાસ માટેનો પાયો મજબૂત કરવો પડશે. સમાજવાદી વિચારોથી પ્રભાવિત નહેરુએ આ માળખાકીય સવલતો ઊભી કરવાની જવાબદારી સરકારને ખભે નાખી. આ નીતિ પાછળનો હેતુ પાયાના ઉદ્યોગોમાં ખાનગી મૂડીનું કેન્દ્રીકરણની શક્યતાને રોકવાનો હતો. એટલે જાહેર એકમોના શુભ મુહરત સાથે શરૂ થયો, આયોજન સાથેના મિશ્ર અર્થતંત્રનો દોર. પંચ વર્ષીય યોજનાના રેડ ટેપીસમના એ સમયમાં ધારેલા ઘણાં લક્ષ્ય હાંસલ ન થઇ શક્યા એ વાત સાચી, પણ એક વાતનો સ્વીકાર સૌએ કરવો પડશે કે આધુનિક ઉદ્યોગોનો પાયો એ સમયે જ બંધાયો. એ સમયે બીજો વિકલ્પ શું હતો? મોટું જોખમ લઇ શકે એવા ટાટા, બિરલા, કે કિર્લોસ્કર જેવા મોટા મૂડીપતિઓની સંખ્યા મુઠ્ઠીભર જ હતી. રોડ, રેલવે, વીજળી, પાણી, સ્ટીલ, સિમેન્ટ જેવી અનેક સવલતોની માંગ ઉગતા ઉદ્યોગોને પરવડે એ કિંમતે પૂરી પાડી શકાય એટલી ક્ષમતા ધરાવતી ખાનગી મૂડી બજારમાં ક્યાં હતી?
સક્ષમ દેશના નહેરુનાં સપનાંમાં વિજ્ઞાનની પાયાની ભૂમિકા હતી. તેમના મતે દેશમાં પ્રવર્તતા ગરીબી, નિરક્ષરતા, અંધશ્રદ્ધા, અસ્વચ્છતા જેવા અસંખ્ય પ્રશ્નોનો જવાબ વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમમાં હતો. લાંબા ગાળાના વિકાસ માટે ઉત્પાદન ક્ષમતા વધારવી પડે અને એ માટે ટેકનોલોજી પણ જોઈએ અને નવીનીકરણ પણ જોઈએ. એ બંને માટે સમાજમાં વૈજ્ઞાનિક મિજાજ પણ કેળવાવો જોઈએ. જો કે નહેરુ જે વૈજ્ઞાનિક મિજાજની વાત કરતા તે માત્ર વિજ્ઞાનની નવી શોધ પૂરતો મર્યાદિત ન હતો, પણ એ જીવન જીવવાની રીતની વાત હતી. એટલે કે વૈજ્ઞાનિક ઢબે ખુલ્લા મનથી વિચારવાની ક્ષમતા, નવા પ્રયોગો અને નવાં જ્ઞાનના સર્જનની ઉત્કંઠા, જે વર્ષોથી ચાલી આવતી સમાજને પડકારવાની તૈયારી કેળવે. વૈજ્ઞાનિક મિજાજ ધરાવતો સમાજ આવિષ્કારોની સાથે સમાજ અને અર્થતંત્રની રીતોને પણ પ્રશ્નો કરે. વૈજ્ઞાનિક અભિગમની ભૂમિકા એટલે માત્ર આર્થિક ઉપાર્જન માટે નહિ પણ સમાજના પ્રગતિશીલ પ્રયાણ માટે પણ ખરી. ડીસ્કવરી ઓફ ઇન્ડિયા’ પુસ્તકમાં તેમણે ભારતના ઇતિહાસમાં રહેલા વૈજ્ઞાનિક વલણની નોંધ કરી છે – ગણિત અને ખગોળશાસ્ત્ર હોય કે ચિકત્સા પદ્ધતિ હોય, પ્રાચીન ભારતમાં એનો વિકાસ થયો એ બતાવે છે કે અહીં વૈજ્ઞાનિક અભિગમની ભાવના હતી. પણ, વૈજ્ઞાનિક અભિગમનો હાર્દ જ એ છે કે જૂની પરંપરા ગમે તેટલી મહાન હોય, નવા વિચારો સાથે એની સામે પડકાર ઊભા થાય તો વૈજ્ઞાનિક ઢબે એના જવાબ શોધવા પડે અને નવા વિચારોનો સ્વીકાર કરવો. એટલે કે કોઈ પરંપરા કે કોઈ નિયમ શાશ્વત નથી. દેખીતી રીતે જે વર્ગ ધર્મ, પરંપરા કે નિયમોના સનાતન હોવામાં વિશ્વાસ રાખે છે તેઓ સતત પ્રશ્ન પૂછતાં વૈજ્ઞાનિક મિજાજને વિકસાવવામાં માનતા નથી. નહેરુ સામે એમને પાયાની અસહમતી ઊભી થાય છે.
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

