Opinion Magazine
Number of visits: 9449230
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગલવાન ઘટના, જરી સબૂરીથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 June 2020

પૂર્વી લદ્દાખ સરહદે દૈનંદિન બલકે કલાક બ કલાક ઝડપી ઘટનાક્રમ વચ્ચે વડાપ્રધાનનું આ અવતરણ મોડું, ખાસુ મોડું ગણાય તેમ છતાં એનું એક તરેહનું શ્રીગણેશ મૂલ્ય હોઈ એ સંભારી લેવું ઠીક રહેશે : “ના વહાં કોઈ હમારી સીમામેં ઘૂસ આયા હૈ, ના હી હમારી કોઈ પોસ્ટ કિસીકે કબ્ઝે મેં હૈ …” ખાસ તરેહની વાગ્પટુતા (મેઘાણી જેને ‘મુખચાલાકી’ કહેતા), એ વડાપ્રધાનનો વિશેષ રહ્યો છે. પછીથી જે બધો સત્તાવાર ખુલાસો ખાસાં બે પાનાં ભરીને આવ્યો એથી આપણે ઊંઘતા ઝલાયાનું ને જે ઊકલ્યું ગણાવાતું હતું તે ધરાર ઉકળતું હોવાનું સમજાઈ રહે છે. અલબત્ત, આ આરંભિક ટીકાવચનો છતાં સામાન્યપણે આપણે સત્તાવાર સફાઈકાર ઉર્ફે પ્રવક્તા સાથે સમ્મત થઈશું કે કોઈની સામે આંગળી ચીંધવામાં અટવાઈ રહેવાનો અવસર આ નથી.

૨૭મી જૂનની સવારે આ અગ્રનોંધ લખાઈ રહી છે ત્યારે વાસ્તવચિત્ર શું છે એનો અચ્છો ચિતાર સવારનાં અખબારો ચીનસ્થિત ભારતીય રાજદૂત વિક્રમ મિસરીની ખાસ મુલાકાતના હેવાલ સાથે આવ્યાં એ જોતાં મળી રહે છે. આગલી રાતે (૨૬મી જૂને) નવ વાગ્યાની આસપાસ છાપાંને ‘ન્યૂઝ ઍલર્ટ’ મળ્યો હતો. (વાચકોની જાણ માટે ઉમેરું કે કોઈ મહત્ત્વના સમાચાર (બ્રેકિંગ ન્યૂઝ) તરતમાં ઊતરવાના હોય એની આગમચ ઍલર્ટ અપાય છે.) હવે વાંચો શું હતું એમાં : “India hopes China will realise its responsibility in de-escalation and disengaging by moving back to its side of LAC : India envoy to China.” પણ જ્યારે સમાચારનો પૂરો પાઠ ઊતર્યો ત્યારે એમાંથી ‘મુવિંગ બૅંક …’ એ શબ્દો અદૃશ્ય થઈ ગયા હતા. કૉલકાતાથી પ્રકાશિત થતું દૈનિક ‘ટેલિગ્રાફ’ ખબર આપે છે તેમ આ સમાચાર સબબ જે બીજા ન્યૂઝ ઍલર્ટ અપાયા હતા તે પણ અધિકૃત સમાચારપાઠમાં ‘ઍડિટ’ (એટલે કે સેન્સર) થઈ ગયેલા માલૂમ પડ્યા હતા. પહેલા ઍલર્ટનો પાઠ : “Only way to resolve military standoff along LAC is for China to stop erecting new structures on the Indian side of the LAC : Indian envoy to China.” પણ જ્યારે આખો હેવાલ ઊતર્યો ત્યારે એમાંથી ‘ન્યૂ સ્ટ્રક્ચર્સ …’ એ શબ્દો અદૃશ્ય થઈ ગયા હતા.

સર્વપક્ષીય બેઠક વખતના વડાપ્રધાનના ધન્યોદ્‌ગારોથી માંડીને લગભગ એક અઠવાડિયાના અંતરે ચીનસ્થિત રાજદૂત વિક્રમ મિસરીની મુલાકાતના આખરી પાઠ અને આગોતરા એલર્ટ વચ્ચેનું આ અંતર શું સૂચવે છે? વાસ્તવિક વિગતો બાબતે અંધારપછેડીનું કશુંક રાજકારણ ચાલી રહ્યું હોવું જોઈએ. પ્રભામંડળની સાચવણી સહિતની પી.આર. પ્રબંધન ગણતરીઓ એની પૂંઠે કામ કરતી હોવી જોઈએ. વસ્તુતઃ નૅશનલ મીડિયામાં ‘ગ્રાઉન્ડ ઝીરો’થી જે હેવાલો આ દિવસોમાં આવ્યા તે લેહબેઠા એટલે કે બસો-અઢીસો કિલોમીટર છેટેથી લખાયેલા છે.

કોઈની સામે આંગળી ચીંધવાનો અવસર આ બેલાશક નથી. તે સાથે, હકીકતો છુપાવવાનો અને પ્રજાને વિશ્વાસમાં નહીં લેવાનો અવસર પણ આ નથી. વ્યૂહાત્મક પેચપવિત્રા અલબત્ત અધિકૃત લશ્કરી વડા અને રાજનેતાની જાણકારીનો વિષય છે, પણ સ્થળચિત્ર અને વાસ્તવ બાબતે વિપક્ષને જ કેમ લોકસમસ્તને વિશ્વાસમાં લેવાપણું છે. મુદ્દે, મોદી ભા.જ.પ.ની શૈલીની મુશ્કેલી એ રહી છે કે એણે રાષ્ટ્રીય સુરક્ષા અને એ માટેના નિર્ણાયક નેતૃત્વને પોતાના પ્રધાન પ્રચારમુદ્દો બનાવેલો છે. પરિણામે, ગલવાન ઘટના જેવો પડકાર સામે આવે કે તરત પ્રજામત નહીં તો વિપક્ષ એમને એમના અગાઉ બોલાયેલા શબ્દો પાછા આપવામાં મચી પડે છે. એમાં અપેક્ષા હોય કે પછી ટોણાં મારવાનો ખયાલ પણ, અગર તો બંને.

આરંભે જે ઉલ્લેખ કર્યો, વિશેષ વાગ્પટુતાનો, એને અંગે આવે વખતે એક વાત બિલકુલ સાફ થઈ જાય છે. અને તે એ કે વીરત્વભર્યાં વચનો એ પ્રત્યક્ષ કર્મનો અવેજ નથી. ચૂંટણી જીતવા સુધી તો માનો કે તમે એ ગોપુચ્છથી વૈતરણી પાર કરી જાઓ, પણ પછી વાસ્તવિક નીતિઅમલનો કોઠો ભેદવો રહે.

આ જ વાગ્પટુતાએ વડાપ્રધાનને સારુ દેશબહારના ભારતવાસીઓમાં એક વિશેષ કૉન્સ્ટિટ્યૂઅન્સી નિર્માણ કરી છે. પહેલી પારીમાં એમણે એક એક કરીને કેટલા બધા દેશોમાં ભારતમિલનના કાર્યક્રમો કર્યા હતા! એક પા આ પ્રકારનાં આયોજનો અને બીજી પા વિદેશી નેતાઓ સાથે ગર્મજોશીથી મળવાનો સિલસિલો …  પી.આર. પ્રબંધન તો કોઈ એમની કને શીખે ! પણ જિન પિંગ સાથેની અઢાર અઢાર મુલાકાતો, રિવરફ્રન્ટ પરની હીંચકાસહેલ અને શ્રીખંડ ને ઢોકળાથી ગલવાનની ઘૂસણખોરી ને અંકુશ રેખાની આપણી હદમાં ગેરકાયદે બાંધણી, કશું રોક્યું રોકાયું નહીં.

વિક્રમ મિસરીની મુલાકાતના પૂરા પાઠમાંથી પસાર થતાં સમજાઈ રહેતી એક વાત એ છે કે અત્યાર સુધીનું વલણ સીમાસંઘર્ષને ભારત-ચીન વચ્ચેના બાકી મુદ્દાઓથી અલગ રાખીને જોવાનું હતું તે હવે કદાચ રહેતું નથી. બંને વચ્ચેના સંબંધોની, પછી વેપારવણજના હોય કે બીજા, સમગ્ર સમીક્ષાને હવે અવકાશ હોવાનો છે. આ સંજોગોમાં, કેવળ ‘આપણે બે’ એવી દ્વિપક્ષી ભૂમિકાને બદલે જાપાન, વિયેટનામ, તાઈવાન, ફિલિપિન્સ જેવા જે પાસપડોશના દેશોને ચીનની સરહદી સતામણી ઓછેવત્તે અંશે છે તેમને સાથે રાખીને ચાલવાનુંયે વલણ વિકસાવવું જોઈશે. એપ્રિલપૂર્વ ‘યથાસ્થિતિ’ની પુનઃસ્થાપના વિના બંને પક્ષો વચ્ચેની વિશ્વાસની ખાઈ પુરાવાની નથી. ગલવાન પર પોતાનો સાર્વભૌમ અધિકાર છે એવો ચીનનો દાવો પ્રમાણમાં નવો છે, અને એ પંથકમાં આપણને ફિંગર ૪થી ફિંગર ૮ના વિસ્તારમાં પૂર્વવત્‌ પેટ્રોલિંગની છૂટ ન મળે ત્યાં સુધી સાર્વભૌમત્વનો ચીની દાવો અક્ષુણ્ણ મનાશે.

ગમે તેમ પણ, આ નિમિત્તે પણ સત્તાપક્ષ અને વિપક્ષ લગરીક દિલખુલાસ મળતા થાય તેમ જ સત્તાવાર ભાષણલીલા લોકલુભાવન શૈલીની મોહતાજ ન રહેતાં લોકમતને વિશ્વાસમાં લેવાની રીતે ચાલે તો ગઈ પારી વેળાની નોટબંધીથી માંડીને ચાલુ પારીના દૂઝતા ઘાવ ભૂલીને પણ લોક મહત્ત્વના પ્રશ્ને એક સાથે રહેતા થશે. સત્તા-પ્રતિષ્ઠાનને પક્ષે આ પ્રક્રિયા મતભેદ અને ભિન્નમત સબબ દમન, ઉચ્છેદન, ઉપેક્ષાને બદલે આલોચનાત્મક દૃષ્ટિબિંદુના આદર સાથે સહવિચારણાની હોવી જોઈશે.

૨૭-૬-૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2020; પૃ. 01-02

Loading

29 June 2020 admin
← કોરોનાની દેણગી
ભારત-ચીન સંઘર્ષઃ મથાળાં નહીં, સરહદ મૅનેજ કરવાનો તકાદો →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved