Opinion Magazine
Number of visits: 9446783
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—94

દીપક મહેતા|Opinion - Opinion|8 May 2021

ગુજરાતી મેગેઝીનને કારણે મુંબઈમાં થયું કોમી રમખાણ

ડાંડી પીટીને પોલીસે જાહેર કર્યું કે કોઈએ દંગો-ફસાદ કરવો નહિ

રમખાણોમાંથી પ્રગટ્યું નવું મેગેઝીન રાસ્ત ગોફતાર

માણસો કેવાં કેવાં કારણોસર ઝગડી પડતા હોય છે! મુંબઈનું પહેલવહેલું રમખાણ કૂતરાઓને લીધે થયેલું તો બીજું રમખાણ થયું એક ગુજરાતી મેગેઝીનને કારણે! ૧૮૫૦ના ઓક્ટોબરની આઠમી તારીખથી કાવસજી સોરાબજી પટેલે મુંબઈથી ‘ચીતર ગનેઆંન દરપણ’ (ચિત્ર જ્ઞાન દર્પણ) નામનું અઠવાડિક શરૂ કર્યું. બહેરામજી ખરસેદજી ગાંધી તેના તંત્રી. નવું જ્ઞાન, નવી માહિતી, વાચકો સમક્ષ મૂકવાનો ઈરાદો. નામમાંનો પહેલો શબ્દ ‘ચિત્ર.’ એટલે માત્ર લખાણો નહિ, તેની સાથે, તેને અનુરૂપ ચિત્રો પણ મૂકવાનાં. એ વખતે ચિત્રો કે ફોટા છાપવાની આપણા દેશમાં ન જેવી સગવડ હતી. એટલે ચિત્રો ગ્રેટ બ્રિટનમાં છપાવીને અહીં લાવવાં પડતાં હતાં. ફોટા છાપવાની તો ત્યાં પણ સગવડ નહોતી. ફોટા પરથી ‘એન્ગ્રેવિંગ’ તૈયાર કરીને તે છાપતા. અને બે દેશો વચ્ચે દરિયાઈ માર્ગ સિવાય બીજો કોઈ વાહન વ્યવહારનો માર્ગ નહિ. એટલે અહીંથી મોકલેલી સામગ્રી છપાઈને પાછી આવતાં સહેજે ચાર-પાંચ મહિના થઈ જતા. એટલે ઘણી વાર ત્યાંથી તૈયાર છાપેલાં ચિત્રો કે ફોટા મગાવીને વાપરતા. સમય ઓછો જાય, અને સસ્તું પણ પડે. આ મેગેઝીનમાં એક કોલમ દુનિયાના મહાપુરુષોના પરિચયની આવતી. સાથે તેનું ચિત્ર પ્રગટ થતું. ૨૩ સપ્ટેમ્બર, ૧૮૫૧ના અંકમાં હઝરત મહંમદ પયગંબર સાહેબનો પરિચય આપતો લેખ પ્રગટ થયો. એ હતો એક અંગ્રેજી લેખનો અનુવાદ. એમાં ખાસ કશું વાંધાજનક નહોતું. પણ તંત્રીની ભૂલ એ થઈ કે લેખની સાથે પયગંબરસાહેબનું ચિત્ર પણ છાપ્યું. લિથોગ્રાફ પદ્ધતિથી છાપેલું આ ચિત્ર પણ ગ્રેટ બ્રિટનથી તૈયાર મગાવ્યું હતું. ઇસ્લામ ધર્મ બૂતપરસ્તીમાં માનતો નથી. એટલે આ લેખ સાથે ચિત્ર ન છપાય એ વાત તંત્રીને સમજાવી જોઈતી હતી. પણ ન સમજાઈ. છતાં અંક પ્રગટ થયો ત્યારે ખાસ કોઈનું આ વાત તરફ ધ્યાન ન ગયું.

પોતાની ઘોડા ગાડીમાં સર જમશેદજી જીજીભાઈ અને કેટલાંક કુટુંબીજનો

પણ શુક્રવાર ૧૭ ઓક્ટોબરની સવારે કોઈ અદકપાંસળીવાળાએ એ લેખ અને સાથેનું ચિત્ર મુંબઈની જુમ્મા મસ્જિદની બહારની દિવાલ પર ચોડી દીધાં. નમાઝ પઢીને બહાર આવતી વખતે લોકોનું એ તરફ ધ્યાન ગયું. પોતાના ધર્મનું અપમાન થયું છે એમ લાગ્યું. પારસીઓની મુખ્ય વસ્તી કોટ કે ફોર્ટની બહાર. એ વિસ્તાર ત્યારે ‘બહારકોટ’ તરીકે ઓળખાતો. લગભગ બે-અઢી હજાર લોકોનું ટોળું પારસી રહેણાકના વિસ્તારો તરફ ધસી ગયું. બીજું ટોળું સર જમશેદજી જીજીભાઈના ‘ઇલાહીબાગ’ નામના રહેઠાણ તરફ ધસ્યું. તેમના બંગલા પર અને આસપાસનાં ઘરો પર પથ્થરમારો શરૂ કર્યો. રમખાણો પાયધુની, ભીંડી બજાર, વગેરે વિસ્તારોમાં પ્રસર્યાં. દુકાનો લૂંટાઈ, તોડફોડ થઈ, મારફાડ થઈ. પોલીસ એકલે હાથે પહોંચી શકે તેમ નહોતું એટલે ૫૦-૬૦ પારસીઓની મદદ લઈને સો જેટલા હુલ્લડખોરોને પકડ્યા. રાત પડે તે પહેલાં સરકારે લશ્કરની ટુકડીઓ આ બધા વિસ્તારોમાં ગોઠવી દીધી. આથી રાત તો ખાસ કશી તકલીફ વગર વીતી.

એ જમાનામાં કોઈ મહત્ત્વની જાહેરાત કરવાની હોય તો ઠેર ઠેર ડાંડી પીટીને જાહેરાત કરવી પડતી. રવિવાર, ૧૯મી તારીખે સવારે અને સાંજે શહેરમાં ઠેર ઠેર ડાંડી પીટીને પોલીસે જાહેરાત કરી કે કોઈએ દંગો-ફિસાદ કરવો નહિ, અને જો કોઈ કરતું માલુમ પડશે તો તેને પોલીસ પકડીને જેલમાં નાખશે. ૨૨મી તારીખે પારસી પંચાયતના હોદ્દેદારો તરફથી હેન્ડ બીલો વહેંચી જાહેર નિવેદન કરવામાં આવ્યું કે આપણી જમાતના કોઈ સભ્યે ટંટોફિસાદ કરવાં નહિ. ૨૧મી ઓક્ટોબરે શહેરના બધા જસ્ટિસ ઓફ પીસ અને જુદી જુદી કોમના અગ્રણીઓની એક સભા ટાઉન હોલમાં મળી. હવે પછી જો કોઈ મુશ્કેલી ઊભી થશે તો મુંબઈ પોલીસ તેને યોગ્ય રીતે પહોંચી વળશે, અને શહેરની બધી કોમના શાંતિપ્રિય નાગરિકો પોલિસને સાથ-સહકાર આપશે તેમ જણાવતો ઠરાવ આ સભામાં પસાર થયો. ૨૨ ઓક્ટોબરે સરકારે જાહેરાત કરી કે હવેના દિવસોમાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને ૧૦૦ પોલીસની ટુકડી શહેરમાં ચોકી પહેરો કરશે. તેમની સાથે ત્રણ યુરોપિયન અને બે દેશી અમલદારો પણ રહેશે. આ ઉપરાંત ૨૦૦ અંગ્રેજ સિપાઈઓની લશ્કરની ટુકડી કોટ વિસ્તારમાં આવેલી બેરેકમાં ખડે પગે તહેનાત રહેશે, અને જરૂર જણાય તો પોલીસની મદદે પહોંચી જશે. 

૨૪મી ઓક્ટોબરના શુક્રવારે ફરી હુલ્લડ થવાની ધાસ્તી હતી. એ દિવસે નાનાં-મોટાં છમકલાં થયાં પણ બીક હતી તેવું હુલ્લડ થયું નહિ. છતાં જુદા જુદા વિસ્તારોનાં છમકલાંમાં ૧૪ પારસીઓ ઘવાયા જેમને સર જે.જે. હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આથી કેટલાક અગ્રણી પારસીઓનું એક પ્રતિનિધિ મંડળ સર જમશેદજી જીજીભાઈને બંગલે ગયું. ૨૯મી ઓક્ટોબરે એવણના બંગલામાં જુદા જુદા ધર્મના પ્રતિનિધિઓની બેઠક તેમણે યોજી. તેમાં બધા પક્ષોને શાંતિ જાળવવાની અપીલ કરી અને દંગો-ફિસાદ કરનારને આકરી સજા કરવા સરકારને વિનંતી કરી.

વીસ વરસની વયે દાદાભાઈ નવરોજી

અને છતાં ૩૧ ઓક્ટોબરના શુક્રવારે ભીંડીબજારમાં તોફાન થયું. એટલે તે પછીના દસ દિવસ માટે કોઈ પણ પ્રકારનું હથિયાર, સોડાવોટરની બાટલીઓ, સળગતા કાકડા કે મશાલ વગેરે લઈને જાહેર રસ્તા પર ચાલવા અંગે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. યુરોપિયન લશ્કરના ૨૦૦ સૈનિકોની ટુકડીએ અને સશસ્ત્ર દળની અને અશ્વદળની એક-એક ટુકડીએ મુંબઈના કેટલાક રસ્તાઓ પર ફ્લેગ માર્ચ કરી. બધા પોલીસ મેજિસ્ટ્રેટને રાત-દિવસ ફરજ પર મૂકાયા. આઠમી નવેમ્બરે ૪૦૦ પારસીઓની સહી સાથે મુંબઈ પોલીસના સિનિયર મેજિસ્ટ્રેટ મિસ્ટર સ્પેન્સરને મળીને પારસીઓના જાનમાલનું રક્ષણ કરવા વિનંતી કરી. આમ છતાં ૨૧મી નવેમ્બરના શુક્રવારે સર જમશેદજી જીજીભાઈના બંગલાની બહાર અને બીજા કેટલાક લત્તાઓમાં ભારે તોડફોડ થઈ. દહેશતને કારણે ત્રણ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાંના લોકો ઘરની બહાર નીકળી શક્યા નહિ. એટલે એ વિસ્તારોમાં ભોનું-પાની કોટ વિસ્તારમાંથી ગાડાંઓમાં ભરીને મોકલવાં પડ્યાં હતાં. લોકો પાસેથી ઉઘરાણું કરીને રૂપિયા ૧૭૪૬નું ‘બહારકોટના જરથોસ્તીઓને સારુ બચાવ ફંડ’ ઊભું કરીને તેમાંથી ખાનગી ચોકીદારો અને ‘ભૈયાઓ’ને રક્ષણ માટે રોકવામાં આવ્યા.

રમખાણોને પરિણામે શરૂ થયેલું રાસ્ત ગોફતાર

દાદાભાઈ નવરોજીએ લખી આપેલી અરજી ૨૨મી નવેમ્બરે ૪૫૦ સહી સાથે બહારકોટના પારસીઓ તરફથી ગવર્નર લોર્ડ ફોકલેન્ડને આપી, પણ તે જ દિવસે એક હુમલામાં પેસ્તનજી રતનજી કૂપર ગંભીર રીતે ઘવાયા અને જે.જે. હોસ્પિટલમાં દાખલ થયા પછી પહેલી ડિસેમ્બરે તેમનું અવસાન થયું. આથી બહારકોટના ઘણા પારસીઓ પોતાનાં ઘરબાર છોડી કોટ વિસ્તારમાં પોતાનાં કોઈ સગાંવહાલાંને ત્યાં રહેવા જવા લાગ્યા. કોટની માણેકજી શેઠની વાડીમાં પારસી નિરાશ્રિતો માટે રહેવા-ખાવાની સગવડ કરાઈ. છેવટે ૨૮મી નવેમ્બરે સરકારે બંને પક્ષોની સંયુક્ત બેઠક બોલાવી. તેમાં ચિત્ર જ્ઞાન દર્પણના તંત્રીએ લખેલ બિનશરતી માફી માગતો પત્ર વાંચી સંભળાવવામાં આવ્યો. એ પછી બંને કોમના પ્રતિનિધિઓ ૧૮ ખુલ્લી ઘોડા ગાડીમાં સાથે બેસીને શહેરમાં ફર્યા અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી. અને એ રીતે લગભગ દોઢ મહિના પછી મુંબઈના આ પહેલા કોમી હુલ્લડનો અંત આવ્યો.

રાસ્ત ગોફતાર ચલાવતી ‘સિન્ડિકેટ’ના સભ્યો

આ હુલ્લડની શરૂઆત એક ગુજરાતી મેગેઝીનને કારણે થઈ તો બીજી બાજુ હુલ્લડને પરિણામે એક નવું મેગેઝીન શરૂ થયું. એ જમાનામાં મુંબઈમાં પાંચ ગુજરાતી અખબારો પ્રગટ થતાં હતાં અને તે બધાં જ પારસી માલિકીનાં હતાં. છતાં ગમે તે કારણસર, પણ તેમણે પોતાના જાતભાઈઓને જોઈએ તેટલો ટેકો આપ્યો નહિ એમ દાદાભાઈ નવરોજીને લાગ્યું. એટલે તેમણે એક નવું પખવાડિક શરૂ કરવાનું નક્કી કર્યું. આ વાત તેમણે પોતાના ખાસ દોસ્ત ખરશેદજી નસરવાનજી કામાને કરી. એવણે કહ્યું કે દાદાભાઈ, તમે જો તંત્રી થવાનું કબૂલ કરતા હો તો જરૂરી બધી રકમ રોકવા હું તૈયાર છું. દાદાભાઈ આ સાંભળીને રાજી તો થયા પણ પછી કહ્યું: મારી પણ એક શરત છે: તંત્રી તરીકે કામ કરવા માટે હું એક ફદિયું પણ નહિ લઉં. પખવાડિકનું નામ ઠરાવ્યું ‘રાસ્ત ગોફતાર,’ એટલે કે સાચેસાચું કહેનાર. તેમાં ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં લખાણ છપાતાં. ૧૮૫૧ના નવેમ્બરની ૧૫મી તારીખે તેનો પહેલો અંક બહાર પડ્યો. આ બે વચ્ચે થયેલી સમજૂતીની ફક્ત ગણતરીની વ્યક્તિઓને જ ખબર હતી. દાદાભાઈ પછી કેખુશરો કાબરાજી રાસ્ત ગોફતારના તંત્રી બનેલા, પણ તેમને ય આ હકીકતની જાણ નહોતી. છેક ઈ.સ. ૧૯૦૦માં લંડનની એક સભામાં દાદાભાઈનો પરિચય આપતાં તેમને રાસ્ત ગોફતારના માલિક-તંત્રી તરીકે ઓળખાવ્યા. ત્યારે પોતાના ભાષણમાં કાબરાજીની ભૂલ સુધારતાં દાદાભાઈએ સાચી હકીકત રજૂ કરી. રાસ્ત ગોફતાર શરૂ થયા પછી થોડા જ દિવસમાં રમખાણનો તો અંત આવી ગયો, પણ પારસીઓના અવાજને બુલંદપણે લોકો અને સરકાર સુધી પહોંચાડવાનું તેનું કામ તો ચાલુ જ રહ્યું. ઉપરાંત એ વખતની સમાજ સુધારાની ચળવળને પણ તેણે મજબૂત ટેકો આપ્યો. ૧૮૫૫માં દાદાભાઈ ગ્રેટ બ્રિટન જઈને વસ્યા ત્યારે આ પત્ર ચલાવવા માટે આઠ સભ્યોની એક ‘સિન્ડિકેટ’ ઠરાવવામાં આવી. દાદાભાઈ ઉપરાંત તેના સભ્યો હતા ખરશેદજી નસરવાનજી કામા, ખરશેદજી રુસ્તમજી કામા, ડોસાભાઈ ફરામજી કરાકા, નવરોજી ફરદુનજી, સોરાબજી શાપુરજી બંગાલી, અને પેસ્તનજી રતનજી કોલા. ત્રણ વરસ પછી તેમાં કરસનદાસ મૂલજીનું નામ ઉમેરાયું. ૧૮૫૨માં સમાજ સુધારાને વરેલું પત્ર ‘સત્ય પ્રકાશ’ તેમણે શરૂ કર્યું હતું તે ૧૮૬૦માં રાસ્ત ગોફતાર સાથે ભળી ગયું.

પોલીસ અને હુલ્લડખોરો, બંનેનો સંબંધ છે ન્યાયની અદાલત સાથે. મુંબઈની અદાલતો વિશેની કેટલીક વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 08 મે 2021

Loading

8 May 2021 admin
← લૂઝ કનેક્શન (10) : સમ્બોધનો
સત્યજીત રેઃ ઉઘાડી લાગણીઓને કચકડે કંડારી દુનિયાને ભારતની વાસ્તવિક્તા પીરસી →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved