પાંચ સાંસ્કૃતિક પરંપરાનો સમન્વય કરતું નાટક
કન્યા વિદાય વગરનો ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા’
નાટકની ભાષા ઉર્દૂ, પણ લિપિ ગુજરાતી!
નાહી સિર પર ફિર ભંવરે રે,
કમલ સમઝ નહીં નાદાન મોહે … નાહી
મોહે સંગ આવત, કાહે સતાવત,
પીછે ન આ તુ ગુમાની રે.
લટ છટકા કે દૂર કરુંગી,
સિસ ન ઘુમ હમરે … કમલ સમઝ
સખીઅન આવો, મોહે છુડાવો,
ભવરે ને કર દી દીવાની રે.
બરજોરી એ તો મોહે કરત હયે,
મોરે બાલ છુટત સગરે … કમલ સમઝ
પીલુ રાગમાં ગવાતી આ ઠુમરી ૧૯મી સદીની છેલ્લી પચ્ચીસીમાં મુંબઈ શહેરમાં ભજવાયેલા અને પુસ્તિકા રૂપે છપાયેલા નાટકમાં એક સ્ત્રીપાત્ર ગાય છે. આ સ્ત્રીપાત્ર કોણ હશે? પ્રિય વાચક, ગમે તેટલું માથું ખંજવાળીએ તો પણ મોટે ભાગે જવાબ ન મળે. એ નાટકનું નામ છે: ’શકુંતલાનો ઊરદુ ઓપેરા: તમામ ગાયન રૂપી ખેલ, ઊરદુ રાગ રાગનીમાં.’ એટલે કે આ ઠુમરી ગાય છે શકુંતલા. આ નાટકના બનાવનાર કહેતાં લેખક છે નસરવાનજી મેરવાનજી ખાનસાહેબ.
આ નાટક વિષે આજે થોડી વાત કરવી છે કારણ ૧૯મી સદીના મુંબઈની તાસીર તેમાં જોવા મળે છે. એક જમાનામાં અમેરિકાને દુનિયાનું મેલ્ટિંગ પોટ કહેવામાં આવતું. ૧૯મી સદીના હિન્દુસ્તાનનું મેલ્ટિંગ પોટ હતું મુંબઈ. દેશના અને દુનિયાના જુદા જુદા ભાગમાંથી આવીને અહીં લોકો વસ્યા હતા. તેમનાં ‘વતન’, ભાષા, ધર્મ, જીવન જુદાં જુદાં હતાં. ક્યારેક તેને કારણે સંઘર્ષ પણ થતો, જેને એ જમાનામાં ‘હુલ્લડ’ કે ‘દંગલ’ કહેવાનો રિવાજ હતો. પણ એકંદરે આ બધા લોકો હળીમળીને, સંપીને રહેતા. એટલું જ નહિ તેમની વચ્ચે ભાષા, સાહિત્ય, રંગભૂમિ, નાટક, સંગીત વગેરેમાં લેવડદેવડ થતી રહેતી.
ભજવાઈ રહેલું એક પારસી-ગુજરાતી નાટક
આ નાટક આવી લેવડદેવડનો એક મજેનો દાખલો છે. તેમાં પાંચ સાંસ્કૃતિક પરંપરાનો સુમેળ સધાયો છે. આ નાટકનાં કથાનક, પાત્રો કવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુન્તલ નાટકનાં છે. અને તેનાં મૂળ મહાભારતના આદિપર્વમાં છે, એટલે કે સંસ્કૃત સાહિત્યની પરંપરાનાં છે. એની ભાષા હિન્દુસ્તાની – આજે આપણે જેને ઉર્દૂ કહીએ છીએ – છે. પણ એ ભાષા છપાઈ છે ગુજરાતી લિપિમાં. એના લેખક ખાનસાહેબ પારસી છે. અને નાટકનું સ્વરૂપ પશ્ચિમના ઓપેરાનું છે. અને આ નાટક એ જમાનામાં છપાયું છે એટલું જ નહિ, ભજવાયું છે, સફળતાથી ભજવાયું છે. આજે કોઈને સવાલ થાય કે દુષ્યંત શકુંતલા જેવાં પાત્રો ઉર્દૂ બોલે એ કેવું લાગે? પ્રેક્ષકો એ અપનાવી શકે? પીટર બ્રુક્સના નાટકમાં મહાભારતનાં પાત્રો અંગ્રેજીમાં બોલે એ આજે આપણે જેમ સ્વીકારીએ છીએ તેમ એ વખતનો પ્રેક્ષક પણ આવી વાત સ્વીકારી લેતો.
આજે મુંબઈની રંગભૂમિ ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, વગેરેમાં વહેંચાઈ ગઈ છે. નાટક લખનારા અને ભજવનારાઓ વચ્ચે થોડી લેવડદેવડ થતી રહે, પણ એ દરેકનો પ્રેક્ષક વર્ગ અલગ અલગ છે. એ વખતે એવું નહોતું. પારસીઓ ભજવે તે નાટક જોવા બિન-પારસીઓ પણ જતા. મરાઠી નાટકો બીજી ભાષા બોલતા લોકો પણ જોતા. આ નાટક જેવાં હિન્દુસ્તાની નાટક જોવા ગુજરાતી, પારસી, મરાઠી, ઉર્દૂભાષી અને બીજા લોકો પણ જતા. ૧૯મી સદીનાં છેલ્લા ૨૫ વરસમાં અને ૨૦મી સદીની પહેલી પચ્ચીસી દરમ્યાન આ સ્થિતિ હતી. અને આવું કાંઈ નાટકની બાબતમાં જ થતું એવું નહોતું. શિક્ષણ, સમાજ સુધારો, સાહિત્ય, પત્રકારત્વ, નાટક ઉપરાંત બીજી કલાઓ, બધાં ક્ષેત્રોમાં જુદા જુદા વર્ગના લોકો ભેગા મળીને કામ કરતા. એ જમાનાનું મુંબઈ સાચા અર્થમાં ‘કોસ્મોપોલિટન’ શહેર હતું.
ખેર, આપણે ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા નાટક’ તરફ પાછા વળીએ. છે તો છાપેલાં ૨૬ પાનાંનું નાટક પણ અહીં બધું જ પદ્યમાં, ગીતમાં કહેવાયું છે. એટલે આ ૨૬ પાનાં ભજવતાં સહેજે ચાર-પાંચ કલાક તો લાગતા હશે. કારણ અહીં બાર જેટલાં નાનાં-મોટાં પાત્રો છે. ભૈરવી, ઝિંઝોટી, પીલુ, જોગિયા, બિહાગ, ખમાજ, કાફી, જેવા શાસ્ત્રીય સંગીતના રાગોમાં ગવાતાં ગીતો છે. એક ગીત ‘લ્યુસી નીલ’ નામના અંગ્રેજી ગીતની ચાલ પ્રમાણે પણ ગાવાનું છે! (એ વખતનાં ઘણાં પારસી-ગુજરાતી નાટકોમાં આવાં અંગ્રેજી ચાલનાં ગીતો મૂકવામાં આવતાં.) નાટકમાં ઠુમરી, હોરી, ગઝલ, દાદરા, તરાના, પદ, લાવણી, મરસિયા(!), જેવા ગેય પ્રકારો છે. આખા નાટકને બે જ ‘બાબ’(અંક)માં સમાવ્યું છે, બંને અંકમાં છ-છ ‘પરદા’ (દૃશ્યો) છે. એ વખતના રિવાજ પ્રમાણે અહીં એક આખું દૃષ્ય ‘કોમેડી’ કે ‘ફારસ’નું પણ છે. આવું કોઈ દૃષ્ય કાલિદાસના શાકુન્તલ નાટકમાં નથી. ખાનસાહેબ એ ક્યાંથી લઈ આવ્યા એ જાણી શકાયું નથી. તો બીજી બાજુ કાલિદાસના શાકુન્તાલનો સૌથી વધુ જાણીતો અને હૃદયસ્પર્શી એવો કન્યાવિદાયનો પ્રસંગ અહીં છે જ નહિ! પુસ્તક કોટ વિસ્તારની પારસી બજાર સ્ટ્રીટમાં આવેલ ‘જહાંગીર બેજનજી કરાણી ચોપડી વેચનારે’ પ્રગટ કર્યું છે.
શકુંતલા અને બે સખીઓ – રાજા રવિ વર્માનું ચિત્ર
પણ આ ખાનસાહેબ હતા કોણ? પારસીઓ વિશેના એનસાઈકલોપીડિયા જેવા ‘પારસી પ્રકાશ’માં એક નાનકડો ફકરો જોવા મળે છે. એ પ્રમાણે ૧૮૮૨ના માર્ચની ૨૦મી તારીખે માત્ર ૨૯ વર્ષની ઉંમરે તેઓ બેહસ્તનશીન થયા. એટલે કે તેમનો જન્મ ૧૮૫૩માં થયો હોય. પિતાનું નામ જમશેદજી રતનજી બેલગામવાલા. ખાનસાહેબ વનસ્પતિ શાસ્ત્ર(બોટની)ના અને હિન્દુસ્તાની ભાષાના જાણકાર હતા. ‘આરામ’ ઉપનામથી તેમણે હિન્દુસ્તાની નાટકો લખ્યાં છે. ઉપરાંત પારસી ગુજરાતીમાં તેમણે ‘મેહર મસ્તની મુસાફરી’ નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું. જે સર્વાન્ટિસની જગવિખ્યાત નવલકથા ‘દોન કિહોટે’નું પારસી પાત્રો અને સુરતની ભૂમિકા ધરાવતું રૂપાંતર હતું. ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા’ વાંચ્યા પછી આપણે કહી શકીએ કે તેઓ હિન્દુસ્તાની ઉપરાંત સંસ્કૃત, અંગ્રેજી, ગુજરાતી, ભાષા-સાહિત્યના તથા આપણા શાસ્ત્રીય સંગીતના અચ્છા જાણકાર હોવા જોઈએ.
દુષ્યંતને પત્ર લખતી શકુંતલા — ટપાલ ટિકિટ પર
વધુ ખાંખાખોળાં કરતાં બીજી કેટલીક હકીકતો પણ જાણવા મળે છે. ખાનસાહેબનાં બે પ્રકારનાં નાટક જોવા મળે છે. એદલજી ખોરીએ પહેલાં પારસી ગુજરાતીમાં લખેલાં નાટકોના હિન્દુસ્તાની ભાષામાં કરેલા અનુવાદ. આવાં નાટકોમાં સોને કે મોલ કી ખુરશેદ (૧૮૭૧), નૂરજહાં, જહાંગીર, મજહબે ઇશ્ક, બકાવલી-તાજૂલમલૂક, ગુલબકાવલી, હાતિમ (બધાં ૧૮૭૨), જાલમજોર (૧૮૭૬)નો સમાવેશ થય છે. આ નાટકો ભજવાતાં પણ બંને ભાષામાં. તેમનાં મૌલિક હિન્દુસ્તાની નાટકોની પ્રકાશન સાલ મળતી નથી પણ તેમાં આ નાટકોનો સમાવેશ થાય છે: ગુલવાસવનોવર, છેલબટાઉ મોહનારાની, પદમાવત, લાલો ગૌહર, ચંદ્રાવલી, વગેરે. શકુંતલા ઉપરાંત ખાનસાહેબે બીજાં ઓપેરા પ્રકારનાં નાટકો લખ્યાં છે. બદરેમનીર-બેનઝીર તેમનું પહેલું ઓપેરા. બીજું ઓપેરા જહાંગીરશાહ-ગૌહર જે ૧૮૭૪માં પ્રગટ થયું. અને ત્રીજું આ શકુંતલા, જેની ભજવણીની કે પ્રકાશનની સાલ હજી સુધી મળી નથી. પારસી નાટક મંડળીએ પૂનામાં ભજવેલ ‘ઇન્દ્રસભા’ નાટક જોયા પછી અન્નાસાહેબ કિર્લોસ્કરને મરાઠીમાં સંગીત નાટક લખવાનો વિચાર આવ્યો. ૧૮૮૦માં ભજવાયેલું તેમનું ‘સંગીત શાકુન્તલ’ મરાઠીનું પહેલું સંગીત નાટક. પછી તો વર્ષો જતાં એ પરંપરા ખૂબ સમૃદ્ધ થઈ. પણ મોટે ભાગે તેમના ‘સંગીત શાકુન્તલ’ પહેલાં ખાનસાહેબનું ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા’ નાટક લખાયું અને ભજવાયું. કારણ ૧૮૭૬ પછી લખાયેલું તેમનું કોઈ નાટક મળતું નથી. અને ૧૮૮૨માં તો તેમનું અવસાન થયું છે.
ખાનસાહેબે જેમનાં ગુજરાતી નાટકોના હિન્દુસ્તાની અનુવાદ કર્યા તે એદલજી જમશેદજી ખોરીનો જન્મ ૧૮૪૭માં. હજી ભણવાનું ચાલુ હતું ત્યારે બીજા બે પારસી મિત્રો સાથે મળીને ‘અરેબિયન નાઈટસ’નો ગુજરાતી અનુવાદ બે દળદાર ભાગોમાં ૧૮૬૫માં પ્રગટ કરેલો. ૧૮૬૯માં વિક્ટોરિયા નાટક મંડળીએ નાટક માટે હરીફાઈ જાહેર કરી ત્યારે ૩૦૦ રૂપિયાનું પહેલું ઇનામ ખોરીના ‘રુસ્તમ અને સોહરાબ’ નાટકને મળેલું અને તેથી એ મંડળીએ ભજવેલું, અને ૧૮૭૦માં એ મંડળીએ જ છાપીને પ્રગટ કરેલું. ખોરીનું આ પહેલું નાટક. ‘ખોદાબક્સ’ ૧૮૭૧માં ઝોરાસ્ટ્રિયન નાટક મંડળીએ ભજવેલું અને ખોરીએ પોતે પ્રગટ કરેલું. એ જ વર્ષે વિક્ટોરિયા નાટક મંડળી માટે તેમણે ‘સોનાનાં મુલની ખોરશેદ’ લખ્યું જેનો હિન્દુસ્તાની અનુવાદ બેહરામજી ફરદુનજી મર્ઝબાને કરેલો તે વિક્ટોરિયાએ ભજવેલો અને પ્રગટ કરેલો. હિન્દુસ્તાની (ઉર્દૂ) ભાષામાં ભજવાયેલું આ પહેલવહેલું નાટક. આ ઉપરાંત તેમણે બીજાં ત્રણ-ચાર નાટક લખ્યાં જેના હિન્દુસ્તાની અનુવાદ ખાનસાહેબે કર્યા અને ભજવાયાં. પણ પછી ખોરીની કારકિર્દીએ અણધાર્યો વળાંક લીધો. તેઓ કાયદાના અભ્યાસ માટે ઇન્ગ્લંડ ગયા અને ૧૮૮૨માં બેરિસ્ટર બન્યા. પહેલાં સિંગાપુરમાં અને પછી ઇન્ગ્લંડમાં પ્રેક્ટિસ કરી, પણ નાટક સાથેનો સંબંધ સદંતર તૂટી ગયો. ૧૯૧૭ના જૂનની ૧૦મી તારીખે ઇન્ગ્લંડમાં જ તેઓ બેહસ્તનશીન થયા.
પારસી નાટક મંડળીઓ પારસી ગુજરાતી નાટકો ભજવતી હતી, ક્યારેક ‘શુદ્ધ’ ગુજરાતી નાટક અને અંગ્રેજી નાટક પણ ભજવી લેતી. પણ તેમણે હિન્દુસ્તાની નાટકો ભજવવાનું કેમ શરૂ કર્યું? બે મુખ્ય કારણ. એક તો મુંબઈમાં પ્રેક્ષકોના વધુ મોટા સમૂહ સુધી પહોંચવા માટે. મુસ્લિમો ઉપરાંત એ જમાનામાં ઘણા પારસીઓ અને હિંદુઓ પણ ઊર્દૂ ભાષા જાણતા હતા. પોર્ટુગીઝો અને અંગ્રેજોના આગમન પહેલાં દેશના ઘણા મોટા ભાગની દરબારી અને કાનૂની ભાષા હિન્દુસ્તાની હતી. એટલે ઘણા લોકો માટે ભલે થોડી ઘણી, પણ આ ભાષા જાણવાનું જરૂરી હતું. આવા લોકો ગુજરાતી કે અંગ્રેજી ઉપરાંત હિન્દુસ્તાની નાટકો જોવા પણ આવે તો પ્રેક્ષકો વધે. બીજું, ઘણી પારસી નાટક મંડળીઓ દર વર્ષે મુંબઈની બહાર, ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ભારતમાં, નાટકો ભજવવા માટે પ્રવાસે જતી. વિક્ટોરિયા અને બીજી એક-બે મંડળી તો પરદેશના પ્રવાસે પણ જતી. આવા પ્રવાસો દરમ્યાન માત્ર ગુજરાતી નાટકો ભજવવાને બદલે સાથે હિન્દુસ્તાની નાટકો પણ ભજવ્યાં હોય તો વધુ આર્થિક લાભ થાય. બીજું કારણ એ કે હિન્દુસ્તાની નાટકોમાં વિવિધ પ્રકારનાં સંગીત અને નૃત્યને વધુ અવકાશ હતો અને તેનાથી આકર્ષાઈને પણ પ્રેક્ષકો આવી શકે. એટલે વિક્ટોરિયા નાટક મંડળી પછી બીજી પારસી મંડળીઓ પણ હિન્દુસ્તાની નાટક ભજવવા લાગી.
આ લખનારે મિત્ર ધર્મેશ ભટ્ટના સૌજન્યથી આવાં હિન્દુસ્તાની નાટકોનાં લગભગ પચાસ પુસ્તક મેળવ્યાં છે. તેમાંનું એકેએક ગુજરાતી લિપિમાં છપાયું છે. તેમાંનાં ઘણાં પુસ્તકોનાં પૂંઠા અને ટાઈટલ પેજ પર છપાયું હોય છે : ‘ઝબાને ઊર્દૂ બ હર્ફે ગુજરાતી’. એટલે કે ભાષા ઉર્દૂ, પણ લિપિ ગુજરાતી. આમ કેમ? ઉર્દૂ જે લિપિમાં લખાય છે તેમાં જોડાક્ષર મળીને લગભગ ૨૦ હજાર જેટલા અક્ષરો વપરાય છે. એટલે ૧૯૮૧ પહેલાં ઉર્દૂ છાપવા માટેના ટાઈપ (ફોન્ટ) જ બની શક્યા નહોતા. એટલે ત્યાં સુધી લિથોગ્રાફ (શિલાછાપ) પદ્ધતિથી ઉર્દૂ લખાણ છાપવું પડતું. આ માટે પહેલાં પુસ્તકનું એક એક પાનું લહિયા પાસે ખાસ જાતના પોચા પથ્થર પર લખાવવું પડતું અને પછી તેના વડે છાપકામ કરવું પડતું. આ આખી પ્રક્રિયા ખર્ચાળ અને વધુ સમય માગી લે તેવી હતી. વળી એવા પણ ઘણા લોકો હતા જે હિન્દુસ્તાની ભાષા જાણતા, પણ તેની લિપિ નહિ. મુવેબલ ટાઈપ વાપરીને ગુજરાતી છાપકામની શરૂઆત મુંબઈમાં તો છેક ૧૮મી સદીના છેલ્લા દાયકામાં થઈ ગઈ હતી, અને પારસીઓ તેમાં અગ્રણી હતા. એટલે, હાજર સો હથિયાર કરીને તેમણે આ નાટકો ગુજરાતી લિપિમાં છાપ્યાં.
સંસ્કૃત સાહિત્યમાંથી કથાનક લઈને ઉર્દૂમાં લખાયેલું આ એકમાત્ર નાટક નથી. એવું બીજું એક નાટક પણ જોવા મળ્યું છે, પણ એની વાત હવે પછી. અત્યારે તો નાટકને અંતે શકુંતલા દુષ્યંતને જે શબ્દો કહે છે એ જ શબ્દો પ્રિય વાચક, તમને પણ કહેવાના:
બાતે એહ સારી છોડ દો, હસી ખુશી મેં હિ રહો.
e.ail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 22 ઑગસ્ટ 2020