Opinion Magazine
Number of visits: 9447887
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—56

દીપક મહેતા|Opinion - Opinion|8 August 2020

તે દિવસે મુંબઈને માથે વરસ્યું સોનેરી સળગતું મોત

છતાં ગ્રીક દંતકથાના ફિનિક્સ પક્ષીની જેમ

રાખમાંથી ફરી જીવતું થયું મુંબઈ

તારીખ ૧૪. મહિનો એપ્રિલ. સાલ ૧૯૪૪. એ વખતનાં અખબારોની ભાષામાં કહીએ તો આવો કાળમુખો દિવસ મુંબઈ શહેરે અગાઉ ક્યારે ય જોયો નહોતો. દિવસ ઊગેલો તો રોજ જેવો. હવામાં એપ્રિલનો અકળાવનારો ઉકળાટ હતો. દેશ અને દુનિયામાં સેકન્ડ વર્લ્ડ વોરની ઝાળ હતી. રાબેતા મુજબ એ દિવસે પણ મુંબઈના લોકો પોતપોતાને કામે નીકળ્યા હતા. બપોરના સવા ચાર વાગ્યા સુધી કશું જ નોંધપાત્ર બન્યું નહોતું. પણ સાડા ચાર વાગ્યા સુધીમાં ૮૦૦ લોકો મોતના મોઢામાં ધકેલાઈ ગયા હતા. ત્રણ હજાર ઘવાયા હતા. ૮૦ હજાર લોકો ઘરબાર વગરના થઈને રસ્તા પર આવી ગયા હતા. આખા મુંબઈની ધરતી ધ્રૂજી ઊઠી હતી. ઠેઠ શિમલાની વેધશાળામાં એ ધ્રુજારી નોંધાઈ હતી. અને આ બધી ખુવારીનું કારણ? એક બ્રિટિશ સ્ટીમર, નામે ફોર્ટ સ્ટાઇકિન.

ફોર્ટ સ્ટાઇકિન વિસ્ફોટ પહેલાં

પણ વાંક સ્ટીમરનો કે તેના ખલાસીઓનો ય નહોતો. ૧૯૪૨ના જુલાઈની ૩૧મી તારીખે તો સ્ટીમરને પહેલી વાર પાણીમાં ઉતારાઈ હતી. એટલે તેની ઉંમર બે વરસ કરતાં ય ઓછી હતી. ફોર્ટ ક્લાસની ૧૯૮ કાર્ગો સ્ટીમર બ્રિટિશ નૌકા સૈન્ય માટે કેનેડામાં બંધાઈ હતી અને એ જમાનાની બધી આધુનિક સગવડો ધરાવતી હતી. બંધાયા પછી તરત જ ગ્રેટ બ્રિટનના વોર શિપિંગ એડમિનિસ્ટ્રેશનમાં જોડાઈ હતી અને લડાઈની કામગીરીના ભાગ રૂપે તેણે ઘણી મુસાફરી કરી હતી. ૧૯૪૪ના માર્ચની ૨૩મીએ એડનથી નીકળી ૩૦મી માર્ચે સ્ટીમર કરાચી પહોંચી હતી. (યાદ રહે, એ વખતે કરાચી હિન્દુસ્તાનમાં હતું.) તેના સામાનમાં હતો ૧,૪૮૧ ટન ફ્લેર, રોકેટ, બોમ, સુરંગ, ટોરપીડો, વગેરે લડાઈનો સ્ફોટક સરંજામ. તે મુંબઈ ઉતારવાનો હતો. લાકડાનાં ૩૧ ખોખામાં સોનાની પાટો ભરી હતી, એક એક પાટનું વજન લગભગ ૧૩ કિલો હતું!

આ ઉપરાંત સ્ટીમર પર સુપરમરીન સ્પિટફાયર પ્રકારનાં ૧૨ વિમાન હતાં, ગ્લાઇડર્સ અને દારૂગોળો હતો. આમાંનો કેટલોક સામાન કરાચી ઉતારવાનો હતો. કરાચી પહોંચ્યા પછી સામાન હેમખેમ ઉતરી ગયો. પણ તેને કારણે સ્ટીમરમાં જે જગ્યા ખાલી થઈ તે ભરવા તેમાં કપાસની ૮,૭૦૦ ગાંસડી ભરાઈ. આ ઉપરાંત માછલીનું ખાતર, ચોખા, લોઢાનો ભંગાર, લાકડાં વગેરે ભરાયાં. તો ય ખાલી જગ્યા બચી. એટલે લુબ્રિકેટિંગ ઓઈલનાં ૧,૦૦૦ પીપડાં લદાયાં. આવી જાતભાતની જ્વલનશીલ સામગ્રી લાદવા સામે સ્ટીમરના કેપ્ટને વાંધો લીધો ત્યારે તેને ધમકાવવામાં આવ્યો કે ખબર નથી, અત્યારે વોર ટાઈમ ચાલે છે? જે ભરીએ તે મૂંગા મૂંગા લઈ લો. પછી આવ્યાં ટર્પેનટાઈનનાં ૭૫૦ પીપડાં. પણ હવે તો હદ થાય છે કહીને કેપ્ટને તે ચડાવવા ન દીધાં. સ્ટિમરે લંગર ઉપાડ્યું તે પહેલાં ખલાસીઓનું ધ્યાન ગયું કે લુબ્રિકેટિંગ ઓઇલનાં કેટલાંક પીપ કાણાં હતાં અને તેમાંથી તેલ ઝમી રહ્યું હતું!

આવો મોતનો સામાન ભરીને આ સ્ટીમર ૯મી એપ્રિલે કરાચીથી રવાના થઈ. કેપ્ટનને જોખમનો પૂરેપૂરો ખ્યાલ હતો એટલે ફાયર ડ્રિલ વધારી દીધી. ૧૨મી એપ્રિલે સ્ટીમર મુંબઈના વિક્ટોરિયા ડોક ખાતે આવી પહોંચી. એ દિવસે ત્યાં બીજી ૧૩ સ્ટીમરો નાંગરેલી હતી. બાજુના પ્રિન્સેસ ડોકમાં બીજી ૧૦ સ્ટીમર હતી. એક સ્ટીમર ડ્રાય ડોકમાં હતી અને બીજી બે નજીકમાં દિવાલ સાથે બાંધેલી હતી. પણ સ્ટીમરમાંથી માલ-સામાન ઉતારવાની મંજૂરી બંદરના સત્તાવાળાઓ તરફથી મળી નહોતી એટલે માલ ઉતારવાનું કામ છેક ૧૪મી તારીખે સવારે શરૂ થયું.

ફોર્ટ સ્ટાઇકિન વિસ્ફોટ પછી

બપોરના બે વાગ્યે કેટલાક ખલાસીઓનું ધ્યાન ગયું કે બે નંબરના હોલ્ડમાંથી ધૂમાડો નીકળી રહ્યો છે. તાબડતોબ ખલાસીઓ અને બંદરના માણસોએ મળીને ૯૦૦ ટન જેટલું પાણી છાંટ્યું, પણ આગ બુઝાઈ નહિ. ધૂમાડો એટલો બધો હતો કે આગ ચોક્કસપણે ક્યાં લાગી છે એ પણ જણાતું નહોતું. છતાં આગ બુઝાવવાના પ્રયત્નો ચાલુ રહ્યા. બંદર પરથી આવેલા નિષ્ણાતોએ પહેલી સલાહ એ આપી કે તાબડતોબ સ્ટીમરને બંદરથી બને તેટલી દૂર લઈ જવી જોઈએ, જેથી બીજી સ્ટીમરો અને બંદરને ઓછું નુકશાન થાય. પણ કેપ્ટને કહ્યું કે આમ કરવું શક્ય નથી. કેમ? સ્ટીમર ૧૨મી તારીખથી બારામાં પડી હતી. તેના એન્જિનમાં સમારકામની જરૂર હતી. એટલે કેપ્ટને તે કામ શરૂ કરાવ્યું હતું એટલે એન્જિન ચલાવી શકાય તેમ નહોતું અને સ્ટીમરને ટગ કરીને (ખેંચીને) લઈ જતાં તો ઘણી વાર લાગે. આ સ્ટીમરમાં શું શું ભર્યું છે તેનો બંદરના અધિકારીઓને પૂરો ખ્યાલ નહોતો. સાધારણ રીતે જે જહાજમાં દારૂ ગોળો કે બીજી સ્ફોટક સામગ્રી હોય તેના ઉપર લાલ રંગનો ઝંડો ફરકાવવાનો હોય છે જેથી દૂરથી પણ ખબર પડી જાય કે આ સ્ટીમરમાં જોખમી માલ છે. પણ બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું એટલે આ રીતે લાલ ઝંડો ફરકાવવાનું બંધ કરવામાં આવ્યું હતું, કારણ લાલ ઝંડો જોઈને તો દુશ્મન તરત તેના પર હુમલો કરતા હતા. એટલે શરૂઆતમાં તો આગ બુઝાવવા માટે બંદર પરથી બે જ બંબા મોકલાયા. પછી જ્યારે સ્ટીમરમાં શુ ભર્યું છે તેની ખબર પડી ત્યારે બને તેટલી ઝડપથી બીજા આઠ બંબા આવી પહોંચ્યા. દરમ્યાન બીજો એક ઉપાય સૂચવાયો. આખેઆખી સ્ટીમરને દરિયાનાં પાણીમાં ડૂબાડી દેવી. પણ પછી ખ્યાલ આવ્યો કે જ્યાં સ્ટીમર નાંગરેલી છે ત્યાં પાણી એટલું ઊંડું નથી કે આખેઆખી સ્ટીમર તેમાં ડૂબી શકે. બીજી મુશ્કેલી એ હતી કે આવો નિર્ણય નેવીના ઉચ્ચ અધિકારીઓ જ લઈ શકે, કેપ્ટન કે બંદરના અધિકારીઓ નહિ. પણ આવા બે અધિકારીઓનો ફોન પર સંપર્ક જ સાધી શકાયો નહિ.

જ્યાં જૂઓ ત્યાં ધૂમાડાના ગોટેગોટા

વળી કેપ્ટનના અને બંદર પરના અધિકારીઓના અભિપ્રાય જુદા જુદા હતા. કેપ્ટન કોઈ પણ હિસાબે પોતાના જહાજને બચાવવા માગતો હતો. બંદર પરથી આવેલ અધિકારી ગમે તે ભોગે બંદરને બચાવવા માગતો હતો. અને અગ્નિશમન દળના અધિકારીનો અભિપ્રાય હતો કે સ્ટીમર જ્યાં છે, જેમ છે, તેમ જ રહેવી જોઈએ જેથી આગ બુઝાવવાના પ્રયત્નો ચાલુ રાખી શકાય. પણ ત્રણેમાંથી હજી કોઈને એ વિચાર આવ્યો નહોતો કે જો વિસ્ફોટ થશે તો શું થશે. અત્યાર સુધીમાં એટલું પાણી રેડાયું હતું કે કપાસની સળગતી ગાંસડીઓ તરવા લાગી હતી. અને આગ એટલી વિફરી હતી કે સ્ટીમર પર જમા થયેલું પાણી ઉકળવા લાગ્યું હતું. બળતી ગાંસડીઓ તરતી તરતી જ્યાં દારૂગોળો ભર્યો હતો ત્યાં પહોંચી ગઈ. સવા ત્રણ વાગે કેટલોક દારૂગોળો સળગવા લાગ્યો. તેનો કાળો ધૂમાડો ચોમેર ફેલાવા લાગ્યો. સળગતા દારૂગોળાને કારણે બળતી ગાંસડીઓ ઊંચે ઊડીને આસપાસ પડવા લાગી. બપોરે ૩:૫૦ વાગ્યે આગનો પ્રચંડ ભડકો ઊઠ્યો જે જહાજના કૂવા થંભ કરતાં ય ઊંચો હતો. આ જોઈને કેપ્ટને તરત જ બૂમ પાડીને બધા ખલાસીઓને સ્ટીમર છોડી દેવાનો હુકમ આપ્યો. તરત જ શિસ્તબદ્ધ રીતે લાઈન લગાવીને ખલાસીઓ ઉતરવા લાગ્યા. એ લાઈનમાં સૌથી છેલ્લે ઊભા હતા કેપ્ટન નાઈસ્મિથ. પણ પછી તેમને થયું કે કોઈ ખલાસી સ્ટીમર પર રહી ગયો તો નથી ને એની ખાતરી કરી લેવી જોઈએ. એટલે તેઓ પાછા ગયા. ખાતરી કરીને આવતા હતા ત્યાં જ ૪:૦૬ વાગ્યે ભયંકર વિસ્ફોટ થયો. કેપ્ટનના દેહનો કોઈ અવશેષ પણ પછી હાથ આવ્યો નહિ.

બંદર પરના અધિકારીઓ બળતું જહાજ છોડીને હવે બંદરને બચાવવા દોડ્યા. તે પછી બરાબર ૪:૩૩ વાગ્યે બીજો ભયંકર વિસ્ફોટ થયો. ઠેઠ બાર કિલોમીટર દૂરનાં મકાનોની બારીના કાચ પણ શેકેલા પાપડની જેમ ભાંગીને ભુક્કો થઈ ગયા. સ્ટીમરના તો બે કટકા થઇ ગયા. અને તેનું સાબૂત રહેલું બોઈલર ઊડીને અડધો માઈલ દૂર, કિનારા પર પડ્યું. દરિયાનાં પાણીમાં એટલાં તો મોટાં મોજાં ઊછળ્યાં કે એક સ્ટીમર ઉછળીને બંદરના ગોડાઉનના છાપરા પર જઈ પડી!  બરોડા નામની સ્ટીમર ઊછળીને ધક્કાના બીજા છેડા પર પડી. પહેલો ધડાકો થયો એ જ ક્ષણે બંદર પરના ટાવરની ઘડિયાળ બંધ પડી ગઈ. એપ્રિલના બળબળતા ઉનાળામાં મુંબઈમાં ઠેર ઠેર સળગતી ગાંસડીઓનો, સોનાની પાટોનો, લુબ્રિકેટિંગ ઓઈલનાં પીપડાંનો વરસાદ વરસ્યો, કહો કે મોતનો વરસાદ વરસ્યો. આને કારણે બંદરની આસપાસ આવેલાં ઝૂંપડાં, નાનાં-મોટાં ઘરો, બીજી ઇમારતો જોતજોતામાં બળીને ખાખ થઈ ગયાં. ફોર્ટ સ્ટાઇકિનની આજુબાજુ નાંગરેલી બીજી ૧૧ સ્ટીમર પણ જોતજોતામાં બળવા કે ડૂબવા લાગી. છતાં બંદર પરના અને અગ્નિશમનદળના માણસોએ આગ બુઝાવવાની મહેનત ચાલુ રાખી. બંદરના અને બોમ્બે ફાયર બ્રિગેડના કેટલા ય કર્મચારી તેમાં બળીને રાખ થઈ ગયા. મુંબઈ શહેરના અનેક ભાગો આગમાં બળવા લાગ્યા. ગોદી નજીકનાં ગોદામોમાં ભરેલો બધો માલ બળીને ખાખ થઈ ગયો. બંદર પર અને શહેરમાં લાગેલી બધી આગ પૂરેપૂરી બુઝાવતાં ત્રણ દિવસ થયા. અને પાંચ લાખ ટન જેટલો કાટમાળ ખસેડતાં આઠ હજાર મજૂરોને સાત મહિના લાગ્યા.

જીવ બચાવવા નાસતા માણસો – અને કૂતરો

પહેલો ધડાકો થયો એ ભેગી જ લોકોની નાસભાગ શરૂ થઈ ગઈ. શું થયું છે, ક્યાં થયું છે, એની કોઈને ખબર નહોતી. ઘણાંએ માની લીધેલું કે અમેરિકાની પર્લ હાર્બરની જેમ જાપાને મુંબઈના બંદર પર પણ હુમલો કર્યો છે. વિસ્ફોટ બંદર વિસ્તારમાં થયો હતો એટલે લોકો ત્યાંથી બને તેટલા દૂર ભાગવા મહેનત કરતા હતા. પણ આકાશમાંથી વરસતી સોનાની પાટો અને કપાસની ગાંસડીઓ તેમનો જીવ લેશે એનો તો કોઈને ખ્યાલ નહોતો.

મુંબઈ શહેરને માથે મોત વરસ્યું હતું પણ બીજા દિવસના સવારનાં છાપાંઓએ ભલે પહેલે પાને, પણ કોઈ નાનકડા ખૂણામાં આ સમાચાર છાપ્યા હતા અને ક્રીમિયાના યુદ્ધમાં જર્મનોની હાર થઈ તે સમાચાર મોટે મથાળે છાપ્યા હતા. આમ કેમ? કારણ એ વખતે બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું અને દેશમાં કડક લશ્કરી સેન્સરશીપ લાગુ હતી. એટલે સરકારે આપેલો નાનકડો અહેવાલ જ બધાં છાપાંએ છાપવો પડ્યો હતો. યુરોપ-અમેરિકાનાં છાપાંઓએ તો આ સમાચાર છાપ્યા જ નહોતા! ૧૫મી તારીખે જાપાનની હકુમત નીચેના રેડિયો સાઈગોને સમાચાર આપ્યા ત્યારે દુનિયાને આ ભયંકર ઘટનાની ખબર પડી! બ્રિટન-અમેરિકાનાં અખબારોને મે મહિનાના બીજા અઠવાડિયા પછી આ સમાચાર છાપવાની છૂટ મળી. ટાઈમ મેગેઝીને છેક ૨૨ મેના અંકમાં આ ખબર છાપ્યા, પણ ત્યારે ય ઘણા લોકો માટે તો આ સમાચાર નવા જ હતા. આ ઘટનાની તપાસ કરવા સરકારે સમિતિની નિમણૂક કરી, પણ તેનો અહેવાલ ક્યારે ય જાહેર કર્યો નહિ. આ દુર્ઘટનામાં અગ્નિશામક દળના ૭૧ જવાનો માર્યા ગયા હતા. મુંબઈના અગ્નિશમન દળની ભાયખળામાં આવેલી વડી કચેરી ખાતે તેમના માનમાં સ્મારક ઊભું કરવામાં આવ્યું અને સરકારે દર વર્ષે ૧૪મી એપ્રિલ ‘નેશનલ ફાયર સર્વિસ ડે’ તરીકે ઉજવવાનું શરૂ થયું.

અગ્નિશમન દળની કચેરીમાંનું સ્મારક

પણ પેલો પાંચ લાખ ટન જેટલો કાટમાળ આઠ હજાર મજૂરોએ સાત મહિનાની મહેનત પછી ખસેડેલો ક્યાં? એ બધો કાટમાળ બેક-બેના દરિયામાં ઠલવાયો હતો. એ કાટમાળ પર જ પૂરણી કરી આજનો નરીમાન પોઈન્ટનો ઝાકઝમાળ વિસ્તાર ઊભો થયો છે. રાખમાંથી ઊભું થઈને ફિનિક્સ પક્ષી નવે રૂપે જીવતું થાય છે એવી વાત ગ્રીક દંતકથામાં છે. મુંબઈ શહેર પણ આ ફિનિક્સ પક્ષી જેવું છે. લડે છે, ઘવાય છે, પણ હારતું નથી. બળે છે પણ પાછું નવે રૂપેરંગે ઊભું થાય છે.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 08 ઑગસ્ટ 2020

Loading

8 August 2020 admin
← જે રવીન્દ્રનાથની પુણ્યતિથિએ મૃત્યુ અંગેનો એમનો અભિગમ જેમાં વ્યક્ત થયો છે એવાં બે લખાણો :
જગતમાં આટલું અસરકારક આંદોલન કદી નથી થયું ! →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved