એવું તે શું થયું કે ભદ્રંભદ્રે એકાએક મુંબઈ છોડવું પડ્યું?
‘બબ્બે દોઢયાં ભૂલેસર’ની જાહેર ખબર પ્રસિદ્ધ કરતો હતો જે તેના રેંકડામાં બેસીને ભદ્રંભદ્ર ગમન ક્યાં કરી રહ્યા હતા? જો કે તેમના ગમનમાં અવરોધો તો આવ્યા જ. રેંકડામાં ચડતાં ચડતાં ભદ્રંભદ્ર પડ્યા, ઊભા થઈ રેંકડામાં ફરી બેસવા જતાં ફરી પડ્યા, બીજા મુસાફરોએ તેમને ઊંચકીને છેવટે રેંકડા સાથે ભદ્રંભદ્રનો સમાગમ કરાવ્યો. રેંકડા રૂપી વિજયરથમાં આરૂઢ થયેલા ભદ્રંભદ્રની ગતિ હતી જ્યાં ભગવાન પણ ભૂલો પડે તેવા ભૂલેશ્વર તરફની. આજના મુંબઈગરાને કદાચ વિમાસણ થશે કે આ ‘રેંકડો’ એ વળી કેવું વાહન? કમનસીબે ‘સાર્થ ગુજરાતી જોડણી કોશ’માં આ રેંકડો શબ્દ જ જોવા મળતો નથી. પણ ભગવદ્ગોમંડળ કોશ ‘રેંકડો’ શબ્દનો અર્થ આમ આપે છે : “બેલગાડી, ચાર માણસ બેસે તેવી નાની બળદગાડી, એકો.”
ભદ્રંભદ્રનો રેકડા પ્રવાસ (ચિત્રકાર રવિશંકર રાવળ)
Abbé Denis Louis Cottineau de Kloguen નામના એક ફ્રેંચ પાદરીએ ગોવા અને મુંબઈની મુસાફરી દરમ્યાન ૧૮૨૮ના એપ્રિલની ૧૯મી તારીખે ભૂલેશ્વરના મંદિરની મુલાકાત લીધી હતી. તેઓ રોયલ એશિયાટિક સોસાયટીના પણ સભ્ય હતા. મુસાફરી પૂરી થયા પછી પ્રગટ થયેલા પુસ્તકમાં તેમણે ‘ભૂલેશ્વર’ નામ કઈ રીતે પડ્યું તેની ત્રણ શક્યતા બતાવી છે. પહેલી વાત તો નક્કી છે કે અહીં આવેલા એક મંદિરના નામ પરથી આ વિસ્તારનું નામ ‘ભોલેશ્વર’ પડ્યું છે. વખત જતાં તે થોડું બદલાઈને ‘ભૂલેશ્વર’ બન્યું. આ ફ્રેંચ મુસાફર લખે છે કે ‘ભોલા’ એ ભગવાન શિવનાં જુદાં જુદાં નામોમાંનું એક છે. શિવ કહેતાં ભોલાનું મંદિર આ વિસ્તારના લગભગ કેન્દ્રમાં આવેલું છે. તેણે નોંધ્યું છે કે આ મંદિરની બાજુમાં એક તળાવ આવેલું છે, અને થોડે દૂર કબૂતરખાનું આવેલું છે. તળાવ તો ૧૯મી સદીમાં જ પુરાઈ ગયું અને તેની જગ્યાએ વધુ એક મંદિર બંધાયું. કબૂતરખાનું પહેલાં ‘કાચું’ હતું. પછી લોખંડની ગોળાકાર જાળી જડીને એને ‘પાકું’ બનાવ્યું. સ્વાસ્થ્યને નામે છેલ્લા કેટલાક વખતથી મુંબઈમાં કબૂતરખાનાં વિરુદ્ધ જે ચળવળ ચાલે છે તે શરૂ થતાં પહેલાં જ ‘સાંકડી જગ્યામાં ટ્રાફિકને અડચણરૂપ બને છે’ એવું કારણ આગળ કરી એ કબૂતરખાનું નેસ્તનાબૂદ કરાયું. આ ફ્રેંચ લેખકે બીજી શક્યતા જણાવી છે તે એ કે ભોળા નામના એક ધનાઢ્ય કોળીએ આ મંદિર બંધાવ્યું હતું એટલે તે ભોલેશ્વર તરીકે ઓળખાયું. આ ભોળા નામના કોળીને એક્કે સંતાન નહોતું, એટલે તેણે પોતાની મોટા ભાગની સંપત્તિ આ મંદિર બાંધવા પાછળ ખરચી હતી. એટલે આ મંદિર સાથે ભોળા નામના કોળીનું નામ જોડાયું. પણ અહીં મુશ્કેલી એ છે કે કોળીઓ મોટે ભાગે શિવભક્ત નથી હોતા, પણ દેવીપૂજક હોય છે. એટલે કોઈ તવંગર કોળી મંદિર બંધાવે તો દેવીનું બંધાવે. તો ત્રીજી વાયકા એવી છે કે ભોળા નામના એક મુસાફરે મુંબઈની મુલાકાત દરમ્યાન આ મંદિર બંધાવ્યું હતું. ફ્રેંચ લેખક કહે છે તેમ આમાં મુશ્કેલી એ છે કે કોઈ મુસાફર મુંબઈમાં મંદિર શા માટે બંધાવે? અને શું મંદિર બંધાઈ રહે ત્યાં સુધી એ મુસાફર મુંબઈમાં રોકાઈ રહ્યો હોય? આ ફ્રેંચ મુસાફરની જેમ આપણને પણ પહેલી વાત સૌથી વધુ સ્વીકારવા જેવી લાગે છે : આ વિસ્તારનાં લગભગ કેન્દ્રમાં આવેલા શંકરના મંદિરનું નામ ભોલેશ્વર, અને તેના નામ પરથી આ આખો વિસ્તાર ભોલેશ્વર અને પછી ભૂલેશ્વર તરીકે ઓળખાયો.
ભૂલેશ્વર કબૂતરખાના, ૧૯મી સદીમાં
જેમનું મૂળ નામ દોલતશંકર હતું તેમને ખુદ શંકર ભગવાને સપનામાં આવી એ નામ બદલવાનો આદેશ આપ્યો હતો. અને એટલે તેમણે પોતાનું નવું નામ રાખ્યું ભદ્રંભદ્ર. પણ શંકરના આ પ્રખર ઉપાસક ભૂલેશ્વર જાય છે તે કાંઈ ભૂલેશ્વર મહાદેવનાં દર્શન કરવા નથી જતા. ત્યારે? તેઓ અગ્નિરથ કહેતાં ટ્રેનમાં આરૂઢ થઈ મુંબઈ આવતા હતા ત્યારે ટ્રેનમાં તેમને હરજીવન અને તેનો સાથી, એવા બે ગઠિયાનો ભેટો થયેલો. તેમને કારણે નુકસાન પણ વેઠવું પડ્યું હતું, છતાં ભદ્રંભદ્ર તેમને ‘મહાજ્ઞાની’ માને છે. કાગનું બેસવું, સોરી, ભદ્રંભદ્રનું રેંકડામાં બેસવું અને તાડનું પડવું, તેમ એ બંને ઠગ પણ એ જ રેંકડામાં સવાર થાય છે. એકમેકને ઓળખે છે. હરજીવન ઘણો આગ્રહ કરી ભદ્રંભદ્રને ‘પોતાને ઘરે’ જમવા લઈ જાય છે.
‘પણ વારુ, આપ ક્યાં જાવ છો?
હવે અમારે ઉતારે જઈએ છીએ. ભોજનનો સમય થયો છે.
ચાલો, મારે ત્યાં પધારો ને! મારે તો એ મહોટો લાભ.
પછીની વાત ભદ્રંભદ્રના શબ્દોમાં : “ભૂલેશ્વર આવતાં પહેલાં એક ગલીમાં વળી અમે એક લાંબી ચાલ આગળ ઉતરી પડ્યા. ઉપલે માળે ગયા ત્યાં હરજીવનની ઓરડી હતી. પાસે એક ઓરડીમાં દસ-પંદર આદમીઓ જમવા બેઠા હતા. હરજીવન કહે : “આ સર્વ મારા અતિથિ છે. શું કરીએ, આપણું નામ સાંભળીને લોકો આવે તેમને ના કેમ કહેવાય?” હરજીવનની ‘પ્રેરણા’થી ભદ્રંભદ્ર પાંચ રૂપિયાની ‘ભેટ’ મૂકે છે. હરજીવન આગ્રહ કરે છે એટલે ભદ્રંભદ્ર પોતાનો બધો સામાન પણ ત્યાં મગાવી લે છે. પછી ત્રણે ‘મિષ્ટાન્ન’ જમ્યા. હરજીવને ભારે ખર્ચ કર્યો જણાતો હતો અને બધામાં જાયફળ વિશેષ હતું. જમતાં પહેલાં એક આદમી આવી કહેવા લાગ્યો કે ‘અમારા પૈસા પહેલાં ચૂકવો.’
ભૂલેશ્વર મંદિરનું પ્રવેશદ્વાર
હરજીવને ભદ્રંભદ્ર તરફ આંગળી કરી કહ્યું : “આમને ઓળખાતો નથી? એ તો મહોટા માણસ છે. કશી ફિકર રાખવી નહિ.” હરજીવન ભોજન સાથે ભાંગ પણ પીવડાવે છે. નશામાં ભદ્રંભદ્ર સાનભાન ભૂલે છે અને છેવટે નિદ્રાધીન થાય છે. નિદ્રાધીન ભદ્રંભદ્ર અને તેના સાથીને ખાટલા સાથે બાંધીને તેમનો બધ્ધો સામાન લૂંટી લેવામાં આવે છે. ઉપરાંત વીશીવાળો ચારે જણના જમવાના બાકી રહેલા પૈસા માગે છે. ભદ્રંભદ્ર અને તેના સાથી પાસે તો ફૂટી કોડી ય નહોતી. વીશીવાળો પોલીસને બોલાવે છે. પણ એ જ વખતે ત્યાંથી પસાર થતા પ્રસન્નમનશંકર મદદે આવે છે. “વટવો કહાડી વીશીવાળા અને પોલીસના સિપાઈને સંતુષ્ટ કર્યા અને અમને ગાડીમાં બેસાડી તેમને ઘેર લઈ ગયા.”
ભદ્રંભદ્ર તો ઘર ભાડે લઈ મુંબઈમાં એકાદ વરસ રહીને ‘ભક્તવૃન્દના એકમાત્ર પૂજ્ય’ થવા ઝંખતા હતા. પણ કહે છે ને કે ‘ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થશે કાલે!’ અમદાવાદથી આવેલા પત્રોમાં એક અત્યંત માઠા સમાચાર મળે છે : ભદ્રંભદ્રનો ભાણેજ મગન અગિયારસને દિવસે રાત્રે દીવો લઈ પાઠ કરવા બેઠો હતો ત્યારે એને હાથે ‘વંદાવધ’નું ઘોર પાપ થયું. પછી તો વા વાયાથી નળિયું ખસ્યું તેથી પહેલાં ભદ્રંભદ્રની શેરી, પછી વિસ્તાર, પછી અમદાવાદ, એમ કરતાં સમસ્ત બ્રહ્માંડમાં ખળભળાટ છવાઈ ગયો. હવે મુંબઈનું ‘ભલું’ કરવું પોસાય નહિ. હવે તો વંદાવધના ઘોર પાતકનું પ્રાયશ્ચિત્ત કરવા-કરાવવા માટે અમદાવાદ તાબડતોબ જવું જ રહ્યું. “હજી મુંબઈમાં સ્થળે સ્થળે ભાષણ આપવા અને દુષ્ટ સુધારાવાળાને સંપૂર્ણ રીતે પરાભૂત કરવાની ભદ્રંભદ્રની ઇચ્છા હતી, પણ માણસનું ધાર્યું કંઈ થતું નથી. અને એટલે ભદ્રંભદ્ર તેમના સાથી સાથે રાત્રે અમદાવાદ તરફ જતી આગગાડીમાં બેસી ઊપડ્યા.”
અને મુંબઈ કાયમને માટે ભદ્રંભદ્રના કૃપાપ્રસાદથી વંચિત રહી ગયું.
ભદ્રંભદ્ર (ચિત્રકાર રવિશંકર રાવળ)
હવે થોડી વાત આપણી ભાષાની પહેલવહેલી હાસ્ય-કટાક્ષ કથા ભદ્રંભદ્રના સર્જક રમણભાઈ અને મુંબઈ વિષે થોડી વાત. જન્મે અને હાડે તો રમણભાઈ ભદ્રંભદ્રની જેમ અમદાવાદના. ૧૮૬૮ના માર્ચની ૧૩મીએ અમદાવાદમાં જન્મ. ૧૯૨૮ના માર્ચની છઠ્ઠી તારીખે ત્યાં જ અવસાન. એક વરસ અમદાવાદની ગુજરાત કોલેજમાં ભણ્યા પછી વધુ અભ્યાસ માટે મુંબઈ આવી એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભદ્રંભદ્રમાં પૂરેપૂરી ખીલી ઊઠેલી રમણભાઈની હાસ્ય-કટાક્ષની વૃત્તિ અને શક્તિનાં મૂળ તેમના મુંબઈવાસને આભારી. આપણી ભાષાની પહેલી નવલકથા લખનાર નંદશંકર મહેતાના બે દીકરા માર્કંડ અને મનુભાઈ, ઠાકોર કપિલરામ મહેતા, ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા, વગેરે સાથે મળીને અભ્યાસ કરતા તેટલી જ ઠઠ્ઠા મશ્કરી પણ કરતા. સંસ્કૃત ભાષાના હઠાગ્રહીઓની મશ્કરી કરવા રમણભાઈ ‘જરા ઉષ્ણ અને પરિપકવ રોટલી પીરસો’ એવું એવું બોલતા. ૧૮૮૭માં – જે વરસે ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ અને નરસિંહરાવ દિવેટિયાનો પહેલો કાવ્ય સંગ્રહ ‘કુસુમમાળા’ પ્રગટ થયો તે જ વરસે રમણભાઈ બી.એ. થયા. અને પાછા અમદાવાદ ગયા. ૧૮૯૨માં ફરી મુંબઈ આવીને બીજી એલ.એલ.બી.ની પરીક્ષામાં પાસ થયા. અને એ જ વરસે, ૧૮૯૨માં, ‘ભદ્રંભદ્ર’ લખવાનું અને પોતાના તંત્રીપદે પ્રગટ થતા ‘જ્ઞાનસુધા’ માસિકમાં હપ્તે હપ્તે છાપવાનું શરૂ કર્યું. તે પછીના તેમના જીવનનો ઘણોખરો ભાગ અમદાવાદમાં વીત્યો. ૧૯૦૫માં સ્થપાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદનું આઠમું અધિવેશન ૧૯૨૬માં મુંબઈમાં યોજાયું તેના પ્રમુખસ્થાને હતા રમણભાઈ. અને છતાં, એકંદરે જોતાં રમણભાઈ અને તેમણે સર્જેલા ભદ્રંભદ્રનો મુંબઈ સાથેનો સંબંધ થોડાક વખતનો.
ઇતિ શ્રી મોહમયીમુંબઈનગરે ભદ્રંભદ્રપ્રવાસપુરાણમ્ સમાપ્તમ્. વાચકગણ બોલો હરહર શ્રી ભૂલેશ્વર મહાદેવ કી જય.
XXXXXX
e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 18 ઓક્ટોબર 2025