Opinion Magazine
Number of visits: 9446695
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 19

દીપક મહેતા|Opinion - Opinion|24 November 2019

અહીંની કમાણી ભલે અહિયાં સમાણી

તોયે કાયમ રહેવાનાં અમે મુંબઈ

મુંબઈમાંનું કનૈયાલાલ મુનશીનું જીવન ભલે એક ચાલમાં શરૂ થયું, પણ પછી તો સાહિત્ય, સંસ્કૃતિ, રાજકારણ, જાહેર જીવન વગેરે ક્ષેત્રોના રાજાધિરાજ પદે તેઓ પહોંચ્યા. પણ લાખો લોકો એવા છે જેમનું જીવન કોઈ ચાલમાં શરૂ થાય છે, અને પૂરું પણ કોઈ ચાલમાં જ થાય છે. આ ચાલ અથવા ચાળી, અથવા વાડી, અથવા માળો એ મુંબઈના જીવનની, તેની ઈમારતોની, તેની સંસ્કૃતિની એક આગાવી નિશાની છે. ૧૯મી સદીમાં મુંબઈમાં ધીમે ધીમી જુદા જુદા પ્રકારના ઉદ્યોગ, ધંધા, વ્યવસાય, વિકસતા ગયા તેની સાથે આ ‘ચાલ’ને સીધો સંબંધ છે. જેમાં મોટી સંખ્યામાં કામગારોની જરૂર પડે તેવો મુંબઈમાં શરૂ થયેલો પહેલો ઉદ્યોગ તે કોટન મિલ ઉદ્યોગ. ૧૮૫૪માં કાવસજી નાનાભાઈ દાવરે આખા દેશની પહેલવહેલી કોટન મિલ મુંબઈમાં તારદેવ ખાતે શરૂ કરી – બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની. કાવસજીનો જન્મ ૧૮૧૫માં, બેહસ્તનશીન થયા ૧૮૭૩ના ડિસેમ્બરની ૨૨મી તારીખે. ૧૮૫૩ના ઓક્ટોબરમાં બીજા કેટલાક વેપારીઓને ભાગીદાર તરીકે સાથે લઈને તેમણે બોમ્બે મર્કન્ટાઇલ બેંક શરૂ કરી. ત્યાર બાદ પાંચ લાખ રૂપિયાની થાપણ સાથે ૧૮૫૪માં બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની શરૂ કરી. ત્યાર બાદ મુંબઈમાં બહુ ઝડપથી નવી નવી મિલો શરૂ થઈ. ૧૮૬૫ સુધીમાં કોટન મિલની સંખ્યા વધીને ૧૦ની થઇ હતી. ઈ.સ. ૧૯૦૦ સુધીમાં તો મુંબઈ ૧૩૬ મિલોથી ધમધમવા લાગ્યું હતું.

પહેલી મિલના સ્થાપક કાવસજી નાનાભાઈ દાવર

આ બધી મિલોમાં કામ કરવા માટે બહુ મોટી સંખ્યામાં કામદારોની જરૂર પડી જે મુંબઈમાં રહેતા લોકોથી પૂરી કરી શકાય તેમ નહોતું. એટલે આજના મહારાષ્ટ્રના જુદા જુદા ખૂણેથી કામદારોને મુંબઈ લાવવા પડ્યા. બહારથી આવેલા આ કામદારોના રહેઠાણની વ્યવસ્થા કરવી જરૂરી બની. ‘મિલ’ને મરાઠીમાં ‘ગિરણી’ કહે છે. ઘણીખરી મિલો મુંબઈના અમુક ચોક્કસ વિસ્તારમાં શરૂ થઈ હતી એટલે એ વિસ્તાર ‘ગિરણગાંવ’ તરીકે ઓળખાવા લાગ્યો. (આ ગિરણગાંવ વિસ્તાર તે આજનો ‘ગિરગાંવ’ વિસ્તાર નહિ જ. પણ એલ્ફિન્સ્ટન, લોઅર પરેલનો વિસ્તાર. એ વખતે મુંબઈમાં વાહન વ્યવહારનાં સાધનો ન જેવાં હતાં. એટલે મુંબઈ બહારથી આવેલા કામદારોને તેમના કામના સ્થળથી બની શકે તેટલા નજીક રહેવાની વ્યવસ્થા કરવી પડે. કંઈ નહિ તો છેવટે શરૂઆતમાં કુટુંબની સ્ત્રીઓને ‘દેશ’માં રાખીને માત્ર પુરુષો મુંબઈમાં કામ કરવા માટે આવતા. એટલે તેમને મોટા ઘરની, બહુ સાધન સગવડની, જરૂર નહોતી. વળી દિવસના ૮-૧૦ કલાક તો કામના સ્થળે તેઓ રહેતા. એટલે એક-દોઢ રૂમનું ઘર તેમને માટે બસ થાય. આવાં જે ઘરો ગિરણગાંવ વિસ્તારમાં બંધાયાં તે ‘ચાલ’ તરીકે ઓળખાયાં.

મુંબઈની પહેલી કોટન મિલ

(સાર્થ ગુજરાતી જોડણી કોશમાં ‘ચાલ’ શબ્દનો આ અર્થ આપ્યો જ નથી! હા, ભગવદ્ ગોમંડળ કોશે આપ્યો છે. કહે છે: પાઘડીપને બાંધેલું અને ઘણી ઓરડીઓવાળું મકાન; ચાલી.) મોટે ભાગે બે માળનાં મકાનો. એક ઓરડી કે ‘ખોલી’નું એક ઘર એવાં હારબંધ ઘર. એ બધાંને જોડતી લાંબી ગેલેરી. એક કે બંને છેડે કોમન ટોઇલેટ અને નાહવાની ઓરડી. મોટે ભાગે ચોરસ કે લંબચોરસ આકારનાં મકાનો. વચ્ચે ચોક કે ખુલ્લી જગ્યા. મકાનોને ભોંયતળિયે મોટે ભાગે દુકાનો, મુખ્યત્વે રોજિંદી જરૂરની વસ્તુઓ વેચતી દુકાનો. એકલા રહેતા કામદાર પુરુષો મોટે ભાગે ‘ખાણાવળ’માં જમે એટલે શરૂઆતમાં ચાલીનાં ઘરોમાં રસોડાની જરૂર નહોતી. સ્ત્રીઓ સાથે ન હોય એટલે ‘બેડ રૂમ’ની જરૂર નહિ. એક ખોલીમાં પણ ત્રણ-ચાર પુરુષો સાથે રહે એટલે દરેકને ભાગે ભાડું પણ બહુ ન આવે. મોટે ભાગે પગે ચાલીને મિલ સુધી પહોંચી શકાય એટલે વાહન પર આધાર રાખવો ન પડે. વળી આ ચાલોમાં મોટે ભાગે એક ‘જાત’ કે એક ગામના પુરુષો રહે. એટલે રીતરિવાજ, ખાણીપીણીની સમાનતા. તહેવારો સાથે મળીને ઉજવે, ચાલના ચોકમાં. અને એ રીતે પાછળ છૂટી ગયેલા ગામડાના જીવનને ભલે થોડી વાર માટે, પણ ફરીથી જીવી લે.

આજે નામશેષ બની ગયેલું ગિરણગાંવ

પણ પછી ધીમે ધીમે બૈરી-છોકરાં પણ મુંબઈ આવી રહેવા લાગ્યાં. એટલે એક ખોલીનાં ઘરો દોઢ ખોલીનાં બન્યાં. જગ્યા તો લગભગ પહેલાં જેટલી જ – ૧૨ X ૧૨ કે ૧૪ X ૧૪ ફૂટની. તેમાંથી આગલી પોણી જગ્યામાં મુખ્ય ખોલી, પાછળની જગ્યામાં રસોડું. સ્ત્રીઓ આવી એટલે રસોડાના એક ખૂણામાં નહાવા માટેની મોરી કે ચોકડી આવી. પણ કોમન ટોઇલેટ તો જેમનાં તેમ રહ્યાં. જગ્યા ઓછી પડવા લાગી એટલે કેટલીક ઘરવખરી બહારની કોમન ગેલેરીમાં આવી, અલબત્ત હાલતાં-ચાલતાં તકલીફ ન પડે એ રીતે. પુરુષો કામે જાય પછી સ્ત્રીઓ કોમન ગેલેરી કે ચોકમાં મળે. વીણવા-ખાંડવાનાં, ભરવા-ગૂંથવાનાં કે બીજાં ઘરઘથ્થું કામ સાથે મળીને કરે. એકબીજાને મદદ પણ કરે ને ઝગડે પણ. ગીતો પણ ગાય ને એકબીજીને ગાળો પણ ભાંડે. પણ અણીને વખતે મદદ કરવા બધાં જ તત્પર. ચાલના જીવનમાં ‘પ્રાઈવસી’નો કન્સેપ્ટ લગભગ નહિ. સહિયારાં ઘર, સહિયારાં સુખ-દુઃખ, સહિયારાં જીવન. જો કોઈ બારણું વાસીને ખોલીમાં ભરાઈ રહે તો હાંસીને પાત્ર બને. જગ્યા નાની એટલે તસુએ તસુ જગ્યાનો ઉપયોગ કરવાનો. મલ્ટી પર્પઝ રાચરચીલાને પહેલી પસંદગી. ફ્લેટમાં હોય તેવું હેવી ફર્નિચર – સોફા સેટ, ડબલ બેડ વગેરે તો આ ખોલીમાં સમાય કે પોસાય જ નહિ. બે-ચાર ફોલ્ડિંગ ખુરસી, એક આરામ ખુરસી, એક-બે ફોલ્ડિંગ ટેબલ. એક સ્ટીલનો કબાટ. બે-ત્રણ શેતરંજી કે સાદડી. મુખ્ય બારણે પડદો હોય કે નયે હોય. હા, બીજું કશું હોય કે ન હોય, હવે બે વસ્તુ તો આ ચાલની ખોલીમાં પણ લગભગ ‘મસ્ટ’ બની ગઈ છે – ટીવી અને ગેસનો ચૂલો. નાનકડું ફ્રિજ પણ કોઈક ખૂણામાં ગોઠવાઈ જાય. ફ્લેટમાં રહેલાંને થાય કે આવી સાંકડી જગ્યામાં, આટલી અગવડો સાથે તે કેમ કરી રહેવાય? પણ ચાલનાં રહેવાસીઓને આ જીવન કોઠે પડી ગયું છે, ગમે છે પણ ખરું. ચાલ ‘રિડેવલપમેન્ટ’માં જાય અને રહેવા ફ્લેટ મળે તો તેમને અડવું અડવું લાગે છે, એકાકીપણું અનુભવે છે – જાણે મૂળ સોતાં ઉખડી ગયાં ન હોય!

બી.ડી.ડી. ચાલ, વરળી

મુંબઈની ચાલ વિષે ઘણાબધા અભ્યાસ થયા છે, પી.એચ.ડી.ની ડિગ્રીઓ મેળવાઈ છે, લેખો લખાયા છે. પણ તેમાંના ઘણાખરા ગિરણગાંવની ચાલ વિષે – મિલ મજૂરો માટેની ચાલ વિશેના છે. પણ મિલ મજૂરો માટે ન હોય તેવી પણ ઘણી ચાલ મુંબઈમાં છે. ૧૯મી સદીમાં જેમ મિલ અને બીજાં કારખાનાં મુંબઈમાં શરૂ થયાં તેમ નવા નવા વેપાર-ધંધા પણ શરૂ થયા. સરકારી અને બિન-સરકારી નોકરીઓની ઘણી નવી તકો ઊભી થઈ. આ નવા વાતાવરણમાં પોતાનું ભાગ્ય અજમાવી જોવા ગુજરાતનાં ઘણાં શહેરોમાંથી પણ ગુજરાતી લોકો મુંબઈ આવ્યા. તેમાં પણ શરૂઆતમાં પુરુષો એકલા જ આવતા. સ્ત્રી વર્ગ નહિ. એટલે આવા આગંતુકો માટે પણ કાલબાદેવી, ગિરગામના કેટલાક ભાગો (જેમ કે કાંદા વાડી), ગ્રાન્ટ રોડ વગેરે વિસ્તારોમાં ચાલો ઊભી થઈ. જેમ જેમ પરાં વિકસતાં ગયાં તેમ તેમ ત્યાં પણ ચાલીઓ બંધાઈ. જો કે ઘણી વાર તેના નામમાં ‘ચાલ’ને બદલે ‘માળો’ કે ‘વાડી’ જેવા શબ્દો વપરાતા. જેમ કે ચંદારામજીનો માળો કે લાડની વાડી. તો કેટલીક ચાલોનાં નામ પરથી ખ્યાલ જ ન આવે કે તે ચાલ હશે. જેમ કે ગ્રાન્ટ રોડ સ્ટેશન નજીક આવેલ પાર્વતી મેન્શન અને પન્નાલાલ ટેરેસ. પણ આ બન્ને ખૂબ મોટાં મકાનો હકીકતમાં મોટી ચાલ જ છે. ગિરણગાંવની ચાલોમાં મોટે ભાગે એક ગામથી આવેલા લોકો એક ચાલમાં સાથે રહેતા. જ્યારે ગુજરાતી ચાલોમાં એક જ્ઞાતિનાં લોકો અમુક ચાલમાં સાથે રહેતા હોય તેવું જોવા મળતું. એ બધા પણ એકંદરે હળીમળીને સાથે રહેતા, સારે-માઠે પ્રસંગે એકબીજાને મદદ કરતાં, તો ક્યારેક ઝગડતા પણ ખરા. બીજા બધા ઉત્સવો તો ચાલના ચોકમાં ઉજવાતા જ, પણ ચાલના ચોકમાં થતા નવરાત્રીના ગરબા એ ગુજરાતી ચાલોની આગવી વિશિષ્ટતા હતી. ગામડાંની ધરતી પરનો ગરબો પહેલાં મુંબઈની ચાલોના ચોકમાં આવ્યો અને પછી ત્યાંથી સ્ટેજ પર જઈ પહોંચ્યો. આઝાદીની લડત વખતે પણ ચાલના લોકો પ્રભાતફેરી કે પિકેટિંગ જેવા કાર્યક્રમોમાં હોંશભેર જોડાતા, સ્ત્રીઓ પણ. ચાલમાં રહેતા ગુજરાતીઓ મોટે ભાગે વચલા મધ્યમ વર્ગના. ખિસ્સામાં ફદિયાં હોય તેનો થોડો ચળકાટ ચાલની ‘ડબલ રૂમ’માં પણ દેખાય. બે પાંદડે થયા પછી ડાબી કે જમણી બાજુની રૂમ પણ ભાડે લઈને ‘ખોલી’ને ‘ફ્લેટ’માં ફેરવી નાખ્યાનો સંતોષ મેળવે.

આજના મુંબઈની એક ચાલ

આ બધી ચાલો બાંધતું કોણ? ખાનગી માલિકો બાંધતા, જ્ઞાતિ કે ગામની સેવાભાવી સંસ્થાઓ બાંધતી, ચેરિટેબલ ટ્રસ્ટો બાંધતાં, અને સરકાર પણ બાંધતી. ૧૯૨૦ના અરસામાં સરકારી બોમ્બે ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (બી.ડી.ડી.) દ્વારા વરળી ખાતે ૧૨૧ મકાનોની બી.ડી.ડી. ચાલ બાંધવામાં આવી. કેટલાકને મતે આ મકાનો મૂળ તો જેલ તરીકે વાપરવા બંધાયાં હતાં, પણ પછી તેનો ઉપયોગ રહેઠાણ માટે થયો. આ વાત સાચી હોય કે નહિ, પણ એ તો એક હકીકત છે કે આ મકાનોની દિવાલો એટલી તો જાડી અને મજબૂત છે કે તેમાં ખીલી ખોડવાનું લગભગ અશક્ય છે. મુંબઈની બીજી ચાલોમાં ઘણુંખરું ઉજળિયાત વર્ગના અથવા સવર્ણ લોકો જ રહેતા હોય છે. પણ બી.ડી.ડી. ચાલમાં દલિતો, નવ્ય બૌદ્ધો, અગાઉ અસ્પૃશ્ય ગણાતી જાતિના લોકો પણ વસે છે. બીજી ચાલોની જેમ બી.ડી.ડી. ચાલના રહેવાસીઓને પણ ચાલની માયા બંધાઈ ગઈ છે. પણ હવે સરકારે આ ચાલોનું ‘રિડેવલપમેન્ટ’ કરવાનું નક્કી કર્યું છે. તો બીજી બાજુ ખાનાગી માલિકીની ચાલોની દશા વધુ ને વધુ બગડતી જાય છે. જ્યારથી મુંબઈમાં ‘રેન્ટ કંટ્રોલ એકટ’ લાગુ કરવામાં આવ્યો ત્યારથી ભાડાનાં મકાનોના ખાનગી માલિકોને પોતાનાં મકાનોની જાળવણીમાં રસ રહ્યો નથી. મુંબઈની કોઈ પણ ચાલમાં એક ખોલીનું ભાડું મહિને ૨૫૦ રૂપિયા કરતાં વધુ ન હોય. આવક ઓછી, અને બાંધકામના ભાવ સતત વધતા રહે. એટલે ચાલના સમારકામ કે જાળવણી કરવાનું મકાન માલિકને પોસાય નહિ. ભાડૂતો પોતાની ખોલીની જાળવાની કરે, જરૂરી સમારકામ પણ પોતે કરાવી લે, પણ ‘કોમન એરિયા’નું તો કોઈ ધણીધોરી નહીં. ગિરણગાંવ વિસ્તારની મિલો ૧૯૮૨ પછી ટપોટપ બંધ થઈ, લાખો મિલ કામદારો બેકાર બન્યા. તેની અસર ત્યાંની ચાલો પર પણ પડી. વખત જતાં મિલની જગ્યાએ મોટા મોલ કે બહુમાળી કમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભા થયા. સાથોસાથ ઘણીખરી ચાલો પણ રિડેવલપમેન્ટમાં ગઈ. પણ શહેરના અન્ય વિસ્તારોમાં હજી ચાલો ઊભી છે, જીવે છે, અલબત્ત, મરવાને વાંકે જીવે છે. વહેલી કે મોડી એ પણ વીરગતિને પામશે.

પાર્વતી મેન્શન, ગ્રાન્ટ રોડ

કોઈ પણ મુંબઈગરો, પછી એ ચાલમાં રહેતો હોય કે બંગલામાં, મુંબઈથી પૂરેપૂરો ખુશ નથી, તો પૂરેપૂરો નાખુશ પણ નથી. ‘સમય સાથે’ નામના નાટકનું પ્રભુલાલ દ્વિવેદીનું એક ગીત છે જેમાં મુંબઈગરો અંતે કહે છે કે ‘તોયે કાયમ રહેવાનાં અમે મુંબઈ.’ શ્રી દેશી નાટક સમાજે ૧૯૪૫માં આ નાટક ભજવેલું. સંગીત હતું માસ્ટર કાસમભાઈનું, અને ગાનાર કલાકાર હતાં વત્સલા. નાટકના પ્રહસન વિભાગમાં પ્રખ્યાત નટો છગન રોમિયો અને અનંત વીણ છગલો અને જગલોની ભૂમિકા ભજવતા, અને આ નાટક સફળ થયું હતું મુખ્યત્વે તેના પ્રહસન વિભાગને કારણે. સાંભળીએ પ્રહસન વિભાગનું એ ગીત:

મનને ગમે મુંબઈ,
આંખોમાં રમે છે મુંબઈ, જાવું ગમે ના.

અલક આ જુગની સાગરના પારણે,
નગરી નવયુગની પશ્ચિમના બારણે,
તોયે જૂના ગૌરવને નમે મુંબઈ.

નવી નવી લ્હાણ, અહીં નવી નવી ભાવના,
જુદાં જુદાં માનવીઓ જુદા સ્વભાવના,
સાથે બેસીને જમે મુંબઈ.

જાગ્યું નસીબ અમે કીધી કમાણી,
અહીંની કમાણી ભલે અહિયાં સમાણી,
તોયે કાયમ રહેવાનાં અમે મુંબઈ.  

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 23 નવેમ્બર 2019

Loading

24 November 2019 admin
← અયોધ્યાના રામ લલ્લા : હિંદુ દેવતાઓ ન્યાયિક વ્યક્તિ કેવી રીતે બની ગયા?
Business As Usual →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved