Opinion Magazine
Number of visits: 9449089
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—162

દીપક મહેતા|Opinion - Opinion|17 September 2022

ગ્રાહકે શું શું ન કરવું તેની સૂચનાનું પાટિયું દરેક ઈરાની હોટેલમાં હોય જ

ઈરાની બેકરીનાં પાઉંની સોડમ દૂર સુધી ફેલાઈ જાય

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

કાવ્યપ્રેમીઓના લાડકા કવિ રમેશ પારેખની આ પંક્તિઓ યાદ આવવાનું કાંઈ કારણ? કારણ મુંબઈ એક એવું શહેર છે જ્યાં સતત મનસૂબા ઘડાય છે અને અણધારી રીતે મનસૂબા ઉથલી પડે છે. અગાઉ શંકર વિલાસ હોટેલની કડક મીઠી ચા અડધી અડધી પીતાં આપણે મનસૂબો કરેલો મુંબઈની ઈરાની હોટેલો અને બીજી હોટેલોની મુલાકાત લેવાનો. પણ વચમાં ટીચર્સ ડે આવ્યો અને આપણે હોટેલને બદલે પહોંચી ગયા મુંબઈની કેટલીક હાઈ સ્કૂલમાં! હોટેલના ચહેરા પર ચિપકાવી દીધો હાઈ સ્કૂલનો ચહેરો! પછી વળી આવી શુક્રવારે અનંતચતુર્દશીની રજા. એટલે શનિવારનો અંક નહિ. એટલે હવે આજે જઈએ મુંબઈની ઈરાની હોટેલોની મુલાકાતે.

મુંબઈમાં મરાઠી ખાણાવળ અને ગુજરાતી વીશી પહેલાં આવ્યાં, કે ઈરાની હોટેલ પહેલી આવી, એનો જવાબ આપવો મુશ્કેલ છે. કદાચ બંને લગભગ સાથે પણ આવ્યાં હોય. કારણ ઈરાની હોટેલની શરૂઆત પણ ૧૯મી સદીના પહેલા અડધિયામાં થઈ હતી. ઈરાનથી આવેલા લોકોમાંથી કેટલાકે પોતાના વતનમાં હતી તેવી ‘કેફે’ અહીં પણ શરૂ કરી. આજે આપણા દેશમાં મુંબઈ ઉપરાંત પૂણે અને હૈદરાબાદમાં જ ઈરાની હોટેલ જોવા મળે. બીજા કોઈ શહેરમાં નહિ.

 

ઈરાની હોટેલ, અંદરથી

પણ માદરે વતન છોડીને ઈરાનીઓ હિન્દુસ્તાન આવ્યા શા માટે? પહેલું કારણ ઈરાનના મુસ્લિમ શાસકોના અત્યાચાર, જોરજુલમથી બચવા. તો બીજા કેટલાક આવ્યા ઈરાન કરતાં હિન્દુસ્તાનમાં વેપારવણજ, કામધંધાની તક વધુ ઉજળી છે એમ તેમને લાગ્યું એટલે. એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે બધા ઈરાનીઓ હોય જરથુસ્તી. હા, મોટા ભાગના ખરા, પણ બધા નહિ. મુસ્લિમ અને બહાઈ પંથના અનુયાયીઓનો પણ ઈરાનીઓમાં સમાવેશ થાય, અને તેમણે પણ અહીં હોટેલ કે ભઠિયારખાનાં કહેતાં બેકરી શરૂ કર્યા. જે જરથુસ્તી ઈરાનીઓ જોરજુલમથી બચવા આવ્યા તે તો લગભગ પહેરેલે કપડે અહીં આવેલા. તેમનો અને અહીંના પારસીઓનો ધર્મ એક જ, એટલે અહીંના પારસીઓએ તેમને આવકાર્યા, રહેવા-ખાવાની સગવડ કરી આપી.

ઈરાની હોટેલની આગવી ઓળખ જેવી ખુરસી

ઈરાનમાં કેફે કહેતાં ચાની દુકાનનું ચલણ. એટલે કેટલાકે અહીં પણ એ શરૂ કરી. જેવી આગવી-અલાયદી ચા એવી જ આગવી હોટેલની સજાવટ. કથ્થાઈ અને કાળા રંગની ચોરસ લાદીઓ જડેલી ફર્શ. વાળેલા લાકડાની – કે નેતરની – કાળી ખુરસીઓ. લાકડાનાં ચોરસ ટેબલ ઉપર ટેબલ ક્લોથ પાથર્યો હોય અને તેના પર હોય પારદર્શક કાચ. દરેક ટેબલ પર પહેલાં તો કાચની એક-એક બરણી રહેતી. તેમાં ખારી, નાનખટાઈ, દેશી બિસ્કિટ – આજની કુકીઝ. હા, ઘણીખરી ઈરાની હોટેલ નોનવેજ વાનગીઓ પણ રાખે જ. એટલે ‘ધાર્મિક’ માણસો ત્યાં ન જાય. અથવા બીજું કોઈ જોતું તો નથી ને, એની ખાતરી કરી ઝડપથી ઘૂસી જાય. એ જમાનામાં મેનુ કાર્ડ જોવા ન મળે. ચારે ભીંત પર મોટાં રંગેલાં પાટિયાં પર વાનગીઓનાં નામ અને કિંમત લખ્યાં હોય, અંગ્રેજીમાં. 

દરેક ઈરાની હોટેલમાં ગ્રાહકોને જાતજાતની સૂચનાઓ આપતું પાટિયું હોય, હોય, ને હોય જ, અંગ્રેજીમાં. જેનો માયનો હોય : બીડી-સિગારેટ પીવાં નહિ, ઉધાર માગવું નહિ, બહારથી આણેલું કશું ખાવુંપીવું નહિ, વિનાકારણ બેસી રહેવું નહિ, મોટે મોટેથી બોલવું નહિ, ભાવ અંગે રકઝક કરવી નહિ, છુટ્ટા પૈસા માગવા નહિ, બાકસ કે દિવાસળી માગવાં નહિ, જુગાર રમવો નહિ, અરીસામાં જોઈ વાળ ઓળવા નહિ, ખુરસી પર પગ રાખીને બેસવું નહિ, વગેરે વગેરે વગેરે. હવે આ બધી સૂચનાઓમાં નવા જમાનાની સૂચનાઓ ઉમેરાઈ છે : અહીં ચાર્જિંગ પોઈન્ટ નથી, વાંચવા માટે છાપાં માગવાં નહિ, લેપટોપનો ઉપયોગ કરવો નહિ, પોતાના કે બીજાના ફોટા પાડવા નહિ, મોબાઈલ ગેમ્સ રમવી નહિ, વગેરે.

ઈરાની હોટેલોની બીજી એક ખાસિયત એ કે એમાં ધર્મ કે ન્યાત-જાતના ભેદ નહિ. બારણાં બધા માટે ખુલ્લાં. આજથી ૫૦-૬૦ વરસ પહેલાં ઘણી ઈરાની હોટેલો બહાર બોર્ડ મારતી કે ન્યાત-જાતના ભેદ વગર બધાને માટે અહીં પ્રવેશ છે. એક જમાનામાં ઈરાની હોટેલ એટલે સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાતરા. બન મસ્કા અને ચાથી પણ અડધું પેટ ભરાઈ જાય. અને એ પણ બે-ચાર આનામાં! ખારી મગાવો તો ચામાં બોળી બોળીને ખાવાની જે લિજ્જત આવે! અને હા, ઈરાનીની ચાનો ટેસડો જ જૂદો. ઈરાનીઓ ઈંડાના ભારે ચાહક. એટલે ઈરાની હોટેલોમાં ઈંડાંની જાતજાતની વાનગી મળે. અગાઉ ‘ઉજળિયાત’ વર્ગનાં ઘરોમાં ઈંડાને પ્રવેશ નહોતો. ત્યારે ઘણા જુવાનો ‘ભારે હિંમત કરી’ કોઈ ઈરાની હોટેલમાં જઈને ઓમલેટ-પાંવથી શરૂઆત કરી મટન પેટિસ કે મટન ખીમાની લિજ્જત માણી આવે.

બન મસ્કા અને ચા

ઈરાની હોટેલોની બીજી એક ખાસિયત તે તેમની બ્રિટિશ રાજપરસ્તી. હજી આજે પણ ઘણીખરી ઈરાની હોટેલોમાં રાણી એલિઝાબેથનો કે મુંબઈના કોઈ બ્રિટિશ ગવર્નરનો કે કોઈ વાઈસરોયનો ફોટો જોવા મળે. પારસી ઈરાનીની હોટેલ હોય તો અશો જરથુસ્તસાહેબનો મોટો ફોટો દિવાલ પર હોય ને હોય જ. તો કેટલીક હોટેલોમાં જૂના – ૧૮મી કે ૧૯મી સદીના – મુંબઈના ફોટા પણ જોવા મળે. એકંદરે ઘણી ખરી ઈરાની હોટેલમાં બેઠા હો ત્યારે કાળ જાણે થંભી ગયો હોય એવું લાગે. ઈરાની હોટેલોની બીજી એક ખાસિયત: કોઈ મકાનની ખૂણાવાળી જગ્યાએ તે આવેલી હોય. કારણ ઘણા હિંદુ આવી જગ્યાને અપશુકનિયાળ માને એટલે ભાડે કે વેચાતી લે નહીં. પણ ઈરાનીઓને આવો કોઈ બાધ નહિ. અને બીજું, આવી જગ્યા પ્રમાણમાં સસ્તામાં મળી જાય.

ઘણી ઈરાની હોટેલોની પોતાની બેકરી પણ ખરી. તેમાં પાઉં બનતાં હોય ત્યારે તેની સોડમ દૂર સુધી ફેલાઈ જાય. રૂનાં પોલ જેવાં નરમ તાજાં પાઉં કડક ચામાં બોળીને ખાવાની તો લિજ્જત જ જૂદી. આ ઉપરાંત શ્રૂબેરી બિસ્કિટ, ખારી, નાનખટાઈ, અને આજે ‘કૂકીઝ’ તરીકે જાણીતી જાતજાતની બિસ્કિટ બનાવે. જો કે છેલ્લાં ૫૦-૬૦ વરસથી મુંબઈની ઈરાની હોટેલોની માઠી દશા બેઠી છે. ૧૯૫૦ના અરસામાં મુંબઈમાં આશરે સાડા ત્રણ સો નાનીમોટી ઈરાની હોટેલ હતી. આજે માંડ ૨૫-૩૦ બચી હશે. એક કારણ એ કે ઘણી ઈરાની હોટેલ સમય સાથે ચાલીને બદલાઈ શકી નહિ. બીજું, દેશના જ નહિ, વિદેશના પણ જુદા જુદા ભાગોની અવનવી વાનગીઓ પીરસતી નવી નવી હોટેલ આવી. લોકોને નવું નવું ખાવાનો ચસકો લાગ્યો. હોટેલમાં ખાવા જવું એ પહેલાં એક જરૂરિયાત હતી, કહો કે મજબૂરી હતી. હવે તો હર કોઈ દિવસ વાર-તહેવાર હોય છે અને શનિ-રવિમાં તો ઘણીખરી હોટેલોની બહાર લાંબી લાઈન લાગે છે. પણ કેટલીક ઈરાની હોટેલ સમય પ્રમાણે ચાલીને ટકી શકી છે.

માત્ર દેશમાં જ નહિ, આખી દુનિયામાં મુંબઈની એક ઈરાની રેસ્ટોરાંનું નામ થોડા વરસ પહેલાં ગાજ્યું હતું. એ હોટેલ તે તાજ મહાલ હોટેલ અને ગેટ વે ઓફ ઇન્ડિયા નજીક આવેલી લિયોપોલ્ડ કાફે. શરૂ થયેલી છેક ૧૮૭૧માં. પણ બીજી ઈરાની હોટેલ કરતાં જરા હટ કે. મધ્યમ વર્ગના લોકો કરતાં અહીં અમીરોનાં અને પરદેશી મુલાકાતીઓનાં પગલાં વધારે પડે. ૨૦૦૮ના નવેમ્બરની ૨૬મી તારીખની રાત. મુંબઈ પર અભૂતપૂર્વ આતંકવાદી હુમલો. બીજાં ઘણાં સ્થળો સાથે એ હુમલાનો ભોગ બની લિયોપોલ્ડ કાફે. રાતે સાડા નવ વાગે અંધાધૂંધ ગોળીબારમાં દસનાં મોત, ઘવાયા તો કેટલા ય. પણ પછી વખત જતાં ફરી બેઠી થઈ આ લિયોપોલ્ડ કાફે. જાણે કહેતી ન હોય : તમે મુંબઈને હલાવી શકશો, પણ હરાવી નહિ શકો. મુંબઈ શહેરની એક ખાસિયત છે: ગમે તેવી આપત્તિ આવી પડે, વહેલામાં વહેલી તકે – બહુ બહુ તો બીજે કે ત્રીજે દિવસે તે ફરી ધમધમતું થઈ જાય. લોકો હોય સાવધાન, પણ ડરેલા નહિ, હારેલા તો નહિ જ નહિ.

પણ જિંદગીનાં પહેલાં ૩૨ વરસ ગિરગામમાં વિતાવ્યાં હોય અને તેમાંનાં ચાર સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણવામાં ગાળ્યાં હોય તેને સૌથી પહેલી યાદ આવે તે ધોબી તળાવ પરની કયાની. એ હોટેલની ચાના જેટલા કપ પેટમાં ઠાલવ્યા તેટલા બીજી કોઈ હોટેલના નહિ. દાયકાઓ પછી આ વરસના ફેબ્રુઆરીમાં એક રવિવારની સવારે માણ્યું તેનું સ્મરણ કરવા ત્યાં જઈ ચડ્યા આપણા આ રામ બીજા બે જુવાનિયા સાથે. અને અહો આશ્ચર્યમ! હોટેલમાં દાખલ થવા માટે લાંબી લાઈન! – હા જી, રવિવારની સવારે. માલિકના દીકરા થડા પાસે ઊભા રહીને બધા પર નજર રાખતા હતા. તેમની નજર પડી! લાઇનમાંથી જૂદો તારવીને અંદર લઈ ગયા અને સાથેના બે યુવાનોને પણ બેસાડ્યા. અગાઉની ઓળખાણ તો ક્યાંથી હોય? પણ ઉંમરને અસાધારણ માન આપવાની પારસી પરંપરાએ કામ કર્યું હશે. ચા-નાસ્તો કરતાં નજર સતત ચારે બાજુ ફરતી હતી. ખાસ કશું જ બદલાયું નથી. હા, પહેલાં કરતાં જગ્યા વધુ સાફસૂથરી અને વ્યવસ્થિત લાગે છે. વાનગીઓનું વૈવિધ્ય વધ્યું છે. અને ભાવનું તો પૂછવું જ શું! બે આનામાં રોજ પીતા એ ચાના વીસ રૂપિયા. પણ ચાના સ્વાદમાં મીનમેખ નહિ! એ જ રૂપ, એ જ રંગ, એ જ સ્વાદ! આપણા રામથી રહેવાયું નહિ, એટલે બહાર જતી વખતે માલિકના દીકરા પાસે જઈને thank you કહીને ઊમેર્યું : ઝેવિયર્સમાં ભણતો ત્યારે અહીં રોજ ચા પીવા આવતો. આછા સ્મિત સાથે તેમણે કહ્યું : Please do come again, Sir. હવે ફરી કયાનીની ચા પીવા જવાશે કે નહિ? નથી ખબર.

e.mail : deepakbmehta@gmail.com 
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 17 સપ્ટેમ્બર 2022

Loading

17 September 2022 Vipool Kalyani
← એક હસુ-કથા
માનવી હોવાપણું હિંદુ હોવાપણા કરતાં અદકેરું છે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved