વાગી ઘર ઘરમાં હાક, ઓ નળ આવ્યો રે!
પ્રાઈમસનો ઠાઠ દેશી રજવાડાના ઠાકોરસાહેબ જેવો
મસાલા વગરની ચાને ગુજરાતી ઘરમાં ‘ચા’ કહેવાય જ નહિ
‘માગ, માગ, વત્સ! હું તારા પર પ્રસન્ન છું.’ આજે સવારે બ્રાહ્મ મૂહુર્તમાં અમને આ શબ્દો સંભળાયા. ના, ના, અમે કાંઈ ‘રાત રહે જ્યાહરે પાછલી ખટ ઘડી’ ત્યારે સૂઈ ન રહેનારા ‘સાધુ પુરુષ’ નથી. પણ અમે અમારા પૂરતો એક નિયમ બનાવ્યો છે કે જાગ્યા ત્યારથી સવાર. સૂતી વખતે અમે ચશ્માં કાઢી નાખ્યાં હતાં એટલે આ બોલનાર કોણ છે એ બરાબર દેખાયું નહિ. એટલે :
‘આપ કોણ છો, અને મારા પર શા કારણસર રીઝ્યાં છો?’
‘મને ન ઓળખી? હું જગદમ્બા.’
‘પેલા ૫૧૫ નંબરના ફ્લેટમાં રહેતા જગતભાઈનાં મા?’
‘અરે અલ્પમતિ! એ પાંચસો પંદરિયા જગતની નહિ, હું તો આખા જગતની, વિશ્વની, મા છું. અને તારા પર પ્રસન્ન થઈ છું એટલે વરદાન આપવા આવી છું. જે માગવું હોય તે ઝટ માગી લે વત્સ, મારે બીજી પણ એપોઈન્ટમેન્ટ હોય ને?’
માન ન માન, મૈં તેરી મહેમાન જેવાં આ માતાજીને ઝટ વિદાય કરવા અમે કહ્યું :
‘બીજું તો કંઈ નહિ, પણ આ કાંદા-ટમેટાના ભાવ નીચા આવે તો ય ઘણું.’
‘વત્સ, ભાવનિયંત્રણ ખાતું મારા હાથમાં નથી, સરકારશ્રીના હાથમાં છે. એટલે બીજું કંઈ ઝટ માગી લે.’
અને કોણ જાણે ક્યાંથી, આપના આ સેવકને તુક્કો સૂઝ્યો : ‘મા, આપવું જ હોય તો મને ટાઈમ મશીન આપો.’
‘આંગ્લ ભાષાના નવલકથાકાર એચ.જી. વેલ્સ પાસે હતું એવું?’
આ સાંભળી અમે તો પથારીમાં બેઠા થઈ ગયા. ‘આપ એચ.જી. વેલ્સ અને એના ટાઈમ મશીન વિષે પણ જાણો છો?’
‘અરે ઓ મંદબુદ્ધિ! તારી આ દુનિયામાં એવું કશું નથી જે હું જાણતી ન હોઉં. અને જે હું પ્રસન્ન થાઉં તો આપી ન શકું.’
‘એટલે મને એ આપશો?’
‘હા, પણ બે શરતે. પહેલી એ કે એ મશીન વડે તું કેવળ ભૂતકાળમાં જ જઈ શકીશ, ભવિષ્યમાં નહિ. કારણ તું ભવિષ્યમાં જા તો સરકારને માટે સિક્યોરીટી પ્રોબ્લેમ થઈ શકે.’
ભાગતા ભૂતની ચોટલી સહી, એમ વિચારી અમે કહ્યું : ભલે, પણ આપો તો ખરાં જ.’
દેવી ઉવાચ : ‘બીજી શરત એ કે ભૂતકાળમાં પણ તું માત્ર ૮૦ વરસ સુધી જ પાછળ જઈ શકીશ.’
‘મંજૂર છે.’ અને જગદંબાએ અમને આપી દીધું ટાઈમ મશીન
ઓ નળ આવ્યો રે!
વાગી ઘર ઘરમાં હાક, ઓ નળ આવ્યો રે!
મૂકો બીજાં ઘરનાં કામ, ઓ નળ આવ્યો રે.
આ પંક્તિઓ એ જમાનામાં ઘરે ઘરે વહેલી સવારે ગિરગામ, કાલબાદેવી, ભીંડી બજાર, પાયધૂની જેવા લત્તાઓના મધ્યમ વર્ગના લગભગ દરેક ઘરમા ગૂંજતી નહિ, ગાજતી. એ વખતે સવાર-સાંજ એકાદ કલાક નળમાં પાણી આવે ત્યારે ઘર ઘરમાં આખા દિવસ માટેનું પાણી ભરી લેવું પડતું. આ નળરાજાની સવારી પણ ધૂમધડાકા સાથે આવતી. નળ ખોલો એટલે પહેલાં તો ભખ્ ભખ્ કરતી જોસબંધ હવાની સવારી આવે. પછી એ અવાજ કોઈ પડછંદ પુરુષ ખોંખારા ખાતો હોય એવો થાય, ખોઉં, ખોઉં, ખોઉં. પછી વધુ હવા ને થોડું પાણી આવે. પછી હવા હારી જાય અને પાણી ધોધમાર વહેવા લાગે. ઘરવાળી પાણી ભરતી જાય, અને ગામડામાં પાછળ મૂકેલું ગીત, બીજું કોઈ જાગી ન જાય એવા હળવા સાદે ગણગણતી જાય :
ભારી બેડાં ને હું તો નાજુકડી નાર,
કેમ કરી પાણીડાં જવાય રે,
ભમ્મરિયા કૂવાને કાંઠડે.
અને હા, બ્રહ્મની જેમ આજે સર્વવ્યાપી બની ગયેલ પ્લાસ્ટિક અને સ્ટેનલેસ સ્ટીલ ત્યારે સાવ અજાણ્યાં હતાં. એટલે મોટું ઘર હોય તો બે-ત્રણ પીપડામાં રબરની ટ્યૂબથી પાણી ભરવું પડે. રસોડાના નળને મોઢે સફેદ માદરપાટનું ગળણું બાંધીને પાણી માટલામાં ભરી લેવાનું. જાત-ભાતનાં વોટર ફિલ્ટર વગરનું પાણી પીવા છતાં લોકો આજ કરતાં વધુ માંદા પડતા નહોતા. માટલાં બે જાતનાં, કાળી માટીનાં અને લાલ માટીનાં. કુંભાર ટુકડાથી વરસે બે વરસે નવાં માટલાં લઈ આવવાનાં. બે પાંદડે સુખી ઘરમાં માટલા પર પિત્તળનું બુઝારું ઢાંક્યું હોય. કેટલાંક ઘરોમાં નળવાળી કોઠી વપરાય, કાં સફેદ, કાં આછી લાલ. તેના પર માટીનું જ ઢાંકણું હોય. એ વખતે પીવાનું પાણી ફ્રીજનું ઓશિયાળું નહોતું, એટલે માટલામાં પણ ઠંડુ રહેતું.
પાણી ભરાઈ જાય એટલે ‘કાલા દંતમંજન’થી દાંત ઘસી ઘસીને સાફ કરવાના. જો કે મોટેરાંઓ તો લીલાંછમ્મ દાતણ જ વાપરે. રાત્રે સૂતાં પહેલાં ઘરની વહુઆરુએ કાપીને ત્રાંબાના કળશામાં પલાળી રાખ્યાં હોય.
રજવાડાના ઠાકોરસાહેબ જેવો પ્રાઈમસ
પછી રસોડામાં પ્રાઈમસ દેવની પૂજા શરૂ થાય. સવારની ચા માટે ઘણાંખરાં ઘરોમાં આ પ્રાઈમસ કહેતાં કેરોસીન સ્ટવ વપરાય. પ્રાઈમસનો ઠાઠ ત્રીજા વર્ગના દેશી રજવાડાના ઠાકોરસાહેબ જેવો. સાથે બે-ચાર હજુરિયા જોઈએ જ. પહેલો તો બે અર્ધ ગોળાકાર ધરાવતો કાળો કાકડો. સાથે હોય દાસી જેવી ઘાસલેટની નાની બાટલી. કાકડાના બંને અર્ધ ગોળાકાર વારાફરતી ઘાસલેટમાં બોળવાના. પછી પ્રાઈમસ ઠાકોરના ગળામાં હાર પહેરાવતા હોઈએ તેમ કાકડો પ્રાઈમસના મોઢિયા આસપાસ મૂકવાનો. પછી આવે માચીસ કહેતાં બાકસનો વારો. મોટે ભાગે પીળા રંગના લેબલવાળું વિમકો કમ્પનીનું. બાકસ હવાઈ ન જાય એટલે તેના પર હલકી ધાતુનું ખોળિયું હોય. દિવાસળી સળગાવીને કાકડાને ચાંપવાની. સાથોસાથ પંપથી હવા ભરવાની, ઠાકોરસાહેબના કાનમાં ખોટાં વખાણની જેમ. એટલે બાપુ રંગમાં આવી જાય, ને ભખ ભખ કરતાં આખા મોઢિયાને અજવાળી દે. એટલે માથે પાઘડીની જેમ મૂકાય ચા માટેના પાણીની તપેલી. ક્યારેક પ્રાઈમસ રાજા આળસુ થઈ જાય તો રાણી જેવી પીન ઘડીના છઠ્ઠા ભાગમાં એને ઠેકાણે લાવી દે.
ઘર ઘરની ચા બનાવવાની રીત જૂદી. ક્યાંક પહેલાં પાણી, પછી દૂધ, પછી ખાંડ, પછી ચાપત્તી, વારાફરતી નખાય. તો ક્યાંક બધું એક સાથે ચૂલે – સોરી, પ્રાઈમસે – ચડે. અને હા, ચાના મસાલા વગર બનેલી ચાને તો ગુજરાતી ઘરમાં ‘ચા’ કહેવાય જ નહિ. એ તો માંદાને પીવાનું ગરમ પાણી. હા, મસાલાને બદલે ફૂદીનો, લીલી ચા, તાજું પીસેલું આદુ, કે વારતહેવારે એલચી-કેસર ચાલે. ડાયાબિટિસની ઐસીતૈસી. કપ દીઠ બે ચમચી ખાંડ તો હોય જ. કેટલાક મીઠડાઓ તો પાછા ઉપરથી ખાંડ ઉમેરે. ફણફણતી ચા, ગરણીથી ગળાઈને સીધી કપમાં. કપની નીચે રકાબી. બંને એક સરખાં જાત-ભાતનાં હોય એ જરૂરી નહિ. વિધવા થયેલી રકાબી અને વિધુર થયેલા કપનાં પુનર્લગ્ન રોજ થાય. કાચનાં કે ચીની માટીનાં કપ-રકાબી આવી ગયાં હતાં. પણ ગલઢેરાં એને અપવિત્ર માનતાં અને પિત્તળનાં કપ-રકાબીનો આગ્રહ રાખતાં. ઘણાં ઘરમાં એક-બે કાળાં ઘેટાં હોય, ચા ન પીએ, પણ ‘કાફી’ પીએ. ઇન્સ્ટન્ટ કોફી ત્યારે અજાણી. કોફીનો થોડો ખરબચડો પાઉડર દૂધપાણીમાં નાખીને ઉકાળવાનો. સાથે બે ચમચી ખાંડ તો ખરી જ. ઘરનાં બાળકોને મોટે ભાગે શરૂઆતમાં ચા-કોફી ન અપાય. પોસાણ પ્રમાણે અડધો-પોણો કપ ગરમ દૂધ અપાય. પણ પછી ધીમે ધીમે એમાંનાં મોટા ભાગનાં ચા પીતાં થઈ જાય.
નહાવા માટે પિત્તળની બાલદી
ચા પીધા પછી વારાફરતી નહાઈ લેવાનું. મધ્યમ વર્ગના ઘરમાં શાવર બાથ અજાણ્યો. રનિંગ વોટર જ ન હોય ત્યાં શાવર શું કામનો? સવારે પાણી ભર્યા પછી તાંબાનો ‘બંબો’ પેટાવીને પાણી ગરમ કરવા મૂક્યું હોય. તેમાંથી થોડું ગરમ પાણી બાલદીમાં લઈ તેમાં સમોવણ ઉમેરી લોટાથી નહાઈ લેવાનું. અને સમોવણ માટે નરસિંહ મહેતાની જેમ મલ્હાર રાગ ગાવાની જરૂર ન પડે. નળનું પાણી પીપડામાં ભર્યું હોય તેમાંથી લઈ લેવાનું. ટર્કિશ ટુવાલ અજાણ્યા. ગમછા જેવા પાતળા ટુવાલ વપરાય. સાબુ ઘણાખરા ઘરમાં. પણ બજારમાં બે-ચાર બ્રાંડના જ મળે. કપડાં ધોવા માટેના ડિટરજન્ટ પાઉડર હજી આવ્યા નહોતા. કપડાં ધોવાના પીળા રંગના સાબુના લાટા વપરાતા. રોજ થોડો થોડો છીણીને પાણીમાં ઉકાળવાનો. પછી એ સાબુવાળું પાણી બાલદીમાં રેડીને તેમાં કપડાં બાફવાનાં. લાકડાનો ધોકો મારીને ધોવાનાં. ઘરની બહાર બાંધેલી કાથાની દોરી પર લાકડાની કલીપ મારીને સૂકવી દેવાનાં. કપડાં ધોવાનાં મશીન આવશે એવી તો ત્યારે કલ્પના ય નહિ.
ચાની જાહેરખબર
આજના જેવો બ્રેકફાસ્ટનો વિધિ ત્યારે અજાણ્યો. ઘણાં ઘરમાં આઠેક વાગે ‘બીજી વારની ચા’નો રિવાજ. એની સાથે ચવાણું, ગાંઠિયા કે એક-બે ખાખરા ખાઈ લેવાના. હા, આ ખાખરા એ આજે બજારમાં મળતા ચાલીસ-પચાસ જાતના ખાખરા નહિ હોં! કારણ ત્યારે બજારમાં ખાખરા મળતા નહિ. આગલા દિવસની રોટલીને લોઢી પર શેકીને ઘરે બનાવેલા તાજા ખાખરા. ઉપર લગાડવાનું ઘરે બનાવેલું ઘી – એ ‘શુદ્ધ’ હોય એવું કહેવાની જરૂર જ નહિ. ‘ડાયટિંગ’ શબ્દ એ વખતે લગભગ અજાણ્યો. પણ સાદું ખાવું, સારું ખાવું, ઘરનું બનાવેલું ખાવું એવું ઘણાખરા માને. એ વખતે દૂધ તો ગરમ કરીને જ વપરાય તેવો રિવાજ. ફ્રિજ તો હતાં નહિ એટલે ઠંડા દૂધનો સવાલ જ નહોતો. આને કારણે એક વાર ભારે ગમ્મત થયેલી. છેક ૧૯૯૪માં એક જાણીતી પરદેશી કંપનીએ તેના બ્રેકફાસ્ટ સિરિયલ્સ મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં લોન્ચ કર્યા, એક સવારે. મહેમાનો માટે ટેબલ્સ પર સિરિયલ્સ અને ઠંડા દૂધના જગ. હોટેલના મેનેજરે કહેલું કે સાહેબ, સાથે ગરમ દૂધના જગ પણ મૂકો. પણ કંપનીવાળા માન્યા નહિ. પરિણામે અડધા મહેમાનોએ સિરિયલ્સને હાથ પણ ન અડાડ્યો. કારણ એ વખતે આપણા લોકો ગરમ દૂધના જ હેવાયા.
હવે થયો છે ઘરની બહાર નીકળવાનો સમય. સાથોસાથ આજની વાત પૂરી કરવાનો સમય પણ થઈ ગયો છે. એટલે ઘરની બહાર મળશું, હવે પછીના શનિવારે.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 23 ઑક્ટોબર 2021