Opinion Magazine
Number of visits: 9506079
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભ્રષ્ટ ભારતમાં ઘરના ભૂવા ને ઘરનાં ડાકલાં

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 September 2022

ગયા રવિવારે [28 ઑગસ્ટે], દિલ્હીના નોઇડામાં ગેરકાયદે બાંધવામાં આવેલાં સુપરટેક લિમિટેડનાં 32 માળનાં ટ્વિન ટાવર્સ તોડી પાડવામાં આવ્યાં, ત્યારે મીડિયાની હેડલાઇન્સમાં તેના માટે “ભ્રષ્ટાચારનાં ટાવર્સ” એવો શબ્દ વાપરવામાં આવ્યો હતો. 11 માળના લાઇન્સન્સ પર ત્રણ વાર રિવિઝન કરીને બંને ઈમારતને કેવી રીતે 32 માળ સુધી લઇ જવામાં આવી, તેમાં કેવી રીતે નિયમોનો ભંગ કરવામાં આવ્યો, કેવી રીતે વહીવટદારો, બિલ્ડરો અને રાજકારણીઓએ સાંઠગાંઠ કરી, કેવી રીતે ઘર ખરીદનારાઓને વંચિત રાખવામાં આવ્યાં અને કેવી રીતે 13 વર્ષ સુધી લોકોને કોર્ટના ધક્કા ખાવા પડ્યાં તેની એક એવી ભ્રષ્ટ વાર્તા આ ટ્વિન ટાવર્સ પાછળ છે, જે ભારતના લગભગ દરેક શહેરમાં નાના-મોટા અનેક ટાવર્સને પણ લાગુ પડે છે.

સુપરટેકના કિસ્સામાં સમજવા જેવું એ છે કે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારમાં બે ટાવર્સને તો સજા કરવામાં આવી છે, પરંતુ એક પણ માણસ જેલમાં ગયો નથી. વાસ્તવમાં, આ વાર્તા ભ્રષ્ટ ટાવર્સની નથી, ભારતની છે.

પંદર દિવસ પહેલાં જ, વડા પ્રધાન મોદીએ નજીકના લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે ભ્રષ્ટાચાર ભારતને ઉધઈની જેમ કોતરી રહ્યો છે. ટ્વિન ટાવર્સ એ જ ઉધઈનો રાફડો હતો. યોગાનુયોગ, જે દિવસે આખી દુનિયા તેમના ટી.વી. સ્ક્રીન પર ભારતની બે ઈમારતોને ધરાશાયી થતી જોઈ રહી હતી, એ જ દિવસે અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો એક દાયકો પૂરો થયો હતો. બરાબર એક દાયકા પહેલાં, 28મી ઓગસ્ટે, અન્નાના 13 દિવસની ભૂખ હડતાળ સમેટવા માટે, તત્કાલીન નાણા મંત્રી (અને પાછળથી રાષ્ટ્રપતિ બનેલા) પ્રણવ મુખરજીએ સંસદમાં કહ્યું હતું, “આ ગૃહ ત્રણ મુદ્દાઓ પર સહમત થાય છે. (1) સિટિઝન ચાર્ટર (2) નીચલા અધિકારીઓ પર લોકપાલ અને (3) રાજ્યોમાં લોકાયુક્તની નિમણૂક.

એક દાયકા પહેલાં, અન્ના હજારેએ દેશમાંથી સરકારી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે એક વિશાળ લડત શરૂ કરી હતી અને કાઁગ્રેસના નેતૃત્વ વાળી તત્કાલીન સરકારને ઘૂંટણીએ પાડી હતી એટલું જ નહીં,  “અબ કી બાર મોદી સરકાર” માટે રસ્તો પણ સાફ કર્યો હતો. આજે, અન્ના હઝારે કે લોક પાલનું નામોનિશાન નથી, ભ્રષ્ટાચાર એટલો જ તગડો છે અને વડા પ્રધાન એ ઉધઈને દૂર કરવાની હજુ પણ “હાકલ” જ કરે છે. અન્નાની લડતમાંથી જેનો ઉદય થયો હતો તે આમ આદમી પાર્ટી આજે દિલ્હીમાં  ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહી છે. તેના એક મંત્રી જેલમાં છે અને બીજા પર સી.બી.આઈ.ની તવાઈ ચાલે છે. એમાં અન્ના દસ વર્ષ પછી જાગ્યા અને અરવિંદ કેજરીવાલને પત્ર લખીને તેમને ભાંડ્યા છે કે તમે શરાબની જેમ, સત્તાના નશામાં ડૂબી ગયા છો. જવાબમાં કેજરીવાલે વળતો ઘા કર્યો છે એ સી.બી.આઈ.ને કશું ન મળ્યું એટલે એ લોકોએ (ભા.જ.પે.) તમને આગળ ધર્યા છે.

ભારતમાં ભ્રષ્ટાચારને વહીવટી અને આર્થિક સમસ્યા માનવામાં આવે છે, પરંતુ તેનું મૂળ દેશના સામાજિક, રાજકીય, આર્થિક અને વહીવટી માળખામાં છે. સરકારની અક્ષમતા અને દેશની વિશાળ વસ્તી ભ્રષ્ટાચારને ઉતેજન આપે છે. ઉચ્ચ જીવન જીવવા માટે ભ્રષ્ટ સાધનોનો ઉપયોગ થાય છે અને તેને છુપાવા માટે પારદર્શિતા ઓછી કરવામાં આવે છે. દેશમાં રાઈટ ટુ ઇન્ફોર્મેશન(આર.ટી.આઈ.)નો કાયદો લાગુ કરવાનો મકસદ જ પારદર્શિતા વધારવાનો અને છેક છેવાડાના માણસના હાથ મજબૂત કરવાનો હતો. આજે ખુદ સરકારે જ આર.ટી.આઈ.ને બુઠ્ઠુ બનાવી દીધું છે.

વાસ્તવમાં, ભ્રષ્ટાચાર સામેની લડાઈનું નેતૃત્વ રાજનીતિના હાથમાં છે તે જ એ લડાઈને નપુસંક બનાવી દે છે. જ્યારે ઘરના જ ભૂવા હોય અને ઘરનાં જ ડાકલાં હોય તો પછી ભૂત ક્યાંથી ભાગે. કેન્દ્ર સરકારે જ સુપ્રીમ કોર્ટને સુપરત કરેલા 2018 સુધીના આંકડા અનુસાર, આપરાધિક કેસોનો સામનો કરી રહેલા ભારતના કુલ સંસદ સભ્યો અને ધારાસભ્યોમાંથી માત્ર છ ટકા જ દોષિત સાબિત થયા છે તે બતાવે છે કે રાજકારણ અને પોલીસની સાંઠગાંઠ કેટલી મજબૂત છે અને શા માટે તે ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં નાકામ છે.

દેશમાં આવા 3,884 નેતાઓ છે, અને તેમાંથી 38 દોષિત સાબિત થયા હતા, જયારે 560ને છોડી મુકવામાં આવ્યાં હતાં. બીજું, જે નેતાઓ દોષિત સાબિત થાય છે તેમની સજા છ વર્ષ સુધી ચૂંટણી નહીં લડવાની હોય છે. એટલે તેઓ છ વર્ષ સુધી તેમના ડમી મારફતે સત્તા જાળવી રાખે છે અને સજા પૂરી થાય એટલે પૂરા જોશથી “જન સેવા” કરવા આવી જાય છે.

એમાં શું આશ્ચર્ય છે કે વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટના રુલ ઓફ લો ઇન્ડેકસ- 2021માં 139 દેશોમાંથી ભારત 79 નંબરે છે. આ ઇન્ડેકસ એ નિર્ધારિત કરે છે કે કયો દેશ કાનૂનના શાસનનું કેટલું પાલન કરે છે. ભારત ચીન પછીની બીજા નંબરની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે તે સાચું, પરંતુ ભારતમાં મોટા ભાગનો વિકાસ ભ્રષ્ટાચારની “ગંગા”માં તણાઈ જાય છે એ સૌનો અનુભવ છે.

2009ના ગ્લોબલ કરપ્શન બેરોમીટર અનુસાર, ભારતના લોકો રાજકીય પક્ષોને સૌથી વધુ ભ્રષ્ટ માને છે. ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલ દ્વારા રિલીઝ આ બેરોમીટર સર્વે પ્રમાણે, ભારતના લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમની દૃષ્ટિએ દેશમાં કેવાં લોકો સૌથી વધુ ભ્રષ્ટ છે, તો 58 ટકા લોકોએ રાજકારણીઓ તરફ આંગળી ચીંધી હતી.

વડા પ્રધાન મોદીએ, મફતની રેવડીથી દેશના અર્થતંત્રને નુકસાન થાય છે તેવો તાજેતરમાં મુદ્દો ઉઠાવ્યો, ત્યારે તેમના જ પક્ષના સંસદ સભ્ય વરુણ ગાંધીએ રાજકીય નીશ્રામાં ઉદ્યોગપતિઓના ભ્રષ્ટાચારનો મુદ્દો ધરીને કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં ભ્રષ્ટ ઉદ્યોગપતિઓની 10 કરોડની લોન માફ કરી દેવામાં આવી છે.

કાઁગ્રેસના સંસદ સભ્ય મલ્લિકાર્જુન ખરગેના એક પ્રશ્નના જવાબમાં, રાજ્ય કક્ષાના નાણા મંત્રી ભાગવત કરાડે રાજ્યસભામાં એકરાર કર્યો હતો કે નાણાંકીય વર્ષ 2017-18 અને વર્ષ 2021-22 વચ્ચે દેશની બેંકોએ “બેડ લોન” ગણીને રુ. 9,91,640 “ભૂંસી” નાખ્યા છે. અલબત, સત્તાધારી ભારતીય જનતા પાર્ટી એવો દાવો કરે છે કે વડા પ્રધાન મોદીના આવ્યા પછી દેશમાં તમામ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચારમાં જબરદસ્ત ઘટાડો થયો છે. વિડંબના એ છે કે 15મી ઓગસ્ટના રોજ, ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે લાલ કિલ્લા પરથી બોલતાં વડા પ્રધાને કહ્યું હતું કે, “ભ્રષ્ટાચાર ઉધઈની જેમ મારા દેશને કોતરી રહ્યો છે.”

આઠ વર્ષ પહેલાં, ભ્રષ્ટાચાર મુક્ત ભારતના નારા સાથે દેશમાં સત્તા સ્થાને આવેલા મોદીને તેમના ભાષણમાં ભ્રષ્ટાચારનું “દુઃખ” રડવું પડે છે તે જ એ વાતની સાબિતી છે કે ભ્રષ્ટાચારનો મુદ્દો મતો લેવા માટેની ચાલાકી સિવાય બીજું કંઈ નથી. એમાં મોદી અપવાદ નહીં, નિયમ છે. ભારત આઝાદ થયો ત્યારે પંડિત નહેરુની પહેલી સરકારમાં જ ભ્રષ્ટાચારના આરોપો થયા હતા. તે પછી તમામ સરકારોમાં તેમાં ઘટાડો થવાને બદલે ઉમેરો જ થતો ગયો છે. 

એનું મૂળ કારણ આપણી રાજનીતિમાં પારદર્શિતાનો અભાવ છે. રાજકારણીઓ અને રાજકીય પક્ષો ચૂંટણીઓમાં (અને તેમાં ગ્રામ પંચાયતથી લઈને લોકસભા સુધીની નાની-મોટી અનેક ચૂંટણી પ્રક્રિયાનો સમાવેશ થાય છે) જે રીતે બ્લેક મનીનો ઉપયોગ કરે છે તે સ્તબ્ધ થઇ જવાય તેવું છે. તમને એક પણ ચુંટાયેલો કે પરાજિત ઉમેદવાર નહીં મળે જે એવું કહેતો હોય કે શુદ્ધ રૂપે, માત્ર જનસેવાના આધારે ચૂંટણી જીતી શકાય છે. ત્યાં સુધી કે પાર્ટીની ટિકિટ મેળવવા માટે લાખો-કરોડો રૂપિયાની હેરફેર થાય છે. જ્યાં સત્તાની બોલી બોલાતી હોય, તે દેશ કેવી રીતે ભ્રષ્ટાચાર મુક્ત બની શકે?

હમણાં થોડા દિવસ પહેલાં, ટ્વીટર પર અનુરાગ કુકરેતી નામના દહેરાદૂનના એક યુઝરે ટુચકો પોસ્ટ કર્યો હતો :

16મી મે 2014ના રોજ, ભા.જ.પે. સંપૂર્ણ બહુમતીથી ચૂંટણી જીતી, ત્યારે મોદીનો એક ચાહક ખુશીનો માર્યો બેભાન થઇ ગયો અને કોમામાં જતો રહ્યો. 

8 વર્ષ પછી અચાનક તે કોમામાંથી બહાર આવ્યો. પૂરા ભાનમાં આવ્યા પછી એની સારવાર કરતા ડોકટરને તેણે નીચે મુજબ સવાલો કર્યા :

રોબર્ટ વાડ્રા કઈ જેલમાં છે?

રાહુલ અને સોનિયા જેલમાં છે કે ઇટાલી છૂ થઇ ગયાં?

લખનૌ જવા માટે બુલેટ ટ્રેનની ટિકિટ બૂક કરાવું કે પ્લેનમાં જાઉં?

ડોલરનો દર 35 રૂપિયાથી નીચે આવ્યો કે નહીં?

સ્વિઝ બેંકોમાંથી કેટલું કાળું નાણું આપણને મળ્યું?

પાકિસ્તાન તો ગભરાયેલું હશે, તો દાઉદ આપ્યો કે નહીં?

આ બધું સાંભળીને ડોક્ટર કોમામાં જતો રહ્યો અને મોદીના ચાહકને યરવડામાં પાગલખાને મોકલી દેવામાં આવ્યો.

લાસ્ટ લાઈન :

“સરકાર જેટલી વધુ તાકાતવર, એટલો વધુ ભ્રષ્ટાચાર.”

— ડેનિસ પ્રેગર, અમેરિકન રેડિયો હોસ્ટ

પ્રગટ : ‘ક્રોસલાઈન” કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 04 સપ્ટેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

7 September 2022 Vipool Kalyani
← ટૂંકમાં (૬) : વિદ્યાર્થીઓ પાસેથી શીખ્યો
ઈચ્છા →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved