એડિનબરા યુનિવર્સિટીએ, ‘ઇન્ડિયા ડે’ના ઉપલક્ષ્યમાં, પ્રવચન આપવા માટે સન્માનનીય ગોપાળકૃષ્ણ ગાંધીને 02 ઓક્ટોબર 2014ના દિવસે આમંત્રણ આપેલું. એ પ્રવચન તાજેતરમાં મારા સંભાળવામાં આવ્યું. તેમનો દરેક શબ્દ મન પર ઊંડી છાપ મૂકી ગયો, આથી તેનો સાર અહીં અનુવાદરૂપે પ્રસ્તુત કરું છું.
− આશા બૂચ
“હું જ્યારે બાલ્યાવસ્થામાં હતો – કે જે ઘણા લાંબા સમય પહેલાંની વાત છે – ત્યારે મારી એક માત્ર ઓળખ હતી એક પૌત્ર તરીકેની; ત્યારે હું ઘરમાં કાર્ડિનલ ન્યુમેનની ‘લીડ કાઇન્ડલી લાઈટ’ સ્તુતિ વારંવાર ગવાતી તે સાંભળતો, અને એ ગાતાં શીખી પણ ગયેલો. ખૂબ સુંદર અને સ્પર્શી જાય તેવું ગીત, પણ ઘણું ઉદાસી, ગમગીની અને અંધારી રાતોની ગંભીરતા ભર્યું હતું.
છ દાયકાઓ બાદ મારી એક માત્ર સબળ ઓળખ દાદા તરીકેની છે, ત્યારે મારી બે નાની પૌત્રીઓ તેમના આઈ પેડ પર એક ખાસ ગીત વારંવાર સંભાળે ત્યારે હું ખુશ થતો હોઉં છું. હું તેમની સાથે ગાવામાં જોડાઉં પણ છું. એ કઇં અદ્દભુત ગીત છે, તેમ ન કહી શકાય, પણ તે આનંદ જરૂર આપે છે. તે આ પ્રમાણે છે: ‘If You’re Happy And You Know It Clap Your Hands’. મારી નાની પૌત્રી તેને ટૂંકમાં માત્ર ‘Happy Know Clap-Clap’ કહીને ગાય છે. હું જાણું છું કે તેઓ ક્યારેક ‘લીડ કાઇન્ડલી લાઈટ’ શીખશે, પણ હું એ વાતે ખુશ છું કે આજે તેઓ ‘Happy Know Clap-Clap’ ગાય છે.
ભારતમાં આજે ઘણી મોટી જનસંખ્યા છે અને હજુ વધતી જાય છે. શરીરનું વધુ પડતું વજન ધરાવતા હોય, છતાં આંગળા પર વીંટી અને ગળામાં ચેઇન પહેરે, હાથ પર દોરા-ધાગા બાંધેલ હોય, નાક પર રેબાન ચશ્માં પહેરેલ હોય અને સુગંધી પરફ્યુમ છાંટેલાં હોય તેવા લોક, બસ ખુશ નજર આવે છે. દેશમાં નવો ધનિક વર્ગ વધતો જાય છે. તેઓ વ્યાપારથી દોરવાયેલા, ઉદ્યોગો અને ટેક્નોલોજી-ખાસ કરીને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીથી શક્તિમાન બનતા જાય છે. એ વર્ગ પોતાની શક્તિ અને સિદ્ધિ વિષે જાગૃત છે, ખુશ છે અને ચોવીસે કલાક તાળી પાડતા રહે છે. વર્તમાન ભારત ખરેખર જાણે છે કે મંગળની પ્રદક્ષિણા કરવાની હોડમાં તેઓ બીજાની સાથે જ અથવા કેટલાક દેશોથી આગળ પણ નીકળી ગયા છે, અને પોતે જાણે લાલ રંગ ધારણ કરી મૂક સૂચન કરતા આકાશના મોટા સીતારાઓમાં ચમકે છે. અને વધારામાં તેણે એ પણ બતાવી આપ્યું છે (અને સ્કોટલેન્ડ આ બાબતને બહાલી આપશે) કે ભારત બીજા દેશો કરતાં ત્રીજા ભાગનું કે એથી ય ઓછું ખર્ચ કરીને એ જ સ્થળે, એટલી જ કે એથી ય વધુ ઝડપે પહોંચી જશે! તેના મહાન વૈજ્ઞાનિકો મંગળની કાઇન્ડલી લાઇટથી દોરવાયા છે, અને ભારત શું ખુશ છે! કેવા ખુશીથી તાળી પાડે છે!
ઉપર ઉલ્લેખ કર્યો એ બે ગીતો વચ્ચે એક યુગ પસાર થઈ ગયો.
આજે ‘ઇન્ડિયા ડે’ નિમિત્તે હું તમારી સાથે એ બંને કાળખંડ વિશેના મારા વિચારો તમારી સમક્ષ વહેંચીશ. હું મારી જાતને જ પ્રશ્ન પૂછીને શરૂઆત કરીશ. સમાયતીત એવા ભારતને શું કોઈ એક ચોક્કસ દિવસ ફાળવી શકાય? શું હિન્દી મહાસાગરને દરિયા પરની રેતીના કણ જેટલો સૂક્ષ્મ બનાવી શકાય? અને હિમાલયને એક નાના પથ્થર જેવડો બનાવી શકાય? અમાપ વૈવિધ્ય ધરાવતી, દરેક સમૂહ પોતાની રીતે અનોખો હોય, અરે, દરેક વ્યક્તિ અલગ હોય તેવી 1.2 બિલિયન જેટલી પ્રજાને શું એક નાનકડી છબીમાં મઢી શકાય?
જો આ સવાલનો ઉત્તર ‘હા’માં હોય (ભલેને માત્ર સૈદ્ધાંતિક રૂપે), તો એ એક એવા ટાપુ પાસે હશે જેણે એમ માન્યું હતું કે તે એક આખા ઉપખંડને પોતાના તાબામાં રાખી શકશે. માત્ર બ્રિટનનો ટાપુ જ ભારતને એક દિવસમાં સમાવી શકે. અથવા ડૉ. વિલિયમ બ્લેકના શબ્દોમાં, અનંતને એક કલાકમાં ઝડપી શકે, અને તે પણ બખૂબીથી.
એડિનબરા યુનિવર્સિટીએ બીજી ઓક્ટોબરને India Day તરીકે જાહેર કરીને ધર્મને ખાતર શહીદ થનાર સેન્ટ એન્ડ્રુઝને શાંતિને ખાતર શહીદ થનાર ગાંધી સાથે સાંકળી દીધા. ઇન્ડિયન નેશનલ કૉન્ગ્રેસના સ્થાપક સ્કોટલેન્ડના આલન ઓક્ટેવિયન હ્યુમ અને કૉન્ગ્રેસના સહુથી વધુ પ્રસિદ્ધ નેતા સાથેની કડીની યાદ તાજી કરી આપી. તે ઉપરાંત પણ એક મહત્ત્વની વાત India Day ઉજવવાને કારણે બની છે. તેનાથી અમે ભારતીય લોકો ગાંધીને માત્ર ભારતની એક અસાધારણ વ્યક્તિ, ભારતની માલિકીની હસ્તી કે ભારતની જ વિરાસત તરીકે નહીં, બલકે દુનિયા જેને ડગમગી ગયેલ અંતરાત્માના અવાજના રણમાં મીઠાં જળની માછલી તરીકે જુએ છે તે રીતે જોતા થઈએ.
મીઠાં જળની માછલીઓને પણ તરસ લાગતી હોય છે. ગાંધીને દુનિયા જેને એક રસાયણશાસ્ત્રીના રૂપમાં ઓળખે છે, એવા એક સંતમાં બૌદ્ધિક અને નૈતિક શક્તિને પુનઃ સક્રિય કરે તેવું કઇંક મળ્યું. પ્રોફેસર પ્રફુલ્લચંદ્ર રોય – જેને અમે એક મહાન આચાર્ય તરીકે ઓળખીએ છીએ – કે જેઓ 1880ના ઉત્તરાર્ધમાં એડિનબરા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવેલા; તેઓ એક નવો માર્ગ કંડારનારા વૈજ્ઞાનિક હતા. પરંતુ ઇતિહાસની તવારીખમાં તેઓ એક ભિક્ષુક તરીકે પંકાયેલા છે. તેમનું સંયમી જીવન એટલું જ મહાન હતું, જેટલી તેમની અસાધારણ રસાયણોની શોધ અદ્દભુત હતી. તેમણે કહેલું, “વૈજ્ઞાનિક સંશોધન રાહ જોઈ શકે, ઉદ્યોગો રાહ જોઈ શકે, આઝાદી રાહ ન જોઈ શકે.” પરંતુ તેમનો આઝાદી વિશેનો ખ્યાલ એક ધ્વજ ઉતારીને બીજો ચડાવવા કરતાં વધુ અગ્રગામી હતો. તેમના મતે આઝાદીનો અર્થ શબ્દશહ: પરાધીનતાનો અભાવ અને સ્વ નિર્ભરતા હતો.
તેઓ (પ્રોફેસર પ્રફુલ્લચંદ્ર રોય) મારા આજના ‘ઇન્ડિયા ડે' પ્રવચનના શીર્ષક India yesterday, India today માટે જરૂર સહમત થયા હોત. હું ‘ઇન્ડિયા યેસ્ટરડે’ એટલે શું તે સ્પષ્ટ કરવા ચાહું છું. ભારતના ભૂતકાળનો ઉલ્લેખ કરું ત્યારે મારા મનમાં ઓગણીસમી અને વીસમી સદીનો વિચાર ઉદ્ભવે છે, જ્યારે ભારતને પોતાની પહેચાન એક જુદા જુદા ભૂ ભાગને થીગડાં મારીને સીવીને બનાવેલ દેશ તરીને નહીં, પણ પોતાની ઓળખ અખંડ ભારતવર્ષ તરીકે થઈ; એક નક્કર આકાર ધરાવનાર ભૂ ખંડ તરીકે કે એક વૈચારિક વાસ્તવિકતા તરીકે.
ભારતને પોતાના અસ્તિત્વ વિષેની જાગૃતિ તાજી જન્મેલી વાસ્તવિક સમજણમાંથી આવી. ભારતમાં કઇંક અનિર્વચનીય, કઇંક અમૂર્ત એવું તત્ત્વ છે જે તેના સંયોગોથી મોટું છે, તેને બાંધવામાં આવેલ સાંકળોથી વધુ મજબૂત છે, વિદેશી અને દેશી સત્તાઓ દ્વારા તેના પર આચરવામાં આવેલી ક્રૂરતા કરતાં ય કઠોર છે, જે તેને આટલાં વર્ષોથી નીચે દબાવી રાખતી હતી એનો તેને અહેસાસ થયો. એક સમગ્ર રાજકીય હસ્તી તરીકે, ભૌગોલિક-રાજકીય ઘટક તરીકે અને વૈચારિક સ્તર પરની વિભિન્નતાને કારણે ભારતને સહેવી પડેલી અન્યાયની લાગણીમાંથી એવો ઊતરતાપણાનો ભાવ જન્મ્યો હતો. બ્રિટિશ સલ્તનત એક એવી સાંસ્થાનિક સત્તા હતી જે પોતાના દેશના કદ કરતાં વધુ જોરાવર હતી, પરંતુ બીજી અનેક દ્રષ્ટિએ પોતાના કદ કરતાં નાની હતી. અને ભારતને પોતાની મહત્તા વિશેની અનુભૂતિ પણ એમાંથી જ જન્મી કે જો ભારતવર્ષ પોતાને અક્ષમ કે નિર્બળ માને છે તો તેનું કારણ એ અનેક રીતે પોતે જાણે નગણ્ય હોય તે રીતે વર્તે છે, તેમાં છુપાયેલું છે. પોતે આચરેલ અનુચિત કૃત્યો વિષે જાગૃત થવાથી પણ પોતાની મહાનતાનો ખ્યાલ ઉજાગર થયો.
એ સમય હતો જ્યારે પોતાની અસ્મિતાની પહેચાન થવાથી ભારતમાં શક્તિની ભરતી ચડી, તેણે નાના સૂના સમયને મહાન ક્ષણોમાં ફેરવી નાખ્યો, સાધારણ વ્યસાયને સાહસમાં બદલી નાખ્યું કે જેથી એવા વ્યવસાયો જીવનશક્તિથી સંપન્ન થઈ ગયા. એ સમય હતો સમાજને પુનઃજીવિત કરવાનો, સુધારણા લાવવાનો, પોતાની ભૂલો સુધારવાનો અને તેનો આનંદ માણવાનો. એ ગઈકાલના ભારતે અતિ મહત્ત્વના સામાજિક સુધારકો રાજા રામમોહન રૉય અને ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરને જોયા. તેઓ જેવા બહાદુર હતા તેવા જ અગાધ શાણપણ ધરાવનાર હતા. તેથી જ સંકુચિત રૂઢિગત વિચારો ધરાવનારાઓ અને પરંપરાવાદીઓ સામે શીંગડા ભરાવી શક્યા. તે સમય ઇતિહાસનાં પાનાંને બદલી નાખનાર મહારાષ્ટ્રના જ્યોતિરાવ ફૂલે અને પંડિત રમાબાઈનો પણ સાક્ષી બન્યો કે જેમણે ભારતીય સમાજની શોષણખોર અને બિનપાયાદાર રીત-રસમો સામે અરીસો ધર્યો – ખાસ કરીને મહિલાઓની થતી અવગણના અને તેમના પ્રત્યે આચરાતાં ઘૃણિત કર્મો.
ગઈકાલનું ભારત અથવા ભારતના ભૂતકાળમાં એક માત્ર એવા સંત; સ્વામી વિવેકાનંદ થઈ ગયા કે જેમણે 1893ની શિકાગો ખાતે મળેલ વિશ્વ ધર્મ પરિષમાં ભારતીય અધ્યાત્મ વિશેનું વિવરણ રજૂ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધેલા. તેમણે કહેલું, “હું એવા ધર્મનો અનુયાયી હોવાનું ગૌરવ અનુભવું છે જેણે દુનિયાને સહિષ્ણુતા અને અન્ય ધર્મના લોકોનો સ્વીકાર કરતાં શીખવ્યું.” ત્યાર બાદ તેઓ જે બોલ્યા તેનું આજે ભારતના લોકોએ સેંકડો વખત પુનઃ સ્મરણ કરવું જોઈએ. ધીર ગંભીર અવાજમાં તેઓએ કહ્યું, “સાંપ્રદાયિકતા, ધર્માન્ધતા અને તેની ઉપજ જેવા ઝનૂન આજની આ સુંદર દુનિયા પર ઘણાં વર્ષોથી હાવી થઈ ગયાં છે. તેણે આ દુનિયાને હિંસાથી ભરી દીધી, માનવ રક્તથી નદીઓને તરબોળ કરી દીધી, સભ્યતાઓનો વિનાશ કર્યો અને સમગ્ર રાષ્ટ્રને ભયાનક નિરાશાની ગર્તામાં ધકેલી દીધો.” તેઓ આજે ભારત અને દુનિયા આખી સાથે આ જ વાત કરી શકે તેમ છે. વિવેકાનંદનું ધર્મશાસ્ત્રો વિશેનું પાંડિત્ય અને ધર્મ પરની તેમની ઊંડી અટલ શ્રદ્ધાએ તેમને અંધ નહોતા બનાવી દીધા કે જેથી ભારત પોતાનાથી નબળા લોકો પર જોર જુલ્મ આચરી શકે તેવા સંકુચિત માનસ ધરાવતા લોકોનો બનેલ મહાન દેશ છે તે હકીકત સમજી ન શકે. એક અત્યંત યાદગાર ક્ષણે તેમણે ભારતના યુવાનોને કહેલું, “તમે ફૂટબોલ રમશો તો ગીતાને વાંચીને મેળવી શકો તેનાથી વધુ સ્વર્ગની નિકટ પહોંચી શકો તેવું જ્ઞાન મેળવશો.”
ગઈકાલના ભારતે રવીન્દ્રનાથ ટાગોરને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક 1913માં મેળવતા જોયા, તો સી.વી. રામને 1931માં ભૌતિકશાત્રમાં નોબેલ પારિતોષિક મેળવ્યું તેનું સાક્ષી છે. ત્રીજું નોબેલ પારિતોષિક – શાંતિ માટેનું ગાંધીને ન આપવામાં આવ્યું. તેઓ એક માત્ર એવા નોબેલ હતા કે જેમને તે એનાયત થયું હોત, તેના કરતાં તેમને એ સન્માનથી અદ્દભુત રીતે બાકાત રાખવામાં આવ્યા તેનાથી વધુ ખ્યાતિ મેળવી ગયા.
અને સાચું કહું તો ઇન્ડિયા ડે એ માત્ર ભારતનો જ ખાસ દિવસ ન હોઈ શકે, કે ભારત માટે જ અલાયદો દિવસ નથી. આપણે એ પૂર્ણપણે ધબકતા શબ્દને યાદ કરવો જોઈએ કે જે હાલમાં આપણા ભૂતકાળમાં પડછાયા માફક સરી ગયો હોય તેમ ભાગ્યે જ વપરાતો સાંભળવા મળે છે, અને તે છે પુનરુજ્જીવન. આથી જ તો જ્યારે આપણે ઇન્ડિયા ડે ઉજવીએ ત્યારે જેનો નૈતિક સાહસોના જૈવિક કાયદાઓ થકી ઉદ્દભવ થાય, શૈક્ષણિક ક્ષેત્રના ઝડપી વિકાસ દ્વારા વિકાસ પામે, સાંસ્કૃતિક ફળદ્રુપતાના પરિણામસ્વરૂપ અને માનવજાતના ખુદના નવીનીકરણથી જેનો નવ પ્રાણસંચાર થાય તે તમામની ઉજવણી કરીએ. જ્યારે રાજકારણ પર જીવતાં જીવો સીધી ડૂબકી મારે ત્યારે નીતિમત્તા અને કદર કરવાની શક્તિ રૂપી પાણીની સપાટી ઊંચી જાય. એ બંને વચ્ચેનો કાર્ય-કારણ સંબંધ સ્થાપવો મુશ્કેલ છે, તો બીજી બાજુ તેની નોંધ ન લેવી પણ અશક્ય છે.
હું ભારતના ભૂતકાળનો – કે જેમાં અનેક ઉણપો છે તેનો મેં ઉલ્લેખ કર્યો છે તે તમામ મહાનુભાવો જાણતા હતા – તેનો અંધ ભક્ત નથી, કે નથી હું આજે ભારતને મળતી નામનાથી અંજાઈ જનાર.
અહીં હાજર રહેનારાઓ એક પ્રસંગ વિષે જરૂર જાણતા હશે કેમ કે તેનું વારંવાર સ્મરણ થાય છે, હકીકતે એટલી વાર તેનો ઉલ્લેખ થાય છે કે તેનું મૂલ્ય નથી જળવાતું. પરંતુ અહીં એડિનબરામાં ઇન્ડિયા ડેને દિવસે તેનો પુનઃ ઉચ્ચાર કરવો આવશ્યક છે. હું 1893ના એ દિવસનો સંદર્ભ આપવા માગું છું જયારે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને ડર્બનથી પ્રિટોરિયા જતા મોહનદાસ ગાંધીને તેઓ અશ્વેત હતા એ મુદ્દે બહાર ફેંકી દેવામાં આવ્યા હતા.
જ્યારે ગાંધીને ટ્રેનમાંથી પ્લેટફોર્મ પર ફેંકી દેવામાં આવ્યા, ત્યારે દક્ષિણ આફ્રિકા ગયેલ એક હિન્દી પડ્યો, પરંતુ જ્યારે ગાંધી ઊભા થયા ત્યારે દક્ષિણ આફ્રિકી ભારતીય ઊભો થયો. દરેક પ્રકારનો ભારતીય – ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય, હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, પારસી, શીખ, બ્રાહ્મણ અને કહેવાતા અસ્પૃશ્યો એમ તમામ ભારતીયો એ એક વ્યક્તિમાં સમાઈ ગયા.
જ્યારે ગાંધી પ્લેટફોર્મ પર ફેંકાયા, ત્યારે તેમના પ્રત્યે આવું વર્તન કરવામાં આવ્યું એ તેમને માનવામાં નહીં આવ્યું હોય તે વિષે શંકા નથી. એક માનવ હોવાને નાતે એ લાગણી તરત પ્રચંડ રોષમાં ફેરવાઈ ગઈ હશે. પરંતુ આઘાત આપનારી ક્ષણો કીમિયાગર પણ હોય છે. કઇંક એવું તત્ત્વ હતું, જેણે તેમના અગ્નિને પ્રકાશમાં ફેરવી નાખ્યો. મને એ ઘટના પર ફરીને ચિંતન કરવાનો મોકો 1996માં એક કાર્યક્રમ દરમ્યાન મળેલો, જ્યારે પ્રેસિડન્ટ નેલ્સન મંડેલાએ ગાંધીને મરણોત્તર પીટરમેરિત્ઝબર્ગની ચાવી આપેલી. મેં તે વખતે જે કહેલું તે કહેવાની મને અનુમતિ આપશો: ગાંધી એક રેલવે ટિકિટ સાથે જમીન પર પડ્યા, જેનો ફર્સ્ટકલાસમાં મુસાફરી કરવાના અધિકારનો અસ્વીકાર થયેલો, તેઓ એક એવા ઘોષણાપત્ર સાથે ઊભા થયા જે સન્માનનું પ્રતીક બની રહ્યું; તેઓ એક મુસાફર તરીકે પડ્યા, પરંતુ એક શક્તિ ઉત્પાદન કરતા યંત્ર તરીકે ઊભા થયા, એક વકીલ પડ્યો પણ એક રાજદ્વારી પુરુષ ઊભો થયો, તેમની કાયદાકીય નોંધ એક રાજકીય મુસદ્દો બની ગઈ, તેમનો માનવ તરીકેનો શિષ્ટાચાર પોતે જ માનવ અધિકાર અને ન્યાય માટેની લાગણીમાં પરિવર્તિત થઈ ગયો. તેમનામાંની વ્યક્તિ તે જ ક્ષણે મૃત્યુ પામી અને એક જાહેર હસ્તી જન્મી; ‘મારુ’ ‘તારી માલિકીનું’ બન્યું. ખરેખર તો મોહનદાસ ગાંધી કોઈ ઊભી રહેલી ટ્રેઇનમાંથી નીચે ફેંકવામાં નહોતા આવ્યા, તેઓ તો એક ચાલતા નિયતિના વાહનમાંથી પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. ગાંધીને નેલ્સન મંડેલાએ પોતાના દેશના માનનીય નાગરિક બનાવવા આપેલ સન્માનની તોલે બીજા કોઈએ આપ્યું હોય કે આપી શકાય તેવું એક પણ સન્માન ન આવે.
ઈ.સ. 1893માં પીટરમેરીટઝબર્ગ – દક્ષિણ આફ્રિકામાં જે ઘટના બની તે એક વ્યક્તિગત બનાવ હતો. મેં આ પ્રવચનમાં જેનો ‘ભારતનો ભૂતકાળ’ તરીકે ઉલ્લેખ કર્યો છે, તેના પર આ ઘટનાની ઘણી ઘેરી અસર પડી. લગભગ 25 વર્ષ બાદ ઉપર ઉલ્લેખ કર્યો છે, તેના જેવી જ માત્ર એક વ્યક્તિના નહીં, પરંતુ અસંખ્ય લોકોના જીવનને પલટાવી નાખનાર ઘટના ભારતમાં બની. જ્યારે 13 એપ્રિલ 1919ને દિવસે બ્રિટિશ સામ્રાજ્યને વફાદાર રહીને જનરલ ડાયરે અમૃતસર – પંજાબના જલિયાંવાલા બાગમાં અંધાધૂંધ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો, ત્યારે દસ મિનિટના ગાળામાં આશરે 379 નિર્દોષ પ્રજાજનોએ જાન ગુમાવ્યા અને તેનાથી વધુ ઘવાયા. તેઓ ભોંય ભેગા થયા, પરંતુ તે જ ક્ષણે સળગતી મશાલ રૂપે ઊભા થયા. એ લોકો જ ભારત બની ગયા અને ભારત તેમના અસ્તિત્વમાં સમાઈ ગયું. ટાગોરે પોતાનો સરનો ઇલકાબ પાછો આપ્યો, ગાંધીએ પોતાની સર્વ પ્રથમ રાષ્ટ્રીય ઝુંબેશની ઘોષણા કરી. જલિયાન વાલા બાગની ઘટના બાદ પરિસ્થિતિ યથાવત રહેવા ન પામી, ન ભારતીય રાજકારણ, ન ભારતીય સમાજ અને ખાસ કરીને ન ભારતના યુવાનોની કલ્પના જેવી હતી તેવી રહેવા પામી. એ ક્ષણ, એ વીજળિક ઘડી જેને હું ‘ગઈકાલનું ભારત’ તરીકે ઓળખવાનું પસંદ કરું છું, તે ભારતની સ્વતંત્રતા માટેની લડાઈના સ્વાંગમાં પૂરેપૂરી સક્રિય રહી.
એ ટૂંકા ગાળાની ચળવળ લાંબા ગાળાની બની. ત્યારે એક માત્ર એક જ સમય ગાળો હતો, લાંબો સમય ગાળો. હજારોની સંખ્યામાં યુવાનોએ સ્કૂલ-કોલેજ છોડી દીધી, ઘણા લોકો પોતાની સરકારી નોકરી ત્યજીને આઝાદીની ચળવળમાં જોડાઈ ગયા, નાફરમાની બદલ ધરપકડ વહોરી લેવા લાગ્યા, સરકારી અન્યાયી કાયદાઓનો વિરોધ કર્યો. સરકારી ધારાઓ સામે અસહકાર કરવાથી અને પોતાના મંતવ્યોનો જાહેરમાં દેખાવ કરવાથી તેમને જેલ ભેગા થવું પડતું. આવાં પગલાં હર્ષથી વધાવી લેવામાં આવતાં. અહીં એ કહેવું જરૂરી છે કે બ્રિટિશ વહીવટદારોએ અન્ય સંસ્થાનોએ કરેલ તેવા અત્યાચાર કેદીઓ પર નહોતા આચર્યા. પરંતુ સ્વતંત્રતા પર કાપ મુકવાના મુદ્દે તેઓ ઘણા નિર્દય હતા અને તેવું વર્તન કેદીઓ દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ વિના સહેવામાં આવતું. આદર્શ એ આદર્શ છે, દેશભક્તિને પોતાનું એક જૂદું જ પ્રયોજન અને વળતર હોય છે.
સ્વાતંત્ર્ય સેનાનીઓને ખબર નહોતી કે આઝાદી તેમના જીવનકાળ દરમ્યાન મળશે કે કેમ. જેલમાં કેદ કરશે તો ક્યારે મુક્ત થશે તેની ય ખાતરી નહોતી. કેટલીક જેલો ખૂબ ખરાબ અવસ્થામાં હતી, આંદામાનની જેલ કુવિખ્યાત જેલોની યાદીમાં ઊંચે સ્થાને બિરાજે છે. ગાંધીએ કહેલું, કેદીઓ જેલની વ્યવસ્થા સુધારવા માંગણી જરૂર કરી શકે, જેનાથી બધાને ફાયદો થાય, પણ અંગત સુવિધા માટે ફરિયાદ ન કરવી કે અંગત અને સામાન્ય કારણોસર વહેલી મુક્તિની માંગણી ન કરવી. આની પાછળનો સંદેશો સ્પષ્ટ હતો : આપણે એક મહાન ધ્યેય માટે લડનારી સામાન્ય પ્રજા છીએ, આપણે તેને યોગ્ય બનીએ તેવું કરીએ. લડાઈ એક મહાન ઉદ્દેશથી લડવાની હતી, નજર સામે મોટું ચિત્ર હતું. ભારતની સ્વતંત્રતા માટે સંપૂર્ણ સમર્પણથી ઓછું કઇં ન ખપે. અને એ લક્ષ્ય આઝાદીની લડાઈને પાર કરી ગયું, એ ભારતની પણ પેલી પર નીકળી ગયું.
સ્વતંત્રતા મળવાના છ મહિના પહેલાં પ્રાંતીય સરકારના વડા તરીકે નહેરુએ દિલ્હીમાં એશિયન રિલેશન્સ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ગાંધીજીને વક્તવ્ય આપવા આંમંત્રણ આપેલું. ઘણા એશિયન દેશોના વડાઓ અને ભાવિમાં થનારા વડાઓ ત્યાં એકત્રિત થયા હતા. એ પ્રતિનિધિઓને સંબોધતાં નહેરુએ કહ્યું, “એશિયાને હવે પોતાની ઓળખ પાછી મળવા લાગી છે. યુરોપિયન દેશોના આધિપત્યનું એક નોંધનીય પરિણામ એ આવ્યું કે યુરોપના તાબા નીચેના દેશો એક બીજાથી અલગ થઈ ગયા. આજે એ અલગતા રાજકીય અને અન્ય પરિબળોને કારણે તૂટી રહી છે. આ પરિષદ એશિયાઈ દેશોની વિચારધારા અને સાચો મિજાજ વ્યક્ત કરવા માટેના વાહન તરીકે યોજવામાં આવી છે. આ પરિષદમાં કે તેના કાર્યના પરિવહનમાં કોઈ નેતા નથી, કોઈ અનુગામીઓ નથી. એશિયાના દરેક દેશે સાથે મળીને સહિયારાં કાર્યો માટે એકત્રિત થવાનું છે.” આ એક બીજું દૂરગામી લક્ષ્ય હતું, એક બીજી દૂરંદેશીનું પ્રમાણ હતું.
ભારતની નજર ભાવિ પર હતી, નહીં કે બીજાને દોરવા માટે, પણ બધાને એકસૂત્રે જોડવા માટે, નાહકનો ડોળ કરવા માટે નહીં, પણ ગુમાવેલી તકોની ભરપાઈ કરવા અને ચૂકી ગયેલ માર્ગો પરથી પાછા વળીને સાથે મળીને હળવે હળવે અને માનવતાને સંગોપીને થતી પ્રગતિ તરફ મંડાણ કરવા બીજાને ટેકો આપવા અને પોતે પણ બીજાનો સહારો લેવા માટે જોડાણ કરવાની નેમ હતી. બિન જોડાણની નીતિ, આફ્રિકા-એશિયાની એકતા અને એક ન્યાયી અર્થ વ્યવસ્થાની વાતો હવામાં ગુંજતી હતી. હરીફ વૃત્તિ અને તકવાદી જોડાણો ઘણી દૂરની બાબત હતી, કોઈ એક અથવા બીજા જૂથ સાથે જોડાવાનો તો સવાલ જ નહોતો. નહેરુનો ઝોક સમાજવાદી સમાજરચના તરફનો હતો અને સમાજવાદી દેશો સાથે મળીને કામ કરવાની ઈચ્છા હતી એ સ્પષ્ટ છે. પરંતુ તેમના દિમાગમાં એક અલગ પ્રકારના સમાજવાદી સમાજનો ખ્યાલ હતો, ભારતના ભૂતકાળના વર્ચસ્વથી મુક્ત હોય તેવા આદર્શોની અભિવ્યક્તિ હતી. જો કે આ દ્રષ્ટિકોણમાં પણ એક જોખમ હતું કેમ કે વર્ચસ્વ એ આખર વર્ચસ્વ જ છે, પછી ભલે એ ગમે તે રંગ રૂપનું હોય.
એ ‘ગઈકાલના ભારત’માં મહત્તા હતી. એટલે એનો અર્થ એવો નથી કે કોઈ પ્રકારની ત્રુટિ નહોતી. ચોક્કસ હતી. ઈર્ષ્યા – ભારતીયોની એક વિશિષ્ટ ખાસિયત – એ તેની સિદ્ધિઓ પર હંમેશ પડછાયો બની રહે છે. અને ઈર્ષ્યાની મોટી બહેન, અહંકાર એ કોઈ પણ કાર્ય હાથ પર ધરો તેની જોડાજોડ હાજર રહેતી હોય છે.
એ નવજાગૃતિનો યુગ હતો. અને એ નવજાગૃતિના યુગને જાણ હતી કે એ ભારતમાં ઘણી બાબતો એવી હતી જે સાચી-સારી નહોતી, હકીકતે ઘણું ખોટું હતી, એ મહાન યુગ માટે સદંતર અયોગ્ય અને તિરસ્કારને પાત્ર હોય તેવી ઘણી ત્રુટિઓ હતી. તેમાંના મુખ્ય ગણાય તેવા મુદ્દાઓ, જે વિષે વિવેકાનંદ અને જ્યોતિરાવ ફૂલેએ ભારતની જનતાને ચેતવ્યા હતા – તે હતા કોમી તનાવ; ખાસ કરીને હિન્દુ-મુસ્લિમ વચ્ચેનો કલહ અને કહેવાતી ઉચ્ચ અને નિમ્ન જ્ઞાતિઓ વચ્ચેનો ભેદ. ગાંધીની આગેવાની નીચે કૉન્ગ્રેસ પાર્ટીએ આ વિષમતા અને તેનાથી નિપજતા ભેદભાવને દૂર કરવા પ્રયાસ કર્યો. એ જ સમયે એક વ્યક્તિ, ગાંધી અને નહેરુના અસહકારની પરંપરાથી અલગ, આપણા દેશ સમક્ષ ખડી થઈ; તે ડૉ. બી.આર. આંબેડકર. તેઓ ભારતના સહુથી વધુ કચડાયેલા વર્ગમાંથી આવેલા. તેઓ પોતે મેળવેલી કાયદાકીય તાલીમ અને ધારદાર વિચારશક્તિને બળે ભારતના બંધારણને આકાર આપવા શક્તિમાન બન્યા. એ એક એવો દસ્તાવેજ હતો જે કોઈ ઓજાર જેટલો ધારદાર હતો, બોદા અવાજ વાળો નહોતો.
પરંતુ રાષ્ટ્ર (ભારત) ઘણાં વર્ષો સુધી રસ્મો-રિવાજ અને પૂર્વગ્રહોની નાગચૂડમાં ભીંજાયેલું હતું. વધુ સારી પ્રેરક વૃત્તિઓ અને નવ જાગૃતિથી સભર એવા ભારતને ઉજાગર કરવા માટે સાંપ્રદાયિક સંઘર્ષ માત્ર થોડા સમય માટે છુપાઈ ગયો હતો. કોમી દાવાનળ બુઝાયો નહોતો. જેમ મોટા ચિત્રને નાનાં નાનાં ચિત્રો દ્વારા ઢાંકી દેવામાં આવે છે, તેમ સ્વતંત્ર ભારતનું ચિત્રપટ અનાવૃત કરવામાં આવ્યું ત્યારે એ વિભાજીત થઇ ગયું હતું.
જગ્યા સાંકડી થઇ ગઈ, સમય ક્ષત વિક્ષત થઇ ગયો.
અને એક ક્ષણમાં વર્તમાન ભૂતકાળ બની ગયો.
નેતાઓ પૂતળાં બની ગયા.
પ્રકાશિત ક્ષિતિજ ઝાંખી અને કંટાળાજનક પશ્ચાદભૂ બની ગઈ.
ભવિષ્ય બની ગયું ‘ભૂત’, આદર્શો સ્મૃતિમાં સંકોચાઈ ગયા, સ્વપ્નાં પુસ્તકના પાનામાં સમાઈ ગયાં અને પ્રવચનો મારી પાસે છે તેવી નોંધ બની ગયાં.
લાંબા ગાળાના આયોજન ચીમળાઈને ટૂંકા ગાળાના બની ગયા, દૂરના દ્રશ્યો તત્કાળમાં પરિવર્તિત થઇ ગયા.
ગાંધીએ કહેલું, તેઓ ભારતમાં જન્મ્યા, પરંતુ તેમનું વ્યક્તિત્વ ઘડાયું દક્ષિણ આફ્રિકામાં. નેલ્સન મંડેલા જેવા નૈતિક ઊંચાઈએ પહોંચેલ વ્યક્તિ જ કહી શકે તેવી ભારતને ઉદ્દેશીને તેમણે કહેલી ઉક્તિ ઘણી પ્રખ્યાત છે, “તમે એક વકીલ મોકલ્યો, અમે તેને એક મહાત્મા બનાવીને પરત કર્યો.” બાદમાં, તેમના પ્રખ્યાત થયેલ એવા આંખના ચમકારા સાથે ઉમેર્યું, “પરંતુ તમે તેમને સાચવી ન શક્યા.” એ એક નેક દિલના આદમીના હૃદયમાંથી સ્ફુરેલા સાચા શબ્દો હતા. ‘ગાંધીને જાળવવા’ના ઉદ્દેશ્યથી ભારત સ્વતંત્ર નહોતું થયું; જેઓને કોઈની સંભાળની જરૂર હતી તેમની ભારત કાળજી કરી રહ્યું હતું (ભારતીય પ્રજાજનોની). શું ભારતે એ કાર્ય પૂર્ણ કર્યું છે? ઘણી વિલક્ષણ બાબતોમાં હા, તેણે એ કામ સિદ્ધ કર્યું છે. આજના ભારતમાં સહુથી વધુ ઉલ્લેખનીય બાબત તેને વૈજ્ઞાનિક સંશોધન અને પ્રગતિના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મળી તે છે. ભારતે અવકાશ યાત્રા અને મંગળ ગ્રહ પર મોકલવા બનાવેલ યાન એ અતિ આધુનિક ટેક્નોલોજી અને વિજ્ઞાનમાં મેળવેલ સિદ્ધિઓનું અદ્ભુત પ્રતીક છે. આ અવકાશ સંબંધિત વિજ્ઞાનની સિદ્ધિ છે. બીજી કદાચ ઓછી ચિત્તાકર્ષક છતાં તેનાથી જરા ય ઓછી મહત્ત્વની નહીં તેવી વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલ સિદ્ધિ, તે નક્કર જમીન પર કરેલ પ્રયોગોની છે. એ નવજાત શિશુઓને રોગ મુક્ત કરવાની બાબતને આવરી લે છે. આપણા દેશમાં જન્મ દર ઘટ્યો છે, અને વધુ મહત્ત્વની વાત તો એ છે કે મૃત્યુનો આંક પણ નીચો ગયો છે. બ્રિટિશરોએ ભારત છોડ્યું ત્યારે હતો તેના કરતાં આયુષ્ય મર્યાદાનો આંક બમણો થયો છે. લંકાના લેખક ટારઝી વીટાચીના શબ્દોમાં કહીએ તો, “ભારત હવે એવો દેશ નથી, જ્યાં સસલાની માફક અસંખ્ય બાળકો પેદા થાય, પણ એવો દેશ છે જ્યાં લોકો માખીની માફક ટપોટપ મરતા નથી.” ગામોમાં અને શહેરોમાં હોસ્પિટલ્સ અને અતિ આધુનિક મેડિકલ સાધનો પ્રાપ્ત થવાને કારણે ભારતની સ્વાસ્થ્ય સેવાઓ ઓળખી ન શકાય તેટલી હદે સુધરી છે, જો કે હજુ તે સાધનોની જાળવણી નબળી કક્ષાની છે અને જડ થયેલ કામચોરીનો દૈત્ય હજુ કનડે છે. દરેક ભારતીયના ઘરમાં અને કામના સ્થળે એક કે બે વ્યક્તિઓ જવાબદારીના મૂર્ત સ્વરૂપ જેવા અદમ્ય ઉત્સાહ અને એકનિષ્ઠાથી કામ કરતા જોવા મળશે, પણ બાકીના બધા એદી, નિષ્ક્રિય અને પરાવલંબી જોવા મળશે.
ભારત દરેક રીતે પરસ્પર વિરોધી બાબતોથી ભરેલો દેશ છે. આપણી પાસે અત્યંત ઉમદા કાર્ય કરનારા લોકો છે જેઓ આદર્શ જીવન જીવીને અન્યને પ્રેરણા આપી દોરે છે, અને બીજી બાજુ સીસા જેવી ભારે મોટી સંખ્યામાં કામચોરી કરનારાઓનું બાહુલ્ય છે. આપણી પાસે નવા ચીલા પાડનાર હજાર વર્ષમાં એક પાકે તેવી વિભૂતિઓ પણ છે અને હજારોની સંખ્યામાં મળી આવે તેવી નિષ્ક્રિય પ્રજા પણ છે.
નવી નવી શોધખોળ કરનારાઓના આપણે આભારી છીએ કે જેથી ભારતીય લોકો લાંબુ આયુષ્ય ભોગવે છે જે પહેલાં કદી સંભવ નહોતું. અને સમાજમાં ઉર્ધ્વગમન કરતી મધ્યમ વર્ગીય પ્રજા પહેલાંના કરતાં ઘણી સારી રીતે જીવન જીવે છે. આજે ભારતમાં ભાગ્યે જ એવું કોઈ હશે જેના પગમાં પગરખાં ન હોય, મૉટે ભાગે કોઈ ડિઝાઈનર પગરખાં પણ પહેર્યાં હોઈ શકે; પછી ભલે ને એ ડિઝાઇન તદ્દન નકલી હોય! ઉત્તમ નકલ એ ઉત્તમ છે, ભલેને એ નકલ હોય. મૂળ વસ્તુમાં ફેરફાર કરવો તે પણ એક ડિઝાઇન જ છે. જો કોઈના કાંડા પર ઘડિયાળ ન હોય તો તેનું કારણ એ હોઈ શકે કે તેઓ હવે સમય મોબાઈલ ફોન પર જુએ છે, કે જે હવે લગભગ દરેક ભારતીયના હાથમાં હોય છે. નાના બાળકો સહિત મોટા ભાગના લોકો પાસે મોબાઈલ ફોન, સ્માર્ટ ફોન અને કેટલાક પાસે એક કરતાં વધુ સંસાધનો હોય છે.
પરંતુ જેમ જેમ આધુનિક ટેક્નોલોજીનો વિકાસ થાય છે અને સામાન્ય જનતાના જીવનમાં તેનો પગપેસારો વધતો જાય છે તેમ તેમ જૂની અંધશ્રદ્ધા યુક્ત માન્યતાઓ ભારતીય પ્રજાના મગજમાં પકડ જમાવતી જાય છે. જો કરોડો સ્ત્રી-પુરુષો ઘડિયાળ પહેરે છે અને મોબાઈલ ફોન ધરાવે છે તો સામે પક્ષે એ જ લોકો પોતાના વડવાઓ પહેરતા તેના કરતા વધુ દોરા-ધાગા પહેરે છે, માદળિયાં ડોકમાં લટકાવે છે, જૂની મૂર્તિઓ સામે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરે છે, અને ભૂત-પ્રેતમાં માનવા લાગ્યા છે. તમારામાંના ઘણા વાસ્તુવિધિ વિષે જાણતા હશે, એ મકાન બાંધવા અંગેનું એક શાસ્ત્ર છે. વાસ્તુ એક અલૌકિક શક્તિ મનાય છે જેને અનુસરીને બંધાતા મકાનો તેમાં રહેનાર કે કામ કરનારાના સુખ-સલામતીની ખાતરી આપે છે. તમને કોઈ ખૂબ આધુનિક અને આખી દુનિયા ફરી વળેલ હોય તેવી વ્યક્તિઓ આજના ભારતમાં મળી આવશે જે નગર આયોજન વિભાગ દ્વારા મંજૂર થાય તે પહેલાં પોતાના ઘરનું આયોજન વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે બનાવવાનું શરૂ કરી દે.
ગઈકાલનું ભારત ગરીબ હતું, અત્યારે છે તેના કરતાં ઓછું શિક્ષિત હતું, પણ અંધશ્રદ્ધાથી દૂર જતું હતું. આજનું ભારત, અતિ ઝડપી ટેક્નોલોજીથી જોડાયેલ, ઝડપથી ચાલતાં વાહનો પર સવાર થયેલ, ધમાલિયું સંગીત સાંભળતું, ફાસ્ટ ફૂડ આરોગતું જાણે આગળ આગળ ભાગતું અને સાથે સાથે પાછા પગલાં ભરતું જણાય છે. દુનિયામાં જો કોઈ દેશ ખૂબ શીઘ્રતાથી દોડી શકે અને પછાતપણામાં ધકેલાઈ શકે, તો તે ભારત કરી શકે અને તેમ જ કરે છે. તો આમ આગળ આગળ ધસવું અને ભૂતકાલીન માન્યતાઓને અનુસરવાથી શું ભારત પ્રગતિ અને બંધિયારપણા વચ્ચે જકડાઈ ગયું છે? હું આ વાતનો વિશ્વાસ સાથે રદિયો ન આપી શકું, પરંતુ હું માનું છું કે રાજા રામ મોહન રૉય, વિવેકાનંદ, ટાગોર, ગાંધી, પ્રફુલ્લ ચંદ્ર રૉય અને નેહરુનું ભારત આ રીતે કિંકર્તવ્ય મૂઢ બનીને જકડાઈ ન જઈ શકે. જો કે માન્યતાનું પરીક્ષણ ન થઈ શકે.
એ હકીકત છે કે આપણો દેશ વિરોધાભાસોનો બનેલો છે. એક બાજુ ભારતના નર-નારીઓ આંકડા પરથી ભવિષ્ય જાણવાની ઊંટવૈદક રસમને વળગી રહેવા માટે પોતાના નામની જોડણી અશક્ય લાગે તેવા સ્વર અને વ્યંજનોના સમૂહ જેવી કરે છે. વાહનોના રજીસ્ટ્રેશન નંબર પણ શુકનવંતા હોય તેવા પસંદ કરતા હોય છે. પછી એ દૈવી શક્તિથી માન્ય નંબર પ્લેટવાળા વાહનનો મલિક ભલેને ટ્રાફિકના નિયમોનો સદંતર રીતે ઉલ્લંઘન કરનારો હોય. ભારતના રસ્તાઓ પરનો ટ્રાફિક એ મહા ભયાનક ત્રાસ ઉપજાવનારો હોય છે. તેમાં મોટર સાઇકલ સહુથી વધુ મુશ્કેલી સર્જનાર છે. મોટા ભાગના મોટર સાઇકલ સવારો ચંચળ વૃત્તિના યુવાનો હોય છે જેઓ વાહનોના નવા સવા મલિક બન્યા હોય છે. તેઓ હાડકાંનો ભુક્કો બોલાવનાર દ્વિચક્રી વાહન માત્ર પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા જ નથી ચલાવતા, પરંતુ તેનાથી પોતાના હક્કનો દાવો કરવા માગે છે.
બૌદ્ધિક રીતે સાવ ઊતરતી કક્ષાના નહીં પણ ચડિયાતા પણ નહીં એવા છતાં શારીરિક રીતે બળવાન, સામાજિક રીતે લાભાન્વિત, આર્થિક રીતે સધ્ધર, વ્યવસાયિક ક્ષેત્રે આગવી પસંદગી પામેલા અને અસંભવ લાગે તેવા જાતને સદાચારી માનનારા ભારતના યુવાનો બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ માણસને શરમિંદા બનાવે તેવા છે. જો ભારતીય નારીઓને દુઃખ કે ઇજા પહોંચાડવાને માટે દોષિત ન હોત તો પિતા તરીકે વૃદ્ધાવસ્થાને કારણે ધીરા ન પડી જાય, પતિ તરીકે વધતી ક્ષતિઓ અને ઘટતી આવકને કારણે પોતાની પત્ની પર આધાર રાખતો ન બની જાય અને પુત્ર તરીકે મુખ્ય કમાનારનું સ્થાન લે એવા આ સંવેદના રહિત ભારતીય પુરુષો ડિઝનીલૅન્ડના ચિત્રપટો બનાવનારાઓ માટે એક રસનો વિષય બની રહેત. ઝડપની સીમાઓના નિયમોને ઉલ્લંઘતો, સુસવાટા મારતો, અતિ સાંકડી ગલીઓમાંથી પોતાના હાડકાં ભાંગનાર દ્વિચક્રી વાહનને વાંકીચૂંકી ગતિથી પસાર કરી દેનારો, બિચારા રાહદારીઓ અને મોંઘી દાટ લિમઝિન કાર વચ્ચેથી ભાગતો એ મોટર સાઇકલિસ્ટ બધી જગ્યાએથી અનેક જગ્યાએ પહોંચવા દોડતો હોય છે અને એ ટૂંકી દ્રષ્ટિ વાળો, ઝડપથી ઉશ્કેરાઈ જનારો, સાંકડી વિચારધારા ધરાવનારો અને કઇંક અંશે આક્રમક પુરુષ વર્ગ જ આજના ભારતનો સહુથી સાચો પ્રતિનિધિ છે. આજનું ભારત વાહન આરૂઢ છે, રાહદારી નથી. સંખ્યાની દ્રષ્ટિએ નહીં, કેમ કે રાહદારીઓની સંખ્યા ઘણી વધુ છે. પરંતુ જોશ-જુસ્સો સ્થાપિત કરવાની બાબતે ભારતના વાહન ચાલકોનું જ રાજ ચાલે છે.
સ્કેન્ડિનેવિયાના ત્રણ દેશોના રાજા અથવા રાણી મોટે ભાગે રાહદારીઓ હોય છે. પણ વધુ મહત્ત્વની વાત એ છે કે જો રાજા એક રાહદારી છે તો રાહદારી પણ એક રાજા કે રાણી સમાન છે. ઓસ્લોની શેરીઓમાં કોઈ એકલદોકલ રાહદારી પસાર થતો હોય કે કોઈ વ્યક્તિ બીજાને હાથ પકડીને રસ્તો પાર કરવામાં મદદ કરતો હોય તો લિમઝિન, કાર, બસ, મોટી ટ્રક, અને ટ્રામ પણ ઊભા રહી જાય. નોર્વે, સ્વીડન અને ડેનમાર્ક રાજાશાહીમાં માનનાર દેશો છે. ગઈકાલનું ભારત અર્ધું સંસ્થાનવાદના અંચળા હેઠળ હતું અને બાકીનું રાજાઓના શાસન નીચે જીવતું હતું. આજનું ભારત લોકશાહી શાસન નીચે શ્વસે છે. લોકશાહીમાં બહુમતીનું રાજ્ય હોય, અથવા છેવટ તેનો અવાજ માન્ય રહેવો જોઈએ. પરંતુ રાહદારી ભારત, કે જે બહુમતીમાં છે તે વાહન ચાલક ભારતની તરફદારી કરે છે કે જે ખૂબ શક્તિશાળી લઘુમતી છે. ફૂટપાથ હવે લગભગ અસ્તિત્વ ગુમાવી બેઠી છે. વિકસિત દેશોમાં રાહદારીઓને અધિકાર છે. આજના ભારતમાં રાહદારીઓને ભાગે માત્ર નસીબ છે.
આવો તફાવત કેમ છે? ભારતમાં ગરીબીમાંથી ઊગીને ઊભી થતી સામાજિક ગતિશીલતા કાર્યાન્વિત થઇ છે. એ કોઈ પણ વાહનને પરિવહનના સાધન સિવાયના વાહનમાં ફેરવી નાખે છે. તેઓ તેને આત્મવિશ્વાસ અને સત્તા જમાવવાના સાધનમાં બદલી નાખે છે. એક ગરીબ માણસ માટે સાઇકલ વસાવવી એ પ્રગતિ છે, મોટર સાઇકલ ખરીદવી એ શક્તિનું પ્રતીક છે. અને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવીને કે મેળવ્યા વિના ટ્રક કે કારના સ્ટિયરિંગ વ્હીલને ફેરવવું એ તો જાણે ચન્દ્ર પર જવા જેવું છે. એટલે જેમ એક બાળક માટે ત્રણ પૈડાંની રમકડાંની કારની મજા તેને ખૂબ ઝડપથી ચલાવે ત્યારે જ અનુભવાય છે તેમ વાહન ચાલક ભારત હરીફાઈમાં જ સતત દોડતું રહે છે.
ક્યાં જાય છે?
કોણ જીતે છે અને કોણ હારે છે?
વાહનો બનાવરનાર કંપનીઓનું ચક્ર એવું જોરદાર ચાલે છે કે દરેક મહાકાય કંપની વધુ સંખ્યામાં, ઝડપથી, વધુ સારા વાહનો બનાવવા માગે છે. બસ બનાવો, વધુ બનાવો, ખૂબ બનાવોની ધૂન રટે છે. એ લોકો વધુ વેંચવા માંગે છે, જલદી વેંચો, સારા વાહનો વેંચો, પણ બસ વેંચો, વેંચો, વેંચો.
શું આપણા રસ્તાઓ ઉપર આ પેટ્રોલ વગેરેનો પારાવાર ધુમાડો કરનારા વાહનોના ઉત્પાદન અને વેંચાણની હરીફાઈની કોઈ બીજી બાજુ પણ છે ખરી? મેં ‘સલામત રાહદારી ક્રોસિંગ’ શબ્દ આપણા રસ્તાઓના સંદર્ભમાં વાપર્યો છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણે એનો એક ખૂબ અર્થસભર અને યાદગાર રૂપક અલંકાર તરીકે ઉપયોગ કરેલો. રાહદારી હોવું એટલે શું તેની તેમને જાણકારી હતી. 2000ના પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે કરેલ ભાષણમાં રાષ્ટ્રપતિ નારાયણે કહેલું, “નવા ધનાઢ્ય વર્ગના બેશરમ અને અધમ કક્ષાએ પહોંચેલા તરત નજરે પડતા એવા અનહદ ભોગવિલાસનાં સાધનોના વપરાશે નીચલા વર્ગના લોકોને હતાશાથી આકુળવ્યાકુળ દશામાં મૂકી દીધા છે. આપણા સમાજની અર્ધા ભાગની પ્રજા સોડા મિશ્રિત પીણાંઓ પી રહી છે, જ્યારે બાકીના અર્ધા ભાગના લોકોને ખોબા જેટલા ગંદા પાણીથી સંતોષ માનવો પડે છે. આપણા ઝડપથી વાહનો ચાલી શકે તેવા ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણના ત્રિ માર્ગોએ ભારતના પછાત રહી ગયેલા રાહદારીઓને પણ સલામત રાહદારીઓને પસાર થવા માટેનો રસ્તો મોકળો કરી આપવો જોઈતો હતો જેથી તેઓ પણ ‘સમાન તક અને હોદ્દા’ના લક્ષ્યાંક તરફ આગળ વધી શકે.
રાહદારીઓ કાયમ માટે અને દરેક સ્થળે તાબેદાર રહે તેમ માની ન લેવાય. તેઓ કદાચ આપણાં શહેરોના ટ્રાફિકના મોજાં સામે ટૂંટિયું વાળીને બેસી જાય. પરંતુ દરેક રાહદારી કઇં શહેરોમાં અસમર્થ બનીને નથી જીવતો રહેવાનો. એવા રાહદારીઓ આપણા વનોમાં, જંગલો નજીકના ગામડાંઓમાં અને સમગ્ર ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં મળી આવશે. એ રાહદારીઓ ઝનૂની બની જાય તેટલી હદે તેમને અવગણી નહીં શકાય. અશક્ત અને અસમર્થ ભારતીયોને માઓઇસ્ટ ચળવળમાં ગતિશીલ થવાનો મોકો મળ્યો છે. હજુ થોડા સમય પહેલાં જ પોલીસ અધિકારીઓએ થોડા માઓઇસ્ટને ચાલીને નહીં પરંતુ મોટર સાઇકલ રૂપી ઝનૂનના બાણની જેમ આવતા જોયેલા. એ લોકો મોટર સાઈકલના કાફલા સાથે આવેલા. તેઓનું કામ પત્યું એટલે ધૂળના ગોટામાં અદ્રશ્ય થઇ ગયા. અને વધુમાં તેને આંખોમાં ઝનૂન ભર્યું હતું તેવી મહિલા પોતાની આગેવાની નીચે લઇ ગઈ.
જો વર્તમાન ભારતમાં દરેક નાગરિકને તક અને હોદ્દાની સમાનતા મળે તેમ કરવું હોય તો – અને દરેક ભારતીયને એ અધિકાર મળવો જ જોઈએ – તો આજે જે સ્થિતિ છે તેવી ને તેવી સ્થિતિ કાયમ ન રહી શકે. પાણી, બળતણ તથા વીજળીનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરનારા મોટા નિગમો અને જથ્થાબંધ વ્યાપારીઓ અને ગ્રાહકોએ પોતાના વપરાશના ગ્રાફમાં થોડા અંક જતા કરવા જોઈશે જેથી તેમની નીચેના લોકો એકાદ ઇંચ જેટલા આગળ આવી શકે. આ પદાર્થ વિજ્ઞાનનો નિયમ છે. અલંકારયુક્ત ભાષામાં કહું તો જો આપણા કુદરતી સ્રોતોને બધા સુધી પહોંચાડવા હશે તો વાહન ચાલક ભારતે રાહદારી ભારતમાં રૂપાંતરિત થવું જોઈશે. આપણી પાસે વિવિધ પ્રકારની ધાતુ,, કોલસા અને અશ્મિભૂત ઇંધણ છે તે બધા માટે સાઇકલ, મોટર સાઇકલ, ટ્રક્સ અને કાર પૂરા પડી શકાય તેટલા પૂરતા પ્રમાણમાં હોવા જોઈશે. તે માટે જેમની પાસે એક કરતાં વધુ કાર છે તેમને તેના પર કાપ મુકવો પડશે અને વધુ પડતી સંપત્તિના રથ પરથી નીચે ઉતરવું પડશે. જો ભારતના દરેક નાગરિકને પાણી અને ઉર્જા પૂરાં પાડવાં હશે તો જથ્થાબંધ ઉપયોગ કરનારાઓએ પહેલાં તો તેનો વ્યય બંધ કરવો જોઈશે અને ત્યાર બાદ તેનો વપરાશ ઘટાડવો જોઈશે.
અહીં જ આપણે ઉપાધિ આવીને ખડી રહે છે.
કોઈ મોટો ઉદ્યોગપતિ કે રાજકારણી નેતા આવીને ગાંધી કે પી.સી. રૉય બનીને કરકસર યુક્ત જીવન જીવવાનું, ઉપભોગને સંયમમાં રાખવાનું, સંસાધનોને સરખે ભાગે વહેંચાવનું નહીં કહે.
આજે ભારતમાં જે રમત રમાય છે તેનું નામ છે, ‘જાઓ, જાઓ, જાઓ, જઈને મેળવી લો, ઝડપથી, ખૂબ ઝડપથી, જલદી કરો.’ આજે ભારતમાં વિકાસની જરૂર છે. પરંતુ ‘ભારત માટે વિકાસ’ને બદલે ‘વિકાસ કરનારાઓ માટે ભારત’ એવી સ્થિતિ નિર્માણ થઇ ગઈ છે.
સામાજિક, આર્થિક અને રાજકીય લાભો ભોગવતા લોકોએ અશક્ત અને અસમર્થ પ્રજાને મારેલા અદ્રશ્ય ફટકાઓથી ‘પીટર મારિત્ઝબર્ગ 1893’નું દ્રશ્ય વારંવાર ખડું થાય છે. આ ઘટના આપણા ગામડાંઓમાં બને છે, આપણાં ગામ અને શહેરોમાં બને છે. તેનાથી એક નવો સુખ સગવડોથી વંચિત વર્ગ, કહોને કે ગરીબી નીચે જીવતો અથવા સબડતો વર્ગ કે જેને પી. સાઈનાથે ‘કંગાલિયતની રેખા’ તરીકે વર્ણવી છે તેવો વર્ગ ખડો કરે છે. આજે હવે ભારત પાસે સમય નથી. નિષ્ણાતો કદાચ ગ્લેસિયર્સ કેટલા ક્યુબિક ફૂટ સંકોચાય છે તેની ગણતરી કરતા હશે. પણ એ હકીકત નિર્વિવાદ છે કે પાણી, ઉર્જા અને બળતણનો અમર્યાદ વ્યય અને ઉપયોગ કરનાર વર્ગે જો તેમના પર જીવન પદ્ધતિની ક્રાંતિકારી કટોકટી ન આવવા દેવી હોય તો પોતાની જીવન પદ્ધતિ અને કામ કરવાની રીત પદ્ધતિમાં પરિવર્તન લાવવું જ જોઈશે.
એવી સ્થિતિની કલ્પના કરો જે માત્ર અકલ્પ્ય જ નથી પણ નજીકના ભવિષ્યમાં બને તેવી વકી છે કે જ્યારે ચોમાસાં નિષ્ફ્ળ જશે, નદીઓ અને ડેમ એટલી હદે સુકાઈ જશે કે આપણે એક દિવસમાં બે વખત નહીં પણ બે દિવસે એક વખ સ્નાન કરી શકશું અને અત્યારે પી શકીએ છીએ તેનાથી અર્ધા ભાગનું નહીં પણ તેનાથી અર્ધાના અર્ધા ભાગનું પીવાનું પાણી મળશે. ખરું પૂછો તો ભારતની અસમર્થ આમ જનતા આવી જ સ્થિતિમાં જીવી રહી છે. પણ મને ક્ષણ ભર કલ્પના આવે છે, પાણીના રેશનિંગની અને ખોરાકને પણ તેમાં ઉમેરવો પડે; માત્ર એ કારણે કે આપણે સમયસર એ માટે પગલાં ન ભર્યાં.
જ્યારે લક્ષદ્વીપ, સુંદરબન અને બંગાળ અને ઓરિસ્સાના તટપ્રદેશો પર પર્યાવરણમાં પરિવર્તન આવવાને કારણે દરિયાની સપાટી ઊંચી જાય તેવું જોખમ ઊભું થશે, ત્યારે કોણ સહુથી વધુ સહન કરશે? જ્યારે ચક્રવાતો આંધ્ર અને તમિલનાડુના દરિયાઈ કાંઠા વિસ્તારને ઘેરી વળશે ત્યારે કોને સહુથી વધુ નુકસાન થશે? આપણે આબોહવામાં આવેલા બદલાવને કારણે બનેલ નિરાશ્રિતો વિષે સાંભળ્યું છે. તેઓ એક જ પ્રાંતમાં કે બે પ્રાંતો વચ્ચે સ્થળાંતર કરતા હોય છે. વિસ્થાપિત થનારાઓની સંખ્યા ઉપર તેનો આધાર રહે છે.
પરંતુ પોતાના ટેક્નોલોજી અને વ્યાપારી વિકાસમાં પાગલ બની ગયેલી ભારતની રાજકીય, ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક નેતાગીરી પોતે વાતાવરણના મુદ્દે ન્યાયી પગલાં શાં ભરવા જોઈએ તે વિષે ઉપેક્ષા સેવે છે, જોખમી સ્થિતિ ઊભી થાય એટલી હદે પ્રમાદ સેવે છે અને જાણતા હોવા છતાં કોઈ પગલાં ન ભરવા માટે દોષિત ઠરાવી શકાય તેવા વલણ દાખવે છે. આપણે માની ન શકાય તેવી ટૂંકી દ્રષ્ટિ ધરાવીએ છીએ. આપણને ભાન નથી થતું કે વિકાસ જો પર્યાવરણ સાથે તાલ મિલાવીને નહીં કરવામાં આવે તો આપણને જ ભરખી જશે. આપણી ટૂંકી દ્રષ્ટિ આપણાં ક્રેડિટ કાર્ડના બીલ વધારતી રહે છે કે જે આપણાં સંતાનોએ ભરવાં પડશે અને તેમની પાસે એ દેવું ચૂકવવા સાધનો નહીં હોય. આ પરિસ્થિતમાં કોણ સહુથી વધુ સહન કરશે?
ભૂતકાળના ભારતે લાખો ભારતીયોને હતાશાની ગર્તામાંથી આશા ભર્યા દિવસો તરફ કૂચ કરતાં જોયેલા, અજ્ઞાનથી જ્ઞાન તરફ અને મધ્ય યુગીન જીવન અને માન્યતાઓથી હઠીને આધુનિક વિચારધારાઓ અને જીવન તરફ ગતિ કરતા ભાળ્યા. આજનું ભારત તેની પ્રજાને ગામડાંઓમાંથી શહેરોમાં ઠલવાતી જુએ છે, નબળી ખેતીવાડીથી પેદા થયેલ ગરીબાઈથી વિચિત્ર સ્વરોજગારીની અનિશ્ચિતતા તરફ ધસી રહેલા જુએ છે. વધારામાં ભારતની પ્રજા નિરાશામાંથી હતાશામાં અને એક પ્રકારની નિષ્ફ્ળતામાંથી બીજા પ્રકારની વિફળતામાં ફસાતી જોવા મળે છે. આજનું ભારત રાજકીય, ટેક્નોલોજિકલ અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં મજબૂત નેતૃત્વ ધરાવે છે જે પોતાના એંજીનનું ધ્યાન રાખે છે. આ બધા વિશેષજ્ઞો જમીનને ફેક્ટરી માટેની જગ્યા તરીકે જુએ, પાણીમાં વીજળી ઉત્પન્ન કરવાની શક્યતાને ભાળે, વૃક્ષોને લાકડાના વેપાર તરીકે ખપાવે અને ગ્રેનાઇટમાં સિમેન્ટના દર્શન કરે. એ લોકોના મનમાં ગામડાંઓમાં ગામનું બીજ પડેલું દેખાય, ગામમાં શહેર અને શહેરોમાં મહાનગરની શક્યતાનો વિચાર આવે. આજનું ભારત પોતાના પાડોશીને પણ એક વેપારીના રૂપમાં જુએ, મુલાકાતીઓને પ્રવાસી ગણે અને બીજા દેશો અને ખંડોને સ્વાર્થની દ્રષ્ટિએ જુએ છે. તેમની દ્રષ્ટિએ ચોમાસું વેપારી વાયરો લઈને આવે, સમુદ્ર એ દરિયાઈ ખનીજ, કુદરતી ગેસ અને હાઇડ્રોજન અને કાર્બનના સંયોજનથી બનેલ પદાર્થોનું ઘર લાગે. આજના ભારતની દ્રષ્ટિમાં અવકાશ એ મૂડી છે અને સમય એ નાણું છે. એ લાગવગને નૈતિક બળ કરતાં વધુ મહત્ત્વ આપે છે, કદ કરતાં શારીરિક બળને ચડિયાતું માને છે અને બાવડાના બળને બુદ્ધિબળ કરતાં શ્રેષ્ઠ માને છે. ગઈકાલના ભારતને ઈચ્છા હતી કે પોતે એક એવો દેશ બને કે જેના પર કોઈ મહાસત્તાનું શાસન ન હોય; આજનું ભારત એવો દેશ બનવા ઈચ્છે છે જે ધનાઢ્ય હોય અને પોતે જ એક મહાસત્તા બને. ભારતની પોતાની છબી વિષે બહારના પરિબળોથી આવેલ આવું પરિવર્તન એ વધતી જતી લઘુમતીના વિકાસ માટે લાભદાયી છે કે જે નિર્ધન અને વિકાસની તરાહથી વિમુખ તેમ જ ઉદ્વિગ્ન દશામાં છે એવી બહુમતીના ભોગે અસ્તિત્વમાં આવ્યું છે. અને એ અન્યાય, અનૈતિક અને ખોટું છે.
હવે હું એક બીજા પ્રકારની બહુમતીને લક્ષ્યમાં લઈને સમાપન કરીશ.
ભારતના શિરે દુનિયાની સહુથી મોટી સંખ્યા ધરાવતી લોકશાહી હોવાનો તાજ છે. કેરાલામાં દુનિયાની સહુ પ્રથમ સામ્યવાદી સરકાર ઈ.એમ.એસ. નામ્બુદિરીપાદની આગેવાની નીચે ચૂંટાઈને આવેલી. ભારતની પ્રજાએ પોતાના મતથી ઇન્દિરા ગાંધીની સરકાર કે જેણે કટોકટી લાદીને માનવ અધિકારોને કચડી નાખેલા તેને રુખસદ આપેલી. આજનું ભારત રાજકીય પક્ષને બહુ ઉદારતાથી સત્તા પર બેસાડે છે, અને દયા રાખ્યા વિના દૂર પણ કરે છે. આ એક અભૂતપૂર્વ સિદ્ધિ છે.
પરંતુ અહીં પણ ઝડપથી આગળ દોડવાની અને પાછા પગલાં ભરવાનો વિરોધાભાસ દેખાય છે. બીજા દેશોમાં બને છે તેમ ભારતમાં પણ વધુ મત મેળવનાર પક્ષની સરકાર રચાય છે. એ રાજકીય પક્ષના નેતાને રાષ્ટ્રપતિ સરકાર રચવાનું આમંત્રણ આપે છે અને તે વડાપ્રધાન બને છે. એ રાજકીય બહુમતીને ભારતની જાતીય લઘુમતી, કે તેની ભાષાકીય અને ધાર્મિક બહુમતી સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ આજના ભારતમાં રાજકીય બહુમતી જાતિગત અને ધાર્મિક બહુમતી સાથે ભળી ગઈ અને ગૂંચવાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. વર્તમાન ભારતમાં પ્રત્યાઘાત રૂપે ધાર્મિક લઘુમતી ધરાવનાર લોકો એક રાજકીય દળ ઊભું કરે તેવી સંભાવના છે. અત્યારે વિકાસ પ્રતિગામી દિશામાં જઈ રહ્યો છે, કેમ કે લોકશાહી રાજનીતિઓની પસંદગી કરવા પર આધારિત હોય, નહીં કે પૂર્વગ્રહોને આધારે ચૂંટાવાની નીતિ પર હોય. મતપેટીઓની પવિત્રતા મારફત ઉમેદવારને પસંદ કરવાને બદલે ધાર્મિક ધ્રુવીકરણનો થયેલ ફેરફાર આ ધર્મનિરપેક્ષ લોકશાહીને એક બહુમતી વાળી ધર્મરાષ્ટ્ર બનાવી દેવાના ઉંબરે લાવીને ઊભું કરી દેશે. એ લોકશાહીનાં વૃક્ષનું ફળ નહીં હોય, પરંતુ ગઈકાલના ભારતની દ્રષ્ટિ અને પ્રથામાંનું બિલકુલ ન ઓળખાય તેવું કુરૂપ અને અજાણ એવું પરિણામ હશે.
અહીં એક બીજું જોખમ પણ છુપાયેલું છે.
ગઈકાલનું ભારત અણુશસ્ત્રોનો ત્યાગ કરવા કટિબદ્ધ હતું. હજુ પણ છે. ભારત સૈદ્ધાંતિક રીતે અણુશસ્ત્રો પર પ્રતિબંધ મુકવામાં માને છે, પરંતુ વ્યવહારમાં નહીં તે આજના યુગની સંગીન પરિસ્થિતિને આભારી છે. “જ્યારે આપણે અણુશસ્ત્રોથી ઘેરાયેલા હોઈએ ત્યારે તેનો ત્યાગ કરવો આપણને પોસાય તેમ નથી.” તેવી પ્રતીતિજનક દલીલ કરવામાં આવે છે, અને મને એ મુદ્દો સમજાય છે. હિંસક અને જંગલી આતંકવાદી જૂથોનું અસ્તિત્વ ભારતના પાડોશી દેશમાં જેહાદની વિકૃત ભાષામાં વાત કરે તેથી જેમની પાસે કોઈ દેશનો કબજો નથી તેવા સંગઠનના અણુશસ્ત્રોની ધાકનો સામનો ભારત અને પાકિસ્તાનને કરવો પડે તેવી નબળી સ્થિતિમાં તેઓ છે. અણુશસ્ત્રો રાખવાથી દુશ્મન દેશ સાથેનો સંઘર્ષ નિવારી શકાય એ તેના પરની શ્રદ્ધાનો વિષય છે, જેવો એક સુષુપ્ત જ્વાળામુખી હંમેશને માટે શાંત થઇ ગયો છે, તેવું માનવામાં આવે તેના જેવું છે. એ એક પ્રકારના દુઃસ્વપ્ન સામે ગવાતું હાલરડું છે, પણ ખુદ અંધકાર સામે કોઈ શાતા ન આપી શકે. હિન્દુ અને મુસ્લિમો વચ્ચેનું ધાર્મિક ધ્રુવીકરણ રાજકીય દુશ્મનાવટમાં પરિવર્તિત થતું જાય છે જે કોમી રમખાણો કેવી રીતે ભડકાવી શકાય તે માટેની રીત બતાવે છે અને એ લડાઈની જ નકલ છે. ખરેખર તો એ લડાઈ માટે નાટક ભજવવા જતાં પહેલાં વસ્ત્રાભૂષણ સાથે કરવામાં આવતા પૂર્વ પ્રયોગ જેવું જ છે. આથી આજના ભારત અને પાકિસ્તાનના આત્મામાં લોહ જેવી ધાતુના પ્રવેશથી દુઃખ અનુભવું છું. પાકિસ્તાનના રાજકારણમાં લશ્કરનો હસ્તક્ષેપ અને શસ્ત્રોનો ઉપયોગ ઘણા લાંબા સમયથી ચાલતો આવ્યો છે, પરંતુ ભારતના દિમાગના એક ભાગમાં સતત યુદ્ધ વિષે વાત થતી રહે છે તેનાથી હું ઘણી વ્યથા અનુભવું છે. તેનાથી યુદ્ધ નજદીક આવવાની સંભાવના વધી જાય છે અને આપણી પ્રતિક્રિયાઓ એટલી વધુ લશ્કરીકૃત થઇ જાય છે.
ધાર્મિક પુનર્જીવનનો ભય ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં છે. તેનાથી કોમવાદ પાછો ફુલશે ફાલશે, ધર્માન્ધતા અને ઝનૂન વધશે જેના વિષે વિવેકાનંદે દુનિયાને ચેતવેલા. અહીં વિદ્વત્તા અને જ્ઞાન હોવું અત્યંત પ્રભાવક છે. તમારા જેવી વિશ્વવિદ્યાલય (એડિનબરા યુનિવર્સિટી) આજના ભારતને એક બળુકો સંદેશો મોકલી શકે.
શાંતિ એ ભક્તિભાવ પૂર્ણ નથી હોતી, એ પ્રાર્થનામય હોય છે. એની કિલ્લેબંધી થયેલ છે. એ યુદ્ધ નહીં પણ યુદ્ધની મનોદશા જેવા દુશ્મનોથી સતત ઘેરાયેલી હોય છે. શાન્તિ જાળવવી ઘણી મુશ્કેલ છે, અને એક વખત તેનો ભંગ થાય પછી ફરી શાંતિમય વાતાવરણ ઊભું કરવું એથી ય કઠિન છે. અને દુનિયાની શાંતિના વાતાવરણની સુરક્ષા માટે વિદ્વાનોની દુનિયા અને શિક્ષણના વિશ્વએ ભાગ ભજવવાનો છે.
1931ની ગાંધીની ઇંગ્લેન્ડની મુલાકાત વખતે તેમને પૂછવામાં આવેલું, “તમે ભારતને સામ્રાજ્યથી કેટલી હદે કાપીને દૂર ફેંકી દેશો?” તેમણે ઉત્તર આપેલો, “સામ્રાજ્યથી, સદંતર, બ્રિટિશ રાષ્ટ્રથી, બિલકુલ નહીં.” તેમણે ઉમેરેલું, “સામ્રાજ્યવાદ જવો જ જોઈએ, પરંતુ ભારતે બ્રિટનના સુખ-દુઃખમાં સહભાગીદાર થતાં શીખવું જોઈશે. પરંતુ એ ભાગીદારી સમાન શરતો પર કબૂલ થવી જોઈએ.”
એડિનબર્ગ યુનિવર્સિટીમાં ઉજવાયેલો ‘ઇન્ડિયા ડે’ એ માત્ર ભારતનો દિન નથી, પરંતુ ભારતમાં અને વિશ્વ આખામાં જે કોઈ સભ્ય છે અને સભ્યતા જાળવે છે તેની વિરુદ્ધમાં પાશવી છે અને પાશવી કૃત્યો કરનારાઓ છે તેમને માટેનો આ દિન છે. આ ‘કઠિનાઈઓ ઘણી દૂરની વાત બની ગઈ’ એવો અહેસાસ ભૂતકાળ માટે થાય અને સારા ભવિષ્ય માટે પ્રાયશ્ચિત કરવાની સહભાગીદારીનો દિન છે.
(પ્રવચનના વકતા ગોપાલકૃષ્ણ ગાંધી અને એડિનબરા યુનિવર્સિટીની આ અનુવાદ સારુ અનુમતિ પ્રાપ્ત કરવામાં આવેલી છે.)
મૂળ અંગ્રેજી પ્રવચનની કડી :
https://www.ed.ac.uk/files/imports/fileManager/India%20Day%20Edinburgh%20University.pdf
સમૂળા અવસરની વીડિયો કડી :
https://www.youtube.com/watch?v=jpb__8Q75Q4
અનુવાદક: આશા બૂચ
e.mail : 71abuch@gmail.com