
રમેશ સવાણી
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના બાંગરમઉના સત્તાપક્ષના MLA (ચાર ટર્મ) કુલદીપસિંહ સેંગર અને તેના સાથીઓએ 2017માં સગીર બાળાનું અપહરણ કરી (Unnao Rape Case) બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ પીડિતાના પિતાની હત્યા કરી હતી. પીડિતાએ UPના મુખ્ય મંત્રી નિવાસસ્થાન સામે આત્મદાહની કોશિશ કરી ત્યારે આ મામલો દેશ ભરમાં ચમક્યો હતો. પછી CBI તપાસની માંગ ઊઠી. 12 એપ્રિલ 2018ના રોજ CBIએ તપાસ હાથ ધરી; અને કુલદીપ સેંગરને એરેસ્ટ કરેલ. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ આ કેસ ઉત્તર પ્રદેશને બદલે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો. કોર્ટે 20 ડિસેમ્બર 2019ના રોજ, કુલદીપને આજીવન કેદની સજા કરી હતી. તે પછી તેની વિધાનસભાની સદસ્યતા રદ્દ કરી હતી. પીડિતાના પિતાની હત્યા માટે તીસ હજારી કોર્ટે કુલદીપસિંહ અને તેના છ સાથીઓને 10 વર્ષ કેદની સજા કરી હતી.
શરુઆતમાં રેપની ફરિયાદ લેવાને ઈન્કાર પોલીસે કર્યો હતો. બળાત્કારના કેસમાં સગીર વિક્ટિમને મદદ કરવી તે પોલીસની / તંત્રની ફરજ છે; પરંતુ વિક્ટિમને બદલે સત્તાપક્ષના MLA કુલદીપસિંહની તરફેણ કરવામાં આવી હતી; તેવો અહેવાલ CBIએ UPના ચીફ સેક્રેટરીને પાઠવ્યો હતો. CBIએ ઉન્નાવના તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ અદિતી સિંહ, IAS તથા બે IPS અધિકારીઓ નેહા પાંડેય અને પુષ્પાંજલિ સિંહની સામે બેકાળજી/ લાપરવાહી દાખવવા સબબ ખાતાકીય પગલાં ભરવા જણાવ્યું હતું. રેપ પીડિતાએ કેટલી ય વખત ફરિયાદ કરી હતી છતાં આ ત્રણેય મહિલા અધિકારીઓએ ધ્યાન આપ્યું નહોતું. CBIએ સીનિયર SP અષ્ટભુજા સિંહની નિષ્કાળજી પણ ઠરાવી હતી.
સગીર બાળા ઉપર રેપ થાય; ન્યાય માટે માંગણી કરનાર પીડિતાના પિતાની હત્યા થાય; આવી શરમજનક ધટના બને છતાં જિલ્લાના ત્રણેય મહિલા અધિકારીઓ સંવેદનશૂન્ય કઈ રીતે રહી શક્યા હશે? બળાત્કારી સત્તાપક્ષના MLA હતો, એટલે આંખમીંચામણા કર્યા હતા ! જો વિપક્ષના MLAએ આવું કૃત્ય કર્યું હોત તો આ ત્રણેય મહિલા અધિકારીઓએ અતિ કડક કાર્યવાહી કરી હોત ! મહિલા અધિકારીઓએ, બળાત્કારીની તરફેણ ચોક્કસ હોદ્દા ઉપર ટકવા માટે કરી હતી. વહિવટીતંત્ર કેટલું ગુલામ બની ગયું છે; તેનું આ ઉદાહરણ છે !

હવે આ કેસમાં પીડિતાને અન્યાય કરવા દિલ્હી હાઈકોર્ટ પણ જોડાઈ ગઈ છે. હાઈકોર્ટે 23 ડિસેમ્બર 2025ના રોજ, બળાત્કારી કુલદીપસિંહની આજીવન કેદની સજાને સ્થગિત કરીને તેને જામીન પર છોડી મૂક્યો છે. જો કે કુલદીપસિંહ સેંગર હજુ જેલમાં જ રહેશે, કારણ કે પીડિતાના પિતાની હત્યાના કેસમાં તેને 10 વર્ષની સજા થઈ છે અને તેમાં જામીન મળ્યા નથી.
હાઈકોર્ટના આ ચુકાદાથી નારાજ થતા પીડિતા, તેમની માતા, મહિલા અધિકાર એક્ટિવિસ્ટ યોગિતા ભયાનાએ ઇન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બળાત્કારીની સજા સ્થગિત કરવા હાઈકોર્ટે શું તર્ક આપ્યો? હાઈકોર્ટે કહ્યું કે “IPC અને POCSO એક્ટ હેઠળ ધારાસભ્યને ‘પબ્લિક સર્વન્ટ’ ગણી શકાય નહીં. માત્ર પીડિતા અને તેના પરિવારને ધમકીના ડરથી આરોપીને જેલમાં રાખી શકાય નહીં; સુરક્ષા એજન્સીઓની જવાબદારી છે.” આ આધારે, તેની આજીવન કેદ ઘટાડીને 7 વર્ષ કરવામાં આવી. તેણે 7 વર્ષ જેલમાં વિતાવ્યા છે. આમ, તેણે તેની સજા પૂર્ણ કરી છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી એ.આર. અંતુલે સામેના ભ્રષ્ટાચારના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી, જેમાં એવું ઠરાવેલ કે ધારાસભ્ય જાહેર સેવક નથી.
અહીં ‘સરકારી કર્મચારી’ અને ‘જાહેર સેવક’ બન્નેને અલગ કર્યા છે. જો કે દરેક સરકારી કર્મચારી પબ્લિક સર્વન્ટ કહેવાય; પરંતુ દરેક પબ્લિક સર્વન્ટ સરકારી કર્મચારી હોતા નથી. જેમ કે સરપંચ, ધારાસભ્ય !
જ્યારે કોઈ સરકારી કર્મચારી બળાત્કારનો ગુનો કરે છે, ત્યારે ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(b) અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ(POCSO)ની કલમ 5(c)ની જોગવાઈઓ હેઠળ સજા આપવામાં આવે છે. કુલદીપ સેંગરને પણ આ કલમો હેઠળ દોષિત ઠેરવેલ. IPC અને POCSO હેઠળ સરકારી કર્મચારી દ્વારા બળાત્કાર માટે લઘુત્તમ સજા 10 વર્ષની હતી, જેને આજીવન કેદ સુધી વધારી શકાય છે. તેની તુલનામાં, ખાનગી નાગરિક દ્વારા બળાત્કાર માટે લઘુત્તમ સજા સાત વર્ષની હતી.
આ કિસ્સામાં સ્પષ્ટ દેખાય છે કે પીડિતા ગરીબ છે લાચાર છે તેથી નથી અધિકારીઓએ તેની દરકાર કરી કે નથી કોર્ટે દરકાર કરી. બળાત્કારી સત્તાપક્ષનો ધારાસભ્ય હતો એટલે અધિકારીઓએ તેમને છાવર્યો, કોર્ટે ટેકનિકલ મુદ્દો ઉપસ્થિત કરી પીડિતાને અન્યાય કર્યો !
ટૂંકમાં, બળાત્કારી સત્તાપક્ષનો ધારાસભ્ય / સંસદસભ્ય હોય / આર્થિક રીતે સદ્ધર હોય તો અધિકારીઓ આંખમિંચામણા કરે છે અને કોર્ટ પણ ટેકનિકલ મુદ્દાઓ કાઢી બળાત્કારીને રાહત આપે છે ! પીડિતા માટે નથી અધિકારીઓ કે નથી કોર્ટ !
પીડિતાના પિતાનું પોલીસ સ્ટેશનમાં જ મૃત્યુ થયું; પીડિતાના બે કાકાઓના ઘટના બાદ વાહન ‘અકસ્માત’માં મોત થયાં. પીડિતાના વકીલનું પણ વાહન ‘અકસ્માત’માં મોત થયું. આ બધી હત્યાઓ કુલદીપસિંહે કરાવેલ. પીડિતા પર જીવલેણ હુમલો કરાવ્યો. છતાં કોર્ટ ઓછી સજા કરે છે અને બળાત્કારી-હત્યારાને રાહત આપે છે !
ગુજરાતમાં પણ બિલકિસ બાનુના બળાત્કારીઓને સંસ્કારી કહીને જેલ-મુક્ત કરી દીધાં હતા, મહિલાઓએ તેમનું કંકુ તિલક કરી સ્વાગત કર્યું હતું ! કુલદીપસિંહનું પણ મહિલાઓ કંકુ તિલક કરી સ્વાગત કરશે ! પડે છે ત્યારે સઘળું પડે છે !
હાઈકોર્ટે જામીનની શરત મૂકી છે કે “પીડિતાના ઘરથી 5 કિલોમીટરની ત્રિજ્યામાં ન જવું. પીડિતા કે તેની માતાને ધમકી ન આપવી.” આપણી કોર્ટ તો જૂઓ, ‘5 કિલોમીટરની ત્રિજ્યામાં ન જવા કે ધમકી ન આપવાની શરત હેઠળ’ બળાત્કારી અને હત્યારાને જામીન પર છોડી મૂકે છે ! બળાત્કાર પીડિતાનું કોઈ નથી, ઈશ્વર પણ નહીં !
[કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય]
26 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

