ગ્રંથયાત્રા – 17
એનો બાપ કામ કરતો રસોઈયા તરીકે અને એની મા કામ કરતી ઘર નોકરાણી તરીકે. ચર્ચ દ્વારા ચલાવાતી ધર્માદા સ્કૂલમાં જે થોડું ભણાયું તે ભણ્યો. પણ એણે લખેલી એક કથાના આજ સુધીમાં દુનિયાની અનેક ભાષામાં અનુવાદ થયા છે. એ વાર્તા પરથી આજ સુધીમાં સત્તર ફિલ્મ બની છે. એ વાર્તાનું નામ પિનોકિયો’ અને તેના લેખકનું નામ કાર્લો કોલોડી. આ છે તો તેનું ઉપનામ, પણ તેનાથી જ જાણીતો થયો છે આ લેખક. ઈટલીના ફ્લોરેન્સ શહેરમાં ૧૮૨૬માં તેનો જન્મ. એ જ શહેરમાં ૧૮૯૦માં તેનું અવસાન. ૧૮૮૧માં ‘ચિલ્ડ્રન્સ મેગેઝીન’ નામના સામયિકના પહેલા જ અંકમાં કાર્લોની ‘સ્ટોરી ઓફ અ પપેટ’ નામની વાર્તાનો પહેલો હપ્તો પ્રગટ થયો જે બાળવાચકોને ખૂબ જ ગમી ગયો. સાતમી જુલાઈએ પ્રગટ થયેલા આ અંકમાં આ વાર્તા છપાઈ ત્યારે મૂળ યોજના તેને લંબાવવાની નહોતી. પણ બાળકોને વાર્તા એટલી તો ગમી ગઈ કે સંપાદકે કાર્લોને વાર્તા આગળ લંબાવવા આગ્રહભરી વિનંતિ કરી. એટલે પછીના અંકોમાં વાર્તા આગલ ચાલી. યુંજેનિયો માઝાંતિ નામના ચિત્રકારે દોરેલાં ચિત્રોએ પણ વાર્તાની લોકપ્રિયતામાં ફાળો આપ્યો. પણ સોળ પ્રકરણ લખ્યા પછી લેખકે અણધારી રીતે વાર્તાને અટકાવી દીધી. એ વખતે વાર્તાનું મુખ્ય પાત્ર – પિનોકિયો – જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતું હતું. પિનોકિયોનું શું થયું તે જાણવા માટે આતુર અને અધીરા થયેલા બાળવાચકોએ એવો તો કકળાટ કરી મૂક્યો કે કાર્લોએ કથાને આગળ લંબાવવી પડી. ૧૮૮૩ના સોળમી ફેબ્રુઆરીના અંકમાં છેવટે વાર્તા પૂરી થઈ. તે પછી તરત જ તે પુસ્તકરૂપે પ્રગટ થઈ. પણ ત્યારે તેનું નામ બદલીને ‘એડવેન્ચર્સ ઓફ પિનોકિયો’ રાખવામાં આવ્યું.

એવું તે શું છે આ વાર્તામાં? એક નાનકડો છોકરો. દુનિયાના સારા-માઠા, સાચ-જૂઠના, હેત અને હાણના અનુભવોમાંથી પસાર થઈને કઈ રીતે ઘડાય છે તેની વાત આમ તો અહીં કહેવાઈ છે. અહીં કથારસ તો ભરપૂર છે જ, પણ સાથોસાથ બાળકો માટે ઉપદેશ પણ છે. સારાં કામનું ફળ સારું, ને માઠાં કામનું ફળ માઠું, અને તે પણ પાછું જરા ય રાહ જોવડાવ્યા વગર. તાબડતોબ. પણ આ બધો ખેલ માંડવા માટે કાર્લોએ જે સૃષ્ટિ રચી છે તે અદ્ભુત છે. કથાનું મુખ્ય પાત્ર પિનોકિયો માણસ છે અને નથી. તે લાકડાનો ઢીંગલો છે અને નથી. એક એકલવાયો સુથાર. આખો દિવસ બસ, કરવત, ને રંધો. લાકડાં કાપે ને લાકડાં જોડે. લોકોને જે જોઈએ તે બનાવી આપે. કામમાંથી બે પૈસા કમાઈને એકલ પંડનું ગુજરાન ચલાવે. પણ એક દિવસ એને કોણ જાણે શું સૂઝ્યું, તે લાકડાનો એક મોટો ટુકડો લઇ તેમાંથી મોટો ઢીંગલો બનાવવા બેઠો. તે દિવસે સુથારને બીજું કાંઇ કામ મળ્યું નહોતું, એટલે તેણે આખો દિવસ આ ઢીંગલો ઘડવામાં જ કાઢી નાખ્યો. રાત પાડવા આવી ત્યારે ઢીંગલો લગભગ ઘડાઈને તૈયાર થઈ ગયો હતો. માત્ર પગના નીચલા ભાગ બનાવવાના બાકી હતા. પણ હવે સુથારનાં આંખ અને હાથ કામ કરતાં નહોતાં. તેણે વિચાર્યું કે બાકી રહેલા પગ કાલે સવારે ઘડી કાઢીશ. સુથાર એ બાવલાના મોં સામે તાકી રહ્યો. લાકડાનો આ ઢીંગલો તેને વહાલો લાગ્યો. મનમાં ને મનમાં સમસમી રહ્યો કે મારે પણ આવો એક દીકરો હોત તો બુઢાપામાં મારી હાથ લાકડી થાત!
પણ સુથાર સૂઈ ગયા પછી એક ચમત્કાર થયો. તે સૂતો હતો ત્યારે ત્યાં નીલપરી આવી પહોંચી. અને તેણે લાકડાના એ બાવલામાં પ્રાણ ફૂક્યા. તેના અધૂરા રહી ગયેલા પગ પણ ઘડી આપ્યા. બાવલો તો રાજીનો રેડ. નાચવા ને કૂદવા લાગ્યો. પરી કહે : જો, મેં તને માણસ બનાવ્યો છે તો હવે સારા માણસની જેમ જીવજે.” બાવલાએ પૂછ્યું : ‘પણ સારો માણસ કેવો હોય એ તો કહો.” પરી કહે : “સારો માણસ હંમેશાં સાચું બોલે, ક્યારે ય જુઠ્ઠું ન બોલે. તું પણ હંમેશાં સાચું જ બોલજે.” બાવલો : “પણ હું જે બોલું તે સાચું છે કે ખોટું એની ખબર કઈ રીતે પડશે?” પરી : “જ્યારે જ્યારે તું ખોટું બોલીશ ત્યારે ત્યારે તારું નાક એક ફૂટ લાંબુ થઈ જશે. પછી પાછું સાચું બોલીશ તો એક ફૂટ નાનું થઈ જશે.” પછી જતાં જતાં પરીએ કહ્યું : “ અને હા, તારા આ ભલા ભોળા સુથારબાપાને રંજાડતો નહીં. તેમનો કહ્યાગરો દીકરો થઈને રહેજે.”
પછી પરી તો થઈ ગઈ અલોપ, અને પિનોકિયો સુથારની બાજુમાં ગૂપચૂપ સૂઈ ગયો. સવારે ઊઠીને સુથારે જે જોયું તે પહેલાં તો તેને સપનું જ લાગ્યું. બાજુમાં રૂપ રૂપના અંબાર જેવો દીકરો સૂતો હતો. સુથાર તો કાંઇ રાજી થયો, કાંઇ રાજી થયો! પણ છોકરાની જાત! ડાહ્યો ડમરો થઈને રહે, અળવિતરાં ન કરે, મોટેરાનું કહ્યું માને, એવો છોકરો તમે આજ સુધીમાં જોયો છે? પિનોકિયો પણ બીજા છોકરાઓ જેવો જ હતો. કંઇક પરાક્રમો કર્યાં, જીવ જોખમમાં મૂક્યો, ખોટું બોલ્યો ત્યારે નાક એક ફૂટ લાંબુ થઈ ગયું, સાચું બોલીને પાછું ટૂંકુ કર્યું. જગત ને જીવતરનો અનુભવ લીધો. સાચા અર્થમાં ઘડાયો. ઘણું રખડ્યો, રઝળ્યો. એ બધી વાતો કાર્લોએ બાળકોને રસ ગળે ને કટકા પડે એવી રીતે કહી છે.

દાયકાઓ પહેલાં હંસાબહેન મહેતાએ આ ‘પિનોકિયો’નો અદ્ભુત અનુવાદ, કહો કે રૂપાંતર કરેલું, ‘બાવલાનાં પરાક્રમો’ નામે. તેમાં કલાગુરુ રવિશંકર રાવળનાં અત્યંત સુંદર ૧૭ ચિત્રો પણ હતાં. પણ વર્ષોથી એ પુસ્તક અપ્રાપ્ય છે. કોઈ ફરી છાપે તો આપણાં બાળકોને એક સરસ મજાનું પુસ્તક વાંચવા મળે. પણ આવાં પુસ્તકો ફરી છાપવાનું જેને સૂઝે એવા પ્રકાશકો છે ખરા? જો, જો. ખોટું બોલશો તો તમારું નાક એક ફૂટ લાંબુ થઈ જશે. સિવાય કે તમે રાજકારણી હો.
XXX XXX XXX
12 નવેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com
![]()

