પ્લેટપૂર્વ પળોમાં આજે ૧૩મી એપ્રિલની સવારે બે અક્ષર પાડી રહ્યો છું, ત્યારે થઈ આવતું સૂચિતીવ્ર સ્મરણ જલિયાંવાલા અને ડાયરશાહીનું છે. ૧૯૧૯ની એ નિર્ઘૃણ ઘટનાને સૈકો વીતી ગયો પણ એનો જે સંદેશ તે આઝાદીના અમૃતપર્વમાં મીઠી વલૂર નહીં પણ દૂઝતા જખમ શો છે. બલકે, વર્તમાન, રિપીટ, વર્તમાન સંદર્ભમાં એટલે સાંસ્થાનિક પરચક્રનાં નહીં પણ સ્વરાજ અને સ્વચક્રના સંદર્ભમાં તે કદાચ સવિશેષ પજવે છે.
સ્વરાજલડતના તે મુકામે જે ધક્કો હતો તે શા વાસ્તે હતો – લગરીક સંભારીએ? જેને કાળો કાયદો કહેવાયો તે રૉલેટ ઍક્ટ સામેનું એ આંદોલન હતું. આ કાયદાની તપસીલમાં ઊંડે ગયા વગર સારરૂપે એટલું જ કહેવું બસ થશે કે પોલીસ તમને પકડે તે પછી કૉર્ટમાં રજૂ કર્યા વગર પૂરાં બે વરસ – ફરી કહું, પૂરાં બે વરસ – જેલબંધ રાખી શકે.
હવે સંભારો હજુ હમણેનાં વરસોનો ભીમા-કોરેગાંવ કેસ. એમાંના આરોપીઓને સ્વાતંત્ર્યોત્તર ભારતના જે કાયદા હેઠળ જેલમાં ગોંધાયા તે લગભગ આ જ રૉલેટ ખાનદાનની કથિત કાનૂની જોગવાઈ છે. સ્ટેન સ્વામી તો બચાડા એમાં જ ગયા. બીજા પણ ઓછાવત્તા રિબાઈ રહ્યા છે. જેણે અમેરિકી અમીરી છાંડી વતનમાં રોપાવુંધરબાવું પસંદ કીધું, ઉપલી અદાલતની દોમદોમ નિમણૂકને બદલે દીનહીન સર્વહારાની વગર પૈસાની વકાલતમાં સ્વધર્મ જોયો તે સુધા ભારદ્વાજ બે વરસે માંડ જામીન પર છૂટ્યાં છે તો પણ રૉલેટ તરેહના રૌરવ કાનૂનના ઓથારમાં : ગૌતમ નવલખાને ચશ્માબંધી તો ઠીક પણ વુડહાઉસની હાસ્યનવલ ‘ખતરો’ લેખી ન આપતી અડબંગ વ્યવસ્થાનું સૅન્ક્શન આવી રૌરવી જોગવાઈઓમાં સ્તો છે.
કેન્દ્ર સરકારને જો કે આટલેથી ધરવ નથી. હમણાં જ એણે સંસદમાં જે બિલ, રાબેતા મુજબ પૂરી બહસ વગર, પસાર કરાવી દીધું, ક્રિમિનલ પ્રોસીજર (આઇડેન્ટિફિકેશન) બિલ, એ પણ આવી જ તરંગલંબાઈ પરનું છે. મૌસમ હૈ રૉલેટાના, બીજું શું. બંધારણબક્ષ્યા અધિકારો, કલમ ૨૦ અને ૨૧ના અક્ષર અને ભાવનાને ઓળાંડી જઈને આ બિલ તમારી સ્વાધીનતા અને પોત્તીકો ઈલાકો (લિબર્ટી ઍન્ડ પ્રાઈવસી) બેઉને નિર્મમપણે ગ્રસી શકે છે. સન્માન્ય ગૃહ મંત્રીએ જો કે ચીપિયો જરૂર પછાડ્યો છે કે તમે જેલબંધ લોકોના (કેદીઓના) માનવ અધિકારોની દુહાઈ દો છો પણ ભોગ બનેલાઓના માનવ અધિકારોનું શું. વાત સાચી કે એમણે વ્યાસપીઠ પરનાં વચનો પેઠે ‘ભોગ બનેલાઓના માનવ અધિકારો’નો હવાલો આપી આપણને કંઈક શરમાવ્યા કે કંઈક વિમાસણમાં મૂક્યા છે. પણ ભલા ભાઈ, આ વૈખરીછૂટા વ્યામોહની કળ લગરીક વળે ત્યારે કોઈકે તો જાગ્રતપણે એમને કહેવું ઘટે છે કે આ બિલ કથિત જેલબંધ જમાતના કથિત ભોગ બનેલાઓ બાબત નહીં પણ જેમને પકડીને જેલ ભેગા કરાયા છે, જેઓ પ્રતિબંધિત અટકાયત હેઠળ છે, અને કેદી છે એમના ‘આઇડેન્ટિફિકેશન’ બાબત છે – અને હા, જેને આપણે સર્વોચ્ચ અદાલત કહીએ છીએ તેણે ‘સેલ્વી વિ. કર્ણાટક રાજ્ય’ના કેસમાં આપેલા ચુકાદો (એક અર્થમાં કદાચ જજમેઈડ લૉ) સાફ છે કે આ પ્રકારે આઇડેન્ટિફિકેશન નિષિદ્ધ છે. સરકાર આ જાણે છે અને આપણને કહેવામાં પણ આવે છે કે આ વાત અમારા (સરકારના) ધ્યાનમાં છે અને અમે તે ધ્યાનમાં રાખીશું પણ ખરા; માત્ર આ બાંહેધરીને સૂચિત કાયદામાં વિધિવત્ સમાવવાની જરૂર અમે જોતા નથી! ૧૯૭૫ના એપ્રિલમાં અનશની મોરારજી દેસાઈને ઈંદિરા પ્રધાનમંડળના ગૃહ પ્રધાન ઉમાશંકર દીક્ષિતે મિસાનો રાજકીય ઉપયોગ નહીં કરવાની બાંહેધરી આપીને પારણા કરાવ્યા હતા તે સાંભરે છે? અને ‘rest is history’.
આરંભે સાંસ્થાનિક વર્ષો સંભાર્યાં તો સ્વરાજ પછીનાં ખાસ તો કટોકટીવર્ષોને સંભારીએ તે લાજિમ છે. બલકે, એ સવિશેષ સંભારવા જોઈએ; અને તે પણ, કમ સે કમ, બે કારણસરઃ તો સ્વાતંત્ર્યલડતમાં શોધ્યાં નહીં જડતાં હાલનાં સત્તારૂઢ પરિબળો બાકીનાને (ખાસ અલબત્ત કાઁગ્રેસને) કટોકટી વખતે બીજા સ્વરાજની લડત સંદર્ભે ચાબખા મારવાનું ચૂકતાં નથી. બેશક, એ કાઁગ્રેસની પોતાની કમાણી છે તે છે. પણ ઇંદિરા ગાંધીના કામ વિશે એમના જુલમજોહાકી તંત્ર સામે જોધારમલ પેઠે ઉભરેલા અરુણ શૌરીએ એક્સપ્રેસ બડકમદાર રામનાથ ગોયન્કાને ટાંક્યા છે તે અહીં સંભારવા જોગ છે. ગોયન્કા કહેતા ‘નહીં, અભી હથિયાર છોડનેકી જરૂરત નહીં હૈ, કૉર્ટ હૈ.’ એ દિવસો સંભારી શૌરી પૂછે છે : આજે ક્યાં છે કૉર્ટ? એક જજ ફેવરમાં ને બીજા અગેન્સ્ટમાં! (અધૂરામાં પૂરું વારતહેવારે, સિલબંધ કવરનો રવૈયો અને હા, ન્યાયમૂર્તિ ગોગોઈની પરબારી સમુત્ક્રાંતિ, રાજ્યસભામાં ને જસ્ટિસ લોયાની અકળ અંતિમ ગતિ. પૂછશો ના, શૌરીએ આપેલાં ઉદાહરણોના અનુષંગે આપણે ગુજરાતસ્તરે કોઈએ કમ સે કમ બે તત્કાળ સૂઝતાં ઉમેરણ કરી શકીએ. ન્યાયમૂર્તિ આર.એ. મહેતાને ગુજરાત હાઈકોર્ટના શબ્દોમાં ‘મીની કૉન્સ્ટિસ્ટૂયશનલ ક્રાઈસિસ’ અરજીને ધરાર લોકઆયુક્તપદ પરત્વે ઉદાસીન બલકે વિમુખ કરી મેલ્યા. અને હજુ, છેલ્લા વરસમાં – ન્યાયમૂર્તિ કુરેશીને (કેમ કે કેન્દ્ર સરકારના વર્તમાન ગૃહ મંત્રીના કેસમાં એમણે ચોક્કસ કાયદાપાલનની ફરજ પાડી હતી) કોઈ મોટા રાજ્યમાં વડા ન્યાયમૂર્તિ ન થવા દીધા તે ન જ થવા દીધા.
અલબત્ત, કટોકટી વિશે આપણી નાપસંદગી ને આક્રોશ જરા પણ ખોટાં નથી – અને આ લખનારને તો ભુક્તભોગીઓ પૈકી હોવાનું સૌભાગ્ય પણ મળેલું છે – પણ એક ઘૂંટડો કેમે કરીને ગળે ઉતારવા જોગ તો જણાય છે. એમણે જે કર્યું ’તું (નિઃશંક ખોટું જ કર્યું) એ દેખીતું તો કાનૂનન કર્યું હતું. (આ લખું છું ત્યારે બંધારણ સભાના સભ્ય કે સંથનમે ૧૯૭૫-૭૬માં કરેલા આત્મશુદ્ધિના ઉપવાસ પણ સાંભરે છે કે બંધારણમાં કટોકટીની વિધિવત્ જોગવાઈ કરતી વખતે અમે આવી સંભાવના કેમ જોઈ શક્યા નહીં).
ગમે તેમ પણ, હાડના ઇંદિરાવિરોધી શૌરીએ (જેમણે મને અંગત વાતચીતમાં કહેલું કે એવી નફરત છે મને એમને માટે કે ટી.વી. ન્યૂઝમાં એ દેખાય તો હું બાજુના ખંડમાં જતો રહું છું, એમણે) એક માર્મિક અવલોકન કર્યું છે કે આઝાદી જંગના મોટા લડવૈયા પિતા નહેરુના સાથીઓને જેલમાં પૂર્યાથી ઇંદિરાજીને કંઈક અસુખ અનુભવતાં હતાં અને લોકશાહી મર્યાદા વિશે તે કંઈક સભાન પણ હતાં. જો ચૂંટણી આપશે તો તેઓ ત્રણસો કરતાં વધુ બેઠકો સાથે ચૂંટાઈ આવશે એવા આઈ.બી. રિપોર્ટથી પ્રેરાઈને એમણે કટોકટી હળવી કરી હતી એ થિયરી કરતાં શૌરીને મતે મોડું ને મોળું તોયે મર્યાદાભાન કદાચ વધુ નિર્ણાયક પરિબળ હશે એમ સમજાય છે.
શૌરીની વાત નીકળી જ છે તો વાજપેયી પ્રધાનમંડળના આ અંગભૂત અને ૨૦૦૯ની ચૂંટણીમાં અડવાણી/મોદીના તો ૨૦૧૪ની ચૂંટણીમાં સુવાંગ મોદીના આ ટેકેદારની એ કેફિયત પણ સંભારવી અને સમજવી જોઈએ કે પોતે સંઘના આઇડિયોલૉજિક–એજન્ડા અને મોદીની માનસિકતાને સમજવામાં ગોથું ખાધું હતું. અહીં ‘નિરીક્ષક’ના સન્માન્ય લેખક સદ્ગત પ્રવીણ શેઠને સંભારું જરી? ક્યારેક છાત્રવત્ નમોની શક્તિઓનાએ ચાહક હતા, રાજકીય વિશ્લેષણ દરમિયાન સમર્થક તરીકે પણ નિઃસંકોચ ઉભર્યા હતા. પણ ૨૦૦૨માં રાજ્ય સમર્થિત હિંસાના પ્રત્યક્ષ દર્શને એમને પોતાના આકલનમાં મૂલ્યાત્મક પરિવર્તનની ફરજ પાડી અને વ્યક્તિગત સંબંધગત પક્ષપાત છોડીને એ મોદી ઘટનાના આલોચક તરીકે અસંદિગ્ધ શબ્દોમાં બહાર આવ્યા. એમના વિચારજીવનની એ નિર્ણાયક પળ હતી. જો કે તે પછી તરતનાં વર્ષોમાં મોદીના વિકાસમંત્ર અને લોકશાહી પ્રક્રિયાના તકાજાને ધોરણે એમણે પુનર્વિચારનો પંથ પકડ્યો હતો. (જેમ મોહભંગ તેમ ભાવદ્વિધાની એમની આ મનોવૈજ્ઞાનિક કશ્મકશ એક અર્થમાં અતિવિલક્ષણપણે પ્રગટ થઈ હતી – મોદીના વિકાસવેશ અને રૂપાંતરને લગતું પુસ્તક એમણે ગુણવંત શાહ અને પ્રકાશ ન. શાહને અર્પણ કર્યું હતું!)
હું સમજું છું કે આ ચર્ચા વાચકે કલ્પી હશે તે મર્યાદાથી ઉફરાટે ચાલી છે. પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામોમાં એક પંજાબનો અપવાદ છોડીને સર્વત્ર મોદી ભા.જ.પ.નો જયજયકાર આપણે જોયો છે, અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાંયે પરિણામો આ જ તરજ અને તરાહ પર આવી શકે છે એમ કલ્પવામાં સામાન્યપણે હરકત પણ ન હોય. પ્રાદેશિક પડકારો જો કે ચોક્કસ જ છે, ક્યાંક તો સીધાં ચઢાણ જેવાં પણ. પરંતુ, શૌરી કહે છે, રાષ્ટ્રીય સ્તરે જેવો મોદીકડપ છે. તેવો પ્રાદેશિક કડપ ધરાવનારાઓમાં તાત્કાલિક જવાબગુંજાશ હોય તો પણ તે વિકલ્પવસ્તુ તો નથી.
આ ચર્ચામાં આટલે સુધી પહોંચ્યા પછી આગળ નહીં જતાં એટલું જ નોંધીશું કે કટોકટી સાથેની વર્તમાન સરખામણી ન તો વર્તમાન અનવસ્થાનો જવાબ છે, ન તો આ અનવસ્થાનો વ્યાપ ને ઊંડાણ કટોકટી કરતાં ક્યાં ય વધુ હોવાની એમાં સુધબુધ છે. ઊલટ પક્ષે, સ્વાયત્ત સંસ્થાબાંધણી વડા સત્તાપક્ષના એજન્ડા પર તો છે જ નહીં – બલકે એનો એજન્ડા આ મુદ્દે, ઉધાડેછોગ અવળો માલૂમ પડે છે. સી.બી.આઈ.ની ‘સારિકા પિંજરસ્થા’ અવસ્થા એટલે કે અનવસ્થા મુલ્કમશહૂર છે. વડા ન્યાયમૂર્તિએ હજુ હમણે જ કહ્યું છે કે સંસદીય કાયદા વાટે સી.બી.આઈ.ને સ્વાયત્ત બનાવવી ઘટે છે. સરકારી નિયંત્રણશાહી (દેખીતા કટોકટી કાનૂન વગર) કેવી રીતે કામ કરે છે એનો એક નાદર નમૂનો ટીકાકાર પર એન્ફોર્સમેન્ટ ધોંસની શૈલી છે. છેલ્લાં અગિયાર વરસમાં આવા ૧.૭૦૦ દરોડા પડ્યા જેમાંથી સજાપાત્ર વાસ્તવમાં નવ, કેવળ નવ જ ઠર્યા છે!
સ્વાયત્ત સંસ્થાબાંધણી સમેતના મુદ્દાઓને સત્તાપક્ષ-વિપક્ષના સીમિત દાયરામાંથી બહાર કાઢી નાગરિક સમાજ હિલચાલના અગ્રમુદ્દા તરીકે પ્રસ્થાપિત કરવાની તાકીદ કદાપિ નહોતી એટલી આજે છે. આઝાદીના અમૃતપર્વનાં શોરઉજવણાંમાં જલિયાંવાલાના આ સાદ-પ્રતિસાદનાં ઓસાણ અન્યથા અધીરબધિર સૌને કદાપિ ન છૂટો.
એપ્રિલ ૧૩, ૨૦૨૨
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2022; પૃ. 01-02