છે આકરો ને અકળ-અઘરો, આ સમય ચાલ્યો જશે.
કે કાળમીંઢ-કરાલ કપરો, આ સમય ચાલ્યો જશે.
ગમગીન છે એથી ય વધુ ગંભીર છે વાતાવરણ,
ભૂલો નહીં ખતરનાક ખતરો, આ સમય ચાલ્યો જશે.
ઘરમાં રહેવાનું સપરમું પર્વ છે સૌ માનજો,
ના મોતનો ખેલો અખતરો, આ સમય ચાલ્યો જશે.
લ્યો સાવધાની, એ જ જંગ જીતવાનો માર્ગ છે,
ક્યાં કાયમી છે? ધીરજ ધરો, આ સમય ચાલ્યો જશે.
માણસ થયો ખાલીખમ અને બોજ ભારેખમ થયો,
માણસ થયો સાવ લઘરો, આ સમય ચાલ્યો જશે.
બાંધી ન શક્યા કોઈ એને બંધ મુઠ્ઠીમાં કદી,
ફાવી ન શક્યો કો' પેંતરો, આ સમય ચાલ્યો જશે.
આ તો સમય છે ભલભલાનોયે ઊતારી દે નશો,
નવરો ય ને કેવો નફકરો, આ સમય ચાલ્યો જશે.
અવસર મળ્યો છે આંસુઓને લૂછવાનો આજ તો
ખાલી કરો ના બસ ખરખરો, આ સમય ચાલ્યો જશે
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 મે 2020