થાળીવાજું ને લોલકવાળું ઘડિયાળ, બંબો ને પાટલા:
સાપ તો ગયા, પણ લિસોટાય ના રહ્યા
ગયે શનિવારે આપણે કાલબાદેવી રોડ પર લટાર મારવામાં રોકાયા એટલે ભગવાનદાસકાકાને ઘરે જઈ ન શક્યા. પણ આજે તો જવું જ છે. આ આવ્યું ગોવિંદ નિવાસ. ભોંય તળિયે બે દુકાન છે, એક મોટી, એક નાની. મોટીનું નામ કાકાફોન. અજાયબ નામ લાગે છે નહિ? એ જમાનો હતો થાળીવાજું કહેતાં ગ્રામોફોનનો. દરેક ભાષાને પોતાની તાસીર હોય છે. નવી વસ્તુઓ માટે એ તાસીર પ્રમાણે તે નવાં નામ ઉપજાવી કાઢે છે. આવી બે નવી વસ્તુ તે રેકર્ડ અને ગ્રામોફોન. ગોળમટોળ રેકર્ડનું આપણે નામ પાડ્યું થાળી, અને તે વગાડવા માટેનું જે મશીન તે થાળીવાજું. સંસ્કૃતના હઠાગ્રહીઓએ જો કે ‘ધ્વનિમુદ્રિકા’ એવું જડબાતોડ નામ પાડેલું, પણ ઓલ ઇન્ડિયા રેડિયો સિવાય બીજે ક્યાં ય તે વપરાતું નહિ. પહેલાં તો ૭૮ આર.પી.એમ.ની જ રેકર્ડ આવતી. સાડા ત્રણ મિનિટમાં ખેલ ખતમ. એટલે જ શરૂઆતનાં ઘણાં વર્ષો ઘણીખરી હિન્દી ફિલ્મમાં દરેક ગીત સાડા ત્રણ મિનિટમાં પૂરું થઈ જતું. પછી ૪૫ અને ૩૩ આર.પી.એમ.ની રેકર્ડ આવી. થાળીવાજું પણ હાથ વડે ચાવી દઈને ચલાવવાનું. પછી ટર્ન ટેબલ પર રેકર્ડ મૂકી ગ્રામોફોન ચાલુ કરવાનું. હળવે હાથે રેકર્ડ પર સાઉન્ડ બોક્સ મૂકવાનું, એવી રીતે કે તેમાંની પીન ફરતી રેકર્ડની બહારની ધાર પર આવે. અને ગ્રામોફોનના ભૂંગળામાંથી સૂરો વહેવા લાગે: ‘બીના મધુર મધુર કછુ બોલ.’ આ કાકાફોનની દુકાનમાં થાળી અને થાળીવાજાં વેચાય, સાઉન્ડ બોક્સ અને તેમાં ભરાવવાની પીનની ડબ્બીઓ વેચાય, સ્પ્રિંગ, હેન્ડલ, ભૂંગળાં વેચાય. મોટા ભાગની રેકર્ડ એચ.એમ.વી. કંપનીની. ગ્રામોફોન સાંભળતા વફાદાર કૂતરાનું ચિત્ર ત્યારે વાઈરલ. થોડી રેકર્ડ કોલમ્બિયા કંપનીની. બંને વિદેશી. દેશી કંપની એક યંગ ઇન્ડિયા. આ દુકાનમાં કાચ જડેલી ત્રણ કેબિન. ખરીદતાં પહેલાં તમે એમાં બેસીને રેકર્ડ સાંભળી શકો. ગમે તો લેવાની. કેટલાક આ રીતે માત્ર સાંભળવા પણ જાય.
થાળીવાજું
બાજુમાં નાની દુકાન છે આપ્ટે કોલ્ડ ડ્રિંક હાઉસની. હજી ફ્રિજ આવ્યાં નથી એટલે લાકડાની મોટી મોટી પેટીઓમાં બરફ વચ્ચે મૂકીને બાટલીઓ ઠંડી રાખે. ૧૯૫૦ પહેલાં કોઈએ કોકા કોલાનું નામ નહોતું સાંભળ્યું. રોજર્સ, ડ્યુક, કાતરક, અને એવી બીજી થોડી કંપનીઓ. બાટલીઓ પણ ગોટી કે લખોટીવાળી. લાકડાના ડટ્ટાથી ગોટી ખોલીને આઈસક્રીમ સોડા કે રાઝબેરી, કે લેમન ગ્લાસમાં રેડે. ઉપરથી બરફના ગાંગડા નાખે. એક બાટલીની કિંમત એક આનો, કે બહુ બહુ તો બે આના. ૧૯૫૦માં કોકા કોલા પહેલી વાર આવ્યું ત્યારે એ સૌથી મોંઘું, એક બાટલીના ચાર આના. ‘બઝાર આઈસ’ ખવાય નહિ એવું એ વખતે કોઈ જાણે-માને નહિ. ઘણીખરી દુકાનો તાજું શરબત પણ વેચે. તેના રંગબેરંગી બાટલા એક છાજલી પર ગોઠવ્યા હોય. રોઝ, કાચી કેરી, ખસ, નારંગી, જે માગો તે શરબતનો એક ચમચો પાણીમાં ભેળવી, ઉપરથી બરફ નાખીને આપે. બે પૈસામાં અડધો ગ્લાસ શરબત પણ મળે! ફ્રિજ નહોતાં એટલે ઘરમાં કોલ્ડ ડ્રિંકની બાટલીઓ ભાગ્યે જ રખાય. જરૂર પડે ત્યારે આવી દુકાનમાંથી મગાવી લેવાય. આસપાસની દુકાનો કે ઓફિસો પણ ક્યારેક મગાવે. રાહદારીઓ દુકાનમાં આવી, લાકડાની પાટલી પર બેસી ગટગટાવી જાય. ઉનાળામાં ગિરદી, શિયાળા-ચોમાસામાં કાગડા ઊડે.
દીવાનખાનાનો દેખાવ
આ બે દુકાનની વચ્ચે મકાનનો દરવાજો છે. ચાલો ઉપર ચડીએ. શું? લિફ્ટ? નથી. હજી રહેણાકનાં મકાનોમાં લિફ્ટ આવી નથી. મોટી મોટી ઓફિસોવાળાં મકાનોમાં હોય. પણ એનો ઉપયોગ પણ સાહેબલોકો જ કરે. કારકૂન કે પટાવાળાએ તો પગથિયાં જ ઘસવાનાં. અને જો કોઈ ગોરો લિફ્ટમાં હોય તો તો બાકીના બધા ‘દેશી’ઓ બહાર જ અદબ વાળીને ઊભા રહી જાય. જરા સંભાળીને ચડજો. લાકડાનાં પગથિયાં બહુ વપરાવાને લીધે વચમાંના ભાગે થોડાં ઘસાઈ ગયાં છે. બાજુમાં લાકડાનો કઠેડો છે તે પકડીને ચડવા માંડીએ. અહીં દિવસે પણ ઝાઝું અજવાળું આવતું નથી એટલે ચોવીસ કલાક દરેક માળના લેન્ડિંગ પર ઝીરો વોટનો બલ્બ બળતો હોય. આ આવ્યો ચોથો માળ. એ વખતે બધી ઈલેક્ટ્રિકલ સ્વીચ ગોળ આકારની અને કાળા રંગની. લાઈટ-પંખા માટેની સ્વિચમાં વચ્ચે લિવર હોય, બેલ માટેની સ્વિચમાં લાલ પુશ બટન. બેલ વાગી પછી એકાદ મિનિટે સોનુ ઘરઘાટીએ મલપતી ચાલે આવી બારણું થોડું ખોલ્યું. ‘કોણ પાહિજે?’ ‘ભગવાનદાસ શેઠ.’ એ વખતે માન આપવા માટે નામ પછી શેઠ લગાડવું લગભગ અનિવાર્ય, ગુજરાતીઓમાં તો ખાસ. મોઢાં જોઇને લાગ્યું હશે કે ચોર કે માગવાવાળા નથી, એટલે સોનુએ બારણું પૂરું ઉઘાડ્યું. ઉઘડતે બારણે નીચે ‘ભલે પધાર્યા’ લખેલું કાથાનું પગ-લુછણિયું મૂક્યું છે. ફર્શ સફેદ કપચી(મોઝેઇક)ની છે. તેમાં વચ્ચે વચ્ચે લાલ, લીલી, ભૂરી કપચીથી ફૂલ-પાંદડાંની ડિઝાઈન બનાવી છે.
લોલકવાળી ઘડિયાળ
ભગવાનદાસકાકા ચાર રૂમના ઘરમાં રહે છે. ‘ફ્લેટ’ કે ‘અપાર્ટમેન્ટ’ શબ્દ હજી અજાણ્યો છે. બી.એચ.કે. કે સ્ક્વેર ફીટની ભાષા કોઈએ સાંભળી નથી. ડ્રોઈંગ રૂમ દીવાનખાનું કે બેઠકના ઓરડા તરીકે ઓળખાય છે. તેમાં બેસવાની વ્યવસ્થા પણ આજના કરતાં અલગ છે. રૂમની વચમાં મોટું ગોળ લાકડાનું ટેબલ અને તેને ફરતી ચાર કે છ લાકડાની ખુરસી. ભીંત સરસાં કાં કબાટ, કાં ટેબલ, કાં લાંબા કોચ – આજના સોફાના પૂર્વજ. જુઓ: બારીઓ પર કાચની ભૂંગળીઓના બનાવેલા ચક (પડદા) લગાડ્યા છે – કશું ઢાંકવા માટે નહિ, શોભા માટે. ઉપર વિલાયતી નળિયાંવાળું ઢળતું છાપરું છે એટલે સિલિંગ બહુ ઊંચી છે. તેથી સિલિંગ ફેનને બદલે એક નાના સ્ટૂલ પર ટેબલ ફેન ગોઠવ્યો છે. ચાર ભીંત પર ચાર લાઈટ છે, કાચના સફેદ શેડવાળી. દરેકમાં ૪૦ વોલ્ટના બલ્બ. એક દિવાલ પર મોટું કેલેન્ડર લટકે છે, વિષ્ણુ ભગવાનના ચિત્રવાળું. પૈસા ખરચીને ભગવાનદાસકાકા આ કેલેન્ડર નથી લાવ્યા. દાણાવાળાએ મફત આપ્યું છે. કેલેન્ડર પર એક સાબુની જાહેર ખબર છાપી છે એટલે દુકાનદારને આવાં કેલેન્ડર ઘરાકોમાં વહેંચવા માટે મફતમાં મળ્યાં છે. તેની નીચે લાકડાના ટેબલ પર એક ગ્રામોફોન અને એક રેડિયો મૂક્યાં છે. બીજી દીવાલ પર મોટું, લાંબું, લાકડાનું, લોલકવાળું ઘડિયાળ લટકે છે. દર શનિવારે સોનુ તેને ચાવી આપે છે. ત્રીજી દિવાલ પર ભગવાનદાસકાકાનાં મા-બાપનો જૂનો થઇ ગયેલો, ડાર્ક બ્રાઉન કલરની લાકડાની ફ્રેમમાં મઢેલો સેપિયા રંગનો ફોટો છે. ખોટાં લાલ ગુલાબના ફૂલનો હાર દર બે-ત્રણ વરસે બદલાય છે.
તારીખિયું
અને ચોથી દિવાલ પર છે ભગવાનદાસકાકા અને તેમનાં પહેલી વારનાં પત્નીનો ફોટો. લગ્ન પછી ત્રણ વર્ષે સુમનકાકી ટીબીમાં ગુજરી ગયાં. તેમની સાથે પડાવેલો એકમાત્ર ફોટો ભગવાનદાસકાકાના આગ્રહથી અહીં લટકાવ્યો છે. પહેલી પત્ની પાછી થઈ તે પછી ત્રીજે મહિને ભગવાનદાસકાકાએ બીજાં લગ્ન કર્યાં, ઉંમરમાં ૧૩ વરસ નાનાં વિલાસકાકી સાથે. ઘરમાં એકલાં હોય ત્યારે ઘણી વાર વિલાસકાકી ‘સુમન’ના ફોટા સામે તાકી રહે છે. મનમાં સવાલ ઊઠે છે: વિલાસ, તારી સાથેનો ફોટો ભીંત પર કેમ નહિ? તરત એ જ મન જવાબ આપે છે: ફોટો લટકાવવો હોય તો સુમનની જેમ મરવું પડે. અને એ તો આ ઉંમરે પણ ત્રીજીને ઘરમાં લાવે એવા છે. એના કરતાં છીએ તે જ ઠીક. વિલાસકાકી ચોવીસે કલાક ગુજરાતી ઢબે સાડી પહેરે છે અને માથું ઢાંકેલું રાખે છે. બંને હાથમાં સોનાની જાડી બંગડી. ગળામાં મંગળસૂત્ર. કમરે ચાંદીના ઝૂડામાં ભરાવેલી ઘરના કબાટોની ચાવીઓ. મોટા દીકરા શિવલાલની વહુ રમીલા સાથે વિલાસકાકીને બહુ નથી બનતું, પણ ઘર હોય ત્યાં બે વાસણ ખખડે પણ ખરાં એમ વિચારી મન વાળી લે છે. વિલાસકાકી માંડ માંડ ગુજરાતીમાં સહી કરી શકે છે, જ્યારે રમીલા સાત ચોપડી ભણેલી છે. સસરાજી દુકાને જાય પછી ગુજરાતી છાપું લઈને વાંચે છે. વિલાસકાકીને પાક્કી ખાતરી છે કે રોજ છાપું વાંચવાથી જ આ વહુ ‘બગડી’ ગઈ છે. શિવલાલ અને રમીલાને ત્રણ છોકરાં – બે બાબા અને એક બેબી. સૌથી નાની બેબી, ચૌદેક વરસની થઈ છતાં હજી ઘરમાં ફરાક પહેરે છે તે વિલાસકાકીને જરા ય ગમતું નથી. ભગવાનદાસકાકાનો નાનો દીકરો રમેશ ‘ઇન્ટર પાસ’ છે. તેનું મન શેર બજારના લિયા-દિયા તરફ વળેલું છે. ભગવાનદાસકાકાની દીકરી સુશીલાને ધરમપુરમાં ‘મોટે ઘરે’ પરણાવી છે. સુખી છે. વરસે દહાડે પિયર આવે ત્યારે વિલાસકાકી તેને ભાવતી જાયફળ નાખેલી વેડમી ખાસ બનાવે છે. સુશીલા આવે ત્યારે ઘરનાં બધાં એડવર્ડ થિયેટરમાં એક-બે ફિલ્લમ જોવા જરૂર જાય છે. તે રહે એટલા દિવસ રમીલાનો તોબરો ચડેલો રહે છે કારણ સુશીલાને જ્યાં હરવુંફરવું હોય, જે ખાવુંપીવું હોય તેની છૂટ હોય છે. અને હા, તે તો ‘બંગાળી ઢબે’ જ સાડી પહેરે છે. અને માથે ઓઢતી નથી. સુશીલા આટલી બધી ‘સુધરેલી’ છે તેનું કારણ એ કે તેનાં સાસુ-સસરા અગાઉ ઘણાં વરસ આફ્રિકા અને પછી ઇંગ્લન્ડમાં રહ્યાં હતાં. થોડાં વર્ષો પહેલાં જ તેઓ ધરમપુર પાછાં આવ્યાં હતાં. એટલે જૂનવાણી રિવાજોમાં માનતાં નહોતાં.
પાણી ગરમ કરવા માટેનો બંબો
આપણે ભગવાનદાસકાકાના દીવાનખાનામાં નજર ફેરવતા બેઠા હતા ત્યારે વિલાસકાકી ધીમેથી રસોડામાં સરકી ગયાં હતાં. ના, રસોડામાં નથી ગેસના ચૂલા, નથી ફ્રિજ, નથી ડાઈનિંગ ટેબલ અને ખુરસીઓ. રસોડાની એક બાજુએ દસ-બાર લાલ રંગના લાકડાના પાટલા ખડકેલા છે. રોજની રસોઈ કોલસાની ભઠ્ઠી પર થાય છે. એટલે બદામી કોલસાની ગુણ રસોડાના એક ખૂણામાં પડી છે. ચા-કોફી કરવા માટે એક પ્રાઈમસ છે. પ્રેશર કૂકર કે મિક્સર હજી આવ્યાં નથી. આદુ-મરચાં-કોથમીર પથ્થર પર વાટી રોજ તાજી ચટણી બને છે. વાસણો ઘણાંખરાં પિત્તળનાં છે. દર બે-ત્રણ મહિને તેને કલાઈ કરવા માણસ આવે છે. બે અભરાઈઓ ઉપર પિત્તળનાં ચળકતાં વાસણ હારબંધ ગોઠવ્યાં છે. બીજી એક અભરાઈ પર મેથિયું, છૂંદો, ગોળકેરી, ગરમર-ગુંદાં, જેવાં અથાણાંના મોઢું બાંધેલા સફેદ બાટલા ગોઠવ્યા છે. આખું વરસ ચાલે એટલાં અથાણાં ઉપરાંત વડી-પાપડ વગેરે દર ઉનાળે ઘરમાં જ બને છે. એ વખતે અડોશપડોશની સ્ત્રીઓ મદદ કરવા આવે છે અને કેટલાંક ટાબરિયાં વણેલા પાપડ અગાસીમાં સૂકવવા માટે દોડાદોડ કરે છે. હજી વોટર ફિલ્ટરનો જમાનો આવ્યો નથી. નળ ઉપર માદરપાટના કટકાનું ગરણું બાંધી દીધું એટલે પત્યું. બે માટલાં અને એક નળવાળી કોઠીમાં રોજ તાજું પાણી ભરવાનું કામ રમીલાને માથે છે. ઘરઘાટી સોનુ માટે એક નાની માટલીમાં અલગથી પાણી ભરાય છે. નહાવાની ઓરડી(બાથ રૂમ)માં ગરમ પાણી માટે તાંબાનો મોટો બંબો છે. રોજ સવારે કોલસા પેટાવી તેમાં પાણી ગરમ થાય છે. હજી ભાગ્યે જ કોઈ ઘરોમાં શાવર હોય છે. નહાવા માટે તાંબા કે પિત્તળનાં બાલદી-લોટો વપરાય છે.
ચાલો પાછા દિવાનખાનામાં. જર્મન સિલ્વરનાં કપ-રકાબીમાં ગરમાગરમ અને ઘરમાં બનાવેલા મસાલાવાળી ચા અને પિત્તળની રકાબીમાં ચેવડો અને શંકરપારાનો નાસ્તો લઈને રમીલા આવી ગઈ છે. આજે હવે જર્મન-સિલ્વર વપરાતું બંધ થયું છે. તેમાં સિલ્વર કહેતાં ચાંદી તો તલભાર હોતી નથી એટલે એ નામ વાપરવા પર પણ કાયદાથી પ્રતિબંધ મૂકાયો છે. પણ એ વખતે જર્મન સિલ્વરનાં વાસણ સ્ટેટસ સિમ્બલ ગણાતાં. ચા-નાસ્તાને ન્યાય આપીને ચાલો, ‘આવજો’ કહીને દાદરા ઊતરી જઈએ. એ વખતે કવિ ‘કાન્ત’નું એક ગીત લોકોમાં સારું એવું પ્રચલિત થયું હતું:
મહેમાનો ઓ વહાલાં પુનઃ પધારજો,
તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો.
પણ ગોવિંદ નિવાસનાં પગથિયાં ઊતર્યા પછી ક્યાં જવાનું છે? રાહ જુઓ આવતા શનિવાર સુધી.
e.mail : deepakbmehta@gmail.com
સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 21 ડિસેમ્બર 2019