મેં આ વર્ષના – ૨૦૧૯ના – મે-થી જૂન દરમ્યાન પીઓરીઆની 'ઈલિનોય સૅન્ટ્રલ કૉલેજ'માં – ICCમાં – અમેરિકન વિદ્યાર્થીઓને ૬ અઠવાડિયાં માટે દરેક મંગળવારે ૨ કલાક ભણાવ્યું હતું.
૬ અઠવાડિયાંના મારા એ કોર્સનો વિષય હતો : Suffering and the pursuit of Happiness : પીડા અને સુખ-પરિશીલન.
સ્વાભાવિક છે કે મેં અંગ્રેજીમાં જ ભણાવેલું. ચર્ચાઓ પણ અંગ્રેજીમાં થયેલી. હું એ વ્યાખ્યાનોને આવશ્યક કાપકૂપ સાથે આ સ્થાને ગુજરાતીમાં લગભગ અનુવાદ રૂપે મૂકું છું. આશા છે કે સૌને ગમશે.
= = =
ઉપરના આયોજન અનુસાર, આ સ્થાને મેં તારીખ ૧૨, ૧૯ અને ૨૬ ઑક્ટોબરે, કેટલીક વાતો કરી હતી. તેના અનુસન્ધાનમાં આગળ … 4
પીડાનાં મુખ્ય કારણોમાંનાં બે :
અ : પસંદગીઓને કારણે પીડા —
જીવનના આ કઠિન તથ્ય વિશે વિચારીએ કે આપણે મનુષ્યો ઘણી મોટી સ્વતન્ત્રતા સાથે જન્મ્યાં હોઈએ છીએ. એ સ્વતન્ત્રતા એટલી બધી મોટી છે કે આપણે કોઈ પણ વસ્તુ પસંદ કરી શકીએ. કોઈ વિચાર કશી વાત કે કશું પણ કાર્ય પસંદ કરી શકીએ. આપણે સર્વથા મુક્ત હોઈએ છીએ. પરન્તુ છેલ્લે જે હકીકત હાથ આવે છે તે એ કે આપણે કરેલી આપણી પસંદગી બરાબર ન્હૉતી ! પસંદ કરેલો આપણો વિચાર, વાત કે આપણું કાર્ય ગલત હતાં. ધીમે ધીમે આપણને સમજાય છે કે – નો ચૉઇસ વૉઝ રાઇટ ચૉઇસ; અને આપણે દુ:ખી થઈ જઈએ છીએ.
પસંદગી માનવીય પીડાનું એક મહા મોટું કારણ છે.
પીડાના આ કારણને સમજવા આ એક સામાન્ય દાખલો :
ધારો કે, કોઈ સ્ટોરમાંથી, ‘વૉલમાર્ટ’-માંથી, આપણે ટૂથપેસ્ટ ખરીદવા ગયા છીએ. ત્યાં જે ૧૦ ટૂથપેસ્ટ હતી એમાંથી આપણે કોઈ ૧ પસંદ કરીએ છીએ. એકાદ અઠવાડિયામાં સમજાય છે કે પેસ્ટ બરાબર નથી, પસંદગી ખોટી હતી. આવું આપણી કોઈ પણ પસંદગી બાબતે બને છે. – કાર, ફોન, હાઉસ, વગેરે. માનવીય સમ્બન્ધ માત્ર વિશે આવું બને છે -ઍમ્લોયર / ઍમ્પલોઈ; ફ્રૅન્ડ્ઝ કે બૉયફ્રૅન્ડ / ગર્લફ્રૅન્ડ; કે વાઈફ / હસ્બન્ડ … જ્હૉન કહેતો હોય છે કે પોતે જે કમ્પનીમાં જોડાયેલો એ બોગસ નીકળી; મિત્ર જ દુશ્મનની જેમ વર્તવા માંડે; પત્ની કે પ્રિયા છોડીને ચાલી જાય; વગેરે.
મોટા ભાગની પસંદગીઓ માટે વ્યક્તિ પોતાને દોષી માનવા લાગે છે. કહે – ઉતાવળ થઈ ગઈ. બીજે જોયું જ નહીં . ઘણા કહેતા હોય છે – આથી વધારે સારું મળ્યું હોત, પણ ચૂકી જવાયું, થતાં થઈ ગયું, શું કરીએ … ઝીણી ઝીણી પીડા શરૂ થઈ જાય છે ને વ્યક્તિ એક નવી પસંદગી ન કરે ત્યાં લગી ચાલુ રહે છે, નવી પસંદગીનું તાત્ત્વિક ભાવિ પણ એ જ હોય છે.
પસંદગીઓને કારણે પીડા એ મુદ્દામાં એક ઑર હકીકત ઉમેરાતી હોય છે :
મોટા ભાગના લોકો મોટે ભાગે પોતાની પસંદગીનું મૂલ્ય નથી ચૂકવતા. એ માટે તૈયાર કે તત્પર નથી હોતા. એટલું જ નહીં, પોતાની જ પસંદગીને ડિઝ-ઓન કરે છે. કહે, એ તો મારા ડૅડની ચૉઈસ હતી, મારી નહીં. છોકરી કાકાએ પસંદ કરેલી, મેં નહીં … આપણી જ પસંદગીનો બોજ આપણાથી વેઠાતો નથી. આપણને યાદ જ નથી રહેતું કે આપણી પસંદગીનું મૂલ્ય આપણે જ ચૂકવવાનું હોય છે.
કોઈ કનટ્રોલ-ફ્રીકના હાથે હસતા મુખે ત્રાસ અનુભવતી યુવતી.
બીજું પિક્ચર ICC -ના કૅટરિન્ગ સૅન્ટરનું છે.
નાનો ઉપસંહાર :
૧ : પસંદગીઓ હંમેશાં આપણને પ્રાપ્ત ક્ષેત્રમાંથી જ થતી હોય છે અને એ ક્ષેત્ર સ્વાભાવિક છે કે હંમેશાં મર્યાદિત હોય છે.
૨ : મોટા ભાગની પસંદગીઓ છેવટે અસંતોષ આપે છે. આપણને આપણી ભૂલોનો અહેસાસ કરાવે છે. આપણને પસ્તાવો કરાવે છે – બીજાં અનેક ક્ષેત્રોમાં અનેક પસંદગીઓનો અવકાશ હતો પણ મેં એ ક્ષેત્રો શોધ્યાં નહીં.
૩ : એટલે આપણે ઇચ્છાએ કે અનિચ્છાએ સ્વીકારવું રહ્યું કે કોઇ પણ પસંદગી ખરી નથી ઊતરતી, એટલું જ નહીં, પણ દરેક પસંદગી પ્રશ્નાર્થ હેઠળ ઝઝૂમતી હોય છે, દરેક પસંદગી અન્ય પસંદગીને ચીંધતી હોય છે.
૪ : પ્રત્યેક વૈયક્તિક પસંદગી સામે એનાં કેટલાંક મુકરર ચૂકવણાં હોય છે, પણ વાસ્તવમાં ઊંધું-અવળું જ બનતું હોય છે.
૫ : આ રીતે આપણે શીખવું જોઈશે કે પસંદગીની સ્વતન્ત્રતા, ફંટાઈ જાય છે, સાચી દિશામાં નથી જતી. એવી વિ-પથે પળેલી પસંદગી અસંતોષ અને બેચૅની પેદા કરે છે, જે ક્રમે ક્રમે પીડા રૂપે અનુભવાય છે.
૬ : રોજિંદું જીવન ટેવોથી જિવાતું હોય છે. એ રીઢી ટેવો આપણને પસંદગીઓની આ મૂળ ભાત લગી નથી પ્હૉંચવા દેતી. અને એને પરિણામે, આપણને કશા ઉપકારક ઉકેલ નથી જડતા.
આપણે રૂટિન લાઇફ વિશે ભાગ્યે જ વિચારીએ છીએ. આપણને ભાન નથી પડતું કે સવારથી માંડીને રાત્રે પથારીમાં પડીએ ત્યાં લગીમાં આપણે શું કર્યું બલકે જે કર્યું તે કેવી રીતે કર્યું. રૂટિનને મનોવિજ્ઞાનીઓ ટેવોની હારમાળા કહે છે એ મને સર્વથા ઉચિત લાગ્યું છે. આપણે એવો ભરોંસો રાખીને જીવીએ છીએ કે ટેવો વડે જીવન સરળતાથી જિવાશે. એ ભરોંસો લગભગ સાચો છે છતાં આપણે ભાગ્યે જ વિચારીએ છીએ કે એ સરળતા વાસ્તવમાં કેટલી બધી ઓછી હતી.
બ : બધાં પર કાબૂ મેળવવાની વૃત્તિને કારણે – કન્ટ્રોલ ફૅક્ટરને કારણે – પીડા :
આપણા સૌનો અનુભવ છે કે બીજાંના અન્ડરમાં રહીને કામ કરવું આપણને નથી ગમતું. કહો કે, કેટલું બધું પીડાદાયક હોય છે. તેમ છતાં, આપણામાંના ઘણા બીજાંઓને પોતાના કાબૂમાં રાખવા ઇચ્છતા હોય છે. ઇચ્છા પાર પાડવાને ગાળાગાળી કરતા હોય છે, એથી મોટી મારઝૂડ જેવી હિંસા પણ અજમાવતા હોય છે.
પરન્તુ બીજાંઓને કાબૂમાં લેવાં કે રાખવાં એ માનવસ્વભાવ છે. એમ આપણે બીજાંઓનાં ભલા માટે કરતા હોઈએ છીએ -જેમ કે, માબાપો સન્તાનોને એમના ઉત્તમ ભાવિ માટે; વેપારીઓ કામદારોને વેપારના સર્વોત્તમ પરિણામ માટે, એટલે કે, નફા માટે; પતિઓ પત્નીઓને અને પત્નીઓ પતિઓને કાબૂમાં લે એ આમ તો રૂડુંમીઠું દેખાય છે છતાં કટુ હોય છે અને એના સ્વાભાવિક પરિણામ લગી પ્હૉંચે ત્યાંલગી એવું – ને – એવું સંમિશ્ર રહે છે.
જાણીતું છે કે આવા કાબૂખોર લોકોને ‘કન્ટ્રોલ-ફ્રીક’ કહેવાય છે. પરન્તુ એથી આસપાસનાં સૌને કે સમગ્ર સમાજને કશો જ ફાયદો નથી થવાનો. સામાવાળા તો દુખી થશે જ પણ એ પોતે પણ થશે, થશે જ, ને કાયમ એમ જ રહેશે !
આથી સામેનું સત્ય એ છે કે આપણને આપણા પોતાના કન્ટ્રોલમાં રહેવું હંમેશાં ગમે છે. એટલે કન્ટ્રોલ-ફ્રીકે અને આપણે સૌએ એક યાદી બનાવી લેવી જોઈએ કે આપણને કઈ કઈ બાબતે પોતાના કન્ટ્રોલમાં રહેવું ગમે છે. એ યાદીમાં એક એ ઉમેરવું કે બીજાંને કન્ટ્રોલમાં લેવાનું મને નહીં ગમે, ને એ હું નહીં કરું.
= = =
તારીખ : ૮ નવેમ્બર ૨૦૧૯
પીઓરીઆ : યુ.ઍસ.એ.