હૈયાને દરબાર
નવરાત્રિ આવે એટલે અવનવા ગરબાની કથા મંડાય. જૂનાં ને જાણીતાં ગરબા તો આપણને આવડે જ પણ કેટલાક ક્લાસિક ગીત-ગરબા વિશે વાત કરવી છે. પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા સ્વરાંકિત એવી સ્તુતિ ‘આભને ઘડૂલે દીપે દીવડો’ સુમન કલ્યાણપુરના સ્વરમાં ગવાયેલી ઉત્તમ રચના છે.
"કવિ રમેશ જાની રેડિયો રૂપક કરતા હતા. એમને માટે સૌથી પહેલાં આ ગીત મેં સ્વરબદ્ધ કર્યું અને આનંદકુમાર સી. પાસે ગવડાવ્યું હતું. ત્યારબાદ એચ.એમ.વી.ને સુમન કલ્યાણપુરની એક ઈ.પી. બહાર પાડવી હતી તેથી એમણે મારો સંપર્ક કર્યો. આભને ઘડૂલે તાજું જ સ્વરાંકન હતું એ મેં સુમનજીને સંભળાવ્યું. આ ગીત એમને એટલું બધું ગમી ગયું કે એમણે પંડિત હરિપ્રસાદજીને પણ આ ગીતમાં ફ્લુટ વગાડવાનું ઈજન આપી દીધું. એ વખતે સુમન કલ્યાણપુર ખારમાં રહેતા હતાં અને એમના ઘરની ઉપરના માળે પંડિત હરિપ્રસાદ ચૌરસિયા રહે. તેથી આ ગીત માટે હરિજી પણ તરત તૈયાર થઈ ગયા. પછી તો સુમન કલ્યાણપુરના અવાજમાં જ એ લોકપ્રિય થયું.” પુરુષોત્તમ ઉપાધ્યાય જૂની સ્મૃતિઓ તાજી કરતાં કહે છે.
ગુજરાતીઓ માટે માતાજીની સ્તુતિ, આરતી, ગરબા-રાસનું મહત્ત્વ ઘણું છે. લોકગીતોની મહત્ત્વની બે સરવાણી એટલે સંતવાણી અને રાસ-ગરબા.
રાસ-ગરબા એ લોકસંગીતનું અવિભાજ્ય અંગ છે. ગુર્જર ગરબો એ સંસ્કૃતિનું મંગલમય પ્રતીક છે. ગરબામાં વસ્તુ દૃષ્ટિએ વર્ણન, કથા, સંવાદો, સંદેશ, સ્તુતિ તથા સ્થાનનું અપાર વૈવિધ્ય જોવા મળે છે. અવિનાશ વ્યાસે અનેક ગરબા લોકપ્રિય કર્યા હતા. એ સિવાય મુંબઈનાં વીણા મહેતા, ‘વર્ણમ્’ તથા ‘કલાસંગમ’ના ગરબા એક સમયે ખૂબ પ્રચલિત થયાં હતાં. ૧૯૭૪માં ‘વર્ણમ્’ શરૂ થયું ત્યારે પહેલવહેલાં કોરિયોગ્રાફર તરીકે ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણસાલીનાં માતા લીલા ભણસાલી હતાં. ‘વર્ણમ્’ની વિશેષતા એટલે રાસ ગરબા અને પ્રયોગશીલ નૃત્ય, જ્યારે ‘કલાસંગમ’ના ગરબામાં શાસ્ત્રીયતા વધારે જોવા મળે. સંગીતકાર-ગીતકાર નિનુ મઝુમદારે ગરબામાં વિશિષ્ટ પ્રયોગો કર્યા હતા, જેમાં ‘ઋતુરંગ’ ‘નવરસ’ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમા ગરબાનો પ્રયોગ ઉલ્લેખનીય કહી શકાય.
કૌમુદી મુનશી આ ગરબા વિશે કહે છે, "નિનુ મઝુમદાર ગરબામાં જુદા જુદા વિષયો વણી લઈ ઘણા પ્રયોગો કરતા. ક્યારેક પારંપરિક ગરબાની પહેલી લાઈન યથાવત જાળવી રાખીને બાકીનો ગરબો પોતાની રીતે રચતા. નારી ગૌરવના ગરબા પણ એ લખતા. જેમ કે, ઝીણી ઝીણી ઘૂઘરીઓ ઘમકે, છમકે, ઝમકેમાં છેલ્લો અંતરો ખૂબ સરસ છે :
સર્જન બિંદુ માનું પ્રગટી ઘર ઘરમાં સોહાય,
દેવ રમે છે સઘળે જ્યાં જ્યાં નારીઓ પુજાય,
કે લક્ષ્મીરૂપ થઈને આવે માડી સૌને દ્વારે દ્વારે ..!
સ્ત્રીનું માન સાચવવાની આ વાત મને બહુ ગમી ગઈ હતી. સાહિત્યિક દૃષ્ટિએ એમના ગરબા સરસ હોય છે. ઓ માડી તારાં મંદિર ઝાકમઝોળ તથા કાળી દાંડીનો ડમરો … પણ લોકપ્રિય હતા.
ગરબો એ પર્ફોર્મિંગ આર્ટ છે. એટલે જ ઘણી વાર કેવળ શબ્દોના ઠાઠમાઠવાળી કૃતિઓ, સંગીતની ભભકવાળી કૃતિઓ એ સાચા અર્થમાં ગરબો નથી હોતો. ગરબે ઘૂમતી વખતે એમાં ભાગ લેનારા કલાકારોનો વ્યકિતગત આનંદ તો જ છે, પણ એમની કલાને જોનારાં-માણનારાં સહૃદયો સાથે હોય તો એમનો આનંદ બેવડાય.
ગરબો એ સ્ત્રી સાથે અને એનાં નાજુક સંવેદનો સાથે સંકળાયો છે. એટલે એની સાથે લાલિત્ય પણ હોય જ. ‘ગરબો’ શબ્દ મૂળ સંસ્કૃત ‘ગર્ભદીપ’ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. ગર્ભમાં એટલે મધ્યભાગમાં ‘દીપ’ એટલે દીવો. આજે પણ મધ્યભાગમાં દીવાવાળા ઘડાને ગરબો કહેવામાં આવે છે. જેના મધ્યભાગમાં દીવો છે એવો ઘડો એટલે ગરબો. કાળક્રમે એમાંથી દીપ પદ છૂટી ગયું. અને ગર્ભમાંથી ગરબો આવ્યો.
ગરબામાં ૨૭ છિદ્રો પાડવા પાછળનું એક અનોખું મહત્ત્વ છે, કેમ કે આપણે ત્યાં ગ્રહો અને નક્ષત્રોને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. આપણે ત્યાં ૨૭ નક્ષત્ર હોવાથી માતાજીને પ્રિય એવો ગરબો પધરાવવામાં આવે છે.
નવ રાત્રિ અને નવ સ્વરૂપનું માહાત્મ્ય
ગરબામાં શક્તિના નવ સ્વરૂપોની આરાધના એટલા માટે કરવામાં આવે છે કે ગરબાની જનેતા શક્તિસ્વરૂપ જ છે. જ્ઞાનને ગતિ આપનાર મા શક્તિનું જ સ્વરૂપ છે. પુરાણકથા મુજબ મા પાર્વતીએ શિવજીને પ્રસન્ન કરવા માટે સખીવૃંદ સાથે મળીને ગોળાકારે ઘૂમતાં લાસ્ય નૃત્ય કર્યું હતું માટે ગરબો પણ લાસ્ય છે જેમાં ભક્તિની સાથે લાવણ્ય છે. ગરબો નવ રાત્રિ એટલા માટે ચાલે છે કે નવ એ પૂર્ણ નવારંભનું પ્રતીક છે. વૈદિક ગણિત પ્રમાણે દશાંશ પદ્ધતિનો દસમો પૂર્ણાંક નવ છે. એમાં સંપૂર્ણ અંકન આવી જાય છે. માટે માતાજીના નવ સ્વરૂપમાં શક્તિના બધા જ સ્વરૂપ સમાવૃત્ત કરવાની પરંપરા ચાલી રહી છે.
નાગરજ્ઞાતિની બહેનોની બેઠા ગરબાની પરંપરા તથા ૧૦૦થી વધુ વર્ષ જૂનો ઇતિહાસ બેઠા ગરબા એ નાગરજ્ઞાતિમાં થાય છે. જેનો ઉદ્ભવ જૂનાગઢમાં થયો હોવાનું કહેવાય છે. ૧૦૦ વર્ષથી નાગરજ્ઞાતિમાં બેઠા ગરબાની પરંપરા છે. નવરાત્રિમાં અથવા સારા પ્રસંગોએ બેઠા ગરબા ગવાય છે. બેઠા ગરબા એક સ્ત્રી ગાય છે અને બાકીનાં ઝીલે છે. સામાન્ય રીતે ગુજરાતના ગરબા એ સૌંદર્યનું પ્રતીક છે. જે ઘૂમતો ગરબો હોય છે, જ્યારે બેઠા ગરબા એ માતાજીના સ્થાનક કે તેની છબી સામે બેસીને ગવાય છે. બેઠા ગરબા એ લોકગીત અને શાસ્ત્રીય સંગીત આધારિત હોઈ, રાજકોટના માઈ મંદિરમાં થતા બેઠા ગરબા એ સૌરાષ્ટ્ર-કચ્છમાં વખણાય છે. જૂનાગઢમાં ગિરનારા જ્ઞાતિનાં લોકો પણ બેઠા ગરબા કરે છે. મુંબઈમાં તો હવે ઘણાં પરાંમાં નાગરાણીઓ ભેગી થઈને બપોરે બેઠા ગરબા કરે છે. અંધેરી-વિલેપાર્લે-સાંતાક્રુઝ તો નાગરોનું મુખ્ય સ્થાન. હવે જો કે, બોરીવલી-કાંદિવલીમાં પણ બેઠા ગરબા પ્રચલિત થવા લાગ્યા છે.
ગરબા બેઠા હોય કે ફરતા, ગુજરાતી પ્રજાનો સૌથી ગમતો અને દેશ-વિદેશમાં ફેલાયેલો ઉત્સવ નવરાત્રિ છે. આજે જે ગરબાની વાત કરી એ આભના ઘડૂલામાં રહેલા દીવડાને લાંબા સમય સુધી ઝગમગતો રાખવો હોય તો જરૂર સાંભળજો. કવિ રમેશ જાની રચિત આ ગરબો ક્લાસિક ગરબાની કેટેગરીમાં જ મૂકવો પડે. સંગીતની મીઠાશમાં ઝબોળાઈ જવાની તૈયારી સહિત માણો આ રચનાને.
———————–
આભને ઘડૂલે દીપે દીવડો
માડી તારા તેજને અંબાર જો
લાખ લાખ તારલા ઝબૂકતા
માડી તારા રૂપ ને શણગાર જો
વાયા રે વાવલિયા માડી વ્હાલથી
વાયા વન વન મોઝાર જો
આવ્યા રે અમરાપરના દેશથી
આવ્યા ધરતીને દ્વાર જો…
નાના રે ઘડૂલા નાના દીવડા
ઝૂલતા ડૂલતા મઝદાર જો
તારા રે રખવાળાં માડી દોહ્યલાં
લાવો કાળને કિનાર જો…
• કવિ : રમેશ જાની • સંગીતકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય • ગાયિકા : સુમન કલ્યાણપુર
https://www.youtube.com/watch?time_continue=10&v=4bjWMSYYmpA
———————————
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 03 ઑક્ટોબર 2019
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=589668