ડૉ. પાયલ તડવી (આત્મ?)હત્યાકાંડમાં રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી સમિતિએ રિપોર્ટમાં જણાવ્યું છે કે ડૉ. તડવી ચોક્કસ સંસ્થાકીય રેગિંગનો શિકાર બની છે. પરંતુ તપાસમાં જાતિ-આધારિત ભેદભાવ તથા અત્યાચારનાં કોઈ ’નિર્ણાયક’ પુરાવા મળ્યા નથી. બત્રીસ લોકોની જુબાની પર આધારિત રિપોર્ટ અનુસાર, અધધ ’વર્કલોડ’ અને ’લૉંન્ગ વર્કિંગ અવર્સ’ને કારણે ડૉ. તડવી ભારે માનસિક તણાવ હેઠળ હતી. વિશ્વસનીયતા વધારવા માટે સોળ-પાનાંના ફરફરિયાંમાં ‘એન્ટિ-રેગિંગમિકેનિઝ્મ’, ‘મેન્ટરશિપ’ અને ‘ક્વૉલિટીસર્કલ’ જેવી સરકારી લફાઝી ઠૂંસીઠૂંસીને ભરવામાં આવી છે, પરંતુ ડૉ. તડવીની હત્યા માટે જવાબદાર ત્રણ સવર્ણ ડૉક્ટર અને ગાયનેકોલૉજી ડિપાર્ટમેન્ટના હેડ પર કોઈ પણ જાતની કાનૂની કે અન્ય કાર્યવાહીની ભલામણ સુધ્ધાં નથી કરાઈ. મેલા રાજકારણ અને નિર્લજ્જતાની પરાકાષ્ઠા એ રિપોર્ટ ડિપાર્ટમેન્ટ અને પ્રોફેસરોને ક્લિનિકલ વિષયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ટાઇમ-મૅનેજમેન્ટમાં મદદ કરવાની સલાહ આપે છે. દેખીતી રીતે, આખી ઘટનામાંથી જાતિગત ઉત્પીડનનાં તત્ત્વનો ખૂબ સિફતથી છેદ ઉડાડી, આપણાં સામાજિક અને સંસ્થાકીય માળખાંઓમાં નખશિખ ફેલાઈ ગયેલા જાતિ નામના સડાને નકારવામાં આવ્યો છે.
આ કોઈ નવી વાત નથી. સભ્ય, સુસંસ્કૃત અને આધુનિક સમાજનો અંચળો ઓઢી બેઠેલાં આપણે હકીકતમાં જાતિવાદી જાનવરો છીએ. આપણી જાતિવાદી હેવાનિયતને છુપાવવા આપણામાંના મોટા ભાગના સાક્ષર અભણો દીવાનખાનાની કે પાર્ટીપ્લૉટની પોસ્ટ-ડિનરચર્ચાઓમાં ક્યારેક જાતિનો વિષય લઈ આવી કહેતાં હોઈએ છીએ, ‘આજના જમાનામાં આવું બધું તો કોણ માને? મારા છોકરાઓને પૂછો, તો એમને એમની પોતાની જ્ઞાતિ પણ ખબર નહિ હોય. ગામડાંઓમાં ક્યાંક ક્યાંક જાતિભેદ જોવા મળે. પણ શહેરોમાં … ટાઇમ જ નથી બૉસ કોઈની પાસે.’ એમ.એસ.એસ. પાંડિયન એમના ‘આધુનિકતાની બહાર એક પગલું …’ લેખમાં સવર્ણ આત્મકથાઓમાં જે રીતે જાતિવિષયક માહિતીને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની રસપ્રદ ચર્ચા આર.કે. નારાયણની આત્મકથાના ઉદાહરણ થકી કરે છે. ૨૦૦૨માં ડર્બન ખાતે યોજાયેલી ‘વર્લ્ડ-કૉન્ફરન્સ અગેન્સ્ટ રેસિઝમ’માં ભારતીય જાતિવાદના મુદ્દાની ચર્ચા કરવાની બાબતે જે રીતે સરકારનું ડાચું ચઢી ગયેલું, એ આપણા દંભ અને સામૂહિક મૌનની ચાડી ખાય છે. પ્રશ્ન એ છે કે વર્ણવાદના વકરેલા ગૂમડાને લીધે આપણી સામાજિક અને નૈતિક ચેતના જો આમ લજ્જિત થતી હોય, તો એ રોગની નાબૂદી માટે આપણે આજ સુધી શું કર્યું છે? શાહમૃગની જેમ ફક્ત ધૂળ જ ફાકતા હોઈએ તો તો ઠીક, પરંતુ આપણે તો રેલો આવે, ત્યારે મેરિટોક્રેસીના ઝંડા ઉપાડી, ‘ખરી પછાડી, પુચ્છ ઉછાળી’ નીકળી પડીએ છીએ.
૧૯૮૧નાં લોહિયાળ અનામત-વિરોધી આંદોલનો પણ મેરિટોક્રેસીના બહાના હેઠળ જ શરૂ થયાં હતાં. બી.જે. મેડિકલના પૅથોલૉજી ડિપાર્ટમેન્ટમાં આરક્ષિત સીટે આખા અમદાવાદમાં વિરોધનો એવો તો વંટોળ જગાવ્યો હતો કે સભ્યસમાજ, પોલીસ, સંચાર-માધ્યમો રસ્તા પર ઊતરી આવ્યાં અને તળિયે જતાં શિક્ષણના સ્તર અને કથળતી વ્યવસ્થાની દુહાઈ દેવા માંડ્યા હતાં. દલિત બસ્તીઓ પર થયેલા હુમલા અને રમખાણોએ અંચળા નીચે છુપાયેલી આપણી મોબોક્રેટિક, સામંતી અસલિયત બહાર લાવી દીધી હતી.
૧૯૮૫માં ફરી ઊભું થયેલું અનામત-વિરોધી ભૂત હજી આજે પણ પટેલ અનામત આંદોલન અને અન્ય સ્વરૂપે આપણી આસપાસ ધૂણી રહ્યું છે. તે સમયે રાણે-કમિશન પાસે દોડી ગયેલા, આર્થિક આધાર પર આરક્ષણ આપવાની હિમાયત કરવાવાળા લોકોની વારસાઈ આજના જાટ, પટેલ અને મરાઠાં આંદોલનોને મળી છે. ૨૦૦૬માં ઓ.બી.સી. માટે ઉચ્ચ શિક્ષણમાં ૨૭% આરક્ષણ જાહેર કરવામાં આવતાંની સાથે જ, કહેવાતા મેરિટોરિયસ ડૉક્ટરો ઝાડુ પકડી રસ્તા પર ઊતરી પડ્યા હતા. પ્રતીકાત્મક રીતે સૂચવી રહ્યા હતા કે સમાજમાં કોનું સ્થાન ક્યાં છે. ૨૦૦૭માં નિમાયેલી થોરાટ-કમિટીના તારણ મુજબ ૮૫% જેટલા દલિત-આદિવાસી વિદ્યાર્થીઓ AIIMSમાં શિક્ષકો અને સહાધ્યાયીઓ તરફથી જાતિ આધારિત ભેદભાવ અનુભવે છે. આવી વિકૃત માનસિકતા પાળતા ડૉક્ટરોનાં સ્ટેથોસ્કોપ કોઈ ગરીબ-પીડિતનાં દિલની પુકાર કેટલી હદે સાંભળી શકે એ વિચારવું રહ્યું.
મર્ડર ઑફ મેરિટ અને ડિઝર્વિંગ ડૉક્ટર જેવા ટ્વિટર હેશટૅગ જેની દુહાઈ દે છે એ મેરિટ છે શું? આ માટે સૌપ્રથમ આપણે યુટ્યૂબ પર ‘રેસ ઑફ લાઇફ’ નામનો વીડિયો સહકુટુંબ જોવો જોઈએ. વીડિયોમાં ગોરાં અને કાળાં તરુણ-તરુણીઓને સો ડૉલરના ઇનામ માટે રેસ લગાવવાનું કહેવામાં આવે છે, પણ શરતો લાગુ છે. જેમનાં માતા-પિતા હયાત અને સાથે હોય, જેને ખાનગી તાલીમ મળી હોય, જેના માથે પિતા અને બાપીકી મિલકતનો ઓછાયો હોય, જેને ઉછેરનાં વર્ષોમાં કમાવાની ચિંતા ન કરવી પડી હોય, જેને ભણવાનાં સાધનો અને માધ્યમો આસાનીથી મળ્યાં હોય વગેરેને પ્રત્યેક વિશેષાધિકાર માટે બે-બે ડગલાં આગળ આવવાનું કહેવામાં આવે છે. અંતે ગોરા તરુણ-તરુણીઓ પાછળ ફરીને જુએ છે, ત્યારે તેમને સમજાય છે કે કાળા સ્પર્ધકોની સરખામણીએ તેઓને અનુરૂપ સામાજિક વાતાવરણને કારણે જિંદગીની દોડમાં કેવો ’હેડસ્ટાર્ટ’ મળ્યો છે. ભારતીય સંદર્ભમાં રેસની જગ્યાએ જાતિનું પરિમાણ લેવામાં આવે તો પણ ‘રેસ ઑફ લાઇફ’ એટલી જ અસમાન અને ભેદભાવપૂર્ણ બની રહે એ સમજવા કોઈ મેરિટની જરૂર નથી, એવું હું માનું છું.
હવે જરા દલિતો-આદિવાસીઓને મળેલા સામાજિક વાતાવરણની વાત કરીએ. વર્ણાશ્રમમાં જકડાયેલા, સમાજની પરિઘીની પણ બહાર તગેડાયેલા દલિતોને સવર્ણસમાજ તરફથી જો કંઈ મળ્યું હોય, તો એ છે (૧) ઝિગમંટ બૌમનના શબ્દોમાં ‘પ્રવાહી ડર’, (૨) હળહળતાં અપમાન, (૩) અકલ્પનીય ઘૃણા, (૪) જુગુપ્સાપ્રેરક હિંસા. સદીઓ સુધી (અને આજે પણ) સમાજનું મેલું ઉપાડવાનું, ઢોર ચીરવાનું, ભીખ માંગી ખાવાનું, ડગલે ને પગલે હડધૂત થવાનું, નજર સામે થતાં મા-બહેનનાં બળાત્કાર મૂંગા – મોઢે સહન કરવાનાં, શિક્ષણ અને આધુનિકતામાંથી બાકાત રહેવાનું, પોતાની જાતને જાનવર કરતાં પણ હીન સમજવાની અને આમ છતાં પોતાનાં હક અને શોષણ વિષે હરફ સુધ્ધાં ઉચ્ચારતાં હત્યાકાંડ અને હિજરતનો શિકાર થવાનું. હજારો વર્ષો સુધી જે પ્રજાએ આવી દર્દનાક અને રૂવાંડા ઊભાં કરી નાખતી – બર્બરતા અને જુલમો સહન કર્યાં છે. એમની સામે મેરિટનું મહિમા મંડન કરવાવાળા લોકોના બૌદ્ધિક, નૈતિક, સાંસ્કૃતિક અને માનવીય ’મેરિટ’ પર નફરત અને સૂગ ચડે એ સ્વાભાવિક છે. આ વિષયની વિગતવાર ચર્ચા વી.ટી. રાજશેખર શેટ્ટીના પુસ્તક ‘મેરિટ માય ફૂટ ..’(૧૯૮૭)માં થયેલી છે.
હવે જરા આરક્ષણને લીધે આપણા સેન્સેક્સિયા સમાજ અને સડેલાં સંસ્થાનોના કયા સ્તરો કેટકેટલા ગગડ્યા એ જોઈએ. કાયદાનુસાર આરક્ષણ મેળવવા માટે હાઈસ્કૂલ પાસ કરેલી હોવી જોઈએ. સરકારી આંકડા પ્રમાણે, જે દલિત વિદ્યાર્થીઓ શાળામાં જાય છે, તેમાંથી ૭૧.૩% મૅટ્રિક્યુલેશન પહેલાં જ ડ્રૉપ-આઉટ થાય છે. વ્હાઇટકૉલર સરકારી નોકરી માટે મિનિમમ સ્નાતક હોવું આવશ્યક છે. ૨૦૦૧ની જનગણનાને આધારે ફક્ત ૨.૨૪% દલિતો જ સ્નાતક છે. એમાંથી પણ કેટલાને આરક્ષણ હેઠળ ક્લાસ-૧ સરકારી નોકરી મળે છે. તે બાબતે ખાસ્સા અભ્યાસ થયેલા છે. આદિવાસીઓની પરિસ્થિતિ તો વધારે ભયાવહ છે.
આટઆટલા ઐતિહાસિક અંતરાય અને સામાજિક વિકલાંગતા વેઠીને જ્યારે કોઈ પાયલ તડવી ડૉક્ટર બની પોતાના સમાજના કચડાયેલા લોકોની સેવા કરવા કમર કસે છે, ત્યારે નાગા-નપાવટો મેરિટનાં માંછલાં ધોવા પહોંચી જાય છે અને ડૉ. તડવી જેવી સંવેદનશીલ વ્યક્તિ અને ઝળહળતી પ્રતિભાની ક્રૂર હત્યા કરે છે. પાયલે એના ૨૦૧૭ના એક ફેસબુક પોસ્ટમાં દર્દીઓના સંબંધીઓ દ્વારા ડૉક્ટરો પર થતા હુમલાઓની વિરોધમાં મુંબઈમાં ચાલી રહેલા આંદોલનને ટેકો આપ્યો હતો. એ ટેકો ફક્ત મુસ્લિમ ભીલ જાતિના ડૉક્ટરો માટે નહોતો, સમગ્ર ફ્રેટર્નિટી માટે હતો. સાચું મેરિટ આને કહેવાય. નાત-જાત, ધર્મ-પ્રાંત અને સામંતી વિચારધારાના વાડા ભેદી, બંધારણીય આધુનિકતાને આત્મસાત્કરવામાં સાચા મેરિટની કસોટી છે. ૨૦૧૭માં જસ્ટિસ ચંદ્રચુડે એમના સીમાચિહ્નરૂપ ચુકાદામાં આપેલી મેરિટની વ્યાખ્યા આપણે દીવાનખંડોની દીવાલ પર જડવાની જરૂર છે, ‘એક મેરિટોરિયસ ઉમેદવાર ફક્ત એ જ નથી, જે ’પ્રતિભાશાળી’ અથવા ’સફળ’ છે; જેની નિમણૂક થકી એસ.સી. અને એસ.ટી. સમાજના સભ્યોનો ઉદ્ધાર કરવાનો બંધારણીય ઉદ્દેશ અને વૈવિધ્યપૂર્ણ તથા પ્રતિનિધિત્વપૂર્ણ પ્રશાસનનો હેતુ સર થાય છે, એ પણ મેરિટોરિયસ છે. ‘હકીકતમાં, આપણા ‘પબ્લિક ડિસ્કોર્સ’ને મેરિટ નામના વાઇરસનો ચેપ લાગ્યો છે અને એરા-ગેરા, નથ્થુ-ખેરા મેરિટની પિપૂડી વગાડે જ જાય છે. નથી કોઈનામાં ઇતિહાસની સમજ કે માનવસહજ સહાનુભૂતિ. ટાઇમ જ ક્યાં મળે છે, બૉસ. પણ આરક્ષણ વિરોધી આંદોલન કરવાનું હોય, પીડિતોને એમની ’ઔકાત’ બતાવવાની હોય, બસો સળગાવવાની હોય અને દુકાનો લૂંટવાની હોય, તો-તો ટાઇમ જ ટાઇમ.
ડૉ. તડવીનું મૃત્યુ હત્યા હતી કે આત્મહત્યા એ વિષેના રિપોર્ટ હજી બહાર નથી આવ્યા, પરંતુ જેનો ઢાંકપિછોડો થઈ રહ્યો છે એ જાતિગત ઉત્પીડનના પુરાવા નજર સમક્ષ છે. ૨૨ મેના રોજ પાયલે જીવન ટૂંકાવ્યું એના બરાબર નવ દિવસ પહેલાં એના પતિએ કૉલેજના ગાયનેકોલૉજી ડિપાર્ટમેન્ટના હેડને ફરિયાદ કરી હતી. પરિણામે ત્રણ સિનિયર ડૉક્ટરો તરફથી પજવણી વધી ગઈ હતી. ૨૨, મેની સવારે સવર્ણ ડૉક્ટરોએ ઑપરેશન-થિયટરમાં પાયલનું જાહેરમાં અપમાન કર્યું હતું. કૉલેજની ઍન્ટિ-રેગિંગ કમિટીએ ત્રીસ લોકોની જુબાનીને આધારે ૨૮ મેના રોજ આપેલા અહેવાલ અનુસાર પાયલ પર ગુજારવામાં આવેલા ત્રાસમાં જાતિગત ટિપ્પણીઓ અને વર્તણૂક પણ શામેલ હતાં. એફ.આઈ.આર.ની નોંધ મુજબ પાયલના મુસ્લિમ આદિવાસી હોવા બાબતે વ્હૉટ્સઍપ ગ્રૂપમાં પણ હાંસી ઉડાડવામાં આવતી હતી. પાયલના પતિ સલમાને જણાવ્યું છે કે ફરિયાદ પછી ત્રણેય સવર્ણ ડૉક્ટરોએ પાયલનો રીતસરનો બહિષ્કાર કર્યો હતો. પાયલને સિઝેરિયન પ્રોસિજર ન કરવા દેવી, એને ગૌણ કામગીરી સોંપવી, ડિલિવરી વગેરે કામમાંથી બાકાત રાખવી, એના તરફ ફાઇલો ફેંકવી વગેરે જાતિગત પ્રતાડનનાં સ્વરૂપો જ છે. પાયલની હત્યાના અપરાધીઓ વિરુદ્ધ એસ.સી.એસ.ટી. ઍક્ટની ધારા ૩(આર), ૩(યુ) અને ૩(ઝેડ-સી) તથા ઇન્ડિયન પીનલ કોડની ધારા ૩૦૬ (આત્મહત્યા કરવા ઉશ્કેરણી) હેઠળ કાર્યવાહી કરવા માટે પૂરતા પુરાવા છે. છતાં ય આવો બેહૂદો સરકારી રિપોર્ટ સ્વીકારવામાં આવશે, તો આપણા કાયદાકીય માળખાની પોકળતા જ સાબિત થશે. કાયદાકીય લાલિયાવાડીનાં પરિણામસ્વરૂપે ભારત વિશ્વના પહેલા પાંચ રેસિસ્ટ દેશોમાં સ્થાન પામ્યો છે, માત્ર ગુજરાતમાં જ છેલ્લાં ૧૫ વર્ષોમાં દલિત અને આદિવાસીઓ પરત્વેના ગુનાઓમાં ૭૦ ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે અને સરકારને આર્થિક પછાતપણાના આધારે આરક્ષણ આપવાની ફરજ પડી છે.
કાયદો અને વ્યવસ્થા જ્યારે ધરાર ફ્લૉપ થયાં છે, ત્યારે નૈતિક, સામાજિક, શૈક્ષણિક અને ભાષાકીય દિશાઓમાં નજર દોડાવવી પડશે. જાતિવાદ આપણા સમાજની વરવી વાસ્તવિકતા છે, એ સ્વીકારવું પડશે અને આપણાં બાળકોને કુમળી વયથી જ એ હકીકતથી જ વાકેફ કરવાં પડશે, જેથી કરીને તેઓ કૉલેજ અને નોકરીના દરવાજે પહોંચે, ત્યારે ઊંઘતા ન ઝડપાય અને મેરિટનાં પોકળ ગાણાં ગાવા ન બેસી જાય. જાતિનું નિર્મૂલન કરવા ડ્રૉઇંગરૂમ-ડિબેટ્સમાં અને જાહેર વાંગ્મયમાં જાતિના મુદ્દાને અગ્રિમ સ્થાન આપવું પડશે. સમાજની બૌદ્ધિક સંપદા વધારવા હાંસિયા પર ધકેલાયેલી પ્રજાના અનુભવો અને લાગણીઓને વર્ણવતું સાહિત્ય વાંચવું-વંચાવવું પડશે. શુદ્ધતા અને અશુદ્ધતાના ઉભયમાંથી આપણી ઓળખ, ભાષા, સંસ્કૃતિ, ખોરાક અને ધર્મને બાકાત રાખવાં પડશે. વૈવિધ્ય આપણા સમાજની ઈસ્કામત છે અને એને સાચવવામાં જ આપણી સઘળી ઊર્જા કામે લગાડવી પડશે. શાળાના અભ્યાસક્રમમાં વર્ણાશ્રમવ્યવસ્થા અને જાતિવિરોધી સામાજિક ચળવળોનો ઇતિહાસ કમ્પલસરી સબ્જેક્ટ તરીકે ભણાવવા પડશે. સ્નાતકોતર મિલિટરી ટ્રેઈનિંગની કોઈ જરૂર નથી, પણ જો આપણાં બાળકોને સામાજિક ફિલ્ડવર્ક કરાવીશું, ગામડાં અને શહેરોમાં જાતિવ્યવસ્થાનાં પ્રસાર અને દૂષણો બાબતે સર્વે કરવા ફરજિયાત મોકલીશું, તો આવનારી પેઢીઓ અમૂલ્ય સામાજિક પૂંજીની માલિક બનશે. આપણાં સંતાનો એવું નૈતિક મેરિટ પેદા કરશે કે જેથી આપણે જનાવરમાંથી ફરી એક વાર મનુષ્યમાં ઉત્ક્રાંતિ પામીશું.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2019; પૃ. 12, 13 તેમ જ 11