પહેલાં ‘ઉડતા પંજાબ’ને ધરતી પર આસમાન મળ્યું. અને હવે ‘લિખતા મુરુગન’ને પંખાળો ઘોડો મળ્યો, ક્યા કહના. તમિળ નવલકથાકાર પેરુમલ મુરુગને ફેસબુક પર પોતાને એક લેખક તરીકે વિધિવત્ મૃત જાહેર કર્યા એ ઘટનાને (અને અપઘટનાને) ખાસા અઢાર મહિના થઈ ગયા : ‘લેખક મુરુગનનું નિધન થયું છે. એ કંઈ ઈશ્વર નથી કે પુનર્જીવન પામી શકે. આજથી જીવિત રહેશે અધ્યાપક. માત્ર અને માત્ર અધ્યાપક પી. મુરુગન.’ પણ મુરુગન સામેની ક્રિમિનલ ફરિયાદ કાઢી નાખતાં સાફ સાફ અને સરસ કહ્યું પાંચમી જુલાઈએ મદ્રાસ હાઇકોર્ટે કે લેખક પુનર્જીવન પામો અને જેમાં તે પોતાનું ઉત્તમોત્તમ રેડી શકે છે એ કામ કરો … લેખન!
અહીં થોડી વિગત સ્પષ્ટ કરવી જોઈએ. મુરુગનની એક નવલકથામાંથી, એમાં રૂઢિદાસ્ય અને જીર્ણમત તેમ જ ધાર્મિક-સામાજિક પ્રથા અંતર્ગત તરેહવાર શોષણ તથા ભેદભાવની નિરૂપણાથી, વાંચ્યેવણવાંચ્યે પણ ઉશ્કેરાવામાં ધર્મ જોતાં સ્વધર્મી સમુદાયે એમની સાથે જોરજુલમનો વહેવાર કર્યો ત્યારે એમના કસબા નમક્કડના તંત્રે કલેક્ટરની પહેલથી યોજેલી શાંતિબેઠકમાં એક સમજૂતી(સેટલમેન્ટ)નો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ સમજૂતી છેક જ એકતરફી હતી, કેમ કે તે મુજબે મુરુગને બિનશરતી માફી માગવાની હતી, નવલકથામાંથી વાંધાજનક અને વિવાદાસ્પદ અંશો કાઢી નાખવાના હતા, બજારમાંથી નવલકથાની નકલો પાછી ખેંચી લેવાની હતી.
આટલેથી ધરવ ન હોય એમ, અધૂરામાં પૂરું, સ્થાનિક ‘ધર્મપ્રેમી’ તત્ત્વોએ મુરુગન સામે શાંતિ ડહોળવા અને લાગણી દૂભવવાથી માંડીને ઉશ્કેરણી કરવા લગીને મુદ્દે ફોજદારી રાહે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ કાઢી નાંખતાં મદ્રાસ હાઇકોર્ટના વડા ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલના વડપણ હેઠળની બૅન્ચે પોતાના આદેશમાં કહ્યું છે કે સદરહુ સેટલમેન્ટ ફોક થાય છે, કેમ કે ચોક્કસ જોખમ અને ભય વચ્ચે મુરુગનને એ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી હતી. આ સંજોગોમાં તંત્રે એમને રક્ષણ આપવાની અગ્રતા નહીં આપતાં સમજૂતી(શરણાગતિ)નો રાહ લીધો તે અદાલતના મતે ટીકાપાત્ર છે.
કાનૂની સ્પષ્ટતા અને સાહિત્ય સજ્જતા જોતાં આ ચુકાદો એક પ્રતિમાન કાયમ કરે એ બરનો બની આવ્યો છે. એકસો ચોત્રીસ પાનાંમાં પથરાયેલા આ ચુકાદાના થોડા અંશો :
લેખક, પ્રો. મુરુગને ભય હેઠળ શા સારુ જીવવું પડે? તેઓ પોતાના લેખનફલકને સુપેરે વિસ્તારી શકે એવું સુવાણ એમને મળી રહેવું જોઈએ. એમનાં લખાણો સાહિત્યિક પ્રદાનરૂપ બની રહેશે. ભલે એવા બીજાઓ પણ હોય જે એમની વસ્તુ અને શૈલીથી જુદા પડતા હોય. પણ તેનો ઉત્તર એ નથી કે પોતાને લેખક તરીકે મૃત જાહેર કરવાનો નિર્ણય એમનો (મુરુગનનો) પોતાનો હતો. એ નિર્ણય કોઈ મુક્તાપૂર્વક લેવાયેલો નિર્ણય ન હતો, પણ એ તો જે પરિસ્થિતિ સરજવામાં આવી હતી એનું પરિણામ હતું.’ અને વળી ‘સમાજમાં કોઈક હિસ્સાને અસ્વીકાર્ય લાગે એવાં સઘળાં લખાણોને કંઈ અશ્લિલ, ગંદા ને અનૈતિક જેવાં લેબલ ન ચોંટાડી શકાય … કેમ કે, આખરે તો ‘સૌંદર્ય જેમ જોનારની નજરમાં વસેલું છે તેમ જ અર્થમાં શ્લીલ-અશ્લીલની પણ (જોનારની આંખમાં) રહેલી છે.
ચુકાદામાં વધુ કહેવાયું છે :
વાંચવું કે ન વાંચવું એ પસંદગીની સ્વતંત્રતા વાચક કને હંમેશાં હોય છે. તમને કોઈ પુસ્તક ન ગમે તો એ પડતું મૂકો. તમે એ વાંચવા અનિવાર્યપણે બંધાયેલા નથી. સાહિત્યિક કસોટીઓ અલગ અલગ અને જૂદી પડતી હોઈ શકે છે. કોઈકને સારુ જે સાચું અને સ્વીકાર્ય હોય તે બીજાને સારુ ન પણ હોય. તેમ છતાં, લખવાનો અધિકાર તો અપ્રતિહાર્ય છે. હકીકતે આ પરિચ્છેદનો સંદર્ભ સદરહુ ચુકાદામાં જ સલમાન રશ્દીના જે ઉદ્ગારો ટાંકવામાં આવ્યા છે એમાં પડેલા છે : કોઈ ચોપડીથી તમારે દુભાવું ન હોય તો એ તો સાવ સહેલું સટ છે. તમે એ બંધ કરી દો એટલે પત્યું!
ન્યાયમૂર્તિ કૌલના વડપણ હેઠળની બેન્ચે રશ્દીને ટાંક્યા તે સાથે થોડા વખત પર જયપુર લિટરરી ફેસ્ટિવલમાં એ પહોંચી શક્યા નહોતા તે યાદ આવ્યું. લિટફેસ્ટમાં રશ્દી વિધિવત્ નિમંત્રિત હતા. પણ રાજસ્થાન પોલીસે એમને ભળતીસળતી પૂર્વસૂચના આપીને સલામતીના મુદ્દે ગેરરસ્તે દોર્યા (અને નિમંત્રકો પણ સમો વરતીને કોકરવરણા થઈ ગયા) એટલે રશ્દીનું આવવાનું બંધ રહ્યું. મુરુગનના કિસ્સામાં મદ્રાસ હાઇકોર્ટે પોલીસ અને તંત્રની (બે)જવાબદારી બાબત ઊહાપોહભેર કહ્યું છે તે પ્રદેશાન્તરે અહીં લાગુ પડે છે.
રશ્દી નિમિત્તે થોડીક બીજી નુક્તેચીનીમાં જાઉં તે પૂર્વ આ જ લિટફેસ્ટ સબબ એક અન્ય વિગત સંભારી લઉં. એમાં આશિષ નંદીની કોઈક દરમિયાનગીરી દલિત મુદ્દે વિવાદાસ્પદ બનતાં એમની સામે દેખાવોનો (અને કદાચ લિટફેસ્ટમાંથી રવાનગીની હદે) જે દોર ચાલ્યો એની વચ્ચે દલિત વિદ્વાન કાંચા ઇલય્યાનો પ્રતિભાવ જુદો તરી આવ્યો હતો. એમણે કહ્યું હતું કે કોઈને બળજોરીથી બંધ નહીં કરતાં દલીલ સામે વળતી દલીલ મૂકી શકીએ એટલા અમે સજ્જ છીએ. સ્વાભાવિક જ, ‘મેન ઑફ ધ મેચ’નું માન રળી આપે એવી ભૂમિકા ઇલય્યાની હતી.
હવે રશ્દી વિશે અને મિશે. કૉંગ્રેસ શાસનમાં ‘સેતાનિક વર્સીઝ’ પર પ્રતિબંધ મૂકાયો હતો એ જાણીતું છે. જામિયા મિલિયાના તે વખતના પ્રો-વાઇસ ચાન્સેલર મુશિરુલ હસનને જ્યારે રશ્દીની કિતાબ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે એ નિઃસંકોચ કહ્યું હતું કે મને એ પુસ્તક ટીકાપાત્ર જરૂર લાગ્યું છે, પણ હું એક અભિગમ તરીકે કોઈ પણ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં નથી. અરુણ શૌરીના ‘વર્શિપિંગ કૉલ્સ ગૉડ્ઝ’ની નકલો એમના જ પક્ષ(ભાજપ)ની અનુસૂચિત સેલે બાળી હતી એ યાદ કરીએ ત્યારે પોતપોતાનો છેડેથી કાંચા ઈલય્યા અને મુશિરુલ હસન જરૂર માનાર્હ અને ધ્યાનાર્હ બની રહે છે. પણ જો શૌરીના કેસમાં ભાજપે પોતાના કાર્યકરોને વારવાપણું જોયું નહોતું તો મુશિરુલ સામે જામિયા મિલિયાના છાત્રોને હવા આપતા સલમાન ખુરશીદને વારવાપણું પણ કૉંગ્રેસ શ્રેષ્ઠીઓએ જોયું નહોતું.
મદ્રાસ ચુકાદાએ ત્રણ મહિનાની અંદર રાજ્ય સરકારને જે એક વ્યવસ્થા અમલી બનાવવા આદેશ આપ્યો છે તે સુપ્રતિષ્ઠ સર્જકોની સમિતિ રચવાનો છે, જે આવા વિવાદી સંજોગોમાં ન્યાયતંત્ર તરફથી ઉત્તરોત્તર આવતા ચુકાદાઓ થકી પરિમાર્જિત કાનૂનને લક્ષમાં રાખી શું કરવા જોગ છે એને અંગે સ્વતંત્ર અભિપ્રાય આપી શકે. કળા અને સંસ્કૃિતને લગતી આવી બાબતો પોલીસ સત્તાવાળાઓ કે સ્થાનિક વહીવટકારો પર જ છોડી દઈ શકાય નહીં. અલબત્ત, સૂચિત સમિતિનાં રૂપરંગ અને રંગઢંગ જોવાં રહેશે, પણ હમણાં મુરુગન તરફે રાજીપા સાથે એક વાત તો અંકે કરીએ કે લોકશાહી સંસ્કૃિતમાં ‘વાદે વાદે જાય તે તત્ત્વબોધ’ની સંસ્કૃિત છે – કોઈ રાજકારણીઓ હસ્તકની પોલીસની, કે લુમ્પનમંડિત મોરલ પોલીસની સંસ્કૃિત એ નથી. ‘લૉ ઍન્ડ ઓર્ડર’ની સાંકડી પરંપરીણ નેળની બહાર આ પ્રશ્નને જોવાપણું છે એ પાયાનો મુદ્દો છે.
એ દૃષ્ટિએ સમિતિ અને ગાઇડલાઈન્સ ઠીક છે, તો પણ, ખરેખર તો, પુસ્તક પ્રતિબંધને બદલે ‘ન વાંચવાની સ્વતંત્રતા’ દરમ્યાન, પ્રકાશક અને વકીલ બધો વખત લેખકની સાથે રહ્યા એની કદર સાથે મદ્રાસ હાઇકોર્ટને આપણા કૃતજ્ઞતાપૂર્વક છતાં સવિનય કહીશું કે તમે આખા પ્રશ્નને ‘લૉ ઍન્ડ ઓર્ડર’ની સાંકડી નેળમાંથી કાઢી આપ્યો એ રૂડું કીધું, પણ સમિતિય શીદને-તમે રશદીને ટાંકીને કહ્યું એ જ બરાબર છે : ન વાંચવાની છૂટ તો છે જ.
જુલાઈ ૭, ૨૦૧૬
તા.ક.
મદ્રાસ હાઇકોર્ટના મુરુગન ચુકાદા વિશે, લગભગ સાતમા આસમાનમાં ઊડતો હોઉં એવા નિરીહ ઉત્સાહથી લખ્યું ત્યારે મનમાં જે એક મુદ્દે ડગડગો હતો એ પ્રગટ નહોતો કર્યો તે આ સાથે મૂકું છું.
માનનીય ઉચ્ચ ન્યાયાલયે ત્રણ મહિનામાં સરકારે લેખકોની સમિતિ રચવી તેમ કહ્યું છે, અને આ પ્રશ્ન ‘કાયદો ને વ્યવસ્થા’ની રીતે વહીવટકારો અને રાજકારણીઓ હસ્તકનો નથી તે સુપેરે ઉપસાવી આપ્યું છે.
પણ સૂચિત સમિતિએ ચાર દાયકા પરની એક સ્મૃિત ઝકઝોરી એની વાત પહેલાં કરું. અખબારો બાબતે જાહેર જનતાના માણસોની એક સલાહકાર સમિતિની દરખાસ્ત રાજ્ય સરકારે કરી ત્યારે પત્રકાર વર્તુળોને એકંદરે ઠીક લાગી હતી એવું વાસુદેવ મહેતાએ નોંધ્યું છે. ગુજરાતમાં ખાસ કરીને માલિક તંત્રીઓના સંદર્ભમાં વ્યવસાયી પત્રકારોને સૂચિત સલાહકાર સમિતિમાં પોતાનો ઉગાર જણાયો હશે. ચંદ્રકાન્ત દરુએ ત્યારે આવી કોઈ સમિતિનાં ભયસ્થાનો દર્શાવી એના અસ્વીકારની હિમાયત કરી હતી. વાસુદેવભાઈએ નિખાલસતાથી કહ્યું છે કે અમને ત્યારે દરુ માલિકતરફી જણાયા હતા, પણ પછીના અનુભવોથી સમજાયું કે એમનું આકલન સાચું હતું કે સરકાર અને માલિકો એક થઈને ધાર્યું કરવા માટે આવા બેત રચતા હોય છે.
હવે, આ કિસ્સામાં સમિતિનો જે નિર્દેશ છે એને જરી વધુ ધ્યાનથી ઘટાવીએ તો એનો અર્થ એ થાય છે કે કોઈ પુસ્તક પર પ્રતિબંધ મૂકવા માટે આવી રચના મારફતે વિચાર થઈ શકે. મતલબ, બીજા શબ્દોમાં, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર રોક નથી એવું નથી. આ અર્થમાં મદ્રાસ હાઇકોર્ટના ચુકાદા બાબતે જરીક ઘૂંટડો ગળીને વાત કરવી રહે છે.
દરમિયાન, ‘જય હો’ અને ‘આનંદો’ વચ્ચે જે જુદા અવાજો આ દિવસોમાં સંભળાયા છે તે પૈકી બેની જિકર નમૂના દાખલ કરીશું. એક અવાજ કોલમલેખક એસ. ગુરુમૂર્તિનો છે તો બીજો તમિળ રાજકારણી રામદોસનો છે. જો કે ગુરુમૂર્તિને પણ રાજકારણી તો કહી શકાય, કેમ કે ભામર સહિતના સંઘ પરિવાર સાથે એમનો નિકટતાનો છે. (નીતિન ગડકરીને સંઘ જ્યારે પક્ષપ્રમુખપદે રાખવા ઇચ્છતો હતો ત્યારે એમની બધી બેનામી જેવી કંપનીઓ ધોરણસરની છે એવો તપાસ હેવાલ ગુરુમૂર્તિનો જ હતો.)
ગુરુમૂર્તિનુ કહેવું એમ છે કે અદાલત જો મુરુગનની નવલકથાને કલ્પનોત્ય (ફિક્શન) ગણીને ચાલતી હોય તો બીજી બાજુ મુરુગનનો દાવો પોતે લખ્યું છે તે તથ્યોત્થ (ફૅક્ટ) છે એવો છે. ‘કલ્પના વિ. તથ્ય’ની ચર્ચાનો સંદર્ભ પકડાય એટલા માટે વાર્તાની આછી ઝલક અહીં આપું તો નિઃસંતાન દંપતી, સંતાનની કામનાથી એવા સ્થળે જાય છે જ્યાં સ્ત્રી પરપુરુષ સાથે શયન કરી ગર્ભધારણ કરી શકે તેવી ધર્મપરંપરાગત છૂટ છે. ગુરુમૂર્તિ કહે છે આ એક ચોક્કસ ‘કૉમ્યુિનટી’ની વાત છે એટલે બદનક્ષીની જેમ તે ‘ટાર્ગેટ’ થાય છે. મહાભારતમાં નિયોગની વાત છે. (જેને ઑક્ટોબર ૨૦૧૪ના એક હૉસ્પિટલના ઉદ્ઘાટન વખતે નમોએ ‘જેનેટિક એન્જિનિયરિંગ’ તરીકે ઘટાવવાનું દક્ષિણ્ય દાખવ્યું હતું – જેમ ગણપતિનો કિસ્સો અલબત્ત, પ્લાસ્ટિક સર્જરીનો છે.) સંતાનપ્રાપ્તિ માટે નિયોગપ્રથાનો ઉલ્લેખ અદાલતી ચુકાદામાં પણ છે. ચુકાદામાં ઉલ્લેખનો આશય, મનુષ્યજાતિની લાંબી વિકાસયાત્રામાં કેવા કેવા પડાવ આવ્યા હશે એનો હવાલો આપીને સમત્વ કેળવવાની દૃષ્ટિએ હશે. પણ ગુરુમૂર્તિને આ વિચારરૂખ ગ્રાહ્ય નથી, કેમ કે સ્ત્રી કોઈ પરપુરુષ મારફતે સંતાન મેળવે તો તે ‘ડિવાઈન સ્પર્મ’ (દૈવી વીર્ય) હોવું જોઈએ. મુરુગને નિરૂપેલા ચાલુ સ્ત્રીપુરુષ સબંધમાં એવું કશું ‘ડિવાઈન’ નથી.
પણ અદાલતે એક ઉદાર દૃષ્ટિબિંદુ કેળવવાની લિબરલ ભૂમિકા લીધી છે. એટલું તો કહેવું જ જોઈએ ને, આવો કોઈ પ્રતિભાવ આપવા-સ્વીકારવા ગુરુમૂર્તિ તૈયાર નથી. ભલે ન પણ હોય, પણ એ માટેના એમનો તર્ક કંઈ નહીં તો પણ ઉડાઉ તરેહનો છે. એ કહે છે, આપણી અદાલતોને અને લિબરલિઝમને શું લાગેવળગે છે? ભૂલી ગયા, કટોકટીમાં જબલપુરનો ચુકાદો કે હિબિયસ કોર્પસ-બોર્પસ કેવું ને વાત કેવી. કેટલાક લોકોએ (અને તંત્રે એમની સાથે મેળાપીપણું દાખવીને) ‘લેખક’ મુરુગનની હત્યાવત્ વલણ દાખવ્યું એમાં ગુરુમૂર્તિને વાંધો નથી લાગતો. ભળતાંસળતાં તત્ત્વોએ કાયદો હાથમાં લીધો એમાં અદાલતી દરમ્યાનગીરીનો એમને વાંધો છે.
જો કે, ૨૧મી સદીમાં એમની ‘ડિવાઈન સ્પર્મ’ વાળી શ્રદ્ધા સંદર્ભે તો ગુજરાત યુનિવર્સિટી સમાજવિદ્યા ભવનમાં (શિનોય ડિરેક્ટર હતા તે કાળમાં) જરા જુદે છેડેથી દ્વિતીય સરસંઘપાલક ગોળવલકરે સુપ્રજનનશાસ્ત્ર (વ્યુજેનિક્સા) સબબ આપણા પૂર્વજોમાં કઈ હદે વૈજ્ઞાનિક અભિગમનું નૈતિક સાહસ હતું એનો દાખલો પોતાના જાહેર ભાષણમાં આપ્યો હતો એનું સ્મરણ ટાંક્યા વગર રહી શકતો નથી. પરણ્યાની પહેલી રાતે સ્ત્રી પતિ સાથે નહીં પણ શ્રેષ્ઠ નાબુદ્રી બ્રાહ્મણ સાથે સૂવે એવો રિવાજ હતો, કેમ કે ઉત્તમ સંતતિ માટે ક્રૉસ-બ્રીડિંગ જરૂરી છે. ‘જેનેટિક ઍન્જિનિયરિંગ’થી માંડીને ક્રોસ-બ્રીડિંગની બાકી, અઘોષિત કટોકટી સામેની ફરિયાદ તો કૉંગ્રેસકાળથી ચાલુ હતી, અને એનો કેટલાયે અંશો આજના શાસનમાં પણ સાચા છે.
રામદોસનો તર્ક એ છે કે અદાલતે ‘અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય’ની રીતે આ કેસમાં જોયોતપાસ્યો તે વાસ્તવમાં એક સંકીર્ણ અભિગમ છે. તો, વ્યાપક વલણ શું, એના જવાબમાં રામદોસ કહે છે : આ પ્રશ્નને લેખકની સામાજિક જવાબદારીના સંદર્ભમાં જોવો જોઈએ. લેખકનું સ્વાતંત્ર્ય લોકોની લાગણી દુભવવા માટે નથી. જો કે, મુરુગને કરેલા સોગંદનામા મુજબ ‘લેખકનું કર્તવ્ય પ્રશ્નો ઉઠાવવાનું અને એ રીતે લોકોમાં એક આલોચનાત્મક અભિગમ વિકસાવવાનું છે.’
રામદોસનો બીજો મુદ્દો એ છે કે ‘ખાસ કરીને બહુમતી સમુદાયોની સામે બોલવું એને પ્રગતિશીલ ગણવામાં આવે છે.’ રામદોસને આ અંગે બે સાદા પ્રશ્ન આપણે જરૂર પૂછી શકીએ. એક તો, બહુમતી સમુદાયોની જે ટીકા થાય છે તે ટીકા વિશે તમારું શું માનવું છે ? પહેલાં એ ટીકા ખરી છે કે ખોટી એ તો કહો. નહીં તો, બહુમતી સત્તારૂઢ થયા પછી પણ વારેવારે પોતાના ‘વિક્ટિમહુડ’નો રાગ આલાપ્યા કરે એ ઠીક ગણાય? અન્ય સમુદાયોની ટીકાથી જાણીબૂઝીને વેગળા ન રહેવું જોઈએ એ સાચું, પણ (૧) પોતાની ટીકાથી કિનારો ન જ થઈ શકે અને (૨) અન્ય સમુદાયોની ટીકામાં ‘અમે વિ. તમે’ની નહીં પણ સાથી-નાગરિકની સમભાવી ભૂમિકા હોવી જોઈએ.
આશરે અઠ્ઠાવીસેક વરસ પરનું એક દૃષ્ટાંત આપીને મારી વાત પૂરી કરું. પ્રો. મકરંદ મહેતાએ ‘અર્થાત્’માં એક લેખ લખ્યો હતો જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રીજી મહારાજની કશીક ટીકા હતી. શ્રદ્ધાળુઓને તે ન સોરવાય એ સમજી શકાય એવું છે. સાદો રસ્તો, આ ટીકા સાથે સંમત નહીં થનારાઓને માટે એ હતો કે એમણે વળતા તર્ક અને તથ્ય સાથે ‘અર્થાત્’ને લખવું જોઈતું હતું, જે પ્રો. રશ્મિકાબહેન વ્યાસે કર્યું હતું. પણ વડોદરા જંબુબેટમાં રહેતા બુઝુર્ગ શ્રીજીસેવી ભાઈલાલભાઈ વકીલે તો સીધો કેસ જ મૂકી દીધો! ત્યારે હું લોકસત્તા(વડોદરા)નો નિવાસી તંત્રી હતો. હું અને એક્સપ્રેસના કિરીટ ભટ્ટ ભાઈલાલભાઈને મળવા ગયા કે આ કેસમાંથી નીકળી જાઓ અને તમને જે કંઈ ટીકાયોગ્ય લાગતું હોય તે ‘અર્થાત્’ને લખી શકો છો. અમને ખાતરી છે કે તે છાપશે જ. ભાઈલાલભાઈ, ભગવાનનું માણસ! એ કહે, મને વ્યક્તિગત રાગદ્વેષ કંઈ છે નહીં પણ આ કેસનો હેતુ એ છે કે વાત ફેલાતી અટકે જેથી બેદિલી ન વધે. સમાજમાં શાંતિ રહે. (‘અર્થાત્’ના સંપાદક મંડળે રાજી થવું જોઈએ કે તેઓ ગુજરાતને સળગાવી શકે એમ છે!) અમે ભાઈલાલભાઈને કહ્યું, વાત ફેલાઈ હશે તો તમે કેસ કર્યાથી ફેલાઈ છે. પણ ટસના મસ થાય એ બીજા. દરમ્યાન, આગળ ચાલતાં મકરંદભાઈને વસમા વિપત્તિકાળે પ્રમુખસ્વામીનો પરચો મળ્યો એટલે સમાધાન સધાતા વાત પતી ગઈ. જો કે ‘અર્થાત્’ના સંપાદકોથી માંડીને મકરંદભાઈ સાથે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મુદ્દે નિસબતથી ઉભેલા સૌને, જ્યાં સુધી મકરંદભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના સ્થાપક વિશેના પોતાના પુનર્વિચારની તાર્કિક માંડણી ન કરે ત્યાં સુધી સમાધાન ન થાય એ દેખીતું છે.
ચુકાદા આસપાસની આ ચર્ચાનો સાર એ છે કે રાજ્ય સ્તરે લિબરલ અભિગમ અનિરુદ્ધ રહી શકે તે માટે જેમ રાજકીય-શાસકીય સંકલ્પ (પોલિટિકલ વિલ) જરૂરી છે. અદાલતી ચુકાદો આવકાર્ય છતાં અપૂરતો છે તેમ કહેવા સાથે એણે લિબરલ સમાજ અને આલોચનાત્મક દૃષ્ટિબિંદુ કેળવવા વિશે ઊહાપોહભેર ધ્યાન ખેંચવાનો જે સુયોગ સરજી આપ્યો છે એની કૃતજ્ઞતાપૂર્વક કદર કરવી રહે છે.
જુલાઈ ૧૨, ૨૦૧૬
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૂ. 01-03 & 19