આ વખતે surprise થઈ કારણ કે ગાંધીએ જાહેર કરેલું કે કહેવાનું બધું જ કહી દીધું છે. સોનેટની અપેક્ષા ન રાખવી. પણ એ ખોટું ઠર્યું. હરહંમેશની જેમ જ મારા બાણુંમા જન્મદિને સોનેટ અને ગુલાબ હાજર હતાં. અને આંખમાં પાણી સાથે મેં એ સહર્ષ સ્વીકાર્યાં. આ રહ્યું એ સોનેટ !
— પન્ના નાયક
– મંદાક્રાન્તા –
તારે મોઢે પુનરપિ પુન: એકની એક વાત
જાણું, સુણું: “વય વરસ નેવુથી ઝાઝેરી થૈ છે.
ઝાઝું જીવી, ઘણું અનુભવ્યું, સુખ ને દુઃખ ઝાઝું,
તો યે એની નથી નથી કરી મેં ફરિયાદ ઝાઝી.
જુઓ, જુઓ સ્વજન જ ગયાં કૈં દઈ હાથતાળી
બા, બાપાજી, વડીલ જન સૌ, પાંચ ભાઈ, બહેનો
નાના મોટા, ફટ ફટ પડ્યા, હું રહી એક બાકી.
ઠેકાણે છે સુધબુધ બધું ત્યાં સુધીમાં જવું છે,
થાકી છું હું, બસ બહુ થયું. નાથ હે મુક્તિ આપ.
સૂતા ભેગી બસ સરી પડું ચિર નિદ્રા મહીં હું.”
“વ્હેલી મોડી સફર સહુની પૂરી થાશે અવશ્ય,
એ હું જાણું, જવું જ જવું છે તો ભલે તું સિધાવે,
જીવી ઝાઝું જીવતર રૂડું, ધન્ય ને સુખદાયી,
તારા વિના જીવન જીરવાશે નહીં એ ય જાણું.”
− નટવર ગાંધી
![]()

