આજકાલનાં કેટલાંક સાહિત્યિક સમ્પાદનો ભયાવહ છે. એનાં ૩ કારણો છે:
૧: પહેલું કારણ –

સુમન શાહ
પોતે કઈ દૃષ્ટિથી સમ્પાદન કર્યું છે એની એ સમ્પાદકો જાણ નથી કરતા. બાકી, કોઈપણ સમ્પાદન ચૉક્કસ દૃષ્ટિથી થવું જોઈએ. દાખલા તરીકે, સમજુ માણસ શાકમાર્કેટમાં ગયો હોય તો એને ભાન હોય છે કે પોતે રીંગણ, અને તે પણ એકદમ લીલાં, નાનાં અને તાજાં લેવા ગયો છે. એવી ચૉક્કસ દૃષ્ટિમતિને કારણે પત્ની અને પરિવારજનોને એ પ્રિય થઈ પડે છે. એવી સાર્થક દૃષ્ટિ વિનાના સાહિત્યક્ષેત્રના સમ્પાદકો જે હાથ ચડે તે લઈ લે છે. રીંગણાં બટાકા ભીંડા ગલકાં ગાજર કે મૂળા બધું જ ઉપાડી લે છે. એમ ઉપાડી લીધેલા કે ઉઠાવી લીધેલા માલને સમ્પાદન ન કહેવાય; એ જથ્થો હોય છે, જેને બાચકો કે ઢગલો કહેવાય. એટલે જ કેટલાક સમ્પાદકો આરામથી અગાઉના સમ્પાદનોમાંથી કૃતિઓ ઉપાડી લેતા હોય છે! એ ચોરીચપાટી છે, પણ એમ કરતાં તેઓ શરમાતા નથી.
સમ્પાદક પોતાની દૃષ્ટિ સ્પષ્ટ નથી કરતો એ કારણે લેખકો પણ એને પોતાની કોઈપણ કૃતિ સમ્પાદિત કરવાની છૂટ આપી દે છે. સમ્પાદકીય દૃષ્ટિમતિ નથી હોતી તેથી કોઈ કોઈ લેખકો સામે ચાલીને પોતાની કૃતિઓ સમ્પાદકના ચરણે ધરે છે! લેખક તરીકેના પોતાના શીલને – writerly charecterને – બાજુએ મૂકનારા એ લેખકો ય શરમાતા નથી. વળી, દૃષ્ટિહીન સમ્પાદનોથી મૂળ લેખકોને તેમ જ વાચકોને કશો જ લાભ થતો નથી. આખો તરીકો સૌના સમયની બરબાદી કરનારો પુરવાર થાય છે.
૨: બીજું કારણ –
આ સમયમાં અનેક સમ્પાદકો જનમી રહ્યા છે. કેટલાકના ઊજળા દિવસો આથમી ગયા હોય છે, તેઓ પોતાના જૂના મુગટમાં એક પીછું ‘સમ્પાદક’-નું ખોસવાની લાલચના માર્યા મથ્યા કરે છે. અલબત્ત, જો એમની પાસે સાહિત્યજ્ઞાન હોય, તો એનો લાભ મળી શકે, નહિતર, એમના ચીમળાઇ ગયેલા મહિમાને આધારે એ સમ્પાદનોને તપાસવાનો વારો આવે. કેટલાક એવા છે જેઓને કારકિર્દી દરમ્યાન સારું સર્જન કે અર્થપૂર્ણ સમીક્ષા કરતાં આવડ્યું નથી. તેઓને સમ્પાદનનું કામ સરળમાં સરળ દેખાતું હોય છે, એટલે મંડી પડે છે.
એ જો સમ્પાદક થવા નીકળ્યો છે, તો ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો જાણકાર તો હોવો જ જોઈએ ને! આજકાલના મોટાભાગનાઓને જે સાહિત્યપ્રકાર માટે સમ્પાદન કરતા હોય તેના ઇતિહાસનું જ્ઞાન નથી હોતું. જેમ કે, આધુનિક ટૂંકીવાર્તાનું સમ્પાદન કરતો હોય તો એને ખબર હોવી જોઈએ કે આધુનિક ટૂંકીવાર્તાનો પ્રારમ્ભ અને મધ્ય શો હતો, અને જો થયું જ હોય, તો અવસાન શું હતું. કેટલાકને તો ખબર જ નથી હોતી કે આધુનિક ટૂંકીવાર્તાનું અવસાન થયું છે કે કેમ. એ કારણે ઉતાવળે ઉતાવળે તેઓ અનુ-આધુનિકતાના ઘોડે ચડી જતા હોય છે. એ ઘોડો શું છે એનું ય એમને ભાન હોતું નથી. એ જ અજ્ઞાનને કારણે એમને પોતાના ભાઇબન્ધની નબળી રચના અને નીવડેલા સાહિત્યકારની ઐતિહાસિક મૂલ્ય ધરાવતી રચના વચ્ચેનો ભેદ પરખાતો નથી. એ સમ્પાદકો પક્ષાઘાતી છે. તેઓ જાણ્યે-અજાણ્યે ખોટા ઇતિહાસ લખવા માટેની સામગ્રી પૂરી પાડતા હોય છે.
૩: ત્રીજું કારણ –
આમ, આજકાલનાં સમ્પાદનોમાં સમ્પાદકીય દૃષ્ટિનો અને ઇતિહાસના જ્ઞાનનો અભાવ છે. તેમછતાં, જેમની રચનાઓ લેવાઇ હોય છે તેઓ કૉલર ઊંચો રાખીને વટ પાડતા ફરે છે, જેમની નથી લેવાઇ હોતી તેઓ વ્યથિત રહે છે. આ ત્રીજા કારણે તો એ સમ્પાદનો ભારે ભયાવહ છે. કેમ કે એથી સાહિત્યસમાજમાં ભ્રાન્ત ઉચ્ચાવચતા ઊભી થાય છે, જે દુ:ખદ છે. ઉપરાન્ત, સાહિત્ય-વ્યવહાર પણ નથી સચવાતો – સમ્પાદકો મહેનતાણું લે છે પણ મૂળ લેખકને પુરસ્કાર નથી અપાતો, સમ્પાદક એમ કહીને છૂટી પડે છે કે એ કામ મારું નથી, પ્રકાશકનું છે. મૂળ લેખકને ક્યારેક તો સમ્પાદનનું પુસ્તક પણ નથી અપાતું! પરિણામે, સાહિત્યિક વિકાસ રુંધાય છે.
+ +
ધારો કે કોઈ સમ્પાદક ગઝલકાવ્યોનું સમ્પાદન કરવા માગે છે. એ દૃષ્ટિહીન હશે તો એને કશી જ મુશ્કેલી નહીં પડે, કેમ કે આપણે ત્યાં ગઝલોનો તો જ્યાં નજર નાખો ત્યાં જૂનો, નવો કે નવીનતમ ફાલ જોવા મળે છે. એની પાસે ગઝલ-સાહિત્યના ઇતિહાસનું જ્ઞાન નહીં હોય તો એ કયા ગઝલકારનો મહિમા કરશે અને કયાનો નહીં કરે? સમજાય એવું છે કે એથી કેટલા ય ગઝલકારો બાકી રહી જશે અને વાતાવરણમાં એક બેદિલી ફેલાશે. એ સમ્પાદક સામે ફરિયાદો જરૂર થશે, પણ એ શેનો સાંભળે?
ઓછામાં ઓછા બે દાયકા દરમ્યાન મેં જોયું છે કે આવાં ઢંગધડા વગરનાં સમ્પાદનો સામે ઘણી ઘણી ફરિયાદો થઈ છે, પણ ભાગ્યેજ કોઈ સમ્પાદકે સુધારા-વધારા કર્યા છે. ગુજરાતી સમ્પાદન-સાહિત્યની કડક આલોચના થવી જોઈએ.
+ +

સમગ્ર સાર એ કે આજકાલનાં એવાં સમ્પાદનોની નીવડેલાઓએ જાહેરમાં હોળી કરવી જોઈએ અને નવોદિતોએ એ સમ્પાદકોનો જાહેરમાં બહિષ્કાર કરવો જોઈએ.
= = =
(291225Abad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

