
સુમન શાહ
સાહિત્યસર્જન પછીની ભાવિ કોઈપણ જાહેર વાત Objective હોવી જોઈએ. આ ઉલ્લેખ ૨૦૨૫ જેટલા વર્તમાન સમયમાં ય કરવો પડે છે, એ શરમજનક છે.
objective એટલે વસ્તુલક્ષી, અને વસ્તુલક્ષી શું તે જો સમજાવવું પડે, તો એ પણ શરમજનક છે.
એ જાહેર વાત કરનારો જો વસ્નતુલક્ષી નહીં રહ્યો હોય ને વ્હાલાંદવલાંલક્ષી રહ્યો હશે તો કૃતિની સાહિત્યિક ગુણવત્તા, કલાસૌન્દર્ય વિશે સંકેત, કૃતિ વડે સાહિત્યના ઇતિહાસમાં કશું ઉમેરાયું કે કેમ, વગેરે તત્ત્વોને પામી નહીં શકે, અને તેથી આપણને દર્શાવી નહીં શકે. આ ઉલ્લેખ કરવો પડે છે એ પણ શરમજનક છે.
આપણે ત્યાં, અનેક સાહિત્યિક વાદ આવ્યા, કોઈ કોઈ સ્થિર થયા, મોટા ભાગના હમ્મેશને માટે ગયા, પણ એક પહેલેથી સ્થિર અને સુદૃઢ રહ્યો છે, એનું નામ છે, મારા-તારાવાદ. એથી સરજાયેલી આપણી મનોવસ્થા રુગ્ણ અને દયનીય છે.
હવે, એમાં ઉમેરાયાં છે પુસ્તકનાં લોકાર્પણો કે વિમોચનો. એમાં objectivity નથી, બલકે પુસ્તકને જ object ગણી લેવાયું છે!
મારી દૃષ્ટિએ લોકાર્પણ સાહિત્યિક સ્વાસ્થ્યનો નાશ કરનારો અને ગંદકી ફેલાવનારો ચેપી રોગ છે.
લોકોને એટલે કયા લોકોને પુસ્તક અર્પણ કરાય છે, એ લાજવાબ સવાલ છે. પુસ્તકમાં શું છે એ વિશે ભાગ્યે જ કશું કહેવાય છે. એથી પુસ્તકનું વિમોચન નથી થતું. એ બચારું તો રંગરંગીન ગ્લૉસી પેપરમાં બંધાયેલું ને તેથી ગૂંગળાયેલું રહે છે. પુસ્તકની વાત માંડતા એકાદ વક્તવ્યનો અભાવ હોય તો પુસ્તકના સત્ત્વનો સાક્ષાત્કાર નથી થતો.
લોકાર્પણની ભયાનક આડપેદાશ એ છે કે તે પછી એ પુસ્તકની જવલ્લે જ કશી વાત થાય છે. મોટાભાગનાં લોકાર્પણો એ અર્થમાં સાહિત્યઘાતક નીવડે છે.
પ્રકાશકો પણ ચુમાતા રહે છે કેમ કે લોકાર્પણને જ કારણે પુસ્તકો વેચાય, એમ નથી થતું. ધંધો વિકસ્યો કે લોકાર્પણ પાછળ નર્યો ખર્ચો થયો — એ વિશે વધુ તો એઓ જાણે છે ને સાચું કહે તો આપણને ખબર પડે.
આપણે ત્યાં આજકાલ સદ્ સમીક્ષાઓ ખાસ જોવા નથી મળતી એનું એક મહા કારણ
લોકાર્પણો છે.
ચકમકતા નવા વાઘા સજીને પુસ્તક ધરીને ઊભેલા સાત-આઠ જણમાં મોટાભાગનાઓને સાહિત્ય સાથે કશી લેવાદેવા નથી હોતી. એટલે એમાં એક પણ સાહિત્યકાર ન દેખાય તો મને તો એ દૃશ્ય જોઈને ચીતળી ચડે છે. ચીતળી બીભત્સ રસનો સ્થાયી ભાવ છે.
એ લોકોને શા કારણોથી જોડવામાં આવે છે, એ જાણીતું છે, તેમછતાં, કહું કે આખી ઘટના બજારુ અને બિનસાહિત્યિક છે.
સૌ સાહિત્યકારો એથી લલચાય છે, એને સ્થાને સૌ એનો ધરાર વિરોધ કરે, એ સાહિત્યધર્મ છે.
નહિતર, એ પ્રજ્ઞાપરાધ છે.
= = =
(271225A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

