આ સ્થાને સ્ફુલ્લિન્ગ શીર્ષક હેઠળ વિચારવિષયક તણખા મૂકવાનું આયોજન છે.
જાણીતું છે કે વિદ્વત્તાયુક્ત સમીક્ષા કે વિવેચના કરવી હોય તો કોઈપણ textનું સઘન વાચન – close reading – કરવું અનિવાર્ય છે. સમીક્ષક કૃતિના સઘન વાચન પછી તેનું વિવરણ અર્થઘટન અને મૂલ્યાંકન કરતો હોય છે.
ત્યારે એ પોતાની સહજસ્ફુરણા એટલે કે intuitionમાં વિશ્વાસ નથી રાખતો;
ત્યારે એ ગુરુ કે વડીલના અભિપ્રાયને એટલે કે આપ્તજનવાક્યને નથી અનુસરતો. જ્ઞાનસમ્પાદનની એવી કોઈપણ રીતભાતની જે મર્યાદાઓ છે તેનું એને ભાન હોય છે.
ખરેખર તો એ એક વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો હોય છે, જેનું મુખ્ય લક્ષણ વસ્તુલક્ષીતા – objectivity – છે.
પરિણામે સમીક્ષા કે વિવેચના સંતુલિત અને શુદ્ધ રહી શકે છે,
સાહિત્યવિચારનો સાચી દિશામાં વિકાસ થાય છે.
પરન્તુ,
આજકાલ સઘન વાચન થાય છે કે લોકો ગગડાવી જાય છે?
આજકાલ objectivity નહીં પણ subjectivity જોવા મળે છે — મારાતારાવાદ;
એ થોડાકને દેખાય છે, પણ સૌને દેખાય છે?
= = =
ટીકાટિપ્પણી કરવાની બે પદ્ધતિઓ છે :
૧
બાંધેભારે કે મભમમાં લખી શકાય, જેમ કે —
“આજકાલ ગુજરાતી સાહિત્યકારો સાહિત્યના આદર્શોને નેવે મેલીને પોતાને જે સૂઝે તે લખ્યા કરે છે.”
આ વિધાન સામ્પ્રતના એક સર્વસામાન્ય વલણને વ્યક્ત કરે છે. વલણો લઢણો કે મર્યાદાઓની એક સર્વસાધારણ – general – ટીકા કરવા માટે આ પદ્ધતિ યોગ્ય છે.
પણ બે મુદ્દા ઊભા થશે:
એક એ કે એ વિધાન કરનાર પાસે ડેટા છે કે માત્ર કલ્પના કરીને કહે છે? કેટલા સાહિત્યકારોના દાખલાની ભૂમિકાએ એવું વિધાન કરે છે? નહિતર, એ વિધાન દુ:ખદ બની રહેશે, કેમ કે આજકાલ ‘બધા’ સાહિત્યકારો એમ નથી કરતા, આદર્શોને વળગી રહી કામ કરનારા પણ ઘણા છે.
બીજો મુદ્દો એ કે વિધાન સૌ સાહિત્યકારો વિશે છે તેથી વ્યાપક છે અને તેથી અતાર્કિક છે. વ્યવહારમાં વાતોચીતો ચાલતી હોય ત્યારે આપણે અતાર્કિક હોઈ શકીએ, પણ સાહિત્યલેખનમાં એમ ન ચાલી શકે. તાર્કિક વિધાન આ હોઈ શકે:
“આજકાલ કેટલાક ગુજરાતી સાહિત્યકારો સાહિત્યના આદર્શોને નેવે મેલીને પોતાને જે સૂઝે તે લખ્યા કરે છે.”
‘કેટલાક’ શબ્દ ઉમેરવાથી વિધાન અ-વ્યાપક થઈ જાય અને દુ:ખદ નીવડવાને બદલે વિચારપ્રેરક બને.
૨
ટીકા કરવાની બીજી રીત છે કે બાંધેભારે કે મભમમાં ન લખવું, સ્પષ્ટપણે અને નામોલ્લેખ સહિત લખવું. જેમ કે, લખી શકાય —
“કાકાસાહેબના નિબન્ધોથી સુરેશ જોષીના નિબન્ધો ચડિયાતા કે ઊતરતા નથી, પણ જુદા છે.”
“ગોવર્ધનરામનું ગદ્ય ઘણે અંશે સહજ છે, પણ કેટલેક સ્થાને સાયાસ છે.”
૩
“સુમન શાહના સિદ્ધાન્તલેખો અઘરા પડે છે પણ એમની વાતો અને વાર્તાઓમાં સરળતા છે.”
અલબત્ત, આવાં વિધાનો પણ ડેટા, તર્ક અને સિદ્ધાન્તની ભૂમિકા વિનાનાં હશે તો વિખવાદ સરજશે.
ટીકાટિપ્પણી સાહિત્યહેતુથી નહીં પણ સનસનાટી કે ઉશ્કેરણીના હેતુથી હોય ત્યારે જો સાવધાની નહીં હોય, તો વિધાનો બૂમરૅન્ગ નીવડશે. એ વિધાનકર્તાને કોઈ કહેશે કે – તમે પણ વસ્તુલક્ષી આદર્શોને નેવે મેલીને લખો છો. સરવાળે, અતાર્કિકતાથી અતાર્કિકતા ફેલાયા કરશે, વાત ત્યાંની ત્યાં રહેશે.
= આજે આપણને કઇ પદ્ધતિની ટીકાટિપ્પણી જોવા મળે છે? પહેલી પદ્ધતિની કે બીજી?
= નથી લાગતું કે અતાર્કિકતાને કારણે સામ્પ્રતમાં સાહિત્યવિચાર જેવું કશું છે જ નહીં?
= = =
(091125 and 101125A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

