ભારતીય સમાજવાદના પ્રણેતા અને પ્રકાંડ પંડિત આચાર્ય નરેન્દ્ર દેવ રાજકારણના ઘોંઘાટમાં ઇતિહાસના પૃષ્ઠોમાં કેમ ખોવાઈ ગયા?

જન્મ : 31-10-1889 • મૃત્યુ : 19-2-1956
તે દિવસે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાંથી પસાર થતા આચાર્ય નરેન્દ્ર દેવ નગરનો નામોલ્લેખ સાંભળી કાન સહસા સરવા થઈ ગયા : નરેન્દ્ર દેવ એટલા વહેલા ગયા, 1956માં કે જેમ જે.પી. ને લોહિયા હમણેના દાયકાઓમાં સહજ સંભારાતા રહે છે એવું એમના કિસ્સામાં નથી થતું.

પ્રકાશ ન. શાહ
જો કે, જોગાનુજોગ જ, આંબાવાડી પંથકમાં જ હિંમતલાલ પાર્કમાં બ્રહ્મકુમાર ભટ્ટને ત્યાં નરેન્દ્ર દેવની સરસ તસવીર ગભારા માંહેલી દેવમૂર્તિ પેઠે જોયાનું સાંભરે છે. 1976માં વડોદરા સેન્ટ્રલ જેલમાં અમે સહમિસાબંદી હતા ત્યારે જેમ જે.પી.-લોહિયાની તેમ નરેન્દ્ર દેવનીયે વાત બ્રહ્મકુમાર સાથે નીકળતી. એ સંભારતા કે આ પ્રકાંડ પંડિત, છતે આકરે અસ્થમે, કર્મઠ પણ શૂરાપૂરા હતા. હંમેશ કહેતા, દસ ટકા ઈન્સ્પિરેશન ને નેવું ટકા પરસ્પિરેશન … યાદ રાખો.
31મી ઓક્ટોબરે સરદાર જયંતી છે તો ઇંદિરાજીની પુણ્યસ્મૃતિનોયે એ દિવસ છે. બંનેનાં ખરાંખોટાં બેંડવાજાં હાજરાહજૂર હશે, પણ 31મી ઓક્ટોબર 1889ના દિવસે જન્મેલા નરેન્દ્ર દેવને કોણ સંભારે, ભલા.
જો કે, નવાઈ લાગે પણ મારું પહેલું સ્મરણ 1956-60નાં ગ્રેજ્યુએટ વર્ષોનું છે. પંડિત સુખલાલજી પાસે કવચિત્ કવચિત્ જવાનું બનતું. એક વાર એમનાં બનારસ વર્ષોની વાત નીકળી તો એમાં નરેન્દ્ર દેવનીયે સાંભરણ સરી આવી. એમની ને પંડિતજી વચ્ચેની વાર્તાલાપ બેઠકોમાં જૈન ને બૌદ્ધ દર્શન આસપાસના મુદ્દા પ્રમુખ રહેતા. પણ પંડિતજીની વિદ્યાપ્રીતિ અને નવી દુનિયાની ઝંખનાનો તો છેડો નહીં એટલે એમને માર્ક્સને સમજવાની ઇચ્છા જાગી. નરેન્દ્ર દેવની સલાહ માંગી તો એમણે કહ્યું કે બુખારીનના પુસ્તક ‘એ.બી.સી. ઓફ માર્ક્સિઝમ’થી શરૂ કરો. 1988-89માં નરેન્દ્ર દેવની શતાબ્દી માટે બ્રહ્મકુમાર ભટ્ટ ને રામલાલ પરીખ ઉપરાંત વડોદરાથી સનત મહેતા અને પરાડકર વગેરે વચ્ચે વાત ચાલેલી ત્યારે બે પંડિતો વચ્ચેના સંવાદનો આ ઉલ્લેખ સૌને રસપ્રદ થઈ પડ્યો હતો.
નરેન્દ્ર દેવને કાશી વિદ્યાપીઠનું દાયિત્વ સંભારવાનું આવ્યું ત્યારથી ‘આચાર્ય’ એમની ઓળખનો અભિન્ન ભાગ બની ગયો, જેમ વન્સ અપોન અ ટાઈમ વિદ્યાપીઠ સાથે કૃપાલાનીની ઓળખનુંયે ‘આચાર્ય’ અભિન્ન અંગ બની ગયું, એમ.
1934માં જ્યારે કાઁગ્રેસ સમાજવાદી પક્ષનું પહેલું અધિવેશન પટણામાં મળ્યું ત્યારે એના અધ્યક્ષપદે સૌએ નરેન્દ્ર દેવને બેસાડ્યા હતા. વડા સંગઠક તરીકે ઉભરેલા જયપ્રકાશના સહાયકોમાં એક મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન પણ હતા. ગાંધીજીએ વિદ્યાપીઠના પહેલા દસકામાં જ જેમને વિશિષ્ટ અતિથિ તરીકે ચહીને બરક્યા હશે તેમાં નરેન્દ્ર દેવ પણ હતા. આગળ ચાલતાં જ્યારે કાઁગ્રેસ સમાજવાદી પક્ષ ઉભરી આવ્યો ત્યારે સમાજવાદી તરુણો સાથે સંવાદ પૂર્વે શું સાહિત્ય વાંચવું, એની યાદી ગાંધીજીએ નરેન્દ્ર દેવ પાસે માગી હતી તો બીજી બાજુ મહાદેવ દેસાઈને અલાહાબાદ મોકલ્યા હતા – તું ચાર-પાંચ દિવસ જવાહર સાથે રહે અને અલકમલકની વાતોમાં સમાજવાદ વિશેનું એનું મન જાણીને આવ.
બાય ધ વે, 1934માં કાઁગ્રેસ સમાજવાદી પક્ષનું સ્થાપના અધિવેશન મળ્યું ત્યારે જવાહરલાલ જેલમાં હતા અને નરેન્દ્ર દેવે પોતાના સંબોધનમાં ‘અમે નેહરુ બહાર આવે ને ક્યારે દિલની વાતો કરીએ’ એ ભાવથી એમને સંભાર્યા હતા. તે પછી, તરતનાં વરસોમાં, કૃપાલાનીએ સંભાર્યું છે, હું ને સુચેતા મારી મોટી ઉંમરે પરણી રહ્યાં હતાં પણ જવાહરલાલ જેલમાંથી છૂટે અને સામેલ થઈ શકે તે માટે અમે વરસ-દોઢ વરસ ખમી ખાવાનું નક્કી કર્યું હતું.
‘હિંદ છોડો’ ઠરાવની વાંસોવાંશ કાઁગ્રેસ કારોબારી જેલભેગી થઈ ત્યારે નેહરુ, મૌલાના આઝાદ, કૃપાલાની, નરેન્દ્ર દેવ, સરદાર, હરેકૃષ્ણ મહેતાબ સૌ અહમદનગર જેલમાં સાથે હતા. જવાહરલાલે ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ એ મહાગ્રંથ જેલમાં લખ્યો ત્યારે સંદર્ભસ્રોતોની અછત વચ્ચે મૌલાના આઝાદ ને નરેન્દ્ર દેવની સ્મૃતિસંદૂકમાં ભરેલું કેટલું બધું કામમાં આવ્યું હશે, ન જાણે. જેલમાં હતા અને ઇંદિરાને પુત્રપ્રસવ થયાની ખબર આવી ત્યારે નરેન્દ્ર દેવે બૌદ્ધ પરંપરામાં બુદ્ધનું એક નામ ‘રાજીવલોચન’ સંભાર્યું હતું એ ‘રાજીવ’ નામનું રહસ્ય છે.
સમાજવાદના સિદ્ધાંતકોવિદ તરીકે નરેન્દ્ર દેવ ઉભર્યા, પણ એ નકરી પ્રોફેસરી તાસીરથી ઉફરા ચાલતા હતા. માર્ક્સનું અર્થઘટન, બુદ્ધની નૈતિક પ્રેરણા, ગાંધીનો સત્યાગ્રહ, એવો એક સમન્વિત અભિગમ એમણે વિકસાવ્યો હતો. પરંપરાનું ઉત્તમ કાલવી નવાં વહેણોનું સત્ત્વ આત્મસાત્ કરી આગળ ચાલવું, એમ એ કહેતા. સમાજવાદી આંદોલનમાં જેમ પંચમઢી થીસિસ તેમ એમનો ગયા થીસિસ પણ સુપ્રતિષ્ઠ છે.
નેહરુ ને પટેલ સ્વરાજ બેસતે રાજ્યબાંધણીમાં ગયા ત્યારે કાઁગ્રેસ પ્રમુખ પદે ગાંધીજીને સૂઝેલાં નામ નરેન્દ્ર દેવ અને જયપ્રકાશનાં હતાં. સ્વરાજ પછી કાઁગ્રેસે જ્યારે પક્ષની અંદર પક્ષ નહીં એવો નિર્ણય લીધો ત્યારે સમાજવાદીઓનું અલગ પક્ષ રૂપે છૂટા પડી ગઠિત થવું સ્વાભાવિક હતું. નરેન્દ્ર દેવ અને કેટલાક સાથીઓ ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચુંટાયેલા સભ્ય હતા. એમણે કાઁગ્રેસની ટિકિટ પર ચુંટાયા પછી નવા પક્ષ રૂપે કામ કરવાને ધોરણે ગૃહમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો. જો કે, ફેરચૂંટણીમાં મતદારોએ એમને પાછા ન મોકલ્યા … એક નૈતિક નિર્ણયની આ કદર!
આ તો થોડું ઉપલક-ઉભડક. પણ નરેન્દ્ર દેવ આદિએ પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરા વિશે જે રીતે આધુનિક સંદર્ભમાં વ્યાપક પણે કામ લીધું છે, એ સમજવાની ખાસ તરેહના ‘રાષ્ટ્ર’માનસને સુધબુધ હશે? ન જાને.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 12 નવેમ્બર 2025
![]()

