અગાઉ નગરો ગામડાં સાથે જોડાયેલાં હતાં,
છીંકણી આંખોવાળા ડેઈઝીનાં ફૂલોથી
ફળની વાડીઓની કિનારીઓ શોભતી,
ઢોર ક્લોવર મજાથી આરોગતા,
માછીમારો હોડીઓમાં બેસી મૌન સેવતા
અને છોકરા-છોકરીઓ રસ્તાઓ પર ગાડી રોકતાં
ચંદ્રને અનુભવતાં અને સ્પર્શતાં,
શાંત પળોના વર્તુળ થતાં, ધ્યાન ધરતાં
તળાવો, ચંદ્ર, પુષ્પલતાઓ
આવું હતું ઇન્ડિયાના.
પરંતુ હવે અમે બહાર નીકળી ગયા છીએ,
સફરજન ઊગતાં ત્યાં વિશ્વને છોલવા લાગ્યા છીએ
સપાટ બનાવી રહ્યાં છીએ,
એના પર ગાડીઓ દોડાવવા ડામર પાથરી રહ્યાં છીએ,
વસંતમાં ક્લોવર જાંબલી થાય તે પહેલાં
ઘાસનું ખેતર સપાટ કરવા ઇચ્છીએ છીએ
અને આવતી સાલ હિકરીના વગડોનો વારો છે
અમે જોર લગાવી રહ્યાં છીએ
અમારા રાક્ષસી ડિઝલના વાહનો ઘુરકી રહ્યાં છે
અને મને તમારો વિચાર આવે છે,
૨૧મી સદીના કોંક્રીટમાં વીંટળાયેલી
તમારી અબજોની વસ્તીને
મારે સાદ દેવો છે
તમને સ્મૃતિ અપાવવી છે
કે જો તમે ઊંડું ખોદશો
વાયરો અને પાઈપો, ગટરો અને સબવેની નીચે
તો તમને માટી નામનો ભભરો પદાર્થ મળી આવશે
સાંભળોઃ ઇન્ડિયાનામાં એમાં ચીજો ઊગતી હતી.
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()

