Opinion Magazine
Number of visits: 9461710
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—308 

દીપક મહેતા|Opinion - Opinion|27 September 2025

કમાન્ડર કાવસ નાણાવટીની કારાવાસથી કેનેડા સુધીની સફર    

૨૪ નવેમ્બર, ૧૯૬૧.

છેલ્લા કેટલાક દિવસથી જે કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં ચાલી રહી હતી તેનો આજે ચુકાદો આવવાનો છે. કોર્ટ રૂમ ભરાઈ તો ગયો છે, પણ મુંબઈના લોકોને આ કેસમાં જેટલી દિલચસ્પી હતી તેટલી દિલ્હીના લોકોને નહોતી. ન હોય તે સમજી પણ શકાય. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વતી ચુકાદો સંભળાવવા કોકા સુબ્બારાવ ઊભા થયા. પહેલાં તો તેમણે પ્રેમ આહુજાના મોત પહેલાંની અને પછીની ઘટનાઓની વિગતવાર ચકાસણી કરી. પછી જુદા જુદા સાક્ષીઓની જુબાનીના મુખ્ય મુદ્દાઓ તારવીને કોની કેટલી જુબાની સ્વીકારવા જેવી છે, અને શા માટે છે, એની ચર્ચા કરી. પછી આગલી અદાલતોની કારવાઈની સમીક્ષા કરી. કમાન્ડર નાણાવટીને ખૂન તેમ જ સદોષ મનુષ્યવધના આરોપોમાં નિર્દોષ ઠરાવતો જ્યુરીના સભ્યોનો (૮ વિરુદ્ધ ૧ મતે) નિર્ણય શા માટે અસ્વીકાર્ય બને છે તેની ચર્ચા કરી. પછી હાઈ કોર્ટની કાર્યવાહીની સમીક્ષા કરી. અને અંતે જાહેર કર્યું: “ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૨ હેઠળનો ગુનો સાબિત થવાથી બોમ્બે હાઈ કોર્ટે આરોપી કમાન્ડર કાવસ માણેકશા નાણાવટીને ફરમાવેલી આજીવન કેદની સજામાં હસ્તક્ષેપ કરવાનું એક પણ કારણ અમને જણાયું નથી અને તેથી એ કોર્ટે તેમને કરેલી આજીવન કેદની શિક્ષા અમે પૂરેપૂરી રીતે બહાલ રાખીએ છીએ. The appeal stands dismissed. 

કમાન્ડર નાણાવટી આર્થર રોડ જેલ તરફ

આ સમાચાર મુંબઈ પહોચતાં વેંત મુંબઈ પોલીસે કમાન્ડર નાણાવટીને નેવલ પોલીસ પાસેથી પોતાના તાબામાં લેવાની કારવાઈ શરૂ કરી દીધી. સાધારણ કેદીને આર્થર રોડ જેલ ભેગો કરવા માટે પોલીસ વેનનો ઉપયોગ થાય, પણ આ કિસ્સામાં લોકોનું ધ્યાન બને તેટલું ઓછું દોરાય એટલા ખાતર કમાન્ડર નાણાવટીને એક કાળી એમ્બેસડર મોટરમાં આર્થર રોડ જેલ લઈ જવામાં આવ્યા. તેમની સાથેના પોલીસ અધિકારીઓ પણ સાદાં કપડાંમાં હતા. પોલીસે ગમે તેટલી મહેનત કરી હોય, સુપ્રીમ કોર્ટના ચુકાદાના ખબર આખા મુંબઈમાં વાયુ વેગે ફેલાઈ ગયા. જ્યાં નેવીની જેલ આવી હતી તે આઈ.એન.એસ. કુન્જાલીની બહાર અને આર્થર રોડ જેલની બહાર લોકોનાં ટોળાં જમા થઈ ગયાં. આઈ.એન.એસ. કુન્જાલીનો દરવાજો ખુલ્યો. આછા ભૂરા રંગનો સૂટ પહેરેલા કમાન્ડર નાણાવટીને વળાવવા કમાન્ડર સેમ્યુઅલ પણ તેમની સાથે બહાર આવ્યા. કમાન્ડર નાણાવટીએ કમાન્ડર સેમ્યુઅલ સાથે શેક હેન્ડ કરી તેમનો આભાર માન્યો. બાજુમાં ઊભેલી, ડુસકાં ભરતી સિલ્વિયાના ગાલ પર આછું ચુંબન કરી તેની વિદાય માગી. પછી જાતે બારણું ખોલી મોટરમાં બેઠા. આગળ-પાછળ સાદાં કપડાંમાં મુંબઈ પોલીસના અફસરો બેઠા. મોટર ઊપડે એ પહેલાં હાજર રહેલા ટોળાએ ‘કમાન્ડર નાણાવટી ઝિન્દાબાદ’ના નારા લગાવ્યા. 

થોડી વારે મોટર આર્થર રોડ જેલના મુખ્ય દરવાજે નહિ, પણ બાજુના એક નાના દરવાજા પાસે આવીને ઊભી રહી. છતાં કમાન્ડર નાણાવટીને જોતાં વેંત ત્યાં હાજર રહેલા લોકોએ પણ ‘કમાન્ડર નાણાવટી ઝિન્દાબાદ’ના નારા લગાવ્યા. મોટરમાંથી ઊતરીને કમાન્ડર નાણાવટી ઘડી-બે ઘડી ઊભા રહ્યા. હવેની જિંદગીનાં ચૌદ વરસ જ્યાં ગાળવાનાં હતાં તે આર્થર રોડ જેલની ઈમારત પર નજર ફેરવી. પછી થોડા વાંકા વળીને દરવાજામાં દાખલ થયા. તેઓ અંદર ગયા એ ભેગો દરવાજો બંધ. છેલ્લી થોડી ક્ષણો માટે લોકોનું ટોળું અવાચક થઈ ગયું હતું. જેલનો દરવાજો બંધ થયા પછી ફરી વધુ જોરથી ટોળાએ ‘કમાન્ડર નાણાવટી ઝિન્દાબાદ’ના પોકારો શરૂ કર્યા. પછી ન છૂટકે લોકો ધીમે ધીમે વીખરાવા લાગ્યા. ઘણાના મનમાં એક જ વિચાર ઘૂમરાતો હતો : ‘અરેરે! છેવટે કમાન્ડર નાણાવટીએ જેલ ભેગા થવું જ પડ્યું.’ 

*    

પણ ના. એક માણસે હજી નાણાવટીને બચાવવાની આશા છોડી નહોતી. એ માણસ તે રૂસી કરંજિયા, તેજાબી સાપ્તાહિક ‘બ્લિટ્ઝ’ના તંત્રી. તેમનું આ સાપ્તાહિક દર શનિવારે પ્રગટ થતું. સુપ્રીમ કોર્ટનો ચુકાદો જાહેર થયો તે દિવસે (૨૪ નવેમ્બર ૧૯૬૧) હતો શુક્રવાર. ત્યારે ‘બ્લિટ્ઝ’નો ૨૫મીનો અંક તો તૈયાર થઈ ગયો હતો. પણ બીજી ડિસેમ્બરના અંકથી બ્લિટ્ઝે  લગભગ જેહાદ જગાવી – કમાન્ડર નાણાવટીને માફી મળે તે માટે. એ જ અંકમાં પહેલે પાને સુપ્રીમ કોર્ટની સજાના સમાચાર અને નવમે પાને ‘મર્સી પિટિશન.’ સાથે વાચકોને, લોકોને અપીલ, એ પિટિશન પર સહી કરવા માટે. કરંજિયાએ ટાર્ગેટ રાખ્યો હતો એક લાખ સહી મેળવવાનો. અને મેળવી શક્યા ૭૫ હજાર સહી.  

થોડા મહિના આર્થર રોડ જેલમાં રહ્યા પછી ‘નાદુરસ્ત તબિયત’ને કારણે કમાન્ડર નાણાવટીને પેરોલ પર છોડીને ઇન્ડિયન નેવીને સોંપવામાં આવ્યા. તેમને રાખવા માટે નેવીએ લોનાવળામાં એક બંગલો ભાડે રાખ્યો અને ત્યાં તેમને ‘નજર કેદ’ રાખ્યા. બીજી બાજુ મુંબઈમાં ચક્રો ગતિમાન થયાં. અગાઉ મામી આહુજાના વકીલ તરીકે કામ કરનાર રામ જેઠમલાની માર્ચ મહિનાના એક દિવસની સાંજે કફ પરેડમાં આવેલા પંચશીલ બિલ્ડિંગમાંના પોતાના ફ્લેટમાં બેઠા હતા. ત્યાં ડોર બેલ રણકી ઊઠી. જેઠમલાનીએ નોકરને બારણું ખોલવા કહ્યું. ખુલ્લા બારણાની બહાર ઊભેલી બે વ્યક્તિને જોઈને જેઠમલાનીના આશ્ચર્યનો પાર ન રહ્યો. પણ તરત ઊઠીને બારણા પાસે જઈને બંને આગંતુકોને આવકાર્યા. એ આગંતુકો હતાં સિલ્વિયા નાણાવટી અને બેરિસ્ટર રજની પટેલ. એ વખતે વકીલાતના ક્ષેત્ર ઉપરાંત મુંબઈના જાહેર જીવનમાં પણ બેરિસ્ટર રજની પટેલનો ભારે દબદબો. ત્રણે વચ્ચે વાતચિત થઈ. કેટલીક અત્યંત ખાનગી વાત બેરિસ્ટર રજની પટેલે જેઠમલાનીને કહી. પછી કહ્યું : ‘તમારે ગમે તે રીતે એક કામ પાર પાડવાનું છે. જો કમાન્ડર નાણાવટીને માફી આપવામાં આવે તો તે અંગે હું કશો વાંધો નહિ લઉં એવા લખાણ પર પ્રેમ આહુજાની બહેન મામી આહુજાની સહી મેળવવાની છે.’ થોડી વાર પછી જેઠમલાનીનો આભાર માનીને બંને આગન્તુકોએ વિદાય લીધી. 

મહારાષ્ટ્રના ગવર્નર વિજયાલક્ષ્મી પંડિત

હવે થોડી વાત એ વખતના મુંબઈના જાહેર જીવનની. આજે છે તેના કરતાં ઘણો વધારે પ્રભાવ  ત્યારે હતો પારસીઓનો. બીજી બાજુ દેશના ભાગલા પછી મુંબઈ આવી વસેલા સિંધીઓના ઘા હજી પૂરેપૂરા રૂઝાયા નહોતા. પોતે આગંતુક છે, અને તેથી અળખામણા છે એવું તેમને લાગતું હતું. એટલે કમાન્ડર નાણાવટીને માફી આપવામાં આવે તો તેના માઠા પ્રત્યાઘાત સિંધી સમુદાય પર પડ્યા વગર રહે નહિ. કારણ મરનાર પ્રેમ આહુજા સિંધી વેપારી હતા. રામ જેઠમલાનીને ‘સમજાવવામાં’ સફળ થયા પછી બેરિસ્ટર રજની પટેલે સાપ મરે નહિ અને લાઠી ભાંગે નહિ એવો રસ્તો શોધી કાઢ્યો. ભાઈ જગતાપ નામના એક સિંધી વેપારી પણ એ વખતે જેલની સજા ભોગવી રહ્યા હતા. તેણે પણ સજા માફ કરવાની અરજી મહારાષ્ટ્રના ગવર્નરને કરી હતી. (કમાન્ડર નાણાવટીનો કેસ ચાલતો હતો તે દરમ્યાન પહેલી મે, ૧૯૬૦થી મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં હતાં.) કમાન્ડર નાણાવટી અને ભાઈ જગતાપને મહારાષ્ટ્રના ગવર્નર એક જ દિવસે માફી આપવાનું જાહેર કરે એવી ગોઠવણ થઈ. અને મહારાષ્ટ્રના ગવર્નર વિજયાલક્ષ્મી પંડિતે આ બંનેને માફી આપવાનું એક જ દિવસે જાહેર કર્યું. એ દિવસ હતો ૧૬ માર્ચ ૧૯૬૪. અગાઉ મુંબઈ રાજ્યના ગવર્નર શ્રીપ્રકાશની જેમ ગવર્નર વિજયાલક્ષ્મીએ પણ આ પગલું બંધારણની કલમ ૧૬૧ દ્વારા રાજ્યના ગવર્નરને મળેલી સત્તા હેઠળ ભર્યું હતું. 

કેનેડામાં જૈફ વયે સિલ્વિયા નાણાવટી, બે દીકરીઓ સાથે

જેલમાંથી છૂટ્યા પછી કેટલોક વખત કમાન્ડર નાણાવટી મુંબઈમાં જ રહ્યા. પણ પછી સિલ્વિયા અને ત્રણ બાળકોને લઈને કેનેડામાં સ્થાઈ થયા. કેનેડા ગયા પછી તેઓ પોતે, કે તેમના કુટુંબના બીજા કોઈએ ભારતની મુલાકાત લીધી નહિ. ૨૦૦૩માં કેનેડામાં જ તેમનું અવસાન થયું. ૨૦૧૯ સુધી સિલ્વિયા નાણાવટી હયાત હતાં. તે પછીની માહિતી મેળવી શકાઈ નથી.

*

લોકમાનસ પર જબરી પકડ ધરાવનાર આવા ચકચારભર્યા કેસ પરથી સિનેમા-નાટક ન બને તો જ નવાઈ. આ કેસ પર આધારિત પહેલી ફિલ્મ આવી ૧૯૬૩માં, ‘યે રાસ્તે હૈ પ્યાર કે.’ તેમાં મુખ્ય ભૂમિકામાં હતા સુનીલ દત્ત. પછી ગુલઝારના દિગ્દર્શનમાં ૧૯૭૩માં આવી ‘અચાનક.’ તેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી વિનોદ ખન્નાએ. તેને અસાધારણ સફળતા મળી. પછી ૨૦૧૬માં આવી ‘રુસ્તમ.’ અક્ષયકુમારની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મ પણ ખૂબ સફળ નીવડી. સલમાન રશદીની વિખ્યાત નવલકથા Midnight’s Childrenનું એક પ્રકરણ પણ આ કેસને આધારે લખાયું છે. મરાઠીના પ્રખ્યાત નાટકકાર મધુસૂદન કાલેલકરે લખેલું નાટક ‘અપરાધ મી ચ કેલા’ પણ ખૂબ સફળ થયું હતું. આ ઉપરાંત પણ ટી.વી સિરિયલ વગેરે આ કેસ પરથી બન્યાં છે.

આમ તો આ કિસ્સો છે લગ્નબાહ્ય પ્રેમનો, બદલો લેવાની ભાવનાનો, ખૂનનો. અદાલતોની લાંબી કારવાઈનો, પોલીસ અને અદાલત ઉપરાંત છેક દેશના વડા પ્રધાન સુધી પહોંચતો, ગુનેગારને થતી સજાનો અને પછી મળતી માફી અને મુક્તિનો. છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી બાંધેલો આ નાણાવટી ખૂન કેસનો માંડવો છોડવાનો આજે વખત આવ્યો છે ત્યારે ભલે બંધ બેસતું થતું હોય કે ન થતું હોય, પણ પેલું પ્રખ્યાત લોક ગીત યાદ આવી જાય છે :

નાણાવટી રે સાજન બેઠું માંડવે.

આવતે અઠવાડિયે નવો માંડવો, નવું સાજન. પણ હા, હવે ખૂન કે અદાલતની વાત નહિ હોં! પ્રોમિસ!

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 27 સપ્ટેમ્બર 2025

Loading

27 September 2025 Vipool Kalyani
← દલિત ઓળખ વિષે આનંદ તેલતુંબડે

Search by

Opinion

  • દલિત ઓળખ વિષે આનંદ તેલતુંબડે
  • જી.એસ.ટી. ૨.૦ : થોડા આવકારદાયી સુધારા … પણ  ઘણા બાકી 
  • દરબારી અર્થશાસ્ત્રીઓને મોદીની રેવડી કદાચ નોન-બાયોલોજિકલનો પ્રસાદ લાગતી હશે!
  • ગરબો : ગુજરાતી પ્રજાની સંસ્કૃતિનું સૌભાગ્ય
  • राहुल गांधी से मत पूछो !

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • શૂન્ય …
  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved