
નેહા શાહ
૨૦૧૭માં જ્યારે જી.એસ.ટી.નો પહેલી વખત અમલ શરૂ થયો, ત્યારે અડધી રાત્રે સંસદની સભા બોલાવવામાં આવી હતી. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે ભારતને આઝાદી મળી ત્યારે રાતના બાર વાગ્યા હતા ત્યારબાદ અડધી રાત્રે અડધી રાત્રે નિર્ણય લેવાયાની આ બીજી મહત્ત્વની ઘટના હતી. એક દેશ – એક ટેક્સની સમજણથી ઘડાયેલ જી.એસ.ટી.ની સિસ્ટમે કેન્દ્ર અને રાજ્ય સ્તરે લેવાતા સત્તર પ્રકારના ટેક્સ અને 13 સેસને એક જ કર વ્યવસ્થામાં સમાવી લીધા. ઉતાવળે લેવાયેલા નિર્ણયો, ચાર-પાંચ અલગ ટેક્સના દર, વર્ષમાં એકથી વધુ વખત ભરવા પડતા રીટર્ન, વગેરે ને લઈને જી.એસ.ટી.ને કારણે ઘણી મૂંઝવણ ઊભી થઇ. આજે આઠ વર્ષે ઘણી ગુંચ ઉકલી હોવા છતાં જી.એસ.ટી. એક દુખતી રગ તો રહી જ છે.
હવે, જી.એસ.ટી-૨નો સમય શરૂ થયો છે. પ્રધાન મંત્રીએ રાષ્ટ્રના નામે સંબોધન કરતાં એને ગરીબો અને નવા મધ્યમ વર્ગને માટે આ બચત બોનાન્ઝા ગણાવ્યું. પ્રક્રિયાને સરળ કરવા માટે ચાર પ્રકારના દરને ઘટાડી હવે માત્ર બે દર રાખવામાં આવ્યા અને ઘણી જીવન જરૂરિયાતની વસ્તુઓ પરના ટેક્સ દર ઘટાડવામાં આવ્યા. કર રાહત આપવાથી ઘરેલું અર્થતંત્રમાં થોડી થોડીક મદદ મળવાની આશા રાખી શકાય. અર્થશાસ્ત્રની સાદી સમજ પ્રમાણે ટેક્સ ઘટવાથી બજારમાં ભાવ ઘટશે, જેને કારણે માંગ વધશે, પરિણામે ઉત્પાદનને વેગ મળશે. જો કે અહીં એ સમજવું જરૂરી છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે હાલની તારીખમાં નિશ્ચિત આવકનો અભાવ એમને બજારમાં ખરીદી કરતાં રોકે છે. જો આવક હશે તો તેઓ બજાર સુધી પહોંચશે અને તો એમને જી.એસ.ટી.નો ફાયદો થશે. ઘણાં લાંબા સમયથી ભારતમાં ગ્રાહકનો વપરાશ ખર્ચ ઇચ્છનીય દરે વધી રહ્યો નથી. બેરોજગારીના ઊંચા દરની સાથે નીચી આવક અને ઊંચા ભાવ આ બંને પરિબળોને કારણે વપરાશ ખર્ચની વૃદ્ધિનો દર જરૂર કરતાં નીચો રહ્યો છે. આર.બી.આઈ.ના આંકડા બતાવે છે કે ખાનગી કંપનીઓનો નફો લગભગ ૧૭ ટકાના દરે વધ્યો, જેમાં વેચાણના વધારાનો દર તો માત્ર ૫.૫ ટકા જ હતો. બાકીનો ફાયદો તેમને ઉત્પાદનના ખર્ચમાં થયેલ ઘટાડાને કારણે મળ્યો છે, જેની પાછળ વૈશ્વિક સ્તરે ઉત્પાદન સામગ્રીના ઘટેલા ભાવ જવાબદાર છે. મતલબ, ગ્રાહકના વપરાશ ખર્ચનો વર્તમાન વૃદ્ધિ દર કંપનીઓને ટકી રહેવા માટે પૂરતું ચાલક બળ નથી. પડતા પર પાટું મારવાનું કામ કર્યું છે અમેરિકાએ ભારતની આયાત પર લાદેલા પચાસ ટકા ટેરીફે. કપડાં ઉદ્યોગ, જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ, એગ્રી પ્રોસેસિંગ ઉદ્યોગ, સી ફૂડ, ચર્મ ઉદ્યોગ વગેરે જેવા શ્રમ પ્રધાન ઉદ્યોગો પર ખાસી માઠી અસર પડી છે. લાખો લોકોના રોજગાર પર એની અસર પડી છે. અર્થતંત્રના આ આઘાતમાંથી રાહત આપવાની જવાબદારી અત્યારે જી.એસ.ટી.ના ખભા પર આવી પડી છે, એ કેટલી પાર પડશે એ તો સમય જ કહેશે. પણ, એટલું ચોક્કસ કે પાછલા બે-ત્રણ દિવસમાં અચાનક વધેલા ગાડીઓના વેચાણના આંકડા જોઈ કોઈ જાદુ થઇ ગયો હોય એવું માનવાની જરૂર નથી, કારણ કે એ માટે જી.એસ.ટી. કરતાં તહેવારની મોસમ વધુ જવાબદાર છે. એ ઉપરાંત ગાડી કે બાઈક ખરીદનારો વર્ગ જુદો છે, એમની ખરીદ શક્તિ પર આર્થિક આઘાતોની અવળી અસર થઇ નથી.
આઠ વર્ષનો અનુભવ કહે છે કે જી.એસ.ટી.ની માઠી અસરનો સૌથી મોટો ભાર નાના ઉદ્યોગોના માથે આવ્યો છે. જી.એસ.ટી. પાછળનો એક ઉદ્દેશ કરવેરો ભરવાના માળખાને ને સરળ બનાવવાનો હતો. પણ, જ્યારે અમલ કરવામાં અનેક ફોર્મ ભરવાના આવ્યા, ડિજિટલ ટેકનોલોજી પર ભાર મુકવામાં આવ્યો અને એ બધામાં અનેક નિયમો સમજવામાં-પાળવામાં નાના વેપારીઓ અને ઉદ્યોગો પર ભારણ વધી ગયું. નાના ઉદ્યોગો પાસે ઘણી વાર ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો મહાવરો નથી હોતો, અનેક વાર ભરવા પડતા ફોર્મ પાછળ આપવો પડતો સમય નથી હોતો, અમલમાં મદદ કરી શકે એવો સહાયકનો સહારો નથી હોતો, પરિણામે જી.એસ.ટી.ના નિયમોનું પાલન કરવાનો એમને ભાર લાગે છે. અસંગઠિત ક્ષેત્રમાં ચાલીસ લાખથી ઓછું ટર્નઓવર કરનારા વ્યવસાય જી.એસ.ટી.ના દાયરાની બહાર છે એટલે એમને ઈનપુટ ક્રેડીટ મળતી નથી – એટલે કે તેઓ કાચા માલ, કે પેકેજીંગ પાછળ ખર્ચ પર જેટલું જી.એસ.ટી. ચુકવે છે તે બધું તેમના ખર્ચમાં જ ઉમેરી દેવું પડે છે, કારણ કે તેઓ તેને પાછું ક્લેઇમ કરી શકતા નથી. નાના વેપારીઓને ધ્યાનમાં રાખી કરવેરાના માળખામાં સુધારાની તાતી જરૂર છે – દર ઘટાડવા પૂરતા નહિ, પણ અમલીકરણની અટપટી પદ્ધતિઓને સરળ કરવાની તેમ જ તેને સર્વસમાવિષ્ટ બનાવવાની પણ જરૂર છે.
જ્યારથી જી.એસ.ટી. અમલમાં આવ્યું, ત્યારથી તેના બે પ્રશ્નો ચર્ચાતા રહ્યા છે – એક, ગ્રાહકો માટે ટેક્સના ઊંચા દરના કારણે બજારમાં ઘણી ચીજ વસ્તુઓના ભાવ ઘણા ઊંચા થયા અને બે, ઉત્પાદકો જી.એસ.ટી ફાઈલ કરવાની અટપટી સિસ્ટમમાં અટવાયેલા જ રહ્યા. બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થયેલા નવા દોરમાં પહેલા પ્રશ્નને સંબોધવાનો પ્રયત્ન થયો છે. બીજા પ્રશ્ન પર હવે તાત્કાલિક ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર