
રાજ ગોસ્વામી
બાસુ ચેટર્જી (1927-2020) મધ્યમ વર્ગના દર્શકો માટે, મધ્યમ વર્ગના વિષયો પર અને ‘મધ્યમ કક્ષા’ના કલાકારો સાથે ફિલ્મો બનાવવા માટે જાણીતા હતા. છોટી સી બાત, ચિત્તચોર, રજનીગંધા, પિયા કા ઘર, ખટ્ટા-મીઠા, અને બાતો બાતો મેં જેવી શહેરી બેકગ્રાઉન્ડવાળી તેમની ફિલ્મોમાં પ્રેમ અને વૈવાહિક સંબંધોનાં તાણાવાણાની પેશકશ રહેતી હતી.
એક ફિલ્મ તેમાં અપવાદ હતી. જે વર્ષે, 1986માં, તેમણે અનિલ કપૂર અને અમૃતા સિંહની કોમેડી ફિલ્મ ‘ચમેલી કી શાદી’ અને મિથુન ચક્રવર્તી-મૂન મૂન સેનની કોર્પોરેટ દુનિયામાં મહિલાના શોષણ પર ફિલ્મ ‘શીશા’ આપી, તે જ વર્ષે તેમણે ‘એક રુકા હુઆ ફેંસલા’ નામની એક અસાધારણ લીગલ થ્રિલર ફિલ્મ આપી હતી.
બે વર્ષ પહેલાં, આ ફિલ્મની રીમેક બનાવાની પણ જાહેરાત થઇ હતી. ‘એક રુકા હુઆ ફેંસલા’ને હિન્દી સિનેમાના ઇતિહાસમાં એક દિલચશ્પ કોર્ટરૂમ ડ્રામા ગણવામાં આવે છે. બોલિવૂડમાં એવી ઘણી ફિલ્મો છે જે ચોક્કસ હેતુ માટે બનાવવામાં આવે છે. બાસુ ચેટર્જી એક પ્રતિભાશાળી નિર્દેશક હતા અને ફિલ્મોમાં પ્રયોગો કરવાનું પસંદ કરતા હતા. તેમણે હોલીવુડની ’12 એન્ગ્રી મેન’ ફિલ્મને હિન્દીમાં બનાવવાનું નક્કી કર્યું.
આ તે સમય હતો જ્યારે હિન્દી ફિલ્મો ગીતો પર ચાલતી હતી અને તેને દેશ-વિદેશમાં શૂટ કરવામાં આવતી હતી. આ ફિલ્મમાં એવું નહોતું. આખી ફિલ્મ એક જ રૂમમાં શૂટ કરવામાં આવી હતી. આ ફિલ્મ મલ્ટી-સ્ટારર હતી જેમાં બોલિવૂડના ઘણા કલાકારોએ એક જ રૂમમાં અભિનય કર્યો હતો, જેમ કે – પંકજ કપૂર, એસ.એમ. ઝહીર, હેમંત મિશ્રા, એમ.કે. રૈના, કે.કે. રૈના, અનુ કપૂર અને બીજા છ અન્ય કલાકારો.
આખી ફિલ્મ 117 મિનિટ લાંબી, એટલે કે 2 કલાકની હતી. કલ્પના કરો કે એક જ રૂમમાં 12 લોકો સાથે આટલી લાંબી ફિલ્મનું શૂટિંગ કરવું કેટલો અલગ અનુભવ રહ્યો હશે. એમાં કોઈ જ ગીત નહીં, કોઈ રોમાન્સ નહીં, માત્ર 12 લોકો જ્યુરી તરીકે બંધ રૂમમાં એક હત્યાના રહસ્યને ઉકેલી રહ્યા છે.
તેમની સામે ઝૂંપડપટ્ટીના 18 વર્ષના એક કિશોરનો કેસ છે. કિશોર પર તેના પિતાની હત્યાનો આરોપ છે. જજ સામે દલીલો-પ્રતિદલીલો થઇ ચુકી છે અને હવે આ કિશોર દોષિત છે કે નહીં તે નક્કી કરવાનું કામ 12 જણાની જ્યુરી પર છોડવામાં આવ્યું છે. કિશોર દોષિત સાબિત થાય તો તેને મૃત્યુદંડની જોગવાઈ છે.
જ્યુરી ચર્ચા-વિચારણા શરૂ કરે છે ત્યાં જ સ્પષ્ટ થઇ જાય છે કે આઠ નંબરના જ્યુરી (કે.કે. રૈના, જેને તમે છેલ્લે પ્રતિક ગાંધીની ‘સ્કેમ 1992’માં બેન્કર મનોહર ફેરવાણીના કિરદારમાં જોયો હતો) સિવાય બીજા તમામ જ્યુરીએ મન બનાવી લીધું છે કે કિશોર દોષિત છે. એ લોકો ઝડપથી ફેંસલો આપીને છૂટી જવા ઈચ્છે છે. સામાન્ય રીતે જ્યુરીના ફેંસલા બહુમતીમાં હોય છે, પણ આઠ નંબરના જ્યુરીનો ‘નકરાત્મક’ વોટ બાકીના લોકોને નડી જાય છે – ફેંસલો રોકાઈ જાય છે. એ જ્યુરી બાકી અગિયારને તેમનો ફેંસલો બદલવા માટે ફરજ પાડે છે.
કિશોર દોષિત છે કે નહીં તેનો તેમનો વિવાદ વધુ એટલા માટે રસપ્રદ બને છે કારણ કે દરેક જ્યુરી શહેરના સામાન્ય નાગરિક છે, તેઓ તેમના રોજીંદા જીવનના સંઘર્ષ કરે છે, તેમનામાં લાગણીઓના ઉતાર-ચઢાવ છે, તેમનામાં પૂર્વગ્રહો છે. એ બધા વચ્ચે, આઠ નંબરનો જ્યુરી એવો મુદ્દો ઊભો કરે છે કે કેસમાં જે પુરાવા પેશ કરવામાં આવ્યા છે તે સંયોગિક છે અને છોકરા અંગે ઉતાવળે ન્યાય ન કરવો જોઈએ. તે હત્યાના માત્ર બે જ સાક્ષીઓની વિશ્વનીયતા અને આધાર અંગે પ્રશ્નો ઊભા કરે છે, તેને હત્યાના સાધનની ગેરહાજરી પણ શંકાસ્પદ લાગે છે.
તે કહે છે કે છોકરો દોષિત હોવા અંગે વાજબી શંકા છે ત્યારે તેનો આત્મા તેની વિરુદ્ધ વોટ આપવાની ના પાડે છે. તે બાકી જ્યુરીને પડકાર ફેંકે છે કે તેઓ નિશંકપણે સાબિત કરે કે છોકરો દોષિત છે. તે તેની તાર્કિક દલીલોથી બાકી જ્યુરીનાં મન બદલવામાં સફળ થાય છે.
ફિલ્મમાં, આપણે કેવી રીતે વિચારીએ છીએ અને કેવી રીતે તથ્યોને માનીએ છીએ (અથવા અમાન્ય રાખીએ છીએ) તેનું માનવીય મનોવિજ્ઞાનને સુંદર રીતે પેશ કરવામાં આવ્યું હતું. આ બારે જ્યુરીએ એકમત પર આવવું જરૂરી હતું અને જ્યુરી નંબર આઠ તેના માટે કેવી મહેનત કરે છે તેને બાસુ’દાએ ખૂબસૂરત રીતે બતાવ્યું હતું.
દિલ્હીના નાટ્ય નિર્દેશક અને લેખક રણજીત કપૂરે, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવશિખિયા અભિનેતાઓને લઈને, 1954ના ટેલીવિઝન નાટક ’12 એન્ગ્રી મેન’(જેના પરથી હોલીવૂડની ફિલ્મ બની હતી)નું એક નાટક ભજવ્યું હતું.
દિલ્હીમાં આ નાટકની ઘણી વાહ વાહ થઇ હતી. પછી તેને મુંબઈમાં પૃથ્વી થિયેટરમાં ભજવવામાં આવ્યું હતું. બાસુ ચેટર્જીએ ત્યાં આ નાટક જોયું હતું અને એ જ નાટકના કલાકારોને લઈને ફિલ્મ બનાવાનું નક્કી કર્યું હતું. જુહુના એક બંગલામાં એક જ અઠવાડિયામાં તેનું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું હતું. તેમણે દરેક કલાકારને મહેનતાણા તરીકે 5,000 રૂપિયા આપ્યા હતા.

બાસુ ચેટર્જી
આ ફિલ્મ નોંધપાત્ર છે કારણ કે જ્યાં સુધી ફેંસલો ન આવે ત્યાં સુધી જ્યુરીએ રૂમની બહાર નીકળવાનું નથી. રૂમમાં લગભગ ખાલી છે, જેથી દર્શક તરીકે આપણું ધ્યાન જ્યુરીની ચર્ચા-વિચારણા પર જ રહે. રૂમમાં પંખાનો ઘોંઘાટ, બહારથી આવતા ટ્રાફિકનો અસ્પષ્ટ અવાજ અને પાત્રો વચ્ચે ભારેખમ મૌન તનાવમાં વધારો કરે છે અને દર્શક તરીકે આપણે પણ રૂમ કેદ હોવાનો અનુભવ કરીએ છીએ.
ચર્ચા-વિચારણાની તાર્કિક પ્રક્રિયા કેવી રીતે જ્યુરીની (અને દર્શકોની) ધારણાઓમાં પરિવર્તન લાવી શકે છે તે આ ફિલ્મ દર્શાવે છે. આ પ્રક્રિયા દરમિયાન, પ્રેક્ષકોને દરેક જ્યુરીનાં વ્યક્તિત્વ, તેમની ધારણાઓ, પૂર્વગ્રહો, અર્થઘટન અને તારણોનું નિરીક્ષણ કરીને તેમની ખુદની ધારણાઓ અંગે પુનર્વિચાર કરવા માટે ફરજ પાડે છે.
ભારતની ધરતી પર વિદેશી વાર્તાને સ્થાપિત કરવી એ એક મોટો પડકાર છે. બાસુ ચેટર્જીએ માત્ર અમેરિકન વાર્તાનું ભાષાંતર જ કર્યું ન હતું, તેમણે ભારતીય વાતાવરણમાં તેની ભાવનાને જીવંત કરી હતી. મૂળ ફિલ્મમાં છૂપો વંશીય તનાવ પણ એક વિષય હતો. બાસુ’દાએ તેને ભારતના વર્ગ સંઘર્ષ અને શહેરી-ગરીબ વિભાજનમાં સુંદર રીતે પરિવર્તિત કરી દીધો હતો. છોકરો ‘બસ્તી’ એટલે કે ઝૂંપડપટ્ટીનો હોવાનું ઘણા જ્યુરી સભ્યો માટે તેની ગુનાહિતતાનો સૌથી મોટો પુરાવો બને છે. તે બાસુ’દામાં રૂપાંતરણની કમાલ હતી કે દર્શકો એક ક્ષણ માટે પણ ભૂલતા નથી કે આ વાર્તા તેમની અને તેમના સમાજની છે, જેના પૂર્વગ્રહો તેઓ રોજ અનુભવે છે.
આ ફિલ્મ જોયા પછી આપણને એવું જરૂર થાય કે આપણે રોજિંદા જીવનમાં કેટલી વાર ‘જ્યુરી’ બનીએ છીએ. સોશિયલ મીડિયા પર, ઓફિસમાં, મિત્રો વચ્ચે, આપણે કેટલી સરળતાથી અફવાઓ અથવા આપણા પૂર્વગ્રહોના આધારે કોઈના વિશે અભિપ્રાય બનાવીએ છીએ અને ચુકાદો આપીએ છીએ. આ ફિલ્મ આપણને ઉતાવળા અભિપ્રાયો બાંધતા અટકાવે છે. અને એટલે આજે પણ આ ફિલ્મ એટલી જ પ્રાસંગિક છે.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામકલેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 10 સપ્ટેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર